અત્યાર સુધીની વાર્તા

ઓગણીસ વર્ષની કાચી ઉમરમાં પિતાનું મૃત્યુ, માતાનું ડીપ્રેશન, કુટુંબીઓના મ્હેણાં-ટોણા, પરીક્ષામાં નાપાસ અને પ્રેમમાં નિષ્ફળતા જેવી અનેક પ્રતિકુળતાઓ જોઈ ચુકેલી નમ્રતાને ઘર અને શહેર છોડીને ક્યાંક દુર પહાડોમાં ચાલ્યા જવાનું મન થયા કરતુ. તેની આ મહેચ્છા પૂરી કરવામાં તેને મદદરૂપ થાય છે રોહન – તેને tinder પર મળેલો મુંબઈનો છોકરો. ફક્ત એક નાનકડી મુલાકાત અને એક મહિનામાં ચેટીંગથી થયેલી જાણપિછાણ બાદ બંને દિલ્હીમાં મળે છે અને રાતની બસ પકડીને હિમાલય તરફનો પ્રવાસ શરુ કરે છે. બસમાં તેમને એક નાનકડો છોકરો મળે છે જે એમને પોતાના ગામ લઇ જાય છે. હવે આગળ…

***

બસમાંથી આમ અચાનક એક અજાણ્યા સ્થળે જવા માટે નમ્રતા ઉતરી ગઈ એ રોહનને જરાય ગમ્યું નહોતું. નમ્રતાની વાતોમાં એવું તો શું હતું કે પોતે અનિચ્છાએ પણ વારંવાર એને માની જતો.શું એ નમ્રતાના પ્રેમમાં પડવા લાગ્યો હતો? એની ગણતરી તો નમ્રતાને ઈમ્પ્રેસ કરવાની અને એને પોતાના પ્રેમમાં પાડવાની હતી પણ આ તો એથી ઊંધું થઇ રહ્યું હતું. જો પોતે બસમાંથી ઉતરવાની ઘસીને ના પાડી દીધી હોત તો પણ શું નમ્રતા ઉતરી જાત ખરી?  આ સવાલનો જવાબ તેને ગમે એવો નહોતો. એટલે તેણે આ વિચારોને ખંખેરીને ચાલવાની ઝડપ વધારી અને નમ્રતાની સાથે થઈ ગયો.

બસમાંથી ઉતરીને તેઓ મુખ્ય રસ્તા પર ચાલી રહ્યા હતા. રસ્તાની એક તરફ ઊંડી ખીણમાં વિશાળ નદી વહી રહી હતી. બીજી તરફ પર્વતો વાંકા વળીને રસ્તા ઉપર ઝળુંબી રહ્યા હતા. તેમના છાંયડાથી આખો રસ્તો ઢંકાઈ ગયો હતો. દૂર દૂર સુધી એકેય વાહનો કે માણસોનું નામોનિશાન નહોતું. અહી પાસે કોઈ ગામ હોઈ શકે એ વાત રોહનની સમજમાં નહોતી આવતી. થોડે આગળ ચાલતા એક પુલ આવ્યો. જમણે તરફથી એક નાનકડી નદી આવીને પુલની નીચે થઈને મોટી નદીમાં ભળી જતી હતી. આ મિલનનો અવાજ દૂરથી આવી રહ્યો હતો. પુલ પાર કરીને તેઓ જમણે વળીને નાની નદીને સમાંતર ચાલવા લાગ્યા. આ રસ્તો ચઢાણ વાળો હતો. તે પૂરો થયો ત્યાં ટોચ પર એક ગામ હતું. આ જ હિમાંકનું ગામ હતું. સોનાપાની એનું નામ.

ગામના ઘરોની વચ્ચેથી જતી ગલીઓમાં થઈને તેઓ હિમાંકના ઘરે પહોચ્યા. પહેલી નજરમાં જ નમ્રતાને આ ઘર ગમી ગયું. તેણે અનેક વાર કલ્પનામાં જેવું જોયું હતું, હિમાંકનું ઘર બિલકુલ એવું જ હતું. સાદું, સુઘડ અને હુંફાળું. આ સમયે ઘરે કોઈ જ નહોતું. એટલે તે કોઈ જાતના સંકોચ વગર હિમાંકની સાથે બાળક બનીને રમવા લાગી. તેને સમજાઈ રહ્યું હતું કે ઘર એટલે શું? એ જગ્યા નહિ કે તમે જ્યાં જનમ્યા હો અને એ કારણથી રહેતા હો. પરંતુ ઘર એટલે એ જગ્યા જ્યાં તમને જે મન ફાવે તે કરવાની પૂરી આઝાદી હોય. જ્યાં તમને રહેવાનું ગમે, ન કે જ્યાંથી ભાગી જવાનું મન થાય. અહીં આવીને તેને પહેલી વાર પોતાના ઘરે આવી હોય એવી અનુભૂતિ થઇ રહી હતી. રોહન એક ખૂણામાં બેસીને તે બંનેને રમતા જોઈ રહ્યો હતો. તેને પણ આ જગ્યા ગમી તો હતી તેમ છતાં હજી તે ભારમાં હતો. નમ્રતા તેને દેખીતી રીતે અવગણી રહી હતી અને એ શા કારણે તે સમજાતું નહોતું. આજ પહેલા તો ચેટિંગમાં તેણે ક્યારેય આવું વર્તન નહોતું કર્યું. આજે અચાનક શું થયું હશે?

એક નાનકડો હાથ આવીને રોહનના હાથને સ્પર્શ્યો. એક નાનકડી, લગભગ હિમાંકની જ ઉમરની, ભોળી ભોળી આંખોવાળી છોકરી રોહનને રમવા માટે બોલાવી રહી હતી. એની આંખોમાં એક અજબ ચમક હતી. એવી ચમક કે જે કોઈ જાતની મુશ્કેલીથી ઝાંખી ન પડી શકે. તેના હળવેથી રોહનનો હાથ ખેંચવાની રીતમાં એવો અધિકારભાવ હતો કે રોહન તેની સાથે રમવા ચાલ્યો ગયો. તે કોણ છે અને પોતાને શું કામ બોલાવે છે એ વિચારવાની દરકાર પણ કર્યા વગર. હવે ઘરમાં બે નાનાં અને બે મોટાં એમ ચાર છોકરાંઓ ધમાચકડી મચાવી રહ્યા હતા. ઘરમાં રમીને ધરાઈ ગયા એટલે હિમાંકે બધાંને એક ખાસ જગ્યાએ લઇ જવાનો પ્રસ્તાવ મુક્યો. આ જગ્યા વિષે ગામની બહાર ખાસ કોઈને ખબર નહોતી. ગામવાસીઓ પણ બહારના લોકોને આ જગ્યા વિષે ખબર ન પડે એની ખાસ તકેદારી રાખતા.છોકરાંઓને પણ ખાસ સૂચના આપી રાખી હતી કે બાજુના ગામના બાળકો સાથે રમતી વખતે તેમને આ જગ્યા વિષે કાંઈ કહેવાનું નહિ. એટલે જ જ્યારે હિમાંકે આ નવા લોકોને ગુપ્ત સ્થાન લઇ જવાની વાત કરી ત્યારે પેલી નાની છોકરીએ એને ટોક્યો. હિમાંકે તેની વાત ગણકારી નહિ અને ઉપરથી એને વઢી નાખી “તુ ચુપ રેહ શાલુ. મુઝસે છોટી હૈ તુ. તુઝે કુછ નહિ સમજતા. યે લોગ તો હમારે દોસ્ત હૈ. ઇનકો ઉધર લેકે જા સકતે હૈ” અને નમ્રતાનો હાથ પકડીને ચાલવા લાગ્યો. શાલુ, જે હિમાંકની ફઈની દીકરી બેન હતી, તેને લાગી આવ્યું. તેનું ચડેલું મોં જોઈને રોહન સમજી ગયો કે શાલુને ખોટું લાગ્યું છે. તેણે હાથ લંબાવીને કહ્યું, “યહાઁ કોઈ હૈ જો મુઝે વો છુપી હુઈ જગાહ પે લેકે જાયેગા?” શાલુ “મૈં” બોલવા જતી હતી પણ અટકીને બીજી તરફ જોઈ ગઈ અને કહ્યું, “નહિ મેરે તો પૈર દર્દ કર રહે હૈં” રોહન સમજી ગયો કે તેને જવું હતું પણ પહેલાં કોઈ મનાવે એમ ઇચ્છતી હતી. “તો ફિર હમ ઉડકે ચલેન્ગે” રોહને તેને ખભા પર ઉપાડીને ચાલવા માંડ્યો. શાલુ ખીલખીલાટ હસી પડી. જોતજોતામાં તેઓ હિમાંકની સાથે થઇ ગયા. હિમાંક તેમને ગામની વચ્ચેથી થઈને લઇ ચાલ્યો. રસ્તામાં જે મળતા તેમને પોતાના નવા મુંબઈથી આવેલા દોસ્તોનો પરિચય કરાવતો ગયો. ગામની બહાર પહોંચ્યા ત્યાં સુધીમાં તો નવા આવેલા શહેરી છોકરા છોકરી આખા ગામની ચર્ચાનો વિષય બની ગયા હતા. હવે તેઓ ગામ પાછળ છોડીને ખેતરોમાં ચાલી રહ્યા હતા. ઝાડ પરથી તોડીને સફરજન અને શેતૂર ખાવામાં રસ્તો ક્યાં પસાર થઇ રહ્યો તે સમજાતું જ નહોતું. આ તાજાં ફળોની મીઠાશ અલગ જ હતી. શહેરમાં મળતા સ્ટીકર વાળા આયાતી ફળો કરતા પણ વધુ રસાળ હતાં આ ફળો. અડધી કલાક જેટલું ચાલ્યા હશે ત્યાં હિમાંકનું ગુપ્ત સ્થળ આવી પહોંચ્યું. ઝાડી ઝાંખરાંની એક દીવાલ જેવું હતું અને એના દરવાજા નું રક્ષણ કરવા એક કાળો ડાઘીયો બેઠો હતો. અજાણ્યા લોકોને જોઈને તે ભસવા લાગ્યો. હિમાંકે તેને પુચકાર્યો એટલે શાંત થઈને પૂંછડી પટપટાવા લાગ્યો. ઝાંપાની અંદર પ્રવેશતાં જ એક હોજ હતો. ત્રણ તરફ ઝાડીથી ઢંકાયેલો અને ચોથી તરફ જ્યાં પૂરો થાય ત્યાં ધાર પાસે નીચે સીધી ખીણ હતી. બસ્સો ફૂટ નીચે પેલો રસ્તો હતો કે જ્યાં તેઓ બસમાંથી ઉતર્યા હતા. અને રસ્તાની હજી નીચે નદી વહેતી હતી. રસ્તા પરથી આ હોજને જોઈ શકવો અશક્ય હતો. હોજનું પાણી એટલું નિર્મળ હતું કે એનું તળિયું જોઈ શકાતું હતું. તે બહુ ઊંડું નહોતું. પાણી સૌથી નીચી શાલુની ગરદન સુધી અને ઊંચા રોહનની કમર સુધી જ આવતું હતું. આ હોજની વિશેષતા એ હતી કે આખું વર્ષ એનું તાપમાન લગભગ એકસરખું રહેતું. ઠંડીમાં હુંફાળું લાગે અને ગરમીમાં ટાઢક થાય એવું. ઉપરાંત અમુક ખાસ કુદરતી ક્ષારોને લીધે અનેક જાતનાં ચામડીના રોગ મટાડવાની શક્તિ હતી એમાં. ગામવાસીઓ તો એટલે સુધી માનતા કે આ પાણીનું નિયમિત સેવન કરવાથી આયુ વધે છે અને લાંબો સમય સુધી જુવાન રહી શકાય છે. ગામના લોકોને જોઇને આ વાત માની શકાય તેવી લાગતી હતી.

ચારેય જણાને હોજમાં તરવામાં અને ભૂસકા મારવામાં સમય ક્યાં ચાલ્યો ગયો એની ખબર જ ન રહી. સુર્યાસ્ત થવા આવ્યો હતો. સુરજના ત્રાંસા કિરણો હોજના પાણીને સોનેરી રંગે રંગી રહ્યા હતા. આ દ્રશ્ય જોતાં જ રોહનને સમજાયું કે ગામનું નામ શી રીતે પડ્યું હશે. કોરાં થઈને આછા આછા અજવાળામાં તેઓ ઘર તરફ જવા ચાલ્યા. હિમાંક અને શાલુને ઘરે પહોંચવાની ઉતાવળ હતી કારણકે વીજળી આવવાનો સમય થયો હતો. સાંજે સાત થી દસનો આ એક જ સમય હતો કે જ્યારે ગામમાં વીજળી આવતી અને છોકરાંઓને ટીવી જોવા મળતું. પાછા ફરતી વખતે પણ આખા ગામે રોહન-નમ્રતાની ખાસ નોંધ લીધી. ઘરે પહોચતાં જ બંને છોકરાંઓ “દાજુ-દાજુ” કરતાં રસોડામાં જઈને એક ખડતલ, લાંબા વાળ વાળા પુરુષને જઈને વળગી પડ્યા. દાજુ કહેવાતા પુરુષે બંને બાળકોને એક એક હાથમાં ઊંચકીને એક એક ગાલ પાસે લઇ આવ્યો. બાળકોએ દજુને ગાલ પર ચુમ્મી કરી લીધી અને પછી દોડતાં જઈને ટીવીના રીમોટ માટે પડાપડી કરવા માંડ્યા. શાલુ જીતી ગઈ કારણકે આજે તેનો વારો હતો અને પછી બંને ટીવી સામે ખોડાઈ ગયા. અતિશય સૌમ્ય ચહેરાવાળો, માથાનાં અને દાઢીના વાળમાં પણ થોડી થોડી ચાંદી આવી ગઈ હોય એવો આ દાજુ રોહન-નમ્રતા સામે ઉષ્માભર્યું હસ્યો. તેઓ ક્યાંથી આવ્યા છે? શા માટે આવ્યા છે? કેટલા દિવસ રહેવાના છે? જેવું કાંઈ તેણે ન પૂછ્યું. ફક્ત એટલું કહ્યું, “આપ લોગ આરામ કીજીયે. અભી થોડી દેરમેં ખાના તૈયાર હો જાયેગા”.  અને રસોડામાં કામમાં પરોવાઈ ગયો. ગરમાગરમ તીખી ભાજીનો પહેલો કોળીયો ભર્યો ત્યારે રોહનને ખ્યાલ આવ્યો કે સવારથી કંઈ ખાધું જ નથી. જમીને દાજુએ ટીવી બંધ કરીને છોકરાંઓને પહાડી ભાષામાં કંઈક કહ્યું. પછી રોહન-નમ્રતા તરફ ફરીને બોલ્યો, “આપ લોગ ભી ચાલીયે. છત પર કુછ દેર આગ સેક્તે હૈ” પાંચેય જણ અગાશી પર ગયા. દાજુએ તાપણું કર્યું અને ગીટાર લઈને આવ્યો. બધા તાપણાની આજુબાજુ ગોઠવાયા એટલે એણે ગાવાનું શરુ કર્યું.

चांदनी में तारे चमके टिमटिमाये बुँदे,
हर कली यूँ महके जैसे कानों में अनहद गूंजे।

તેણે ઉપર આકાશ જોયું. તેની સાથે જ બાકીના ચારેય જણાએ પણ ઉપર તરફ જોયું. બીજનો ચાંદો હસતાં હસતાં આછી ચાંદની રેલાવી રહ્યો હતો. રોહન-નમ્રતાએ જીવન કોઈ દિવસ જોયા નહોતા એટલા બધા તારા એકસાથે ઝગમગી રહ્યા હતા.

बादलों की छाँव है कहीं खिलते फूलों सी धुप,
हरी हरी हरियाली सामने हिमालय का सुन्दर रूप।

આગલી લીટી ગાવા પહેલા તેણે બાળકો સામે જોયું અને પાસે આવવા ઈશારો કર્યો. બંને બાળકો દોડીને તેને વળગીને, તેના પડખામાં ભરાઈ ગયા.

यहां लोग इतने प्यारे हैं कहीं ढूँढे से नहीं मिलें,
पंछियों की चहचहाँ से हर सुबह यहाँ खिलें।

चांदनी में तारे चमके टिमटिमाये बुँदे,
हर कली यूँ महके जैसे कानों में अनहद गूंजे।

તેણે ગીત પૂરું કર્યું એટલે નમ્રતાએ પૂછ્યું, “તો આપ સિર્ફ અચ્છા ખાના બનાના નહિ પર અચ્છા ગાના બજાના ભી જાનતે હૈ. ક્યા આપ સિંગર હો?” “નહિ બસ યું હી બચ્ચો કી દેખભાલ સે વક્ત મિલ જાયે તો થોડા બહોત ગા લેતા હું. વૈસે તો મેરી એક છોટી સી કિરાને કી દુકાન હૈ. ગાંવ કી ઇકલૌતી કિરાને કી દુકાન. મૈ યહાં આયા ઉસસે પહેલે ગાંવ વાલે સારે પાંચ કિલોમીટર દુર બાજુ કે ગાંવ મેં સામાન લેને જાયા કરતે થે. ફિર મૈને સોચા કયું ના યહી એક દુકાન ખોલ દી જાયે. ગાંવ વાલોં કો સુવિધા હો જાયેગી ઔર મેરી ભી કટ જાયેગી. ગાંવકી શુરુ મેં હી દુકાન લગા રખી હૈ મૈને. જબ આપ સુબહ ગાંવ મેં આયે તો દેખી હોગી. મૈને તો આપકો તભી દેખ લિયા થા ઔર તભી સમઝ ગયા થા હિમાંક શૈતાની કરકે આપકો લે આયા હોગા. બાકી લોગ અક્સર નૈનીતાલ ઘૂમને જાતે હૈ યહાં તો કોઈ કભી નહિ આયા અબ તક. યા ફિર કુછ ઔર હી મસલા હૈ? કહી ઘર સે ભાગ-વાગ કર તો નહિ આયે આપ દોનો?” નમ્રતાના ચહેરાનો રંગ ઉડી ગયો. આ માણસને કઈ રીતે ખબર પડી હશે? તે કંઈ બોલી ન શકી. રોહને પૂરી સ્વસ્થતાથી જવાબ આપ્યો, “હાઁ  ઐસે હી કુછ સમઝો. દરઅસલ એક મર્ડર કે સિલસિલે મેં પુલીસ પીછે લાગી હુઈ થી તો અન્ડરગ્રાઉન્ડ હોના પડા”. દાજુ હસી પડ્યો. હાથ લંબાવીને કહ્યું, “માયસેલ્ફ હરપ્રીત ફ્રોમ હરિયાણા. મુઝે મઝાકીયા કિસ્મ કે લોગ પસંદ હૈ” રોહને હાથ પકડીને કહ્યું, “રોહન ફ્રોમ મુંબઈ એન્ડ શી ઈઝ નમ્રતા ફ્રોમ કોલકાતા. ઔર આપ સે કિસને કહા મૈ મઝાક કર રહ થા” ફરીથી હરપ્રીત હસી પડ્યો. ત્યાર બાદ રોહને પોતે નમ્રતાને કઈ રીતે મળ્યો અને પછી વેકેશનમાં સાથે ફરવાનો પ્લાન બનાવ્યો એ વિષે માંડીને વાત કરી. “અબ આપ કી બારી. બતાઈયે હરિયાણા છોડકે યહાં પહાડો મેં કૈસે બસ ગયે?” “એ તો ભૈયા લંબી કહાની હૈ. પહેલે બચ્ચો કો સુલા દે?” શાલુ તો લગભગ સુઈ જ ગઈ હતી. હિમાંકને નહોતું સુવું એટલે હરપ્રીતે તેને “સો જા અભી ભૂત આને વાલા હૈ” એમ કહીને પથારીમાં સરખો સુવડાવી દીધો. પછી સ્થાનિક બનાવટનો દારુ કાઢ્યો જે “ભૂત” નામે ઓળખાતો હતો. રોહન-નમ્રતા બંને ને એક એક ગ્લાસ હાથમાં આપતા બોલ્યો, “યે ભૂત હૈ જિસકી મૈ બચ્ચો કો બાત કર રહા થા. આજ ઇસકી ઝરૂરત પડેગી”. શેતુરના રસ અને સોનાપાની હોજના પાણીમાંથી બનેલો આ ખાસ જાતનો દારુ હતો. ગ્લાસમાંથી એક ઘૂંટડો ભરીને હરપ્રીતે વાત માંડી, “હિમાંક કે પાપા ઔર મૈ દીલ્હીમે સાથમેં કોલેજ્મે પઢતે થે. પઢાઈ કે બાદ વો યહાં અપને ગાંવ વાપિસ આ ગયા. થોડે હી સમય મેં ઉસકી શાદી હો ગયી ઔર હિમાંક કા જનમ ભી હો ગયા. શાલુ ઉસકી બહેન કી બેટી હૈ. મૈ વહી દિલ્હી મેં છોટી મોટી નૌકરી કર કે કાટ રહા થા. બનના તો ગાયક થા, શાયર ભી બનના થા. લેકિન બાત કુછ બાત હી નહિ બન રહી થી. અબ મુઝ જૈસે ગરીબ શાયર સે કૌન લડકી શાદી કરતી. સો બિલકુલ અકેલા થા. ઉસમેં કુછ સાલોં પહેલે હિમાંક ઔર શાલુ દોનો કે મમ્મી-પાપા કી એક્સીડેન્ટ મેં મૌત હો ગયી. મૈ ફૌરન સબ છોડ છાડ કે યહા આ ગયા. ઇન માસુમો ક અબ ઇસ દુનિયામે કોઈ નહિ થા તો મેરી હી ફર્ઝ બનતી થી ઇનકા ખયાલ રખને કી. એક બાર સોચા ભી કે બચ્ચો કો દિલ્હી લે જાઉં યા ફિર હરીયાને કે અપને ગાંવમેં લે જાઉં. લેકિન પહાડો મેં રહેને વાલોં કો મૈદાન કભી નહિ જમતા. ઈસલીયે યહી બસ ગયા. અબ તો યહાં મૌજ સે કટ રહી હૈ. જો ગાને વહાઁ દિલ્હી નહિ લીખ પાયા વો યહાં અપને આપ અંદર સે આતે હૈ.”

આટલો વખત ચુપચાપ બેઠેલી નમ્રતાને રોહને પોતાની આખી વાર્તા કીધી એને લીધે, તેમજ એક્સીડેન્ટમાં માં-બાપ ગુમાવી બેસેલા છોકરાંઓની વાત સાંભળીને પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો. જેને તે ભૂલવા માટે અહી આવી હતી એ તેનો પીછો જ નહોતો છોડતો. લાગણીઓના પૂરમાં આવીને અને થોડી “ભૂત”ની અસર હેઠળ તેણે હરપ્રીત ને પૂછ્યું, “થોડી દેર પહેલે આપને ઐસા કયું કહા થા કે કહી હમ દોનો ઘર સે ભાગ કે તો નહિ આયે ના?” “મૈને તો બસ યુ હી કહા થા” “સચ બતાઈયે ઐસે હી કહા થા યા આપકો સચ્ચી ઐસા લગા થા?” “સચ બોલું તો મુઝે એક ખૌફ નઝર આતા હૈ જો હમેશા તેરી આંખોમેં છાયા હુઆ રહેતા હૈ” હરપ્રીતની સાથે બરોબર નજર મેળવીને, બધો જ ડર હટાવીને નમ્રતા બોલી, “ઠીક પહેચાના આપને … મૈ વાકઈ મેં ઘર સે ભાગ કે આયી હું” રોહનને આ સાંભળીને આઘાત લાગ્યો. છતાં કઈ પ્રતિભાવ આપ્યા વગર આગળની વાત ધ્યાનથી સાંભળવા લાગ્યો, “મેરે પાપા ભી કુછ સાલ પહેલે એક્સીડેન્ટમેં મારે ગયે. લેકિન મેરા પરિવાર તો બહોત બડા હૈ. મેરી દેખભાલ કર સકે વૈસે લોગ ભી બહોત સારે હૈ. ફિર ભી કયું કીસીને મેરા ખયાલ નહિ રખા? કયું કોઈ મુઝે પ્યાર નહિ કરતા? આપ તો પરાયે હો કર ભી ઇન બચ્ચો કે માં ઔર બાપ દોનો બન કે સંભાલ રહે હો. ઔર મેરી માં, દો – દો ચાચા – ચાચીયા હોતે હુએ ભી કયું મુઝે અનાથ કી તરહ જીના પડતા હૈ?” વર્ષોથી મજબુત હોવાનો દેખાવ કરી રહેલી નમ્રતા આજે સાવ અજાણ્યા લોકો સામે ભાંગી પડી. થોડી વારે એનું રડવાનું શાંત થતા તે આગળ બોલી, “ઓલી મારી નાની કાકી … એને તો બસ એ જ જોઈએ છીએ કે હું એના ભાણેજ જોડે પરણી જાઉં અને મારા બાપની સંપત્તિ એને મળે. સાલો એક નંબરનો નપાવટ છે એનો ભાણેજ. રોહન, તે દિવસે તું બોટમાંથી ઉતરીને ગયો પછી શું વીતી છે મારી પર ખબર છે તને? એક ગુંડો મારો પીછો કરતો કરતો ઘર સુધી આવ્યો હતો અને બાલ્કની નીચે ઉભો રહીને મારા ફોટા પાડતો હતો અને પછી બીજા દિવસે …

***

એક મહિના પહેલા

નમ્રતાને વહેલી પરોઢે માંડ માંડ ઊંઘ આવી હતી ત્યાં એની નાની કાકી આવીને એને આઠ વાગ્યામાં ઉઠાડી ગઈ. જલ્દી તૈયાર થઈને બહાર આવવા કહ્યું. કોઈ તેને મળવા આવ્યું હતું. કોણ હશે એ વિચારતા નમ્રતા તૈયારી થવા ગઈ.

ગઈ રાતની ઘટનાઓએ નમ્રતાને ચેનથી સુવા નહોતી દીધી. એક લફંગાએ એની છેડતી કરી હતી. વાત એટલેથી જ પુરી થઇ હોત તો બહુ વાંધો નહોતો. પણ પેલો એનો પીછો કરતાં કરતાં ઘર સુધી પહોંચી ગયો હતો અને બાલ્કની નીચે ઉભો રહીને તેના ફોટો પાડવાની કોશિશ કરી રહ્યો હતો. નમ્રતાએ જ્યારે એને પડકાર્યો તો તે ભાગી ગયો. આ બાબત પણ કદાચ તેને એટલી બધી અસર ન કરત. જે વાતે તેને સુવા નહોતી દીધી એ એ હતી કે પેલો માણસ સાવ અજાણ્યો નહોતો. નક્કી તેને ક્યાંક જોયો હતો. પરંતુ ક્યાં એ જ નમ્રતાને યાદ નહોતું આવતું.

એ તૈયાર થઈને બહાર ગઈ ત્યાં નાની કાકીના ભાઈ ભાભી બેઠાં હતાં. નાની કાકીએ ઇશારાથી જ એમને પગે લાગવાનું કહ્યું. કાકીની બધી વાત માની જાય તો એ નમ્રતા જ શાની? કાકીને એમની વાત ન માની એટલે ખીજ ચડી. એમણે તરત બીજું કામ સોંપ્યું, “નમ્રતા, અતિથિ જન્યો કિછુ ખાબાર આનતે”. નમ્રતા જાણે કાંઇ સમજી જ ન હોય એમ તેણે કહ્યું, “કાકી ગુજરાતીમાં ફરી કહેશો? તમને તો ખબર જ છે ને કે મને બંગાળી જરાય નથી સમજાતું” કાકી મોં બગાડીને બોલી, “કૃપા કરીને મહેમાન માટે નાસ્તો લઇ આવશો માતાજી? કે પછી હું જ લઇ આવું?” નમ્રતાને મન તો થયું કે તમે જ લઇ આવો એમ કહી દે પણ પછી વિચાર્યું કે અહીં બેઠી રહેશે તો આ મહેમાનો સાથે કઈંક નાનીમોટી વાત કરવી પડશે. નહીં તો તેઓ આવ્યા ત્યારથી એને જેમ એકીટશે જોઈ રહ્યા છે એ જ ચાલુ રહેશે. તે ચૂપચાપ રસોડામાં જઈને બે પ્લેટમાં ઝાલમૂડી બનાવવા લાગી. સેવ મમરામાં એક બે ચટણી નાખી અને ખુબ બધું રાઈનું તેલ રેડ્યું જેની વાસ આખા ઘરમાં ફેલાઈ ગઈ. નમ્રતાને રાઈનું તેલ જરાય પસંદ નહોતું. બંગાળીઓ શું વિચારીને સૂકી ભેળમાં રાઈનું તેલ નાખીને એને ઝાલમૂડીને નામે પીરસતા હશે? બન્ને મહેમાનોને એક એક પ્લેટ પકડાવીને તે પાછી પોતાના રૂમમાં જઈ રહી હતી. ત્યાં એના કાને એવી વાત પડી જેથી એ ખૂણામાં ઉભી રહીને કાકી અને તેમનાં ભાઈ ભાભી વચ્ચેની વાતો સાંભળી રહી. જેનો સાર કઇંક એવો હતો કે, નમ્રતા નાપાસ થઇ એટલે હવે તેને આગળ ભણાવવાનો ખર્ચ ગેરવ્યાજબી ગણાય. એના વહેલી તકે લગ્ન કરાવી દેવા જોઈએ. ભાઈ ભાભીનો છોકરો લગ્ન માટે યોગ્ય ઉમેદવાર હતો. ઉપરાંત એક વાર લગ્ન થઇ જાય પછી નમ્રતાના પપ્પાએ એના માટે વસિયતમાં લખેલી સંપત્તિ મેળવવી સહેલી થઇ પડશે. ભાઈ ભાભીને નમ્રતા પસંદ હતી. જો નમ્રતાને એમનો છોકરો પસંદ પડે તો તેમને આ સંબંધ સામે કોઈ વાંધો નહોતો. છોકરાનો ફોટો આપીને તેઓ ગયા. નમ્રતાએ ફોટો જોયા વગર જ એની ચોપડીઓ વચ્ચે મૂકી દીધો.

ત્યારબાદ કેટલાક દિવસો સુધી નમ્રતા પેલા ગુંડાના ભયથી ઘરની બહાર જ નીકળી નહીં. તેની કાકી રોજ લગ્ન વિષે તેને સમજાવવાનો પ્રયાસ કરતી હતી. ક્યારેક મોટી કાકી અને કાકાઓ પણ તેમાં જોડાઈ જતા. તે ઘરમાં બેઠી બેઠી ગુંગળાઇ રહી હતી. તેનો ભણવામાં પણ મન નહોતું લાગતું. તેને થયું કે જો આમ જ ચાલતું રહેશે તો તે ફરીથી નાપાસ થશે અને પછી તેને નાછૂટકે લગ્ન કરવા જ પડશે. જ્યારે લગ્નનો ભય ગુંડાના ભય કરતાં વધી ગયો ત્યારે તેણે કોલેજની લાઈબ્રેરીમાં જઈને વાંચવાનું શરુ કર્યું. આવતી જતી વખતે તે હંમેશા કોઈને કોઈ સહેલીને સાથે જ રાખતી. પરીક્ષા નજીક આવી રહી હતી અને તે પેલા ગુંડાને ભૂલી જ ગઈ હતી. એવામાં તે એક સાંજે બાઇક પર આવ્યો. સાંકડી ગલીમાં નમ્રતાને આંતરીને ઉભો રહ્યો અને કહ્યું કે તેને બાઇક પર ઘરે મૂકી જશે. નમ્રતા એની સહેલીનો હાથ પક્ડીને ચાલવા લાગી. પેલાએ એક બાટલી કાઢી અને અંદરનું પ્રવાહી નમ્રતાના પગ પાસે ફેંક્યું. રસ્તા પર ફીણ જામી ગયા. “એટા કોન્શનટ્રેટેડ શાલફૂરિક એસિડ. એખોન પાથે ના, તોમાર મુખે ધેલે. શાંતભાબે બાઇક ઉપર બશ્તે યાચ્છે.” (આ કોનસંટ્રેટેડ સલ્ફયુરિક એસિડ છે. આ વખતે રસ્તા પર નહીં પણ તારા મોઢા પર પડશે. ચૂપચાપ બાઇક પર બેસી જા). બીજો કોઈ રસ્તો ન દેખાતા નમ્રતા બાઇક પર બેસી ગઈ અને બાઇક ઝડપથી ચાલી ગઈ.

તેની સહેલીએ બાઈકનો નંબર નોંધી રાખ્યો હતો. તે જલ્દીથી નમ્રતાને ઘરે પહોંચી. નમ્રતા હજી સુધી ઘરે નહોતી પહોંચી. તેની ધારણા સાચી હતી, પેલો બદમાશ નમ્રતાને ક્યાંક બીજે જ ઉપાડી ગયો હતો. તેણે કાકા કાકીને બધી જ વાત કહી દીધી. કાકી તો માનવા જ તૈયાર નહોતા. તેમને મતે નમ્રતા એના કોઈ મિત્ર સાથે જ ગઈ હતી અને ઘરે ખબર ન પડે એટલા માટે આખું ત્રાગું રચ્યું હતું. કાકાને તેની ચિંતા થવા લાગી ત્યારે તેમણે પોલીસમાં ફરિયાદ લખાવવાનું નક્કી કર્યું.

નમ્રતાની આંખો ખુલી ત્યારે સામે એક પરાણે વહાલું લાગે આવું સફેદ કુતરું બેઠું હતું. પોતાને ભાનમાં આવેલી જોઇને તે પૂંછડી પટપટાવવા લાગ્યું. પાસે આવવા તે દોડ્યું પણ ગળામાં બાંધેલો પટ્ટો એને પાછળ ખેંચી રહ્યો હતો. તે ગળે ભીંસ અનુભવતા ભસવા લાગ્યું. નમ્રતા તેની પાસે જઈને પંપાળવા જતી હતી ત્યાં એ પણ ઉભી ન થઇ શકી. તેના હાથ અને પગ પલંગ સાથે બાંધી રાખવામાં આવ્યા હતા. તે બુમો પાડવા લાગી. તેની બુમો અને કુતરાનું ભસવાનું સાંભળીને પેલો ગુંડો આવ્યો. “ના ના ના … કિછુ ના” કુતરાને સંબોધીને તે બોલ્યો. “તુમી એખોન એખેબરે નિરાપદ હાય” (તું મારી પાસે બિલકુલ સુરક્ષિત છે) નમ્રતાને હવે ખ્યાલ આવ્યો કે પોતે કોઈ સાવ અજાણી જગ્યાએ બંદી બનીને આવી ગઈ છે. તેણે  પેલાને પૂછ્યું, “તે મને ઘરે લઇ જવાનું કહીને બાઈક પર બેસાડી હતી. આ ક્યાં લઇ આવ્યો?” “ઘર તા ઈ. કિન્તુ આમાર બારીતે. બીયેર પોર આપનાર હોબે” (ઘર જ તો છે. પણ મારું ઘર છે. આપણા લગ્ન પછી તારું પણ થઇ જશે). નમ્રતાએ છુટવા માટે શરીરનું બધું જોર લગાવી દીધું. “હું મરી જઈશ પણ તારી સાથે તો લગન નહિ જ કરું. એકવાર મને અહીંથી બહાર નીકળવા દે પછી જો તને જેલમાં મોકલીશ”. પેલો જોરજોરથી હસવા લાગ્યો. “આમી કોમરેડ પાર્ટીરા પ્રોધાન જુબાકર્મી. પોલીશ આમાર ચૂલ ખોતી કોર્બે પાર્બે ના” (હું કોમરેડ પાર્ટીનો યુવાશાખાનો પ્રમુખ છું. પોલીસ મારો વાળ પણ વાંકો નહિ કરી શકે) એમ કહેતાં તેણે નમ્રતાના વાળમાં હાથ ફેરવ્યો. નમ્રતા ગુસ્સાથી તેના પર થુંકી. “હાથ નહિ લગાડ મને” એમ બોલતા બોલતા તેનો અવાજ ફાટી ગયો. પેલો થોડો પાછળ હટ્યો અને મોઢું લૂછતાં બોલ્યો, “રેપ કરા હાબે ના. બીબાહ હોબે. તુમી એખોન એખેબરે નિરાપદ હાય” (રેપ નહિ કરું તારી પર. લગ્ન કરીશ. ડર નહિ, તું મારી પાસે બિલકુલ સુરક્ષિત છે). એમ બોલીને પેલો રૂમમાંથી નીકળી ગયો.

***

ક્રમશ: