એક મહિના પછી…

ન્યુ દિલ્હી રેલ્વે સ્ટેશનની બહાર બપોરના બાર વાગ્યાની આસપાસ એક ટૂંકા કાંટાળા વાળ, વધેલી છતાં વ્યવસ્થિત રાખેલી કાળી કાળી દાઢી વાળો, બાવડાં દેખાય એવું ચપોચપ ટી-શર્ટ પહેરેલો એક હટ્ટોકટ્ટો જુવાન બીજા એક જુવાન, લગભગ એની જ ઉમરના છતાં ગરીબડા લાગતા સાઇકલ રીક્ષા વાળાને પીટી રહ્યો હતો. સાવ ક્ષુલ્લક વાતમાંથી શરુ થયેલો ઝઘડો જોતજોતામાં હાથાપાઈનું રૂપ લઇ ચુક્યો હતો. થયું એવું કે તગડા જુવાનની હરિયાણા નંબરપ્લેટ ધરાવતી મોંઘીદાટ અને નવીનકોર – જેની હજુ રીબીન પણ નહોતી ખોલી – એવી ગાડી સાથે સાઈકલ રીક્ષા વાળો ઘસાયો અને ગાડી પર નાનોસરખો ઉઝરડો પડી ગયો. અને રીક્ષા વાળનું આવી બન્યું. ભૂલ કોની હતી એ મહત્વનું નહોતું. દિલ્હીની શેરીઓના વણલખ્યા નિયમ પ્રમાણે જો તમે ઝઘડામાં સહેજ પણ ઢીલા પડ્યા તો સામેવાળો ચડી બેસે. વાંક ભલે તમારો હોય છતાં બોલાચાલી થાય તો પુરા જોશથી ઘાંટા પાડી પાડીને તમારી સચ્ચાઈ સાબિત કરવી જ રહી. સાઈકલ રીક્ષા વાળો કદાચ આ બાબતથી અપરિચિત હતો કે પછી આટલી મોટી ગાડી જોઇને બઘવાઈ ગયો. ગાડી વાળો હરિયાણવી બોલી – કે જેમાં સામાન્ય વાતચીત પણ વઢતા હોય એવી લાગે – એમાં બરાડા પાડી પાડીને ગાળો આપવા લાગ્યો. સાઈકલ રીક્ષા વાળો બાપડો બે હાથ જોડીને કરગરી રહ્યો. એ જોઇને પેલો વધુ જોશમાં આવી ગયો અને સાઈકલ રિક્ષાને બે હાથેથી ધક્કો મારીને આડી પાડી દીધી. આ તમાશો જોવા ખાસી એવી ભીડ જમા થઇ ગઈ હતી. સ્ટેશનની બહારનો સાંકડો રસ્તો આડી પડેલી સાઈકલ રીક્ષા અને પાર્ક કરેલી ગાડીને કારણે રોકાઈ ગયો હતો અને ટ્રાફિક જમા થવા લાગ્યો હતો.

છેલ્લી દસેક મિનિટથી નમ્રતા આ બધું જોતી ઉભી હતી. ન્યુ દિલ્હી સ્ટેશન અને એની આસપાસનો માહોલ જોઇને તેને એમ જ લાગી રહ્યું હતું કે જાણે તે હજી હાવડા સ્ટેશન પર જ છે. જાણે ચાલીસ કલાક પહેલા તે હાવડાથી જે ટ્રેનમાં ચડી હતી તે હરીફરીને પાછી હાવડા પર જ લઇ આવી હોય… એવી જ ભીડ, એ જ કોલાહલ, એવી જ અવ્યવસ્થા, એવી જ વાસ અને એવા જ ગંદા માણસો. મારામારીની મજા લઇ રહેલા નવરા લોકોમાંથી કેટલાક હવે બેકપેક પહેરેલી એકલી નમ્રતા તરફ જોઈ રહ્યા હતા. અને તે પણ ત્રાંસી નજર ફેંકીને એકવાર જોઈ લીધું એમ નહિ, આંખો ફાડી ફાડીને ઉપરથી નીચે સુધી જાણે બાપ જનમમાં કોઈ છોકરી જોઈ જ ન હોય એમ સ્કેનીંગ કરી રહ્યા હતા. તેમની માટે એક લાચારને માર ખાતો જોવો કે પછી એકલી છોકરીને ત્યાં સુધી જોયા કરવી કે તે લાચાર મહેસુસ કરવા લાગે – બંને સરખું જ મનોરંજન હતું. નમ્રતા ટોળાથી થોડે દુર જઈને ઉભી રહી. તે રોહનની રાહ જોઈ રહી હતી. ગઈકાલે રાતે છેલ્લી તેમની વાત થઇ ત્યારે આ જ જગ્યાએ મળવાનું નક્કી થયું હતું. ત્યાર બાદ રોહનનો ફોન બંધ આવી રહ્યો હતો. તે પોતાના ઓગણીસ વર્ષના જીવનમાં પહેલી વખત આટલી હિંમત કરીને સાવ અજાણી જગ્યએ એકલી આવી હતી. સાથે ખાસ કંઈ પૈસા પણ નહોતા. તેને અજાણી દુનિયાનો ડર પણ લાગી રહ્યો હતો અને પોતાની જાત પર આવું ઉતાવળિયું પગલું ભરવા બદલ ગુસ્સો પણ આવી રહ્યો હતો. જો રોહન જુઠ્ઠો નીકળ્યો અને આવ્યો જ નહિ તો પોતે શું કરશે? પોતાની મેળે આગળનો પ્રવાસ કરશે કે પછી કલકત્તા પાછી જશે? ના ના, ઘરે પાછા જવું એ તો વિકલ્પ હતો જ નહિ. જો આવતી પાંચ મીનીટમાં રોહન ન આવ્યો તો પોતે કમસેકમ અહીંથી તો ચાલતી જ પકડશે પછી આગળ જ્યાં નિયતિ લઇ જાય. કારણકે અહી ચેનથી ઉભા રહેવું પણ શક્ય નહોતું. તેને એકલી અને મૂંઝાયેલી જોઇને ટેક્સી વાળા, રિક્ષાવાળા, હોટેલના દલાલ અને ભિખારી સુદ્ધા પોતપોતાની સેવાનો લાભ આપવા માટે તેની આસપાસ માખીની જેમ આવીને બણબણી રહ્યા.

નમ્રતાએ એકલા જવાની નોબત ન આવી. દુર સુધી ફેલાયેલા કાળા માથાના સમુદ્રમાં બધાથી ઉંચો એ આવતો દેખાયો. નમ્રતા તરત જ પાસેના ફૂટપાથ પર ચઢીને અને ત્યારબાદ એક પત્થર પર ચઢીને બંને હાથ ઉપર કરીને તેને બોલાવવા લાગી. હજુ થોડા લોકો એની તરફ જોવા લાગ્યા. રોહને દુરથી જ નમ્રતાને જોઈ અને ખુશીથી છલકાઈ ગયો હોય એવું સ્માઈલ આપ્યું. આ વખતે નમ્રતા સામેથી ભેટી પડી. નદીના પ્રવાહમાં તણાતા માણસને કિનારા પરના ઝાડની પાણી પર લટકતી ડાળખી હાથમાં આવી ગઈ હોય એવી રીતે નમ્રતા રોહનને વળગી પડી. “કેટલી વાર લગાડી દીધી? અને ફોન પણ બંધ કરીને રાખ્યો છે …” સહેજ ભીની આંખે નમ્રતાએ રોષ ઠાલવ્યો. રોહન પરિસ્થિતિ સમજી ગયો “તને શું લાગ્યું કે હું નહિ આવું?” નમ્રતાએ કોઈ જવાબ ન આપ્યો. “અરે આપણી એક મહિનાની ચેટ પછી પણ તું મને હજી ઓળખી ન શકી?” “એવું નથી … પણ લોકો ચેટીંગમાં જે હોય એના કરતા અલગ જ ઓળખ ઉભી કરી શકે છે … અને તારો ફોન પણ બંધ છે અને હું ક્યારની ઉભી છું અહિયાં અને બધા લોકો મારી સામે ઘૂરી ઘૂરી ને જોવે છે … અને હું કઈ રીતે ટ્રેનમાં ચાલીસ કલાક વિતાવીને આવી છું એ ખબર છે તને … અને અને અહિયાં કેટલી ગરમી છે અને હું કેટલી ગંદી છું … મારે નહાવું છે … ” “ભાલો  ભાલો કાળી મા હવે શાંત થાઓ. નહી તો પેલા પોલીસવાળા મને ગુંડો સમજી બેસશે અને એક છોકરીની છેડતી કરવા માટે થાણામાં લઇ જશે”. જમા થયેલા ટોળાને વિખેરવા માટે એક કોન્સ્ટેબલ આવી ગયો હતો અને એક બે જણને લાફા મારી રહ્યો હતો. આ જોઇને બાકી બધા આઘા પાછા થઇ ગયા. પોલીસને જોઇને નમ્રતા ગભરાઈ ગઈ. તે રોહનનો હાથ ખેંચીને ત્યાંથી દુર ઝડપભેર ચાલવા લાગી. રોહન તેને બુક કરેલી હોટેલ તરફ દોરી ગયો.

હોટેલ સ્ટેશનની પાસેના પહાડગંજ વિસ્તારમાં આવેલી હતી. પહાડગંજ એટલે દિલ્હીના દિલમાં વસેલો અેક અતિ ભરચક વિસ્તાર જે ખાણીપીણી માટે પ્રખ્યાત અને અનેકવિધ બિનસામાજિક પ્રવૃત્તિઓ માટે કુખ્યાત હતો. સાંજના સમયે જો તમે અહીં આવો અને એક પેઈન્ટરની નજરે “વન પોઈન્ટ પર્સ્પેક્ટીવ” માં જુઓ તો ક્ષિતિજ સુધી ચાલ્યા જતા સાંકડા રસ્તાની બેવ તરફ બે-ત્રણ માળના ગીચોગીચ ઉગી નીકળેલા જુનાપુરાણા મકાનોનો રાફડો જોવા મળે. લાલ-લીલી-પીળી-બ્લુ ફ્લોરોસેન્ટ લાઈટથી લદાયેલું દરેક મકાન તેમાં ચાલતી હોટેલના નામની બાંગ પોકારતું અને કહેતું કે આવો મારામાં રહો, મારો રૂમ સૌથી સારો અને કિફાયતી છે. તમારા રૂમની બારીમાંથી આસાનીથી આજુબાજુની ત્રણ-ચાર હોટેલના રૂમોમાં ડોકિયું કરી શકાય એટલી પાસે આવેલી હોટેલો વિદેશી સહેલાણીઓથી ભરેલી હતી. ભારતીયો જ્યાં રહેવાનું ભાગ્યે જ પસંદ કરે એવી સસ્તી જગ્યાઓમાં ધોળિયાઓ, અલબત્ત ગરીબ ધોળિયાઓ, પ્રેમથી રહેતા હોય છે. નીચે રસ્તા પરની દુકાનોમાં પણ વિદેશીઓને પસંદ પડે એવી ભારતીય કલાકારીગરીની વસ્તુઓ વેચાતી જોઈ શકાતી. એ સિવાય સાઈબર કેફે, ટ્રાવેલ એજન્ટ, વૈષ્ણો ધાબા (શુદ્ધ શાકાહારી), સસ્તી બાર વગેરે દુકાનોને કારણે ચોવીસે કલાક આ વિસ્તાર ધમધમતો રહેતો. બે સાઇકલ રીક્ષા સામે થઇ જાય તો બ્લોક થઇ જાય એવા સાંકડા રસ્તા પર તમે લટાર મારો તો દેશવિદેશની પચરંગી પ્રજા નજરે ચડે. હોટેલની રોશનીને લીધે આખું વર્ષ દિવાળી હોય એવું જ લાગે. આવી જ એક કૃત્રિમ રોશનીની ચમક વડે ખખડધજ મકાનને ઢાંકવાનો પ્રયત્ન કરી રહેલી હોટેલમાં રોહનની પાછળ નમ્રતા પ્રવેશી. થોડીવાર પહેલા આવીને રૂમ બુક કરાવી ગયેલા રોહનને છોકરી સાથે પાછો ફરતા જોઇને હોટેલના રેસેપ્શનીસ્ટનું મોઢું બગડ્યું અને તેના ચહેરા પર “આજકાલના છોકરા છોકરીઓ તો સાવ હાથમાંથી ગયા છે” એવા ભાવ ઉપસી આવ્યા. રોહને કદાચ એ નોંધ્યું નહિ અને જો નોંધ્યું તો પણ નજરઅંદાજ કરીને તે રૂમ તરફ ચાલ્યો. નમ્રતાએ પેલાની સાથે બરોબર નજર મેળવીને “સાચુંખોટું વિચારવા કરતા તારું કામ કર” એવો સંદેશ આંખો વડે જ આપી દીધો. આંખોથી ધારી વાત કહી દેવાની છોકરીઓને બહુ સારી ફાવટ હોય છે.

બહારથી જૂનીપુરાણી લાગતી હોટેલ અંદરથી એટલી ખરાબ નહોતી. રૂમ તો ઘણો જ સારો હતો. નમ્રતા ફ્રેશ થવા બાથરૂમમાં પ્રવેશીને પાછળ દરવાજાને લોક કર્યો ત્યારે તેને એક અજબ સલામતીની લાગણી થઇ આવી. લગભગ એક મહિના પહેલા પેલા બદમાશ સાથે બોટમાં ભેટો થયો હતો તેને લીધે અને ત્યાર પછી ઘટનાઓએ લીધેલા વળાંકોને કારણે નમ્રતા સતત અસલામતી અને બેચેની અનુભવતી હતી. પાછલા એક મહિનાના બધા જ ભયાનક દ્રશ્યો નમ્રતાની સ્મૃતિમાં ઝડપભેર દોડી રહ્યા. આ સમય તેની જિંદગીનો સૌથી ખરાબ સમય હતો. એમાં રોહન સાથેની ચેટ એ એક જ તેનો સધિયારો હતો. આજે આ નાનકડા, મકાનની બાંધણીને લીધે બારી વગરના બાથરૂમમાં પોતાને કેદ કરીને તેને લાગ્યું કે અહી તેના ભૂતકાળનો પડછાયો પણ પ્રવેશી નહિ શકે. તે સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાનું અનુભવી રહી હતી. તેની આ મનોસ્થિતિ ક્ષણજીવી સાબિત થઇ. હોટેલની લોબીમાં જોરથી એલાર્મ વાગી ઉઠી અને દરવાજા પર ટકોરા મારીને કોઈ ઉતાવળા અવાજે કઈ કહી ગયું. તરત રોહનનો અવાજ આવ્યો “જલ્દી ચલ નીચે પોલીસ આવી છે. આપણે અહીંથી નીકળવું પડશે” અને એ બહાર નીકળે એ પેહલા તો લાઈટ જતી રહી. નમ્રતાને ધ્રાસકો પડ્યો કે શું અહી prostitution ચાલતું હશે? હોટેલના આવા દીદાર જોઇને અને પેલા લુચ્ચા રીસેપ્શનીસ્ટને જોઇને પોતાને પહેલા જ સમજી જવું જોઈતું હતું. શું રોહન પણ આમાં સામેલ હશે? હવે શું થશે? જો પોતે ખોટી રીતે આમાં ફસાઈ ગઈ તો તો ઉલમાંથી ચૂલમાં પડ્યા જેવી પરિસ્થિતિ થશે. તેનું ચાલત તો તે આ બાથરૂમમાં જ તેની બાકીની જિંદગી પુરાઈને રહેત. પણ રોહનના એકધારા ટકોરો તેને રહેવા દે તેમ નહોતા. તે કમને બહાર નીકળી. રોહન તેને મોબાઈલના ઝાંખા પ્રકાશમાં હાથ પકડીને નીચે લઇ ગયો. હોટેલના કોમન એરિયામાં લાઈટ ચાલુ હતી અને ત્યાં જ બધા ઉતારુઓ ભેગા થયા હતા. તેમાં મોટાભાગના જુવાન યુગલો જ હતા. ઓફિસર જેવો દેખાતો એક તગડો પોલીસ અને બે કોન્સ્ટેબલ ટોળાની વચ્ચે ઉભા ઉભા રીસેપ્શનીસ્ટ જોડે વાતો કરી રહ્યા હતા. નમ્રતા સિવાય બાકીના બધા લોકો ખુબ જ રીલેક્સ લગતા હતા. રોહન તેને લઈને આવ્યો એટલે પોલીસ ઓફિસર ધીમી તાળી પાડવા લાગ્યો. તેને જોઇને ટોળામાંના કેટલાક હરખપદુડા લોકો પણ તાળી પાડવા જોડાયા. નમ્રતાને ખબર જ નહોતી પડતી કે શું થઇ રહ્યું છે. પોલીસ બોલ્યો, “બહોત ખુબ મેડમ. કેહતે હૈ હિન્દુસ્તાનમેં પુલીસ સબસે દેરી સે આતી હૈ લેકિન આપ ને તો હમ સે ભી ઝ્યાદા દેર કર દી. કુલ મિલા કે તીન મિનીટમેં બાકી સારે લોગ નીચે આ ગયે ઔર આપને અકેલેને દસ મિનીટ લગા દી…” “વો બાથરૂમમે થી” નમ્રતાનો ભયભીત ચહેરો જોઇને રોહને તેનો બચાવ કરતા કહ્યું. “બસ સર યે હી તો પ્રોબ્લેમ હૈ ઔરતો કી. તૈયાર હોને સે હી ફુરસત નહિ મિલતી. મેડમ કોઈ મોલ મેં ઘૂમને નહિ જાના. અગર સચ મેં આગ લગી યા માનો કોઈ ઔર એમેર્જેન્સી આ ગયી તબ આપકી યે આદત જાન લે સકતી હૈ” નમ્રતાને હવે જઈને સમજાયું કે આ કોઈ રેઇડ નહિ પણ મોક ડ્રીલ હતી. તેણે રોહન સામે રોષભરી નજરે જોઇને “મને પહેલા કેમ ના કહ્યું” એવું (આંખો વડે જ) પુછ્યું. પોલીસનું વઢવાનું ચાલુ જ હતું. નમ્રતા તેને વચ્ચેથી જ અટકાવીને, બે કાન પકડીને મીઠડી થતા બોલી, “સોરી દાદા ગલતી હો ગયી. આગે સે ઐસા નહિ હોગા” રીસેપ્શનીસ્ટે અગવડ બદલ બધા મહેમાનોની માફી માગી અને ધીમે ધીમે લોકો વિખેરાવા લાગ્યા. રોહન-નમ્રતા પણ હળવા થઈને દિલ્હીનું લાજવાબ સ્ટ્રીટ ફૂડ ખાવા નીકળી પડ્યા. જો કે ખાતી વખતે પણ નમ્રતાના મગજમાં અહીંથી ભાગી છૂટવાના વિચારો ચાલતા હતા. મોટા શહેરમાં વધુ વખત રહેવું જોખમથી ભરેલું હતું. કોઈ ઓળખીતું મળી ગયું કે ફરીથી પોલીસ સાથે પનારો પાડવાનો થયો તો નસીબ હમેશા સાથ નહિ આપે. ઉપરાંત આ હોટેલ ખુબ મોંઘી હતી. સાથે લાવેલા પૈસામાંથી મોટો ભાગ અહી રહેવામાં ખર્ચાઈ જાય એમ હતું. એટલે બને એટલું જલ્દી અહીંથી દુર નીકળી જવામાં જ શાણપણ હતું. તેણે રોહનને અડધા જ દિવસના પૈસા આપીને ચેકઆઉટ કરવા મનાવી લીધો.

શહેરની બહાર એક્સપ્રેસવે પર રાતના અગિયાર વાગ્યે એસ ટી બસ પુરપાટ વેગે દોડતી હતી. કમોસમી વરસાદે રસ્તા ધોઈને ચોક્ખા ચણાક કરી નાખ્યા હતા. કાચ પર જામેલા ભેજ પર નમ્રતા આગળીઓ વડે ચિત્રો બનાવી રહી હતી. તેણે બાઈક પર સવાર એક યુવાન નું ચિત્ર બનાવ્યું. બારીમાંથી પસાર થઇ રહેલા ઝાડ, મકાનો, વીજળી ના થાંભલા વગેરે ને પૃષ્ઠભુ માં જતા જોઈ જાણે બાઈક ચિત્રમાંથી નીકળીને રસ્તા પર દોડતી હોય એવું લાગી રહ્યું હતું. પોતે જાણે  બસની બદલે બાઈકની પાછળ  પેલા યુવાનને વળગીને બેઠી  હોય એવું લાગી રહ્યું, તેને પોતાનો પ્રોફેસર વિવેક યાદ આવી ગયો. પછી  તરત તેને એક જાતની પીડા ઉઠી અને સાથે જ પોતાના પર ગુસ્સો પણ આવ્યો. જે પોતાને તરછોડીને ચાલ્યો ગયો તેના વિચારોમાં ખોવાઇને જે પોતાને પેલા શહેરની ચુંગાલમાંથી છોડાવીને લઇ આવ્યો હતો અને બાજુમાં બેઠો હતો એને અવગણી રહી હતી. જોયું તો રોહન તો સુઈ ગયો હતો. બારી પર ફરી પાછો ભેજ જામી ગયો હતો અને બાઈક નું ચિત્ર ભુંસાઈ  ગયું હતું. કે કદાચ બાઈક  બસને ઓવરટેક કરીને આગળ ચાલ્યું ગયું હતું. તેણે ફરી કાચ પર આંગળીઓ દોડાવીને પર્વતો ચીતરી માર્યા. બે પર્વતની વચ્ચેથી એક ધસમસતી નદી વહી રહી હતી. તેની આંગળીઓથી છંછેડાયેલા  ભેજનું પાણી સાચે જ નદીમાં વહી રહ્યું. પહાડોની સામે એણે  એક ખેતર બનાવ્યું જેમાં એક નાનકડી ઝુપડી હતી. ઝુંપડીની બહાર ફળિયામાં એક નાનો છોકરો અને છોકરી રમી રહ્યા હતા. બહારની લાઈટ બારીના ભેજમાંથી ધૂંધળી  ધૂંધળી  લગતી હતી. તે જ્યારે બે પર્વતની બરોબર વચ્ચે આવતી ત્યારે સુર્યાસ્ત કે સૂર્યોદય થતો હોય એવું લાગતું. આમ બે લાઈટના થાંભલાની વચ્ચેના  સૂર્યોદય-સુર્યાસ્ત વાળા  દિવસ-રાતના ચક્રમાં પેલા બે છોકરા-છોકરી પોતાનું બાળપણ વિતાવી  હતા. ગાંજો ફૂક્યા વગર જ આજે નમ્રતાની કલ્પના છુટ્ટી દોડી રહી હતી. કદાચ આ પ્રવાસનો નશો હતો. આગળ વાળાની ખુલ્લી બારીમાંથી આવતી આઝાદીની હવાનો કેફ હતો. આમ ને આમ નમ્રતા ક્યારે રોહનના ખભે માથું ઢાળીને સુઈ ગઈ એની એને જાણ જ ન રહી.

નમ્રતાને તેના વાળમાં કોઈ હાથ ફેરવી રહ્યું છે અને ગાલ પંપાળી રહ્યું છે એવા સપના આવી રહ્યા હતા. કોઈના પ્રેમભર્યા સ્પર્શને ઝંખતી નમ્રતાને આ સપનામાં મજા આવવી જોઈતી હતી પણ તેને બદલે તેને એક વિચિત્ર પ્રકારનો અણગમો થઇ આવ્યો. પેલો હાથ ગાલ પરથી સરકીને તેની છાતી પર આવ્યો હોય એવો ભાસ થતા તે સળવળીને ઉઠી ગઈ. તેની પાછળ ઝડપથી કાઈ ખસવાનો અવાજ તેને સંભળાયો. તેણે પાછળ ફરીને જોયું તો બે માણસો બેઠા હતા. એક બરોબર પોતાની સીટની પાછળ  માથું ટેકવીને સુતો હતો. કે પછી કદાચ સુવાનો ડોળ કરતો હતો. નમ્રતાને તેના પર વહેમ ગયો કે કદાચ તેણે જ પોતાને સ્પર્શવાનો પ્રયત્ન કર્યો હતો. બીજો માણસ જાગતો બેઠો હતો અને શૂન્યમાં તાકી રહ્યો હતો. જાણે દુનિયાની બધી જ ઉજળી અને અંધારી બાજુઓ જોઈ ચુક્યો હોય અને હવે તેને કઈ પણ ચલિત કરી શકે એમ ન હોય એવી એની નજર હતી. બંને ના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી. તેણે રોહનને જગાડીને કહ્યું કે પેલો જાણીજોઈને મારી પાછળ સુતો છે જેથી મોકો જોઇને મને સ્પર્શી શકે. રોહને તરત ઉભા થઈને નમ્રતાને બહાર ની તરફ આવીને બેસી જવા કહ્યું. નમ્રતા સ્તબ્ધ થઈને એની સામે જોઈ રહી. પછી કહ્યું છોડ જવા દે. તે એક મહિનાની ચેટ પરથી રોહનને જેટલું ઓળખી હતી તે પરથી એને એમ લાગ્યું કે રોહન હમણાં પેલાને બે ઉંધા હાથની લગાવશે અથવા તો બરાબરની સંભળાવી દેશે. એને બદલે રોહને તો અવાજ પણ ઉંચો કર્યા  વગર જગ્યા બદલી નાખવાનું કહ્યું. જો કે બરોબર જ હતું. તેમણે  ચેટ માં ક્યારેય પોતાની છેડતી થાય  તો રોહનનો શું પ્રતિભાવ હોય એ વિષે તો વાત કરી જ નહોતી. મનપસંદ પિક્ચર, મનપસંદ ગીતો , મનપસંદ ખાવાનું, મનપસંદ સ્થળો વગેરેની વાતો પર થી પોતે રોહનનો સ્વભાવ કેવો છે એ કઈ રીતે ધરી લીધું? છતાં તેની નજરોમાં રોહનના થોડા માર્ક્સ  તો ઓછા થઇ જ ગયા.

મોડી રાત અને પરોઢની વચ્ચેનો સમય થયો હતો. જ્યારે ઠંડી સૌથી વધુ હોય છે અને ઊંઘ પણ સૌથી વધુ આવે છે. ડ્રાઈવરે એક જગ્યાએ ચા પીવા માટે બસ ઉભી રાખી. તેની સાથે કંડક્ટર અને પાછળની સીટ વાળા પેલા બે માણસો પણ ઉતર્યા. નમ્રતા આંખો બંધ કરીને જાગતી જ બેઠી હતી. અધખુલ્લી આંખે તેણે જોયું કે પોતાની પાછળ બેસેલો માણસ પોલીસવાળો હતો અને તેની બાજુમાં બેઠેલા માણસને તે હાથકડી વડે બાંધીને લઇ જતો હતો. બંનેમાં ખરેખર તો ફક્ત વર્દીનો જ ફરક હતો બાકી વધુ મોટો ગુનેગાર કોણ એ કહી શકવું અઘરું હતું. નીચે ઉતરીને ત્રણે વાતે વળગ્યા. પેલા કેદીને તેમની વાતોમાં રસ હોય એવું નહોતું લાગતું. પોલીસવાળો બાકીના બે ને નમ્રતા તરફ આંગળી ચીંધીને કૈક કહી રહ્યો હતો. ત્યારબાદ ત્રણે નમ્રતાને જોઇને જોરજોરથી હસવા લાગ્યા. નમ્રતાને ત્યાંથી ભાગી જવાનું મન થઇ આવ્યું. પોલીસની સાથે પનારો પાડવો તેને કોઈ રીતે પાલવે તેમ નહોતો. અને એ પણ આવા ગુંડા જેવા બદમાશ પોલીસ જોડે તો કદાપી નહિ. પણ આવી કાળી રાતે સરકારી બસની  હુંફ અને સુરક્ષા  છોડીને બીજે ક્યાંય જવું મુર્ખામી ભર્યું હતું એટલે તે બેઠી રહી. તેના સદનસીબે પેલા પોલીસ અને કેદી  પાછા ચડ્યા જ  નહિ. નમ્રતાએ રાહત નો શ્વાસ લીધો. બસ હવે ઘાટ ચડવા લાગી હતી અને નમ્રતાની આંખો ઘેરાઈ ગઈ.

તે ઉઠી ત્યારે ઉજાસ પથરાઈ ગયો હતો. બારીની બહાર તેણે ગઈ રાતે ચિત્ર દોર્યું હતું એવું જ દ્રશ્ય હતું. ફરક માત્ર એટલો કે પહાડો બરફાચ્છાદિત હતા અને પેલા બે છોકરા-છોકરી ક્યાંય  નહોતા દેખાતા. તે વિસ્ફારિત નજરે જોતી જ રહી. તેની કલ્પનાથી પણ વધુ સુંદર વિશ્વમાં તે આવી પહોચી હતી. થોડી વારે તેણે નજર ફેરવીને સામે જોયું તો એક આઠેક વર્ષનો મસ્તી ખોર દેખાતો ટાબરિયો પોતાની સામે વિસ્ફારિત નજરે જોતો હતો. તેને માટે પોતે કદાચ એવું જ અજાયબ દ્રશ્ય હતી કે જેવું પોતાને માટે આ પહાડોનું સામ્રાજ્ય. જોતજોતામાં તેણે પેલા છોકરા સાથે પરિચય કેળવી લીધો. હિમાંક નામનો તે છોકરો દેહરાદુન ની શાળામાં ભણતો હતો અને આજથી શરુ થયેલા વેકેશન  માટે પોતાના ઘરે જઈ રહ્યો હતો.  વાતચીતે ખુબ વિવેકી હતો અને એટલે મસ્તી કરતો ત્યારે પણ વહાલો લાગતો. આમને આમ મજાક મસ્તીમાં જ તેનું ગામ આવી ગયું. તેણે અત્યંત સહજતાથી નમ્રતા અને રોહનને પોતાની સાથે ઘરે આવવા કહ્યું. નમ્રતા તો તરત માની ગઈ પણ રોહનને તો નૈનીતાલ જવું હતું, અલમોડા જવું હતું અને પછી ત્યાંથી આગળ તિબેટ જવું હતું. નમ્રતાએ ફરી વખત રોહનને મનાવી લીધો અને તેઓ બસમાંથી સમાન લઈને ઉતરી પડ્યા.

બસ પોતાની મંઝીલ તરફ ચાલી ગઈ. તેની ઘરઘરાટી બંધ થતા જ દુરથી નદીનો ખળખળ અવાજ આવવા લાગ્યો. હિમાંક નમ્રતાનો હાથ પકડીને તે તરફ લઇ ચાલ્યો. રોહન તેની પાછળ પાછળ ચાલ્યો. રસ્તાની બાજુમાં મારેલા બોર્ડ પર સાવ ઝાંખા થઇ ગયેલા પેઈન્ટ માં લખેલું હતું – સોનાપાની 1 km.