Wrong Side રાજુના ગીતોએ મને શું કહ્યું?

‘બે યાર’, ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ અને ‘છેલ્લો દિવસ’ની સફળતા બાદ એકસરખી અર્બન કોમેડી ગુજરાતી ફિલ્મોનો જુવાળ આવ્યો છે. કેટલાક વર્ષો પહેલા જે થોકબંધ લીલી ચુંદડીવાળી બાયું, મૂછે લીંબુ લટકતા ભાયડાવ, પ્રીત લુંટાવતા સાયબા અને પરચો બતાવતા માતાજી છાપ ફિલ્મો આવેલી તેના કરતા અત્યારની પરિસ્થિતિ બહુ જુદી નથી. ફરક માત્ર ફિલ્મોના પ્રકારમાં અને વાર્તાના વિશ્વમાં છે, બાકી માનસિકતા તો વહેતી ગંગામાં હાથ ધોઈને રોકડી કરી લેવાની જ છે. એવામાં સીનેમેનની ત્રીજી ફિલ્મ ‘રોંગ સાઈડ રાજુ’ આવી રહી છે. જેમ ‘કેવી રીતે જઈશ’ અનેક મામલામાં એક નવી શરૂઆત હતી એમ ‘રોંગ સાઈડ રાજુ’ના ટ્રેલરે પણ ખુબ આશા જન્માવી છે. આ ફિલ્મ અર્બન છે પણ કોમેડીની બદલે ‘હીટ એન્ડ રન’ પર આધારિત ડ્રામા છે.

અભિષેક જૈને આ ફિલ્મમાં માત્ર પ્રોડ્યુસરની ટોપી પહેરી છે અને દિગ્દર્શન મીખીલ મુસલેએ સાંભળ્યું છે. આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે જેમાં બોલીવુડના ધુરંધરો અનુરાગ કશ્યપ અને વિકાસ બેહલ સહ-નિર્માતા તરીકે આવ્યા છે. પ્રથમ ગુજરાતી ફિલ્મ જેને માટે અરિજિત સિંઘ અને વિશાલ દદલાની જેવા દિગ્ગજોએ પોતાનો અવાજ આપ્યો છે. ફિલ્મનું સંગીત અને એનો પ્રોમો બંનેનું કામ ઘણે અંશે સરખું હોય છે – ફિલ્મ વિશે ઉત્કંઠા જગાવવી. અને ‘રોંગ સાઈડ રાજુ’ માટે બંને એ કરવામાં સફળ રહ્યા છે. ફિલ્મમાં સંગીત આપ્યું છે સચિન-જીગરે અને ગીતો લખ્યા છે નિરેન ભટ્ટે. મેં લગભગ ત્રીસ-ચાલીસ વખત ગીતો સાંભળ્યાં અને તેમણે મને ફિલ્મ વિશે અને અમદાવાદ વિશે કશુક કહ્યું. શું?

૧. સતરંગી રે (અરિજિત સિંઘ અને ડોન કોર્ડો)

ડોન કોર્ડોના મીઠડા અવાજમાં ફ્રેંચ શબ્દોથી શરુ થતું ‘સતરંગી રે…’ એક સ્વપ્નમયી રોમાન્ટિક ગીત છે. ગુલાબના બાગમાં થઈને ચાલી આવતી લહેરખીની જેમ વહેતી ધૂનમાં અરિજિતનો મખમલી અવાજ શોભે છે. રાજુ ધીમે ધીમે વિદેશી હિરોઈનના પ્રેમમાં પડી રહ્યો હોય અને એનું વિશ્વ જાણે થંભી ગયું હોય, એને બધું જ એક સપનાં જેવું લાગતું હોય એવી કંઇક પરિસ્થિતિ આ ગીત કહી જાય છે. ડોન કોર્ડો ગીતના અંતમાં ફરી ફ્રેંચ હિસ્સો ગાવા આવે છે. ‘લગાન’ના ‘ઓ રે છોરી’માં આવતા અંગ્રેજી હિસ્સા જેવી અસર આ ફ્રેંચ ટુકડો પણ જન્માવે છે. અરિજિતની ગાયકી હમેશની જેમ પરિપૂર્ણ છે છતાં કોઈ ખાસ નવીનતા તેમાં નથી જણાતી. કેટલાક હિસ્સાઓમાં તેનો અવાજ સંગીતની પાછળ ઢંકાઈ જતો હોય એવું પણ લાગે છે. ગીતના શબ્દો ખુબ સરસ છે. મારી પ્રિય લાઈન, “ઝાકળ જેવી આ બે પળનો સાગર જેવો હરખ…” કુલ મિલાકે શ્રેષ્ઠ થઇ જતાં રહી ગયેલું, એક સારું ગીત.

 

૨. ગોરી રાધા ને કાળો કાન (દિવ્ય કુમાર / કીર્તીદાન ગઢવી)

આ ગીતના બે વર્ઝન છે – એક દિવ્ય કુમારે ગાયું છે જે મ્યુઝીક આલ્બમમાં છે જયારે બીજું ફિલ્મમાં આવતું કીર્તીદાન ગઢવીએ ગાયેલું છે. ટૂંક સમયમાં આવનાર નવરાત્રીને ધ્યાનમાં રાખીને ગરબા જેવું આ ગીત ફિલ્મમાં સમાવીને સીનેમેને ખુબ સ્માર્ટ પગલું ભર્યું છે. રમતિયાળ ધૂન અને નાચવા મજબુર કરી દે એવા બીટ્સ ધરાવતું આ ગીત એક સંપૂર્ણ ગરબાની જેમ દોહાથી શરુ થાય છે અને એક સાખી પર પૂરું થાય છે. છતાં ગરબો નાખવા માટે નાખ્યો એવું નથી. “થનગનતા મોરલાની પરદેસી ઢેલ” અને “પશ્ચિમની રાધારાણી, પૂર્વનો કાનુડો” જેવા શબ્દોને લીધે ફિલ્મની વાર્તાને પણ આ ગીત આગળ લઇ જાય છે. દિવ્ય કુમારનો નક્કર, માટીની ખુશબો વાળો અવાજ આ ગીત માટે જ બન્યો હોય એવું લાગે છે. તે “પશ્ચમ” અને “પુરવ” બોલે છે ત્યારે એમ થાય છે કે તેના ગુજરાતી ઉચ્ચાર કાચા હશે પરંતુ કીર્તીદાન વાળા વર્ઝનમાં પણ એ બે શબ્દો એ જ રીતે ઉચ્ચારાયા છે. કેમ એ તો ફિલ્મ સાથે સંકળાયેલા લોકો જ કહી શકશે. એક ખુબ સબળ ગીત જે વારંવાર સાંભળવું ગમશે.

૩. જિંદાબાદ રે / અમદાવાદ રે (વિશાલ દદલાની)

અલગ શબ્દો અને એક જ ધૂન ધરાવતા બે ગીતો. ‘જિંદાબાદ રે’ દારૂબંધી વિશેનું (કે સામેનું?) જિંગલ પ્રકારનું ગીત. ફિલ્મમાં એની ચોક્કસ જગ્યા હશે પણ ફિલ્મ જોયા સિવાય એ મને આખા આલ્બમનું સૌથી નબળું ગીત લાગ્યું. ગીતનું સૌથી ધ્યાનાકર્ષક પાસું ‘જલસાબાજ’ નામનો શબ્દ. અમદાવાદીઓ, શું આ શબ્દ તમારા શબ્દકોશમાં છે કે નિરેન ભટ્ટનો આવિષ્કાર?

અમદાવાદ રે!! શું ગીત છે બોસ્સ. ‘ઢેન ટે ણેન (કમીને)’, ‘મદારી (કોક સ્ટુડિયો)’, ‘આઓ ના (હૈદર)’ જેવા ગીતો વિશાલે જે જોશ અને મોજથી ગાયા છે એ જ અમદાવાદના એન્થમ સમા આ ગીતમાં પણ તેણે દાખવ્યા છે. ગુજરાતી ઉચ્ચાર માટે પણ વિશાલને ફૂલ માર્ક્સ. નિરેન ભટ્ટે કેટલાક જુના શબ્દપ્રયોગો જેમ કે, “નદીની રેતમાં રમતું નગર”, “જ્યાંનો કુત્તો સસ્સાને ભારે” અને કેટલાક ન્યુ ફ્રેઝ જેમ જે, “મેલ્ટીંગ પોટ”, “સુપ્પરફાસ્ટ” લઈને એક ચબરાક ગીત લખ્યું છે. ઇલેક્ટ્રિક ગીટારની તરખાટ મચાવતી રીફ્ફ, ડ્રમનો કુશળ ઉપયોગ, બે ફકરા વચ્ચે આવતો ગીટાર સોલો વગેરે આ ગીતને એક રાપચીક રોક સોંગ બનાવે છે. અદભૂત અદભૂત અદભૂત.

૪. કઠપુતળા (જસલીન રોયલ અને કીર્તિ સાગઠીયા)

કઠપુતળીના ખેલમાં વાગતું રાવણહત્થો કે એના જેવું કોઈ વાદ્ય વાગી રહ્યું છે, બેઝ ગીટારથી ભરપુર બેકગ્રાઉન્ડ ટ્રેક ચાલી રહ્યો છે અને એમાં જસલીન રોયલનો બાળક જેવો માસુમ, કંઈ આજીજી કરતો અવાજ સંભળાય છે. સંગીત અને ગાયકી વચ્ચેનો નાટકીય ફરક એક રહસ્યમય, ઘેરો માહોલ સર્જે છે. એ માહોલને કીર્તિ સાગઠીયા આગળ લઇ જાય છે. તેના અવાજમાં પણ તમને ક્યાંક લાચારીનો સુર સંભળાય છે. શબ્દો પણ આ આખી અનુભૂતિને યોગ્ય ન્યાય આપે છે. ફિલ્મમાં એક કરતા વધારે પાત્રો જ્યારે અશક્ય જણાતી પરિસ્થિતિમાં મુકાઇ ગયા હશે અને એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નહિ દેખાતો ત્યારે આ ગીત વાગતું હશે એવું લાગે છે. મજબુત ગાયકી અને એકંદરે સરસ ગીત હોવા છતાં, આ ગીત કદાચ હું ‘રીપીટ’માં નહિ સાંભળું.

અમદાવાદ રે, ગોરી રાધા ને કાળો કાન, સતરંગી રે – પાંચમાંથી ત્રણ ફરી ફરી સાંભળવા ગમે એવા ગીતો સાથે ‘રોંગ સાઈડ રાજુ’નું મ્યુઝીક આલ્બમ ખુબ આશાસ્પદ છે. પ્રોમોએ જગાવેલી ઉત્કન્ઠાની આગમાં ગીતોએ ઘી હોમ્યું છે. હવે બસ, ૯ સપ્ટેમ્બરની કાગડોળે રાહ જોવાઈ રહી છે.

2 Comments

  1. Wah ! Very well written ! Beautiful observation !

  2. U can be a good analyst n critic. Keep it up. I think U hv pour yr Heart in analysis.

Leave a Reply

Your email address will not be published.

*

© 2018 રઝળપાટ

Theme by Anders NorenUp ↑