કલકત્તાના જુના વિસ્તારમાં આવેલા લાલ ઈંટના જૂનાપુરાણા મકાનની દીવાલમાંથી એક ઝાડ ઉગી નીકળ્યું હતું. શહેરની અનેક વિચિત્રતાઓમાનું એક એવું આ દ્રશ્ય નમ્રતાની બારીમાંથી દેખાતું હતું. દીવાલ ફાડીને ઉગી નીકળેલા આ ઝાડને નમ્રતા જ્યારે જોતી ત્યારે તેની અંદર એક હલચલ થતી. તેને આ ઝાડનું આમ ઉગી નીકળવું પોતાના જીવનની પરિસ્થિતિ જેવું જ લાગતું. જુનવાણી માળખાને તોડીફોડીને નવું જીવન ખીલી રહ્યું હતું. કોઈ એને રોકવા ઈચ્છે તો પણ એ નહિ રોકાય. જે તરફ ખુલ્લી હવા મળે, જ્યાંથી પ્રકાશ દેખાય, ત્યાં એ ફંટાઈ જવાનું. એમ કરતા જો મૂળભૂત મકાનને નુકસાન થાય તો ભલે થતું પણ નવી દિશામાં વહેતા આ જીવનના અસ્ખલિત પ્રવાહને બંધનમાં તો ન જ રાખી શકાય.

kolkata buildingsબપોરની ઊંઘના ઘેન ચડેલી અવસ્થામાંથી નમ્રતા બહાર આવી ત્યારે એના મગજમાં આવા બધા વિચારો ધમાલ મચાવી રહ્યા હતા. રોહનને એક કલાકથી પણ વધારે ઉભો રાખ્યો એની ગ્લાનિના ભાર હેઠળ તેણે રોહનને ફોન જોડ્યો. તેની ધારણાથી વિપરીત રોહનનો અવાજ શાંત અને સ્વસ્થ હતો. નમ્રતાએ તો ધાર્યું હતું કે હવે રોહન ફોન ઉપાડશે જ નહિ અને જો ઉપાડશે તો પોતાના પર ભડકી ઉઠશે. એની બદલે રોહને સાવ ઠંડા અવાજે કહ્યું કે હવે જો હું તને મળવા રોકાઇશ તો મારી ફ્લાઈટ ચુકાઈ જશે એટલે મળવાનું આપણે ફરી ક્યારેક ગોઠવીએ. પણ ના નમ્રતા જેનું નામ. લીધી વાત મુકે જ શાને? તેણે ખુબ આગ્રહ અને આજીજી કરીને રોહનને ફક્ત દસ મિનીટ માટે મળવા માનવી લીધો.

નમ્રતા ફ્રેશ થઈને નક્કી કરેલી જગ્યાએ પહોચી. રોહને તેને જોતા જ જાણે વર્ષોથી ઓળખાતો હોય એવું મીઠડું સ્મિત આપ્યું. છોકરાઓનું સ્મિત એ તો નમ્રતાની કમજોરી હતી. એ તરત ઘાયલ થઇ ગઈ અને હજી તો એને કળ વળે એ પહેલા તો રોહન ભેટી પડ્યો. તેનું આલિંગન એક પ્રેમી ભેટે એવું અંતરંગ નહિ પરંતુ બે મિત્રો વર્ષો બાદ મળતા હોય એવું હુંફાળું હતું. પહેલા સહેજ ખચકાયા બાદ નમ્રતા પણ એને સમર્પિત થઇ ગઈ. મોડું કરવા બદલ માફી માંગીને તેણે રોહનને બાજુના કેફે તરફ દોર્યો. આ કેફેની બારીમાંથી હુગલી નદીનો ખુબ સુંદર નજરો દેખાતો હતો. કેફેમાં જઈને બેસવાની બદલે રોહને સૂચવ્યું કે તેઓ હોડીમાં બેસીને સામે કાંઠે જાય અને ત્યાંથી એ એરપોર્ટ માટેની ટેક્સી પકડી લેશે. સાંજના સમયે જ્યારે સુરજ ઢળી રહ્યો હોય ત્યારે રોહનને ખુલ્લી હવામાં રહેવું ગમતું. આ સમયે ચાર દીવાલની વચ્ચે એને એક અજાણ્યો અણગમો ઘેરી વળતો.

ઘાટ પરથી પાંચ રૂપિયાની ટીકીટ લઈને તેઓ ખીચોખીચ ભરેલી બોટમાં બેસી ગયા. આ સમયે પૂર્વના એસ્પ્લેનેડથી પશ્ચિમમાં હાવડા જતી બોટમાં ઓફીસ કર્મચારીઓની ખુબ ભીડ રહેતી. બોટમાં ચડવાનો રસ્તો ગંદકીથી ભરેલો હતો. નદી પણ મેલી હતી. અને બોટમાં બેસેલા માણસો પણ ગોબરા હતા. નમ્રતાને આટલો ગંદવાડ જોઇને સુગ ચડી અને તેણે નાકનું ટેરવું ચડાવ્યું. રોહને એ જોયું અને તેણે કહ્યું કે, “આ ગંદકીને છોડ અને  જરા ઉપર તો જો…”

હાવડા બ્રિજની પાછળ સુર્યાસ્ત થઇ રહ્યો હતો. ખુબ સુંદર દ્રશ્ય હતું. રોહનને તો આ શહેર જ આખું પસંદ પડી ગયું હતું. નવી જગ્યાએ આવ્યાનો તેને રોમાંચ હતો. ચોક્કસ મુંબઈ કરતા આ શહેર અને અહીના લોકો ગંદા હતા પણ કલકત્તાનો પોતાનો એક આગવો મિજાજ હતો. બ્રિટીશરોની છાપ જ્યાં હજી વર્તાતી હોય એવા વિસ્તારો, પાર્ક સ્ટ્રીટની રંગબેરંગી બજારો, રસ્તા પરના તીખા તમતમતા પુચકા, ટ્રાફિકની વચ્ચે દોડતી કાચબા છાપ ટ્રામ, ભારતની સૌથી પહેલી મેટ્રો, બોટમાં બેસીને કામ પર જતા લોકો, પીળી પીળી હળદર જેવી ટેક્સી અને સફેદ યુનિફોર્મ વાળા પોલીસ. જાણે એક ફેન્ટસી વર્લ્ડમાં આવી ચડ્યો હોય એવું તેને લાગી રહ્યું હતું.

નમ્રતા પોતાની અણગમતી પરિસ્થિતિ માટે જે હાથમાં આવે એ બધાને દોષી ઠેરવતી. આ શહેરનો પણ એમાં ક્યારેક વારો આવી જતો. તે કોલકાતાને પુરા દિલથી ધિક્કારતી. ઘણીવાર તેને એમ થતું કે જેમ બને એટલું જલ્દી અહીંથી દુર ક્યાંક ચાલ્યા જવું છે. સુર્યાસ્ત માણી રહેલા રોહનના કલકત્તા પ્રેમ વિષે જાણીને તેણે કહ્યું કે ચાર દિવસમાં કોઈ શહેરને જાણી ન શકાય. અહી થોડો સમય રહીને દેખાડ પછી તારો ફેસલો સંભળાવજે. તેમના બંનેના કલકત્તા વિશેના વિચારો ભલે નહોતા મળતા આવતા પણ વેવલેન્થ મળતી હતી. જાણે વર્ષોથી એકબીજાને ઓળખતા હોય એ રીતે વાતો કરી રહ્યા હતા. એકબીજાની હાજરીમાં બંને ખુબ હળવાશ અનુભવી રહ્યા હતા. પહેલી વાર મળતા હોવા છતાં કોઈ જાતનો મુખવટો પહેરવાની જરૂર નહોતી લાગતી. બંને જાણતા હતા કે આ મુલાકાત લાંબી નથી ચાલવાની અને હવે ફરી ક્યારે મળશું – અરે મળશું પણ કે નહિ એ ખબર નથી. એટલે જ તેમની વાતો સાવ હળવા પ્રકારની હતી.

તમે જ્યારે એક વ્યક્તિ સાથે ચાલવાનું નક્કી કરો ત્યારે તમારી સફર કેટલી લાંબી રહેશે એના પરથી તમે શું વાત કરો એ નક્કી થાય છે. જો તમને ખબર હોય કે ખુબ લાંબે સુધી સાથે ચાલવાનું છે તો તમે ધીમે ધીમે સંવાદને આકાર લેવા દેશો પણ જો તમારી પાસે વાત રજુ કરવા માટે ફક્ત વીસ સેકંડ છે તો તમે એ વાત કદાચ કરશો જ નહિ અથવા તો એ રીતે તો નહિ જ કહી શકો. રોહન-નમ્રતા આ વાત સમજી અને સ્વીકારી ચુક્યા હતા. એટલે જ તેઓ ઊંડાણપૂર્વકના સંવાદની બદલે મજાક મસ્તી અને સ્મોલ ટોક કરી રહ્યા હતા.

રોહન ખુબ ફર્યો હતો એની વાતો કરી રહ્યો હતો. હજુ પણ એનું bucketlist ઘણું લાંબુ હતું. એને હિમાલયની તળેટીમાં વસેલા ગામોમાં રઝળપાટ કરવી હતી. ખોબે ખોબા ભરીને કુદરતને પીવી હતી. નમ્રતાનું bucketlist ખાલી હતું. તેને તો કલકત્તાની બહાર ક્યાંય પણ લઇ જાઓ તો એ ખુશ હતી. એને તો ઘરથી દુર, ખુબ દુર કોઈ શાંત સ્થળે જવું હતું કે જ્યાં એની મુશ્કેલીઓનો પડછાયો પણ એને સ્પર્શી ન શકે. આટલી ટૂંકી અને એ પણ પહેલી જ મુલાકાતમાં નમ્રતા રોહનને આ બધું કહીને બોર કરવા નહોતી માગતી. એટલે તેને પણ  રોહનની હિમાલય ફરવાની વાતમાં સુર પુરાવ્યો. અને એ વાત કંઈ ખોટી પણ નહોતી જ. નાનપણમાં તે દર ઉનાળે મમ્મી-પપ્પા જોડે દાર્જીલિંગમાં તેમના બંગલામાં રહેવા જતી તેની સ્મૃતિ એને હજુ ગઈકાલ હોય એટલી તાજી હતી. દુર કાંચનજંગા પર વહેલી સવારે સૂર્યના સોનેરી કિરણો પડતા હોય જાણે વેનીલા આઈસ્ક્રીમ પર મધનું ટોપિંગ કર્યું હોય એવું લાગતું. તે ઉઠીને મમ્મી-પપ્પાના રૂમમાં જતી. તેઓ હજી સુતા હોય ત્યાં એમની વચ્ચે જઈને ધાબળામાં ભરાઈ જવાનું પછી બંને એને ખુબ વ્હાલ કરે. બંગલાની સંભાળ રાખતા દાસકાકા મમ્મી-પપ્પા માટે ચા લઇ આવે અને પોતાની માટે હોટ ચોકલેટનો ગ્લાસ. એ રજાઈની હૂંફ, હોટ ચોકલેટનો સ્વાદ, નીચે બજારમાંના અવાજો, પહાડની સુગંધ આ બધું જ તેને ઝીણામાં ઝીણી વિગત સાથે યાદ હતું. છતાં એમ લાગતું જાણે બહુ દુરના ભૂતકાળની આ વાત હોય કે પછી કોઈ બીજી જ છોકરીની આ દુનિયા હોય. એ દુનિયા ફરીથી રચવાની એની અદમ્ય ઈચ્છા હતી.

વાતો વાતોમાં નદી ક્યારે પાર થઇ ગઈ અને કિનારો આવી ગયો એની ખબર જ ન પડી. સામે કાંઠે બોટમાંથી રોહનનો હાથ પકડીને ઉતરતી વખતે નમ્રતાને લાગ્યું કે કદાચ રોહન જ એના જીવનની નાવને સામે કાંઠે સહી સલામત લઇ જવા વાળો મલ્લાહ છે. તેને આ શહેરથી અને પોતાના પરિવારથી મુક્તિ મેળવવાની એ ચાવી રોહન છે. ફરી વાર મળવાનો અને શક્ય હોય તો સાથે હિમાલય ફરવા જવાનુ વચન આપીને બંને છુટા પડ્યા.

રોહન કલકત્તાના ટ્રાફિકને ચીરતો મહામુશ્કેલીએ એરપોર્ટ પહોચ્યો. જો એ બે મિનીટ પણ મોડો પહોચ્યો હોત તો એની ફ્લાઈટ ચુકાઈ જાત. જોકે આ વાતનો રોહનને કોઈ રંજ નહોતો. આવો સુંદર સાથ અને એની સાથે ગાળેલા જાદુઈ સમય માટે ફ્લાઈટ તો શું પોતાની કેરિયર અને જીવન પણ દાવ પર લગાવવા તે તૈયાર હતો.

***

નમ્રતા પણ કેરિયર અને જીવન દાવ પર લગાવવા તૈયાર હતી – પરંતુ રોહનનું, પોતાનું નહિ. જો આ ગટરમાંથી બહાર નીકળવા મળે તો તે કંઈ પણ દાવ પર લગાવવા તૈયાર હતી. એવું નહોતું કે એને રોહન પસંદ નહોતો પણ એકવાર આંધળા પ્રેમમાં હાથ બાળી ચુક્યા બાદ તે દિલના મામલામાં ખુબ સાવધાની પૂર્વક વર્તતી. ફરી નાપાસ થવા તે તૈયાર નહોતી.

દિવસની છેલ્લી ખેપ કરી રહેલી બોટમાં ફરી સામે કાંઠે જવા નમ્રતા ચડી. પશ્ચિમથી પૂર્વ તરફ જતી બોટમાં ગણીને પાંચ જણ હતા – નમ્રતા, બોટ ચાલક અને ત્રણ છોકરાઓ. બોટની ઘરઘરાટીની ઉપર પણ નમ્રતાને પીઠ પાછળથી અટ્ટહાસ્ય સંભળાયું. પેલા ત્રણ છોકરાઓ તરફ તેની પીઠ હતી છતાં તેને ખાતરીપૂર્વક લાગ્યું કે તેઓ પોતાની વિષે કાંઇક વાતો કરીને હસે છે. પાછળની તરફ ડોકી ફેરવીને તીખી નજરથી તેણે જોયું તો ત્રણમાંથી બે છોકરાઓ તો નજર ચોરીને આમતેમ જોવા લાગ્યા. પણ ત્રીજો બરાબર નજર મેળવીને ઉભો રહ્યો અને દાંત દેખાય એટલું પહોળું હસ્યો. તેના તમાકુ ખાઈ ખાઈને સડી ગયેલા દાંતને કારણે હતો એના કરતા વધુ કદરૂપો લાગતો હતો. કદરૂપો નહિ – તેની બોડી લેન્ગવેજ, સહેજ લાલ આંખો અને સડેલા દાંતને કારણે તે બિહામણો લાગી રહ્યો હતો. તેને પહેલા પણ ક્યાંક જોયો હોય એવું લાગ્યું. નમ્રતાએ તરત મોઢું ફેરવી લીધું. થોડી નર્વસ થઈને પેલા લોકોથી વધુમાં વધુ દુર જઈને એટલે કે બોટના છેટ છેવાડે જઈને તે ઉભી રહી. જેથી બોટ ઉભી રહે એ ભેગી સૌથી પહેલા તે ઉતરી શકે.

છેલ્લી ટ્રીપ હોવાને કારણે બોટ સાવ કિનારે ન ઉભી રહેતા ત્રણ બોટ છોડીને પાર્ક થઇ. નમ્રતાએ અંધારામાં ત્રણ બોટમાંથી થઈને જવું પડે એમ હતું. તેણે સાચવીને સામેની બોટમાં કુદકો માર્યો જેને લીધે એ બોટ જોરથી હચમચી ગઈ. તેનાથી એક હળવી ચીસ નીકળી ગઈ. પેલા ત્રણે છોકરાઓ જોરજોરથી હસવા લાગ્યા. તેમનો અવાજ પાસે આવતો હોય એવું લાગતા તે ઝડપથી બીજી બોટ તરફ જવા લાગી. અચાનક પેલો ગંદો છોકરો તેની સામે આવીને ઉભો રહી ગયો અને બોલ્યો, “એય શુન્દોરી કોથે જાબે? હાથ ટા ઘોરે નીન … પોરે જાબેન નાહોલે આર જોલે આપનાર શુન્દોર જામા ભીજે જબ હોય જાબે”. [એય સુંદરી ક્યાં ચાલી? ધીમે ધીમે નહીતર પડી જઈશ અને ડ્રેસ ભીંજાઈ જશે. મારો હાથ પકડી લે]. એમ કહેતા તેણે પોતાનો હાથ લંબાવ્યો. નમ્રતા ડઘાઈ ગઈ. પેલાની બાજુમાંથી સરકીને તે કિનારે આવી ગઈ. ખુબ ઝડપથી તે ઘર તરફ ચાલવા માંડી – લગભગ દોડવા જ માંડી એમ કહો તો પણ ચાલે. પેલો ગુંડો પણ થોડું અંતર રાખીને તેનો પીછો કરી રહ્યો હતો. નમ્રતાના ઘરની આસપાસનો વિસ્તાર ઓફિસનો વિસ્તાર હોઈ આ સમયે સાવ ખાલી હતો. મજૂરવર્ગ ફૂટપાથ પર પથારી કરીને સુવાની તૈયારીમાં હતો. સ્ટ્રીટ લાઈટ પણ આજે કામ નહોતી કરી રહી. સુમસામ ગલીઓમાંથી પસાર થતી વખતે પેલાના પગલાનો ટપટપ અવાજ થોડો દુરથી આવી રહ્યો હતો. નમ્રતાએ ઝડપ હજુ વધારી. તેને આમ દોડતી જોઇને રસ્તા પરના કુતરાઓ ભસવા લાગ્યા. ડર અને ઝડપથી ચાલવાને લીધે એના હૃદયના ધબકારાનો અવાજ પણ પગલા જેટલો જ જોરથી આવી રહ્યો હતો. પાછળ જોવાની એની હિંમત જ નહોતી ચાલતી. અંતે જ્યારે ઘર આવ્યું ત્યારે દાદરમાં પ્રવેશતા પહેલા તેણે સહેજ હાશકારા સાથે પાછળ જોયું તો પેલો ન દેખાયો. નમ્રતાને હસવું, રડવું કે ગુસ્સે થવું એ જ નહોતું સમજાતું. તેને એમ પણ થયું કે કદાચ પેલો પાછળ આવ્યો જ ન હોય એવું પણ બને. ડરને કારણે એ કદાચ ખાલી પોતાનો ભ્રમ હતો. જે હોય તે પણ હવે તે સલામત હતી.

ઘરમાં પ્રવેશી ત્યાં કાકીઓ કાકાઓને જમવાનું પીરસી રહી હતી. ટીવી પર બંગાળી સીરીયલ ચાલુ હતી. મોટી કાકીએ આવતા વેત પૂછ્યું, “કોથે ઘરે બારાચ્ચીલીસ અટૂ રાત ઓબ્દી?” [આટલે મોડે સુધી ક્યાં હતી?] “ફ્રેન્ડને મળવા ગઈ હતી”. એવું કહીને નમ્રતા અંદર એના અને મમ્મીના રૂમમાં ચાલી ગઈ. પાછળ કાકી બબડ્યા, “આમી ભાબ્ચી … કે શે બોંધુ જર સાથે અટૂ રાતે દેખા કોરતે જાછે” [બહુ નવા નવા ફ્રેન્ડ થઇ ગયા છે ને આ છોકરીના તો … કોને ખબર કોને મળવા ગઈ હશે આટલી રાતે] અંદરના રૂમમાં મમ્મી પલંગ પર સુતી હતી. લાઈટ ચાલુ રાખીને જ તે સુઈ ગઈ હતી અને કોઈએ આવીને તે બંધ કરવાની પણ તસ્દી નહોતી લીધી. તે જમીને સુતી હતી કે નહિ એની પણ પરવા કાકીને નહોતી. લાઈટ બંધ કરીને નમ્રતાએ મમ્મીને ચાદર ઓઢાડી. તેને આ સમયે એક જોઈન્ટની સખત જરૂર હતી. હેન્ડબેગ લઈને તે બાલ્કનીમાં પ્રવેશી. હજી તે બધી વસ્તુઓ કાઢીને તૈયારી કરી રહી હતી ત્યાં નીચે અંધારા રસ્તા પર કંઇક લાઈટ થઇ. તેણે ચોંકીને જોયું તો કોઈના મોબાઈલમાંથી ફ્લેશ ચમકી. આ તો પેલો જ છોકરો હતો. એને પોતાનું ઘર ખબર પડી ગઈ હતી અને નીચે ઉભો રહીને ફોટા પાડી રહ્યો હતો. નમ્રતાનું મગજ છટક્યું. તેણે બુમ પાડી, “દારા સુઓરેર બચ્ચા … ખુબ છોબી તોલાર શોખ તોદેર. આમી આસ્ચી નીચે” [ઉભો રે સાલા બદમાશ બહુ ફોટો પાડવાનો શોખ છે ને? હું હમણાં આવું છું નીચે] પેલો ભાગી ગયો. નમ્રતા અંદર આવી અને તેણે બાલ્કનીનો દરવાજો બંધ કર્યો. બધી બારીઓ પણ બંધ કરી. તે ખળભળી ગઈ હતી. મમ્મીના પલંગમાં તે મોડી રાત સુધી સૂનમૂન બેઠી રહી. કોઈએ તેને જમવાનું પણ ન પૂછ્યું. તેણે ભણવાની ચોપડી હાથમાં લઈને ભણવાની કોશિશ કરી જોઈ પણ એનું મન જ નહોતું લાગતું. ફરીફરીને તેને પેલાનો ચહેરો જ દેખાતો હતો. નક્કી પહેલા ક્યાંક એને જોયો છે. કોલેજમાં કે પછી ક્યાંક બીજે એ યાદ નહોતું આવતું.

અંતે કંટાળીને રોહનને મેસેજ કરીને તે સુઈ ગઈ.

reached?

આવતા મહીને મારી એક્ઝામ છે એ પૂરી થાય પછી આપણે હિમાલય ફરવા જઈએ???