Velas Radio Talk

Following is the script for my 3rd stint at AIR to be aired on 24th January 2015.

ચેતવણી: આ નિબંધમાં વર્ણવેલી જગ્યા સાથેનો મારે અદકેરો લગાવ હોઈ એ શબ્દચિત્ર ન રહેતા, પ્રેમચિત્ર બની જઈ શકે છે. અન્ય રીતે કહું તો વેળાસનું હોય એના કરતા વધુ ગુલાબી અને romantic ચિત્ર રજુ થયું હોય એવી શક્યતા છે.

કેટલાક મહિનાઓ પહેલા મારે હિમાલયના પહાડોમાં વસેલા એક ગામડાની સરકારી પ્રાથમિક શાળામાં જવાનું થયું. મારે ત્યાના વિદ્યાર્થીઓ સાથે મુંબઈના શહેરી જીવન અને તેમની જીવનશૈલી વચ્ચે કેટલો તફાવત હતો તે વિષે વાતો કરવાની હતી. જ્યારે મેં તેમને મુંબઈના દરિયા વિષે જણાવ્યું ત્યારે સૌના ચહેરા પર એક જાતની મૂંઝવણ છવાયેલી હતી કારણકે તેમણે દરિયો જોયો જ નહોતો અને આટલી વિશાળ જળરાશી કેવી દેખાય એ કલ્પના કરવી તેમને માટે અશક્ય વાત હતી. જુદી જુદી અનેક રીતે સમજાવવાની કોશિશ કરવા છતાં અને ફોટો બતાવવા છતાં તેમને દરિયો શું ચીજ છે એ હું સંતોષપૂર્વક સમજાવી જ ના શક્યો.

આ ઘટનાએ મને વિચારતો કરી મુક્યો… એક તરફ આ છોકરાંઓ હતા જેમને કોઈ રીતે દરિયો કેવો હોય એ સમજાતું જ નહોતું અને બીજી તરફ… બીજી તરફ પેલા કાચબાના છોકરાંઓ હતા જેમને જન્મથી જ દરિયો શ્વાસના લય જેટલો સહજ રીતે પ્રાપ્ત થયો હતો.

શરુ થી શરુ કરીએ તો માર્ચ મહિનાની એક વહેલી સવારે મહારાષ્ટ્રના એક દરિયાકિનારે પચાસેક લોકો ટોળે વળીને ઉભા હતા. હવામાં એક પ્રકારની તાણ અનુભવી શકાતી હતી. જાણે કોઈ સેલેબ્રીટી આવવાનું ન હોય. “સહ્યાદ્રી નિસર્ગ મિત્ર” નામના NGO તરફથી બે ભાઈઓએ આવીને રેતીમાં એક લીટી દોરી જેની આગળ વધવાની ટોળામાંના લોકોને સખ્ત મનાઈ હતી. ફોટોગ્રાફી અને શિસ્તપાલન અંગે કેટલીક સૂચનાઓ આપીને તેમણે એક ટોકરી ખોલી. તેમાંથી એક પછી એક કરીને સાત તાજા જ ઈંડામાંથી બહાર નીકળેલા કાચબાઓને કાઢીને રેતીમા છોડી મુક્યા. ત્યાં હાજર લોકોના કેમેરાની ક્લિકની પરવા કર્યા વગર જ પેલા સાતે સાત સમુદ્ર તરફ ચાલવા લાગ્યા. તેમને જમીન પર મુક્યા ત્યાંથી દરિયો પચાસેક પગલાં દૂર હતો. નવજાત કાચબાની દ્રષ્ટિ કેવીક હોય એ તો કોઈ પ્રાણીશાસ્ત્રી જ કહી શકે પણ આટલે દૂરનો સમુદ્ર તેમને દેખાતો હોય એ અશક્ય હતું. જો માનવ કદના પરિપ્રેક્ષ્ય માં આ વાત મુકીએ તો એક નવજાત શિશુ માટે અડધો કિલોમીટર છેટે મુકેલા પારણા ને જોયા વગર તેના તરફ ચાલવા જેવી વાત થઇ. છતાં સાતે સાત કાચબાઓએ કોઈ વિશિષ્ટ આંતરિક પ્રેરણાથી દોરાઈને સમુદ્રની દિશામાં જ પ્રયાણ કર્યું. સાતમાંના અમુક ઝડપી હતા અને સીધી લીટીમાં પાણી તરફ જઈ રહ્યા હતા. જ્યારે અમુક ધીમા અને મૂંઝાયેલા લાગતા હતા. થોડું સીધું ચાલીને દિશા બદલી નાખતા. ડાબે – જમણે ફંટાઈને થોડે સુધી ચાલતા અને ફરી પાછા સમુદ્રની વાટ પકડી લેતા. એક કાચબો તો સાવ અળવીતરો હતો. તે સમુદ્રથી બિલકુલ વિરુદ્ધની દિશામાં ચાલવા લાગ્યો. થોડો સમય એને પોતાની રીતે સાચી દિશા ગોતવાનો મોકો આપ્યા છતાં તે ઊંધો જ ચાલતો રહ્યો. એટલે NGO વાળા ભાઈએ ઉપાડીને તેને છેટ પાણીની બાજુમાં મૂકી દીધો. એક મોટું મોજું આવ્યું અને તેની સાથે તરીને તે દરિયામાં ઊંડે ચાલ્યો ગયો. એટલી વારમાં બાકીના છ પણ પાણી સુધી પહોચી ગયા હતા. એક એક કરીને બધા જ દરિયામાં ચાલ્યા ગયા. આ એક અતિ લાંબી અને મહાન સફરની શરૂઆત હતી. કોઈ પણ જાતના નકશા કે ટેકનોલોજીની સહાય વિના આ કાચબાઓ હજારો કિલોમીટરની યાત્રા ખેડીને વિશ્વના છેટ બીજા છેવાડે જઈ રહ્યા હતા. કોને ખબર હવે તેઓ ફરી આ તરફ ક્યારેય આવશે કે નહિ? કદાચ આમાંની જ કેટલીક માદા કાચબીઓ વર્ષો બાદ ઈંડા મુકવા માટે અહી ફરી આવીને ચક્ર પૂરું કરશે.

આ મહાન સફરની શરૂઆતના સાક્ષી બનીને ઉભેલા લોકોએ દસ-પંદર મિનીટ ચાલેલા આ “રેમ્પ-વોક” દરમિયાન હજારો ફોટા પાડી લીધા. જેથી એ પુરવાર થઇ ગયું કે આ બાળ કાચબાઓ સાચે જ સેલેબ્રીટી હતા. અને એક સાચા સેલેબ્રીટીને છાજે તેમ કાચબાઓને જાણે કઈ પડી જ ન હોય એમ તેઓ સમુદ્ર તરફ ચાલવામાં જ મગ્ન હતા. અલબત્ત, પેલા એક અળવીતરા કાચબાને છોડીને. જો તેને પકડીને પાછો સાચી દિશા તરફ ન વાળ્યો હોત તો શું તે જાતે ક્યારેય સમુદ્ર સુધી પહોંચી શક્યો હોત? કદાચ કૂતરાં કે બાજ નો શિકાર થઇ ગયો હોત, કે પછી કોઈના ઘરે pet તરીકે રહેતો હોત. અહી ડાર્વિનનો “survival of the fittest” નો સિદ્ધાંત પ્રત્યક્ષ રીતે જોઈ શકતો હતો. તેને જમીન પરના ખતરાઓ થી બચાવીને સમુદ્ર સુધી તો પહોચાડ્યો હતો પણ અહીંથી આગળ તો એણે પોતે જ પોતાનું ધ્યાન રાખવાનું હતું. એક રીતે પ્રકૃતિની વિરુદ્ધ જઈને NGO વાળાએ તેને બચાવ્યો એવું મને લાગ્યું. પરંતુ જ્યાં આજે સમુદ્રી કાચબાઓની સમગ્ર પ્રજાતિ નષ્ટ થઇ રહી છે એના સંદર્ભે તેમણે સાચું કર્યું જ ગણાય. અને કાચબાની આબાદીમાં તાજેતરમાં નોધાયેલો વધારો તેમની વર્ષોની મહેનતનું પરિણામ છે. સારા સમાચાર એ છે કે આજે તેઓ કાચબા સવર્ધનના આ પ્રયાસમાં એકલા નથી. સરકારનું પર્યાવરણ ખાતું તેમને ખૂબ સહયોગ આપે છે અને એક વિખ્યાત multinational comapny તરફથી પણ તેમને ફાળો મળે છે. જો કે સંવર્ધનનું કાર્ય તો આ કંપની કે સરકાર મદદ કરવા આવ્યા તેની પહેલાંથી જ શરુ થઇ ગયું હતું. કહેવાય છે કે વર્ષો પહેલા આ દરિયાકિનારાની પાસેના ગામમાં એક વૃદ્ધ દાદા રહેતા હતા. તેમનું ધ્યાન પડ્યું કે અહી દર વર્ષે હજારો માદા કાચબીઓ લાખો ઈંડા મુકવા આવે છે પણ કેટલાક લોકો તેનો માંસ માટે શિકાર કરે છે. ઉપરાંત ઈંડાને પણ કૂતરાં, બિલાડાં, સમડી, બાજ વગેરેથી ખતરો છે. આ અભણ દાદાજીને પર્યાવરણના સંરક્ષણની કે કાચબાની પ્રજાતિના નિકંદન વિષે તો કોઈ જાણકારી નહોતી. છતાં તેઓ એવી સાદી સમજ ધરાવતા હતા કે આપણા ઘર આંગણે ઈંડા મુકવા આવેલી કાચબીઓ ઘરે સુવાવડ કરવા આવેલી દીકરી સમાન જ ગણાય. એટલે એમનું અને ઈંડા મુકીને ચાલ્યા ગયા બાદ એમના બચ્ચાઓનું ધ્યાન રાખવું એ આપણી ફરજ બને છે. તેઓ સવારથી સાંજ સુધી આખા દરિયાકિનારે રખડતા અને બધા જ ઈંડાને એક જગ્યાએ એકત્ર કરીને રેતી નીચે દાટી દેતા. તેની આજુબાજુ વાડ બાંધતા અને ઉપરથી ઢાંકીને ઘર જેવું બનાવી આપતા. ધીમે ધીમે ગામના લોકોએ શિકાર કરવાનું બંધ કર્યું અને તેમને સંરક્ષણના કાર્યમાં મદદ કરવા પણ આવવા લાગ્યા. વખત જતા તેમની સદભાવના અને સત્કર્મની સુવાસ દુર સુધી ફેલાઈ અને પેલી પ્રખ્યાત multinational  company એ પોતાના corporate social responsibility ના ભાગ રૂપે એક NGO ઉભી કરવા માટે ફાળો આપ્યો. આ NGO ની સ્થાપના બાદ વ્યવસ્થિત રીતે અહી દર વર્ષે કાચબા મહોત્સવ યોજાય છે. ઈંડામાંથી નીકળેલા બચ્ચાંઓને રોજ નિયમિત રીતે સવાર-સાંજ દરિયામાં છોડી મુકવામાં આવે છે. આ મહોત્સવમાં ભાગ લેવા આવનારા લોકોને રહેવા ખાવાની વ્યવસ્થા માટે ગ્રામવાસીઓએ પોતાના ઘરના દરવાજા ખોલી આપ્યા. એ બહાને તેમને આવકનો એક વધારાનો સ્ત્રોત મળી ગયો છે.

કાચબા મહોત્સવ જ્યાં યોજાય છે એ જગ્યા એટલે વેળાસ. મહારાષ્ટ્રનું એક સાવ નાનકડું તટવર્તી ગામડું. એવું ગામડું કે જ્યાં દિવસની ફક્ત એક જ બસ આવે છે. નથી ત્યાં મોબાઈલ નેટવર્ક, નથી કોઈ રહેવા માટેની હોટેલ અને નથી કોઈ શોપિંગ માટેની બજાર. પબ્લિક ટ્રાન્સપોર્ટથી ત્યાં પહોચવું અતિ દુર્ગમ છે અને પોતાનું વાહન હોય તો પણ રસ્તો બહુ ખરાબ છે. હા, ત્યાં પ્રાકૃતિક સૌન્દર્ય છે પણ એ તો બીજી અનેક જગ્યાએ હોય જ છે. જો તમને ફક્ત દરિયામાં જ રસ હોય તો એ તો મુંબઈ માં પણ ક્યાં નથી? અરે, મુંબઈના દરિયા પર તો નારિયેળ પાણી વાળા અને બીજા અનેક ખાણીપીણીના સ્ટોલ વાળા ઉભા હોય છે. વેળાસમાં છે કાંઈ આવું? નથી ને… તો પછી કોઈ શું કામ આટઆટલી હાડમારી વેઠીને આટલે લાંબે ધક્કો ખાય? બિલકુલ સાચી વાત છે. હું સહમત છું કે તમારે વેળાસ ન જ જવું જોઈએ. અરે હું તો એટલા દ્રઢપણે આ વાત માનું છું કે તમારે શું કામ ન જવું જોઈએ એની માટેના પાંચ કારણો તૈયાર કરીને લાવ્યો છું.

કારણ નંબર 5: નિરાંત

જો પૈસાની બદલે સમયનું ચલણ હોત તો? થોડા સમય પહેલા જોયેલી એક અંગ્રેજી ફિલ્મમાં એક એવા કાલ્પનિક વિશ્વની વાત હતી કે જ્યાં પૈસાની બદલે સમય ચલણની જેમ વપરાય છે. તે દુનિયાના શ્રીમંતો પાસે જીવવા માટે અમર્યાદ સમય છે જ્યારે ગરીબો એક એક મિનીટ સાચવી સાચવીને વાપરે છે. આ વિષે થોડું ધ્યાનથી વિચારતા લાગે છે કે આ તો આપણા વાસ્તવિક જગતની જ વાત છે. અહી તમારી પાસે બધી જ ભૌતિક સુખ સાહ્યબી હશે પણ એને ભોગવવા માટે સમય જ નહિ હોય તો શો ફાયદો?

પણ વેળસ… સાહેબ, તમે વેળાસ ફક્ત બે જ દિવસ લઈને જાઓ. કાચબા મહોત્સવ તો અડધી કલાકમાં જોઈ લેશો પછી બાકીના સાડા સુડતાલીસ કલાક કરશો શું? આ સમય તમારે પરાણે પુસ્તકો વાંચવામાં, સંગીત સાંભળવામાં કે સાથે આવેલા મિત્રો – કુટુંબીજનો સાથે વાતો કરવામાં, હસવામાં, ગીતો ગાવામાં વિતાવવો પડશે. અરે, તમને કદાચ એ વાતની પણ જાણ થઇ જશે કે કઈ જ ન કરવામાં પણ એક અલગ મજા છે. અને રખે તમે દરિયા કિનારે બેસીને મનની અંદરના દરિયામાં ડૂબકી લગાવવા લાગ્યા તો? વેળાસમાં તમારી પાસે આ બધા માટે લખલૂટ સમય હશે અને એ પણ પાછો નિરાંતનો સમય. કારણ કે પેલું મોબાઈલ નેટવર્ક તો હશે નહિ. એટલે શહેરની કોઈ જફા તમારા સુધી પહોચી નહિ શકે. હવે, તમે જ કહો આવી ફુરસદની પળો આપતી જગ્યાએ જઈને શો ફાયદો?

કારણ નંબર 4: મુક્તિ

આપણે જનમ્યા તે ક્ષણે આઝાદ હતા. ત્યારબાદ એક એક કરીને બંધનોમાં કેદ થતા ગયા, પહેલા કપડા પહેરવાનું બંધન પછી સ્કુલે જવાનું બંધન, પછી ભણતર, કોલેજ, નોકરી, કેરિયર, લગ્ન, સમાજ, સગાં સંબંધી, નાત જાત, ધર્મ, દેશ વગેરે અનેક જાતની જેલમાં આપણે પૂરાઈ જઈએ છીએ. કેટલીકમાં સ્વેચ્છાએ તો કેટલીકમાં બળજબરીથી પુરાઇએ છીએ. એટલે સુધી કે આપણી નજર પણ બંધનમાં હોય છે. શહેરોમાં ચારે તરફ મકાનો અને ગાડીઓથી ઘેરાયેલા આપણે… ફક્ત થોડા જ ફૂટનું અંતર કાપીને દ્રષ્ટિ કોઈ જુગુપ્સા પ્રેરક પદાર્થ સાથે અફળાઈ જાય છે. ઉપર તરફ જોતા બહુમાળી મકાનોમાં જાણે આકાશને ઢાકી દેવાની હોડ લાગી છે. રાતે તારા પણ ન દેખાય એવું તો મેલું કરી મુક્યું છે આકાશને આપણે.

એવામાં વેળાસનો દરિયા કિનારો તમને અફાટ જમીન, અસીમ સમુદ્ર અને અમાપ આકાશના દર્શન કરાવશે. રાતના સમયે અગણિત તારાઓ ઝળહળતા હશે. દરબદર ઠોકર ખાવા ટેવાયેલી તમારી દ્રષ્ટિને ત્યાં અનંત સુધી વિસ્તરવાનો અવસર મળશે. કેદમાં રહેલી જિંદગીને બે દિવસ પુરતી મુક્તી મળી હોય એમ લાગશે. તો આવી મુક્તિનો અનુભવ કરવાની શી જરૂર હેં?

કારણ નંબર 3: ધરતીનો છેડો

પૃથ્વી એક ગોળો છે જેનો કોઈ એક સ્થળે આરંભ કે અંત નક્કી થઇ શકતો નથી. વેળાસ ગામથી દરિયા કિનારાનો એક કિલોમીટરનો જે રસ્તો છે તેના પર ચાલતી વખતે દર વખતે મને એમ જ લાગતું કે આ રસ્તો પૂરો થાય છે ત્યાં જ પૃથ્વી નો પણ અંત થાય છે અને સ્વર્ગ નો આરંભ થાય છે. આ રસ્તા પર ભાગ્યે જ કોઈ વાહન કે માણસોની અવરજવર હોય છે. એટલે ખાસ તમને એકલું ન લાગે એટલા માટે તમારો સાથ આપવા રસ્તાની બંને તરફ વનરાઈની હાર ચાલી આવે. એકલ દોકલ પંખીનો ટહુકો સંભળાઈ જાય અને અંધારામાં આગિયાઓની ઉડાઉડ દેખાય. મુખ્ય રસ્તો પૂરો થઈને એક પગદંડીમાં બદલાઈ જાય જેની બંને તરફ ખાડી જેવું પાણી જમા થયેલું હોય. ત્યારબાદ ચિત્રોમાં દોરીએ એવો cute અર્ધગોળાકાર પુલ આવે. તેને પાર કરતા જ આવે દરિયાની રેતી. દરિયાકિનારે મોટેભાગે કોઈ જ ન હોય એટલે એવું લાગે જાણે આપણો પોતાનો private દરિયો. આટલી વિશાળ દુનિયામાં આ એક ખૂણો તો ખરો કે જેને આપણો પોતાનો કહી શકાય. તો બોલો, આવા ખૂણાને કોઈ શું કામ પસંદ કરે?

કારણ નંબર 2: મહેમાનગતિ

અગાઉ વાત થઇ તેમ વેળાસમાં રહેવા માટે હોમસ્ટેની સગવડ છે. અમે જેમને ત્યાં ઉતર્યા હતા તેમના ઘરના મુખ્ય વ્યક્તિનું તાજેતરમાં જ મૃત્યુ થયું હતું. એક તરફ જ્યાં અમે નાનકડા કાચબાઓનો જન્મ જોઇને હરખાતા હતા ત્યાં અમારો યજમાન પરિવાર અંગત વ્યક્તિના મૃત્યુના શોકમાં ડૂબેલો હતો. તેમ છતાં તેમણે અમારી સગવડ સાચવવામાં કોઈ કસર ન રાખી. એટલે સુધી કે તેમણે અમને આ મૃત્યુ વિષે ખબર સુદ્ધાં ન પડવા દીધી. વેળાસની હોમસ્ટે પદ્ધતિમાં કોઈ 5 star હોટેલ જેવી સર્વિસની અપેક્ષા તો ન જ રાખી શકાય. પણ સાવ જમીન પર ગાદલા પાથરીને સુવાનું, ઠંડા પાણીએ નહાવાનું, સાદું દેશી ભોજન ખાવાનું અને જમીને એઠી થાળી કુંડી સુધી મૂકી આવવાની એવું તો કેમ ચલાવી લેવાય? હા, આ બધાને સરભર કરી દે એવી હુંફ અને પ્રેમ તમને મળશે. પોતાના પરિવારના જ એક સભ્ય ગણીને તમને રાખવામાં આવશે. યજમાન તમારી જોડે જમીને ગપ્પાં મારવા બેસી જશે. ભોજન ભલે સાદું પીરસે પણ સ્વાદિષ્ટ ચોક્કસ હશે અને આગ્રહ કરી કરીને જમાડશે. ઘરના અને આસપાસના ઘરના છોકરાંઓ તમારી સાથે રમવા આવી જશે. એટલે સુધી કે ઘરના pets પણ તમારી સાથે હળી જશે. અમે રોકાયા તે ઘરે એક બિલાડી હતી જે પોતાના મૃત માલિકને બહુ miss કરતી હતી. રાતના તે મારી પથારીમાં આવી, મને વળગીને, મારા શરીરની હુંફથી ગરમાવો મેળવતી સુઈ ગઈ. શી શી શી આવી ગંધારી જગ્યાએ તો ભૈસાબ ન જવું જ સારું.

કારણ નંબર 1: પ્રકૃતિ સાથેનું ઐક્ય

ઢળતી સાંજે સમુદ્રના શીતલ જળમાં નહાઈને અમે સૌ કિનારે બેઠા હતા. ઠંડી હવા ચાલતી ત્યારે શરીરમાંથી એક લખલખું દોડી જતું. સુર્યાસ્ત અને ચંદ્રોદયની વચ્ચેના એ ગહન સમયમાં કોઈને પણ વાતો કરવાનો mood નહોતો. મેં ખુલ્લા ડીલે જ રેતી પર લંબાવ્યું અને મારા શરીરના વજન હેઠળ રેતીના ઠંડા ઉપરી સ્તરો ખસી ગયા. નીચલા હુંફાળા સ્તરો ઉપર આવીને મારા શરીરમાં થોડો ગરમાવો લાવ્યાં. આ હુંફાળી રેતીના સ્પર્શ મારફતે હું પ્રકૃતિ સાથે એક અનેરું ઐક્ય અનુભવી રહ્યો હતો. મને અચાનક એક વિચારનો ચમકારો થયો. કે મા તો નવ માસ સુધી ગર્ભમાં આપણું જતન કરે છે. પણ બહાર આવ્યા બાદ આપણું જતન કોણ કરે છે? ખરેખર તો બહાર આવ્યા બાદ પણ આપણે એક જાતના ગર્ભમાં જ છીએ. પૃથ્વીની આસપાસનું વાતાવરણ જે બાહ્યાવ્કાશથી આપણું રક્ષણ કરે છે અને ફળદ્રુપ ધરતી જે જીવવા માટેનું પોષણ પૂરું પાડે છે આ બે મળીને એક નામ આપીએ તે કુદરત પણ આપણા સૌની મા જ છે ને? એ સાંજે હું મારી માના ખોળામાં હતો અને તે ઘૂઘવતા સમુદ્રનું હાલરડુ ગાઈને મને સુવડાવી રહી હતી. પણ બોસ્સ આ ઐક્ય ફૈક્યની માર્કેટમાં કેટલી કીમત?

તો મિત્રો આ બધા જ કારણો આપવા છતાં જો તમને હજી પણ વેળાસ ન જવાય એમ ગળે ન ઉતર્યું હોય અને મારી આટઆટલી ચેતવણીને નજરઅંદાજ કરતા જો તમે ત્યાં જવાનું નક્કી કરો તો આ કેટલીક ટીપ્સ જે તમને કામમાં આવી શકે છે :

વેળાસમાં શું કરશો?

 1. સમુદ્રી કાચબાઓને પહેલવહેલા પગલાં માંડતા જુઓ અને તેમની યાત્રા સુખદ રહે એવી પ્રાર્થના કરો.
 2. બોટમાં બેસીને ખાડીની પેલે પાર આવેલા હરિહરેશ્વર મંદિરમાં દર્શન કરો. થોડુંક સાહસ કરવાની ઈચ્છા હોય તો મંદિરની પાછળ આવેલા ટેકરા પર ચડી જાઓ અને ઉપરથી સમુદ્રની વિશાળતાના દર્શન કરો.
 3. પારંપરિક કોંકણી ભોજનનો આનંદ માણો.
 4. ફરીથી બાળક બની જાઓ અને ઝાડ પર ચડતા શીખો. જાતે તોડેલા નારિયેળપાણીનો સ્વાદ વધુ મીઠો લાગશે.

વેળાસમાં શું ન કરવું?

ધુમ્રપાન, મદિરાપાન, કચરો ફેલાવવો, ઘોંઘાટ કરવો અને એવી કોઈ પણ પ્રવૃતી ન કરવી કે જેને લીધે ગામવાસીઓની માનસિક શાંતિ છીનવાઈ જાય.

વેળાસ જતા સાથે શું લઇ જવું?

ઓડોમોસ, sunscreen lotion, પાણીની bottle, ટોપી, ગોગલ્સ, ટોર્ચ, જુના છાપાં વગેરે.

અને શું ન લઇ જવું?

મોબાઈલ ફોન, નકારાત્મકતા, ઘરની સમસ્યાઓ, ઓફિસની ચિંતાઓ અને પુર્વગ્રહો.

અંતમાં એક ગીત સાંભળ્યું હતું જે મને પ્રાર્થના જેવું લાગે છે એની એક કડી…

सोहनी धरती अल्लाह रख्खे कदम कदम आबाद तुझे… कदम कदम आबाद.

4 Comments

 1. Hi Tumul,

  Read the experience…! You have been blessed in that, you get to have these wonderful travels and share with us!

  Most apt name of the blog. Visited for first time. Expect me often here! Waiting for the Radio Talk link!

  Best regards!

 2. ravalneha28@gmail.com'
  નેહા

  April 8 at 11:14 am

  તુમુલ,
  ખુબ મઝા આવી આ વાંચીને….લાગ્યું કે જાણે હું પોતેજ વેળાસના કિનારે પહોંચી ગઈ છું. એ નવજાત કાચબાઓને નજરે તો ના જોયા…પણ એમના સમુદ્ર તરફના પ્રવાસ નો રોમાંચ મને પણ અનુભવાયો. અને દરિયો….!!! એ વિષે તો આટલી અમથી કોમેન્ટ માં શું કહી શકાય? હું પણ દરિયા ની દીવાની છું. જલસો કરાવી દીધો દોસ્ત….આભાર.!

  • ખુબ ખુબ આભાર નેહા 🙂 મેળ પડે તો તમે પણ વેળાસ જઈ આવજો.

Leave a Reply

Your email address will not be published.

*

© 2018 રઝળપાટ

Theme by Anders NorenUp ↑