અત્યાર સુધીની વાર્તા:

ઓગણીસ વર્ષની કાચી ઉમરમાં પિતાનું મૃત્યુ, માતાનું ડીપ્રેશન, કુટુંબીઓના મ્હેણાં-ટોણા, પરીક્ષામાં નાપાસ અને પ્રેમમાં નિષ્ફળતા જેવી અનેક પ્રતિકુળતાઓ જોઈ ચુકેલી નમ્રતાને ઘર અને શહેર છોડીને ક્યાંક દુર પહાડોમાં ચાલ્યા જવાનું મન થયા કરતુ. તેની આ મહેચ્છા પૂરી કરવામાં તેને મદદરૂપ થાય છે રોહન – તેને tinder પર મળેલો મુંબઈનો છોકરો. ફરતાં ફરતાં તેઓ હિમાલયના એક સાવ નાના ગામડામાં આવી પહોચે છે જે નમ્રતાએ કલ્પનામાં જોયેલું બિલકુલ એવું જ છે. રાતના તાપણા પાસે બેસીને વાતો કરતી વખતે નમ્રતા ભાંગી પડે છે અને તેની આપવીતી સંભળાવવાનું શરુ કરે છે, જે સાંભળીને રોહનને તેના અપહરણ વિષે જાણ થાય છે. હવે આગળ …

***

સોનાપાની ગામમાં કાજળ ઘેરી રાત ઘૂંટાઈ હતી. અધરાતે જયારે આખું ગામ સુઈ ગયું હતું અને ચાંદો પણ વિદાય લેવાની તૈયારીમાં હતો ત્યારે હિમાંકના ઘરના ધાબા પર ત્રણ જણા બુઝાયેલા તાપણાની સામે બેઠા હતા. ક્યાંકથી અચાનક કાળા વાદળો પણ નમ્રતાની વાત સાંભળવા આવી ચડ્યા હતા. જેને કારણે કાળી રાત વધુ અંધકારમય ભાસી રહી હતી. નમ્રતાએ વાત આગળ ચલાવી, “એ દિવસ પછી પેલા બદમાશે મારી સામે આવવાનું જ બંધ કરી દીધું. દિવસમાં બે વખત ખાવાનું આવી જતું. બહારથી હસવાના અને ઝઘડવાના અવાજો આવતા. પણ કોઈ માણસ દેખાતું નહી. હું અને પેલો ધોળો કુતરો અમે બે એ બંધ રૂમમાં કેટલા દિવસ એકબીજાને જોતા બેઠા રહ્યા એનો મને અંદાજ નથી. મોટેભાગે તો હું ઘેનમાં જ રહેતી. કદાચ તે ખાવાનામાં કાંઇક ભેળવતો હતો. મને ખળખળ વહેતી હુગલી નદી દેખાયા કરતી. હું એના કિનારે બેઠી હોઉં અને તેના વહેણમાં કુદી જવાની તૈયારીમાં હોઉં. આ અમારી કલકત્તાની હુગલી નહોતી. કલકત્તાની હુગલી પ્રૌઢ વયની છે. ધીર ગંભીર. પોતાની અંદર અનેક રહસ્યો સંઘરીને બેઠેલી. મને દેખાતી હતી એ નાની બાળકી હતી. નિર્દોષ અને ચંચળ. એનું તળિયું સાફ જોઈ શકાય એવી. હજુ હમણાં જ હિમાલયમાંથી અવતરેલી. હું એમાં કેટલીક વાર છલાંગ લગાવતી અને એનું ઠંડુ પાણી ચામડીને ચટકા ભરતું. મારા હાથ પગ શીથીલ થઇ જતા અને હું તરી ન શકતાં, વહેણની સાથે વહેવા લાગતી. કેટલીક વાર હું નદીને કિનારે કિનારે ચાલતી અને એક જગ્યાએ જઈને જ્યાં નદીનો પટ પહોળો થતો હતો ત્યાં જ થોભી જતી. મારા માર્ગમાં મોટો પર્વત આવી જતો. નદી વહી જતી અને હું ત્યાં જ ફસાઈ જતી. આવા સમયે મારી આંખો ખુલતી તો ફરી પાછો એ જ બંધિયાર ઓરડો. બહારથી આવતા વાતચીતના ધીમા અવાજો અને ધોળું કુતરું. એ રૂમમાં અવાજો આવતા પણ સૂરજનો તડકો અંદર પ્રવેશી શકતો નહિ. ચોવીસ કલાક કૃત્રિમ પ્રકાશ અને કૃત્રિમ હવા. કૃત્રિમ ગંધ અને કૃત્રિમ બંધન.

ત્યારબાદ એક દિવસ શું થયું મને ખબર નથી પણ રૂમનો દરવાજો ખુલ્યો અને મને કહેવામાં આવ્યું હવે તું આઝાદ છે. હું રોબોટની જેમ મેળે ચાલતી સીધી ઘરની બહાર નીકળી ગઈ. ઘરમાં ઘણા બધા પોલીસવાળા હતા. મને પોલીસની જીપમાં બેસાડીને ઘરે મૂકી જવામાં આવી. કાકા કાકી મને જોઇને કંઇક બોલતા હતા કે પછી કદાચ રડતાં હતા. મને બરોબર યાદ નથી. મારી મમ્મી એ જ ખાટલા પર સુતી હતી. તેણે મને જોઇને કોઈ પ્રતિભાવ નહોતા આપ્યા. કદાચ તેને લાગ્યું કે હું કોલેજથી પાછી આવી હતી રોજની જેમ. હું મારા રૂમમાં જઈને એમ ભણવા બેસી ગઈ જાણે કાઈ બન્યું જ નહોતું. આવતીકાલથી પરીક્ષા હતી. એક પછી એક પેપર જવા માંડ્યા. મારી ફ્રેન્ડ્સ પણ અચાનક મારી ખુબ સંભાળ રાખવા મંડી હોય એવું લાગી રહ્યું હતું. રોહનના કેટલા બધા મેસેજ આવ્યા હતા. તેને મારી ચિંતા હતી. આટલા બધા દિવસથી હું કોઈ મેસેજના જવાબ નહોતી આપતી. મારું લાસ્ટ સીન પણ બદલાતું નહોતું. એણે ફોન કર્યો હતો ત્યારે ફોન બંધ આવેલો. એને એ પણ ચિંતા હતી કે અમારા ફરવા જવાના પ્લાનનું હવે શું થશે? મેં કહી દીધું કે, પરીક્ષાની તૈયારી કરતી હતી એટલે ફોન બંધ હતો. અને તેણે ફરવા જવાની બાબતે નિશ્ચિંત રહેવું. હું તેણે નક્કી કરેલા દિવસે દિલ્હીમાં મળીશ.

છેલ્લું પેપર ઈંગ્લીશનું હતું. મારો પ્રિય વિષય. મારે ઈંગ્લીશ માટે ખાસ કોઈ તૈયારી કરવાની જરૂર નહોતી. એ દિવસે સવારે ફક્ત એક વાર આખો સિલેબસ જોઈ લેવા માટે બુક ખોલી અને એનો બીભત્સ ચહેરો પાનાઓની વચ્ચેથી મારી સામે તાકતો હતો. અચાનક મને બધું સાફ સાફ સમજાઈ ગયું. નાની કાકીના ભાઈનો છોકરો જેનો ફોટો મેં જોયા વગર જ બુક્સની વચ્ચે મૂકી દીધો હતો એ જ મારું અપહરણ કરનાર ગુંડો હતો. મને ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હોય તેમ હું તંદ્રામાંથી બહાર આવી. તેની ચુંગાલમાંથી છૂટ્યા બાદ જે રોબોટિક જીવન હું જીવતી હતી એમાંથી અચાનક પાછી પહેલાની નમ્રતા થઇ ગઈ. આંખોમાંથી આંસુની ધાર ચાલતી હતી. પુસ્તકના પાના પલળી ગયા. મારો અહીંથી ચાલ્યા જવાનો નિર્ધાર વધારે દ્રઢ થઇ ગયો. મને અત્યાર સુધી એમ જ હતું કે મારા ઘરવાળા જુનવાણી અને કંજૂસ છે. પરંતુ તે દિવસે સમજાઈ ગયું કે તેઓ નીચ અને લાલચુ પણ છે.

પેપર જલ્દી પૂરું કરીને હું ઘરે આવી. મારી કોલેજ બેગમાંથી ચોપડા કાઢીને થોડો સામાન ગોઠવી દીધો. કાકીના પર્સમાંથી થોડા પૈસા લઇ લીધા. હવે ખાલી રાહ જોવાની હતી સાંજ પડે એની કે જ્યારે બધી ઓફીસ છૂટે. અને એ ભીડમાં હું પણ ભળી જઉં અને હાવડા સ્ટેશન પહોચી જઉં. ઘરે કોઈને ખબર ન પડે એટલે મારો રૂમ હું અંદરથી બંધ કરીને બાલ્કનીમાંથી સીધી નીચે ઉતરવાની હતી. મારી આદત હતી આખો દિવસ રૂમ બંધ કરીને બેસી રહેવાની. એટલે રાતના જમવા સુધી તો કોઈને ખબર નહિ જ પડે અને નસીબ સાથ આપશે તો આગલા દિવસે સવાર સુધી પણ નહિ પડે. બહાર મિલ છૂટવાની સીટી વાગી. હું તૈયાર જ હતી. અચાનક મને સુઝ્યું કે કદાચ આજ પછી મમ્મીને કોઈ દિવસ ન પણ મળું. મમ્મીના પલંગ પર જઈને હું બેઠી. તેને ઉઠાડી. તેની સામે વ્હાલથી જોયું. માથા પર ચૂમી અને જવા માટે ઉભી થઇ. અચાનક મા એ મારો હાથ પકડ્યો. તેની આંખોમાં વિષાદના વાદળ ઘેરાયા અને વરસી પડ્યા. કદાચ તે મારા કીધા વગર જ સમજી ગઈ હતી કે હું કદી પાછી નહિ આવું. મેં તેના આંસુને પણ ચૂમી લીધા અને કહ્યું, “મા મારે જવું જ પડશે. અહિયાં મને કોઈ જીવવા નહિ દે. આ લોકો મારી હાલત પણ તારા જેવી કરી મુકશે. મને જવા દે. પ્લીઝ…. ” મા કઈ બોલી નહિ. હું તેના પ્રતિભાવની રાહ જોતી પાંચ – સાત મિનીટ એમ જ બેઠી રહી. બહાર મેન રોડ પર હોર્નના દેકારા શરુ થઇ ગયા હતા. ફરી હું જવા માટે ઉભી થઇ. અને ફરી મા એ મારો હાથ પકડ્યો. આ વખતે તેના ચહેરા પર પહેલા વરસાદે ધોયેલી ધરતી પર હોય એવો તડકો ચળકતો હતો. એણે પોતાના ગળામાંથી સોનાનો ચેન કાઢીને મારા હાથમાં મૂકી દીધો. મને એના ચહેરા પર આછું સ્મિત દેખાયું.

હાવડા સ્ટેશન પર હું પહોચી તો ટ્રેન લાગી ચુકી હતી પણ ઉપડવાને હજુ થોડી વાર હતી. હું રસ્તા માટે થોડું ખાવાનું લેવા ગઈ. બહાર નીકળી ત્યાં જ પાનની ટપરી પર પેલો બદમાશ ઉભો હતો. મને બેગ લઈને આમ એકલી સ્ટેશન પાસે જોતા જ તે સમજી ગયો કે કાંઇક ગડબડ છે. હું તરત ટ્રેન તરફ પાછી ફરી. તે મારો પીછો કરતો કરતો ટ્રેન સુધી ન આવ્યો એ જાણીને મને ખુબ નવાઈ લાગી. ટ્રેન હવે ઉપડવામાં જ હતી. મારી પાસે ટીકીટ તો હતી નહિ એટલે હું ક્યા ડબ્બામાં ચડું એની જ ગડમથલમાં હતી. જનરલ ડબ્બા તરફ હું ચાલવા લાગી. ઇન્જીને હોર્ન માર્યું અને મેં મારી ઝડપ વધારી. અચાનક મારા પગ થંભી ગયા. સામેથી પેલો બદમાશ આવતો હતો. અને આ વખતે તે એકલો નહોતો, તેની સાથે એક પોલીસવાળો પણ હતો. હું તરત ઉંધી દિશામાં ભાગવા લાગી. ટ્રેન શરુ થઇ ગઈ હતી. પેલા બે મારી નજીક પહોચી ગયા હતા. સ્ટેશન પરના લોકોનું પણ મારા તરફ હવે ધ્યાન પડી રહ્યું હતું. “ધારા ધારા, ટાકે ધારા” [પકડો એને] એવા ઘાંટા પાડીને પેલો હજુ વધારે લોકોનું ધ્યાન ખેંચી રહ્યો હતો. ટ્રેને હવે સારી એવી ગતિ પકડી હતી. હવે મારી પાસે આ છેલ્લો મોકો હતો. હવે નહી તો ક્યારેય નહિ. હું ભાગતી ઉભી રહી ગઈ. ઉંધી ફરી અને તેમની દિશામાં ભાગવા લાગી. તેઓ ઘડીભર માટે તો બઘવાઈ ગયા અને ઉભા જ રહી ગયા. પછી ફરીથી મારી તરફ આવવા લાગ્યા અને સાવ નજીક પહોચી ગયા. મેં એક ટ્રેનના દરવાજાનું હેન્ડલ પકડ્યું અને છલાંગ મારીને ચડી ગઈ અંદર. પોલીસે મને પકડવા માટે હાથ લંબાવ્યો પણ મારી બેગ સાથે ભટકાઈને ટ્રેન સાથે અથડાયો. તે બંને ટ્રેન પાછળ દોડ્યા પણ મારા સદનસીબે હું જે ડબ્બામાં ચડી એ પછીના ડબ્બાઓ એસી હતા અને એના બારણા બંધ હતા. પંખી પીંજરામાંથી ઉડી ચુક્યું હતું. હવે મને કોઈ રોકી શકે એમ નહોતું.

***

નમ્રતાની વાત પુરી થઇ ત્યાં સુધીમાં પોણી રાત વીતી ચુકી હતી. જાણે આટલું લાંબુ બોલીને તે થાકી હોય તેમ તેણે ઠંડી પથારી પર લંબાવ્યું. કેટલીય વાર સુધી કોઈ કાંઇ બોલ્યું નહિ. તેઓ પહાડોની સામે તાકીને બેસી રહ્યા. શું ખબર આવા તો કઇ કેટલાય રહસ્યો આ પહાડો સાંભળી ચુક્યા હશે. હંમેશ માટે પોતાના હ્રદયમાં સમાવીને બેઠા હશે. હવાઓની ભેગી અમુક વાતો ઊડતી ઊડતી દૂર દૂરના દેશ પહોંચતી હશે. નમ્રતા પણ પોતાની વાત પહાડોને કહીને હળવી થઇ ગઈ હતી. પરંતુ એ જ સાંભળનાર એના બે મિત્રો પહાડ જેવા સ્થિતપ્રજ્ઞ નહોતા. તેમના મનમાં અનેક તરંગો ઉઠી રહ્યા હતા.

હરપ્રીતને નમ્રતા માટે ખુબ જ લાગી આવ્યું. આટલી નાની ઉંમરમાં આ છોકરીએ કેવી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડ્યું હતું. તેને દિવસના ભાગમાં બાળકો સાથે રમતા જોઈ ત્યારે એક સીધી સાદી, નિર્દોષ છોકરીની છાપ પડી હતી. કોઈ રીતે કળી ન શકાય કે તે પોતાની અંદર આટલું મોટું રહસ્ય છુપાવીને ફરતી હશે. તેને નમ્રતા માટે સહાનુભૂતિ થઇ. સાથે જ તેની હિંમત, ધીરજ અને સમયસૂચકતા માટે માન ઉપજી આવ્યું. તેણે કહ્યું, “બહોત અચ્છે! તુમને અચ્છા કિયા જો ઉસ નર્ક સે ભાગ આયી. મૈં તો કહેતા હું ઉસ બદમાશ કી પીટાઈ કરની થી. દોબારા કભી કોઈ બંદી કે સામને આંખ ઉઠાકે ભી નહિ દેખતા. અબ તુમ જીતના જી ચાહે યહાઁ રહો. હમ પહાડીયો કા દિલ પહાડો જૈસા બડા હોતા હૈ. જીસ્કા કોઈ ના હો ઉસે પહાડ અપને પાસ મહેફૂઝ રખતે હૈ યે મૈને ખુદ મહેસુસ કિયા હૈ. ખાઓ પીઓ ઔર તબિયત બનાઓ.” નમ્રતા મંદ મંદ હસી જાણે કે આખા શરીરમાંથી બધી જ શક્તિ ઓસરી ગઈ હતી. હોઠ તો હલ્યા પણ નહોતા માત્ર આંખમાં હાસ્ય છલકાતું હતું. હરપ્રીત આગળ બોલ્યો, “ઔર ફિર તુમ્હારા ખયાલ રખને કે લિયે મૈં હું, બચ્ચે હૈ, ગાંવ વાલે ભી કુછ દિન મેં દોસ્ત બન જાયેંગે. અરે તુમ્હારા અપના રોહન ભી હૈ. કયો રોહન ક્યા કહેતે હો?”

રોહન એના પોતાના જ વિચારોમાં ખોવાયેલો હતો. તે હજુ સુધી નમ્રતાએ કહેલી વાત પચાવી નહોતો શક્યો. તેણે લાગી રહ્યું હતું કે નમ્રતા તેની સાથે આટલા વખતથી ચેટીંગ કરી રહી હતી છતાં તેણે પોતાના અંગત જીવનની કોઈ જ વાત કેમ ના કરી? તે છેતરાયાની અને વિશ્વાસઘાતની લાગણી અનુભવી રહ્યો. ચલો નમ્રતાએ તો ન કહ્યું તો કઈ નહિ પણ પોતે આટલો હોંશિયાર હોવા છતાં તે કેમ સમજી ન શક્યો? સમજી શક્યો હોત તો કદાચ આમ મૂરખની જેમ આવી ભાગેડુ છોકરી સાથે કાઈ આગળ પાછળનું વિચાર્યા વગર ફરવા ન આવી ગયો હતો. શું ખબર તે અત્યારે પણ સંપૂર્ણ સત્ય બોલતી હતી કે નહિ? એકવાર તેનું કહેવું માની લઈએ તો પણ એ શક્યતા તો કેમ નકારી શકાય કે તેના ઘરવાળા અને પોલીસ તેનો પીછો કરતા અહિયાં નહિ પહોચે? એમાંય પેલા ગુંડાના તો પોલીટીકલ કનેક્શન પણ છે. જો તેઓ અહી પહોચી ગયા તો કારણ વગર તે પોતે પણ આખા મામલામાં સંડોવાઈ જશે. નક્કી એ લોકો ગેરસમજ કરશે કે તે જ નમ્રતાને ભગાડી ગયો છે. હરપ્રીતના પ્રશ્નનો રોહને ઉત્તર ન આપ્યો એટલે હરપ્રીતે તેને ઢંઢોળીને વિચારોમાંથી બહાર કાઢ્યો અને ફરીથી પૂછ્યું, “કહાં ખો ગયે રોહન? મૈ યે કેહ રહા થા કી, તુમ દોનો કુછ દિન યહી રુક જાઓ. તબિયત બનાઓ. તબ તક હમ સોચ લેંગે નમ્રતા આગે ક્યા કર સકતી હૈ”. રોહન ત્યાં એક દિવસ પણ વધુ રોકવા નહોતો માગતો. આ સફર તેણે વિચાર્યું હતું એનાથી સાવ ઉંધે રસ્તે જ જઈ રહી હતી. તેને કહેવું તો ઘણું હતું પણ તે એટલું જ કહી શક્યો, “મૈ યહાઁ નહિ રુક સકતા. મુઝે કલ હી જાના હોગા” હરપ્રીતને રોહનનું આમ કહેવું અજુગતું લાગ્યું, “અરે ઐસી તો ક્યા બાત હો ગઈ? તુમ્હે તો ખાસ રુકના ચાહિયે… તુમ્હારી દોસ્ત કી પરેશાની જાનને કે બાદ ઉસકી મદદ કરની ચાહિયે”. “મૈ ક્યા મદદ કરુંગા? સોચો અગર, કલ કો ઉસકે ઘરવાલે યા તો પુલીસ ઉસે ઢુંઢતે હુએ યહાઁ પહોચ ગયે તો ઉસકે બાર્રેમે ક્યા સોચેંગે? એક અનજાન લડકે કે સાથ ભાગ ગઈ? ઔર ફિર મુઝે કુછ દિનો મેં ઓફીસ ભી જાના હૈ. બહેતર યેહી હોગા કી મૈ કલ હી ચાલે જાઉં”. હરપ્રીત તેના ચહેરા સામે તાકી રહ્યો. રોહન બીજી તરફ જોઈ ગયો. હરપ્રીત એની સામે જ નજર માંડીને બેઠો રહ્યો. જરાવાર પછી રોહન બબડ્યો, “બહુત દેર હો ગઈ… અબ સો જાતે હૈ. કલ સુબહ દેખેંગે”. પથારીમાં પડ્યા પડ્યા આ બધું સાંભળી રહેલી નમ્રતાને હવે રોહન નામના આ અજાણ્યા છોકરાની અસલિયત સમજાઈ રહી હતી. તેને બસની આછી લાઈટમાં રોહનના ચહેરાની ધુંધળી રેખાઓ દેખાઈ હતી એ આ અંધારી રાતમાં સાફ સાફ દેખાઈ રહ્યો હતો. તે મનમાં જ ઉપાલંભ ભર્યું હસી. પછી અનંત તારાઓ ભરેલા આકાશને જોતી ક્યાંય સુધી જાગતી પડી રહી.

સવારે ચારેક વાગ્યાની સુમારે નદીની બાજુના રસ્તા પર ચાર જીપનો રસાલો આવી રહ્યો હતો. રોહન દુરથી જોઇને જ સમજી ગયો કે આ નમ્રતાના ઘરવાળા છે. તે નમ્રતા અને હરપ્રીતને ઉઠાડી રહ્યો હતો પણ તે બંનેમાંથી કોઈ ઉઠતું ન હતું. પેલી ગાડીઓ સાવ નજીક આવી ગઈ હતી. તેમાં કેટલાક હથિયાર વાળા લોકો પણ હતા. અંતે રોહને ત્યાંથી ભાગવાનું ચાલુ કર્યું. ગામની ગલીઓમાં તે ભાગી રહ્યો હતો અને એક ગુંડો બંદુક લઈને તેની પાછળ હતો. અચાનક ગલી પૂરી થઈને સીધી ખીણ હતી. રોહનને શું કરવું તે સુઝ્યું નહિ એટલે તેણે ખીણમાં ઝંપલાવી દીધું…. આહ …. રોહન સફાળો ઊંઘમાંથી ઉઠી ગયો. જોયું તો નમ્રતા ઘસઘસાટ સુતી હતી. ઉભા થઈને રસ્તા પર જોયું તો કોઈ ગાડી નહોતી આવી. તેણે ફરી પાછા સુવાનો પ્રયત્ન કર્યો.

નમ્રતા વહેલી સવારે ઉઠીને નદીકિનારે ગઈ હતી. તે નદી કિનારે ચાલતી હતી. ક્યાંય સુધી તે નદીની સાથે સાથે જ ચાલી. પછી નદી એક જગ્યાએ આવીને પહોળી થતી હતી અને ત્યાં રસ્તો પૂરો થઇ જતો હતો. રસ્તામાં એક મોટો પર્વત હતો. પણ આ વખતે નમ્રતા પર્વતની આગળ રોકી નહી. તે અચાનક પંખી બનીને પર્વતની ઉપર ઉડવા લાગી. બીજી બાજુ ઉતરીને પાછી તે ચાલવા લાગી. એમ તે દુર સુધી નદી સાથે ચાલી. હવે તેને લાગી રહ્યું હતું કે આ નદી જ આગળ જઈને હુગલી બની જશે. તેને નદી સાથે ઊંડા જોડાણનો અનુભવ થતો હતો. જાણે નદી કોઈ છોકરી હતી અને તે એની ખાસ દોસ્ત હતી. અથવા તો કદાચ તે પોતે જ એક નદી હતી અને બંને નદીઓના પાણીની મૈત્રી હતી. તે બંનેમાંથી નદી કોણ અને કન્યા કોણ એ ચકાસવા નમ્રતા નદીમાં ઉતરી. ઠંડા હિમાલયના પાણીમાં તેના હાથપગ શીથીલ થઇ ગયા. તે તરવાની બદલે પ્રવાહમાં વહેવા લાગી. તેના હાથપગ ધીમે ધીમે ઓગળવા લાગ્યા અને તે પોતે જ નદી બની ગઈ. હવે તે બંને જ નદી હતા અને બંને જ સ્ત્રીઓ પણ હતી.

નમ્રતાની આંખ ખુલી ત્યારે દુર હિમાલયના સફેદ શિખર પર સોનેરી તડકો ચમકી રહ્યો હતો. જાણે વેનીલા આઈસ્ક્રીમ પર મધ રેડ્યું હોય. તે પોતાના નાનપણના દિવસો વાગોળી રહી હતી ત્યાં હરપ્રીત એની માટે હોટ ચોકલેટનો ગ્લાસ લઈને આવ્યો. તે પી ને નમ્રતા સાચે જ નદી કાંઠે ગઈ. સવારનું સપનું સાચું પડે છે કે નહિ એ જોવા માટે. તે ક્યાં સુધી એમ ને એમ એક ખડક પર નદીના ખળખળ અવાજને સાંભળતી બેઠી રહી એને જ ખબર ના રહી. સારો એવો તડકો થઇ ગયો હતો ત્યારે રોહન એની માટે નાસ્તો લઈને આવ્યો. તે ફ્રેશ લાગતો હતો. નમ્રતાએ ખાઈ લીધું એટલે રોહને કહ્યું, “હું તને કાંઇક કહેવા માગું છું”. નમ્રતાએ કોઈ પ્રતિસાદ ન આપતા તેણે આગળ ચલાવ્યું, “કાલે રાતે મને શું થઇ ગયું હતું એ મને પણ ખબર નથી. કદાચ હું ડરી ગયો હતો. હા, નક્કી ડરી જ ગયો હતો. મને એવું સપનું પણ આવ્યું કે તારા ઘરવાળા તને લેવા આવ્યા છે અને એક ગુંડો મને મારવા આવી રહ્યો છે”. હજુ પણ નમ્રતાએ કોઈ પ્રતિભાવ ન આપ્યો. જરા થોભીને રોહન ફરી બોલ્યો, “હવે મારો ડર ચાલ્યો ગયો છે. તેમ છતાં હું અહી નહિ રોકાઈ શકું. મને સમજાઈ ગયું છે કે આપણે બંને અલગ જ માટીમાંથી બન્યા છીએ. આપણે બંને એક ન થઇ શકીએ. આ તો નસીબની બલિહારી કે મારે કલકત્તા આવવાનું થયું. અને જય હો ટીંડરની કે જેણે આપણને મેળવી આપ્યા. બાકી, જો આપણે દસ વર્ષ પહેલા જન્મ્યા હોત તો કદાચ મળી જ ન શકત. અને એ જ સારું હોત. મને ખબર છે હું અહિયાં રહીને પણ તને ખાસ કોઈ મદદ કરી શકું એમ નથી. અને દાર્જુ તારી ખુબ સારી સંભાળ રાખશે. હું જાઉ છું. જતા જતા એક વાર તને મળવા આવ્યો હતો. બાય. શક્ય હોય તો માફ કરી દેજે”. રોહન થોડીવાર નમ્રતાના રીએક્શન માટે થોભ્યો. પછી કોઈ જ રીએક્શન ન મળતા તે જવા માટે ઉભો થયો. ત્યાં નમ્રતાએ તેનો હાથ પકડ્યો અને આંખોથી જ કહ્યું બેસ જરા વાર. રોહન બેઠો. તે બોલી, “રોહન, અમારા બંગાળમાં માછીમારોને ભાટીયાલી કહેવાય. તેમની જાતિના લોકો અડધું જીવન પાણી પર જ વિતાવે. એટલે ટાઈમપાસ કરવા ગીતો ગાય. તેમના ગીતો શેના પર હોય ખબર છે? નદી વિશે, પાણી વિશે. નદી જ તેમને પેઢીઓથી રોટલો રળી આપે છે અને સાથે જીવનનું દર્શન પણ કરાવે છે. મને તેમનું એક ગીત બહુ જ ગમે છે. ગાઉં?”

આમાય ભાશાઈલી રે, આમાય ડૂબાઇલી રે;
અકુલ દોરીયાર બુઝી કૂલ નાહી રે…

કૂલ નાહી, કિનાર નાહી, નાહી તો દોરીયાર પાડી…
શાબધાને ચલાઈયો માઝી આમાય ભાંગા તોડી રે;
અકુલ દોરીયાર બુઝી કૂલ નાહી રે…

“ખબર છે શું અર્થ થાય આનો? નદીની કોઈ શરૂઆત નથી કે કોઈ અંત નથી. બસ બે કાંઠા વચ્ચેથી વહેતી જ જાય છે. વાંકીચુકી, પડતી આખડતી, પોતાનો રસ્તો કાઢતી પણ ક્યારેય રોકી ન શકાતી. જીવન પણ આવું જ છે નહિ? આવું જ હોવું જોઈએ નહિ? એ અનંત છે. એના અનંત પ્રવાહમાં તમારું અસ્તિત્વ માત્ર ક્ષણિક છે તો પછી આટલો બધો ભાર શા માટે? ખાઓ પીવો અને ખુશ રહો. હવેથી મેં નક્કી કર્યું છે કે હું નદીની જેમ જીવીશ. મને ખબર નથી હવે શું થશે? કદાચ મારે પાછા ઘરે પણ જવું પડે. કદાચ હું વર્લ્ડ ટુર પર જાઉ. પણ હું જ્યાં પણ જેવી પરિસ્થિતિમાં હોઈશ, હું ખુશ રહીશ. જ્યારે ખુશીથી દુર જઈશ ત્યારે નદીને યાદ કરી લઈશ. તું જ રોહન. મને કોઈ વાંધો નથી. તું સાચું જ કહે છે આપણે બંને અલગ છીએ. હું નદી છું તો તું શહેર કે ગામ નો ઘાટ છે. આમ તો આપણે નિરંતર સાથે જ છીએ પણ આમ આપણે એક જ વાર મળવાનું હતું. હવે હું મારા રસ્તે ચાલીશ. તું જા દોસ્ત. થેન્ક્સ મને એ ગંદકીમાંથી છોડાવવા માટે…” અને તે બંને છેલ્લી વાર ભેટ્યા.

નમ્રતા હજુ કેટલાક દિવસો સોનાપાનીમાં રહી અને પછી તે તેની સમુદ્ર તરફની સફરમાં આગળ વધતા કોઈ બીજા ગામના ઘાટ તરફ વહી ચાલી.

***

સમાપ્ત

***

નવી વાર્તાની ઝાંખી:

પાંચ સાવ જ અલગ અલગ સમાજિક આર્થીક પૃષ્ઠભૂમાંથી આવતા છોકરાઓ વિદેશની યુનીવર્સીટીમાં ભેગા થાય છે. ખુબ હોંશિયાર હોવા છતાં દરેકને ભણવા કરતા કેમ્પસ પરની અન્ય પ્રવૃત્તિઓમાં વધારે રસ છે. એક પાર્ટીમાં તેઓ ભેગા થાય છે અને દુનિયાને બદલી નાખે એવી કંપની ચાલુ કરવાનું વિચારે છે. આ વાર્તા છે તેમના સંઘર્ષની, તેમની ખુમારીની, તેમની જુવાનીની અને તેમની નિયતિની. શું તેઓ પહેલી જ વાર યુનીવર્સીટીમાં જ મળ્યા કે પછી કોઈ જુનો સંબંધ છે તેમણે એકબીજા તરફ ખેંચી લાવ્યો છે?