હુગલી નદી આજે ખુબ સોહામણી લાગી રહી હતી. આથમતા સુરજની છેલ્લી છેલ્લી લાલિમા જ્યારે કાળા પાણી પર પડતી હતી ત્યારે માની લો જાણે લાલ જીવ્હા કાઢીને સાક્ષાત મહાકાલી માતા અવતર્યા હોય. નાવિકો છેલ્લી ખેપ કરીને પાછા ફરી રહ્યા હતા. કિનારા પરના બગીચાઓમાં બંગાળી બાબુઓ રવીન્દ્ર સંગીતનો આનંદ લેતા લટાર મારી રહ્યા હતા. ઘાટ પર સંધ્યા આરતી થઇ રહી હતી. બહાર એસ્પ્લેનેડ થી લઈને પાર્ક સ્ટ્રીટ સુધીના વિસ્તારમાં આવેલી સરકારી ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ પીળી હળદર જેવી ટેક્સી પકડીને શહેરના બીજા છેડે આવેલા તેમના ઘરોમાં જવા નીકળી ચુક્યા હતા. દિવસભર ફૂટપાથ પર પણ ચાલવાની જગ્યા ન મળે એવા આ વિસ્તારમાં સાંજે રસ્તા પર ક્રિકેટ રમી શકાય એવો ખાલી થઇ જતો.

અંગ્રેજોએ છોડી ગયેલા લાલ ઈંટના મકાનો માં જ હજી મોટા ભાગ ની ઓફીસ કાર્યરત હતી. સાંજના ભાગે લાઈટ વગરના આ મકાન ભૂતિયા લાગતાં. વર્ષો સુધી ડાબેરી સરકારના રાજમાં કોઈએ આ મકાનની જરાયે મરમ્મત કરવાની કોશિશ નહોતી કરી. કેટલાક કાળની થાપટો સહન કરતા હજુ અડીખમ ઉભા હતા જ્યારે કેટલાક ગમે તે ઘડીએ પડી જાય એવા હતા. આવા જ એક મકાનની લાકડાની જાળી વાળી બારી પાસે બેઠી બેઠી નમ્રતા હાથી હુગલી નદીને જોઈ રહી હતી. તેને આજે હુગલી બહુ સોહામણી લાગી રહી હતી. જાણે આ વિશાળ જળરાશી, એનું મદમસ્ત વહેણ, શીતળ પાણી બધું પોતાની તરફ ખેંચી રહ્યું હતું. પોતાની સાથે દુર ક્યાંક વહી ચાલવા નું મૂક આમંત્રણ આપી રહ્યું હતું. એક ઊંડા બાહુપાશમાં સમાઈ જવા લલચાવતું હતું. ઘરના સૌ કોઈ પોતપોતાની પ્રવૃત્તિમાં મશગુલ છે એની ખાતરી કરીને તે બાલ્કનીમાં પ્રવેશી. અને દરવાજો બહારથી બંધ કરી દીધો. પોતાની હેન્ડબેગમાંથી એક પેકેટ કાઢીને હીંચકા પર મુક્યું. પેકેટમાંથી એક એક કરીને બધી વસ્તુઓ ચીવટપૂર્વક હીંચકા પર ગોઠવી – કિંગ સાઈઝ રોલિંગ પેપર ની બુકલેટ, ફિલ્ટર, પાંદડાનો ભુક્કો અને લાઈટર. બસની ટીકીટ જેટલી સાઈઝની કાળી બુકલેટમાંથી એક પેપર ફાડ્યું, તેના એક ખુુણા પર ફિલ્ટર ગોઠવ્યું અને પાંદડાનો ભુકો બાકીના ભાગ પર પાથરી દીધો. ભુકાની એક કણી પણ ના ખરે એટલી સિફતપૂર્વક તેણે પેપર ની ભૂંગળી  બનાવીને સીલ કરી દીધી. તેને આ સમયે હમેશા દાદા યાદ આવતા. તેઓ જે સ્ટાઈલથી અને કુશળતાથી પાન બનાવતા તેવી જ કુશળતાથી પોતે જોઈન્ટ બનાવતા શીખી ગઈ હતી. જોઇન્ટનો એક છેડો સળગાવીને બીજાનો ઊંડો કશ ખેંચ્યો. ઉચ્છવાસમાં નીકળેલા ધુમાડાના વાદળોની ભેગી તેની બધી જ ચિંતાઓ પણ હવામાં વિલીન થવા લાગી. છેલ્લા કેટલાક મહિનાઓથી બાલ્કનીનો આ છૂપો કાર્યક્રમ નમ્રતાની જરૂરિયાત બની ચુક્યો હતો. દિવસ આખો એ સાંજની રાહ માં જ કાઢી નાખે. જો કોઈ કારણસર આ ધુમાડો એને ન મળે તો એને રાતે ઊંઘ જ ન આવે. ઘરવાળાના મ્હેણાં થી લઈને ભૂતકાળના ઘાવ બધાને ભૂલવા માટેનો અકસીર ઈલાજ તેને મળી ચુક્યો હતો. તે આ આદત ને એક પ્રકારના મેડીટેશન તરીકે જોતી. હમણાં હમણાં તો એની એવી હાલત હતી કે એક જોઈન્ટથી પણ એને ચેન ન પડતું. ઘણીવાર બે – ત્રણ જોઈન્ટ ફૂક્યા બાદ જ એનું મન શાંત થાય. એવું તો શું થયું હતું કે એક સભ્ય સમાજ ના એક સજ્જન પરિવારની છોકરી કોઈ જ જાતના ક્ષોભ વગર, ઘરમાં જ બેસીને ડ્રગ્સ ફૂક્તી હતી?

નમ્રતાના દાદા વર્ષો પહેલા ધંધાર્થે ગુજરાતથી કલકત્તા આવીને વસ્યા હતા. તેમને ત્રણ પુત્રો હતા જેમાંથી ફક્ત વચલો એટલે કે નમ્રતાના પપ્પા જ તેમનો ધંધો સાંભળી શકવા સમર્થ હતા. અને વચલા પુત્રને ધીકતો ધંધો સોંપીને તેઓ વર્ષો પહેલા પરલોક સિધાવી ગયા હતા. નમ્રતાના પપ્પાએ પેઢીના ધંધાને પોત્તાની સૂઝ અને ખંતથી મોટો આંતરરાષ્ટ્રીય વ્યાપાર બનાવ્યો હતો. બાકીના બે ભાઈઓ અને એમના પરિવાર તેમની માથે પડેલા હતા પણ તેઓ કઈ બોલતા નહિ અને તેમને નિભાવી લેતા. સદભાગ્યે નમ્રતાની મમ્મી, ઘરની એકમાત્ર ગુજરાતી વહુ, પણ ખુબ સમજદાર હતી અને ભાઈઓમાં કે તેમના પરિવારમાં કોઈ દિવસ ભેદભાવ ન કરતી. હાથી પરિવાર સમૃદ્ધિની ટોચ પર હતો ત્યારે જ ખરી મુસીબતની શરૂઆત થઇ. એક દિવસ ગાડીના અકસ્માતમાં નમ્રતાના પિતા ગુજરી ગયા. આ આઘાતને નમ્રતાની મમ્મી જીરવી ન શકી અને તેનું બોલવાનું લગભગ બંધ થઇ ગયું. કિશોરાવસ્થામાં પગ મૂકી રહેલી નમ્રતાનું ધ્યાન રાખે એવું કોઈ જ ન રહ્યું. કાકાઓ નવા આવી ચડેલા ધંધાની જવાબદારી સંભાળવામાં પરોવાઈ ગયા. અને કાકીઓ લાઈફ સ્ટાઈલ માં કરવા પડેલા ધરખમ ફેરફાર ને પચાવવામાં પરોવાઈ ગઈ. અલીપોર ના આલીશાન ફલેટમાંથી એસ્પ્લેનેડ સ્થિત દાદાજીની જૂની ઓફિસમાં રહેવા આવી જવું પડ્યું. અહી માસિક ભાડું ફક્ત રૂપિયા પાંચસો હતું. ઉપરાંત નદીનો વ્યુ પણ સુંદર હતો. છતાં કોઈનું આ ઘરમાં મન નહોતું લાગતું. નમ્રતાની મમ્મી એ આખા કુટુંબને એક તાંતણે બાંધીને રાખ્યું હતું એમાં હવે પ્રાસંગિક ક્લેશની ગાંઠ પાડવા લાગી હતી. નમ્રતાના પપ્પાએ એકપણ શબ્દ બોલ્યા વગર જે બંને ભાઈઓના પરિવારનો વર્ષો સુધી રખરખાવ કર્યો હતો તેમને હવે નમ્રતા અને એની મમ્મી ક્યારેક બોજારૂપ લાગવા માંડ્યા હતા. નમ્રતાને અનેક વાર કકીઓના મ્હેણાં ટોણાનો ભોગ બનવું પડતું. આ બધું ન સમજે એટલી નાની તો નહોતી જ નમ્રતા. પપ્પાના સમયમાં ઘરમાં જે આગ્રહપૂર્વક ગુજરાતી જ બોલાતું એનું સ્થાન બંગાળીએ ક્યારે લઇ લીધું એની ખબર જ નહોતી પડી.

ઘરના આવા ડહોળા વાતાવરણમાં ઉછરી રહેલી નમ્રતા માટે કોઈ જ સપોર્ટ સીસ્ટમ નહોતી. કોઇપણ મુસીબતમાં એ મિત્રોના જ સલાહસૂચન લેતી. મિત્રોની સલાહ પણ તેના પોતાના વિચારો જેવી જ કાચી અને ક્ષણજીવી રહેતી. આવા ને આવા માં તે દસમું અને બારમું સારા માર્ક્સ સાથે પાસ થઇ ગઈ. સાવ શુષ્ક અને ઉદાસ લાગતા નમ્રતાના જીવનમાં પિતાના મૃત્યુ બાદ સાત વર્ષે એક સુખદ પલટો ત્યારે આવ્યો કે જ્યારે તેણે સેન્ટ ઝેવિયર્સમાં બી.એ. વિથ ઈંગ્લીશ ઓનર્સના પહેલા વર્ષમાં એડમીશન લીધું. પહેલા જ દિવસે તેની મુલાકાત થઇ વિવેક ઘોષ સાથે. વિવેક તેનો પોએટ્રી નો પ્રોફેસર હતો. આપણને સામાન્ય રીતે જેવી કવિતાના પ્રોફેસરની બુઢ્ઢા, નમાલા વ્યક્તિ તરીકેની છાપ હોય તેના કરતા વિવેક સાવ ઉંધો હતો. સુઘડ રીતે વાળ ઓળીને બુલેટ પર બેસીને કોલેજ આવે ત્યારે તે લુટેરા પિકચરના રણવીર સિંહ જેવો જ લાગતો. કોઇપણ રસની કવિતા ભણાવતો હોય પણ એના ભાવાર્થમાં એ અચૂકપણે શૃંગાર રસ ને ખેંચી લાવે. વગર વાતે પણ એક બેફિકરું સ્મિત ફેંકી જાણે. એવામાં ફર્સ્ટ યરની છોકરીઓ ઘાયલ ન થાય તો જ નવાઈ.

નમ્રતા પણ થઇ ગઈ ઘાયલ. દિવસે લેક્ચરમાં, સાંજે ટયુશનમાં અને રાતે SMS પર નમ્રતા અને વિવેકની વાતો હુગલી નદીની જેમ વહેવા લાગી. નમ્રતા આટલો સમય જાણે એક બંધ કળી હતી અને કોલેજમાં પ્રવેશતા જ ખીલેલા મધુમાલતી જેવી થઇ ગઈ. ફ્રેશર પાર્ટી માં મિસ ઝેવિયર્સ નો ખિતાબ મળ્યો. રોઝ ડે પર એને સૌથી વધુ ગુલાબ સમર્પિત થયા. નાની ઉમરમાં આટઆટલા દુખ જોઈ ચુકેલી અને પચાવી ચુકેલી નમ્રતાને આ નવું નવું આવેલું સુખ પચાવવું અઘરું પડી રહ્યું હતું. ખાસ તો એટલા માટે કે આ ખુશી વહેચવા માટે એની પાસે કોઈ હતું જ નહિ. એ બધી જ વાતો મમ્મીની સામે જઈને બોલી નાખતી. મમ્મીના ચહેરાની રેખા પણ ન બદલાતી. નમ્રતા અકળાઈ જતી. કોલેજમાં તો બધા છોકરાઓ નમ્રતાની પાછળ પાગલ હતા. નમ્રતાને જોકે તેમાંથી એકેયમાં રસ નહોતો. તેને તો કોઈ એવો છોકરો પસંદ આવતો કે જે તેની સંભાળ રાખી શકે, તેને જાલિમ દુનિયા એટલે કે તેના ઘરવાળાથી બચાવીને રાખી શકે અને તેના બધા જ અરમાન પુરા કરી શકે. તેના અરમાન પણ ખાસ કઈ મોટા નહોતા. ફક્ત શહેરની ભીડભાડથી દુર કોઈ શાંત જગ્યાએ એક ઘર હોય એમાં તે આખો દિવસ પોતાની પ્રિય નવલકથા લઈને બેસી રહે. સાંજે જ્યારે તેનો પતિ ઓફિસથી આવે તો તેઓ બંને સંગીતની જુગલબંદી છેડે અને એકબીજામાં ખોવાઈ જાય. તેને આવો જ પતિ વિવેકમાં દેખાતો હતો. ક્લાસના છોકરાઓ તો ઠીક પણ પ્રોફેસર સુદ્ધા નમ્રતાને જે રીતનો ભાવ આપતો હતો એ જોઇને કોલેજની છોકરીઓ નમ્રતાની ખુબ ઈર્ષા કરતી. આમ કોલેજમાં એનું કોઈ દોસ્ત નહોતું. પહેલું સેમેસ્ટર જોતજોતામાં વીતી ગયું. નમ્રતા પાંચમાંથી 3 વિષયમાં નાપાસ થઇ હતી. એથી વિશેષ ઝટકો એ વાતે લાગ્યો કે બાકી બધા જ વિદ્યાર્થીઓ પાસ થઇ ગયા હતા. અને એથી પણ વિશેષ ઝટકો એ વાતનો કે વિવેકને બીજી જગ્યાએ નોકરી મળી ગઈ હતી. તેણે જવા પહેલા નમ્રતાને એક વાર મળવા જવાનું કે ફોન કરવાનું પણ જરૂરી નહોતું માન્યું. નમ્રતાનું દિલ તૂટી ગયું. મોટી કાકીએ ફરમાન કર્યું કે હવેથી કોલેજ જવાની કોઈ જરૂર નથી. ઘરે બેઠા ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ કરી લો. એક ઓગણીસ વર્ષની છોકરી માટે સુખ અને દુખના આટલી ઝડપથી બદલાતા સમીકરણોની વચ્ચે સમભાવ જાળવી રાખવો એ બહુ અઘરી વાત હતી. કેટલાક લોકો આવામાં રડીને ભાંગી પડતા હોય છે અને ત્યારબાદ પોતાના મનના વેરાયેલા ટુકડાઓને ભેગા કરીને ફરી બેઠા થતા હોય છે. નમ્રતા બીજા પ્રકારના લોકોમાંથી હતી જે બહારની દુનિયાને કોઈ કિંમતે પોતાનું દર્દ કળાવા ન દે અને અંદરની દુનિયાને અંદર જ કેદ કરીને રાખી મુકે. આવામાં એને જોઈન્ટનો અને નશાનો સધિયારો સાંપડી ગયો હતો.

***

નમ્રતાની પહેલી જોઈન્ટ પૂરી થઈને તેણે બીજી સળગાવી ત્યાં સુધીમાં તે જીવનની બધી જ ચિંતાઓ વિષે ભૂલી ચુકી હતી. બહાર સાવ અંધારું થઇ ચુક્યું હતું. સ્ટ્રીટ લેમ્પ વગરના રસ્તા પરથી જો અત્યારે કોઈ પસાર થઇ રહ્યું હોત તો તેને બાલ્કનીમાં બેઠેલી એક છોકરી ના ચહેરા ની આછીપાતળી રૂપરેખા દેખાત. મોબાઈલમાંથી નીકળતા આછા પ્રકાશમાં જેટલો ચહેરો દેખાઈ શકે ફક્ત એટલો જ. વિવેક જોડે ચેત કરવા માટે લીધેલા સ્માર્ટ ફોનનો હવે નમ્રતા ને ખાસ કોઈ ઉપયોગ નહોતો. તેની કોલેજના અન્ય લોકો આખો દિવસ ફેસબુકમાં ચોંટી રહેતા પણ નમ્રતાને તેમાં કોઈ રસ નહોતો. લોકો કઈ રીતે આટલો સમય એક એપ્પ ની પાછળ બરબાદ કરતા હશે એ પણ નમ્રતાની સમાજની પેલે પારની વાત હતી. જોકે નમ્રતાને ફેસબુકમાં રસ ન પડે એ ખુબ સ્વાભાવિક હતું અને એની પાછળ માનસશાસ્ત્રનો એક ખુબ સાદો સિદ્ધાંત કામ કરતો. જો તમારા સાચી જીંદગીમાં મિત્રો હોય તો જ તમને ફેસબુક પકડી રાખી શકે. જેમને તમે સાચી જીંદગીમાં મળતા હો કે ખાલી જોતા હો એમને જ તમે ફેસબુક ઉપર સ્ટોક કરશો. જો સાવ અજાણ્યા લોકો જ તમારા ફેસબુક ઉપર હશે તો વહેલા મોડા તમે તેનાથી કંટાળી જવાના. નમ્રતાને તો ભાગ્યે જ કોઈ સાચી જીંદગીમાં મિત્રો હતા. અને એટલે જ તેને ફેસબુકની માયા આકર્ષી ન શકતી.

નમ્રતાને એક નવી જ એપ્પનું ઘેલું લાગ્યું હતું – tinder.  ખુબ સાદી એપ્પ હતી આ. તમે એક પ્રોફાઈલ બનાવો જેમાં તમારા ફોટા મુકો અને તમારા વિષે થોડી માહિતી લાખો. ત્યારબાદ આ એપ્પ તમને તમારી આસપાસ ના છોકરાઓની (કે છોકરીઓની – તમારી જેવી પસંદ) પ્રોફાઈલ બતાવશે. તમને જે પ્રોફાઈલ પસંદ પડે તેને જમણે સ્વાઇપ કરો અને બાકીની ડાબે. જો છોકરો અને છોકરી બંને એકબીજાને જમણે સ્વાઇપ કરે તો તેઓ ચેટ કરી શકે. નમ્રતાની પ્રોફાઈલમાં તેને લખ્યું હતું:

If you can’t handle me at my worst, then you sure as hell don’t deserve me at my best.

પોતાની આસપાસના એકેય છોકરાઓની પ્રોફાઈલ તેને પસંદ ન પડતી. અને આખી દુનિયાનો બળાપો તે tinder પર ડાબે સ્વાઇપ કરીને કાઢતી. તે દિવસે સાંજે બીજી જોઈન્ટની અસર હેઠળ જ્યારે તેની આંખો ઘેરાઈ રહી હતી અને તે સુવામાં જ હતી ત્યાં એને રોહનની પ્રોફાઈલ દેખાઈ. ડાબે ધકેલતા તેનો અંગુઠો અટકી ગયો અને ઊંઘ ઉડી ગઈ. રોહને ચાર અલગ અલગ ફોટા મુક્યા હતા અને દેરેકે દરેકમાં તે ભયંકર હેન્ડસમ લાગી રહ્યો હતો. તેણે પોતાની પ્રોફાઈલમાં લખું હતું:

Mumbai boy in Kolkata for a week. Believes in work hard, party harder travel harder. All the bong beauties swipe right for friendship.

નમ્રતાએ જે ભેગું જમણે સ્વાઇપ કર્યું એ ભેગું એનું નોટીફીકેશન આવ્યું – Congratulations! You and Rohan are now a match. Say Hi! નમ્રતા ખંધુ હસી. રોહને પહેલેથી જ નમ્રતાની પ્રોફાઇલને જમણે સ્વાઇપ કરી લીધી હતી. તે વિચારતી હતી કે પોતે પહેલા મેસેજ કરવો કે નહિ ત્યાં તો રોહનનો સામેથી મેસેજ આવ્યો.

રોહન: હાય!!
નમ્રતા: હેય …
રોહન: મારી કાલે સાંજે મુંબઈની ફ્લાઈટ છે. એની પહેલા મારી પાસે બે કલાક ફ્રી છે. શું તું મને કલકત્તા ફેરવીશ?

નમ્રતા ને અત્યાર સુધી tinder પર જેટલા મેચ થયા હતા એમના અડધા તો ચાલુ કિસમના છોકરાઓ હતા કે જેમને ફક્ત પોતે છોકરી હતી એ વાતમાં જ રસ હતો. ચામડીની નીચે પોતે એક માણસ તરીકે કોણ હતી એની કોઈ દરકાર આવા છોક્રનોને નહોતી. અને બાકીના છોકરાઓ ડરપોક હતા. ચેટ પર ગોળ ગોળ વાતો કરવાથી આગળ કોઈ વધ્યું જ નહોતું. એવામાં રોહનની પ્રમાણિકતા અને સીધી પોઈન્ટ પર વાત કરવાની સ્ટાઈલ નમ્રતાને ગમી. થોડું વિચાર્યા બાદ તેણે રોહનના પ્રસ્તાવને હા પડી દીધી.

નમ્રતા: આમ તો હું કોઈ અજાણ્યા વ્યક્તિને આવી રીતે મળતી નથી પણ તારી ઓનેસ્ટી મને સ્પર્શી ગઈ છે એટલે હા પડું છું. અને હા પાડી એટલે છોકરી તારા પ્રેમમાં પડી ગઈ છે એવું ન ધારી બેસતો.
રોહન: ડોન્ટ વરી. મને અજાણ્યા લોકો સાથે ડેટ પર જવાનો સારો એવો અનુભવ છે. તું ફક્ત સ્થળ અને સમય જણાવ, બાકી બધું હું મેનેજ કરી લઈશ.

તેમણે ફોન નંબરની આપ લે કરી અને નમ્રતાએ નક્કી કરેલી જગ્યાએ બીજે દિવસે સાંજે પાંચ વાગ્યે મળવાનું નક્કી કરીને રોહન સુઈ ગયો.

***

રોહન ગાંધીના જીવનમાં એક જ સિદ્ધાંત હતો કે જે લોકો ખોટેખોટા સિદ્ધાંતોનું પૂછડું પકડીને બેસે છે એ ક્યારેય ઝડપથી સફળતા નથી મેળવી શકતા. કેરિયર હોય કે લવ લાઈફ જીવનમાં સ્પીડ તો હોવી જ જોઈએ અને સિદ્ધાંતો જો એમાં સ્પીડ બ્રેકર સાબિત થતા હોય તો એમને અભેરાઈ પર મુકીને આગળ વધો. ત્રેવીસ વર્ષની ઉમરે રોહનના જીવનનો ઝડપી ગતિએ ઉંચે ચડતો ગ્રાફ જોઇને કોઈને પણ ઈર્ષા થાય એવું હતું. નર્સરીથી લઈને ઈન્જીનીયરીંગ સુધી સીધી લીટીમાં આગળ વધતો રોહન હંમેશા સારા માર્ક્સ લાવતો અને એના મમ્મી પપ્પાને ખુબ ગર્વ મહેસુસ કરાવતો. MBAમાં કેમ્પસ પ્લેસમેન્ટમાં જ્યારે એને ખુબ સારા પગારની જોબ મળી હતી ત્યારે એના પપ્પાને લાગ્યું હતું કે બસ હવે આ પરિવારના સંઘર્ષના દિવસો પુરા થયા છે. જોકે રોહનના તો સંઘર્ષના દિવસો શરુ જ થયા હતા. નવી નોકરીમાં સ્થાન જમાવવા માટે એ તનતોડ મહેનત કરતો. કામ પ્રત્યેની નિષ્ઠા અને બોસની ચાપલૂસીને કારણે તેને ફક્ત છ જ મહિનામાં કેટલાય સીનીયરને વટાવીને બે પ્રમોશન મળી ચુક્યા હતા. જેને કારણે એ ઓફિસમાં અળખામણો થઇ ચુક્યો હતો. એવામાં જ્યારે કોલકાતા ટેન્ડર ભરવા જવાનું આવ્યું ત્યારે બધા સ્ટાફે ભેગા મળીને રોહનને જ આ કામ માટે ગોઠવી દીધો. પશ્ચિમ બંગાળ સરકારની ડાબેરી નીતિઓને કારણે કોઈ ત્યાં જવા નહોતું માગતું. રોહને તો હસતા હસતા આ જવાબદારી સ્વીકારી લીધી અને કલીગ્ઝ્નું મોઢું બંધ કરી દીધું. રોહનનો કોલકાતા જવા પાછળ એક છૂપો ઈરાદો પણ હતો. એનું એમ માનવું હતું કે આખા દેશમાં ગુજરાતી પછી જો કોઈ બીજા નંબરે સુંદર હોય તો એ બંગાળી છોકરીઓ. કામને બહાને જો કોઈ બંગાળી ગર્લફ્રેન્ડ બની જાય એવો એના મનમાં તખ્તો રચાયો. ફ્લાઈટમાંથી ઉતરતા ભેગો જ તેણે tinder પ્રોફાઈલ અપડેટ કરી નાખ્યો અને સ્વાઇપ કરવા લાગ્યો. તેની tinder વાપરવાની સ્ટાઈલ અલગ જ હતી. તે દરેક પ્રોફાઇલને આંખ બંધ કરીને જમણે સ્વાઇપ કરતો. એકવાર મેચ થાય પછી જોયું જશે. Tinder પરની તો બધી પ્રોફાઈલ તેણે એક જ દિવસમાં લાઈક કરી નાખી. રોજ સાંજે ઓફિસનું કામ પત્યા બાદ તે પબમાં જઈને ફિલ્ડીંગ પણ ભરતો. પણ તેનું નસીબ જ સાથ નહોતું આપતું. કે પછી કોલકાતાની છોકરીઓ મુંબઈ / દિલ્હી ની સરખામણીમાં ખુબ જુનવાણી હતી. આમ છતાં રોહને આશા નહોતી મૂકી. અંતે પાછા ફરવાની આગલી રાતે કોઈ નમ્રતા નામની છોકરી જોડે પ્રોફાઈલ મેચ થઇ. આ છોકરી પ્રોફાઈલ અને વાતચીત પરથી ખુબ તોછડી લાગતી હતી. ઉપરાંત તે ચાર વર્ષ નાની પણ હતી. તેમ છતાં રોહને એક ચાન્સ લેવા માટે મળવાનું ગોઠવી કાઢ્યું. બીજે દિવસે હોટેલમાંથી ચેક આઉટ કરીને બધો સામાન લઈને તે પોણા પાંચ વાગે જ નક્કી કરેલા સ્થાને પહોચી ગયો. નમ્રતાને મળીને સીધો જ એરપોર્ટ નીકળી જવું એવી એની ગણતરી હતી.

***

સાંજે સવા છ એ નમ્રતા આંખો ચોળતી ઉઠી અને જોયું તો ફોન પર ઓગણીસ મિસ્ડ કોલ્સ હતા. ઘરે મમ્મી સિવાય કોઈ નહોતું એટલે એ ગાંજો ફૂંકીને બપોરે સુઈ ગઈ હતી. રોહન ને મળવાનું હતું એ વાત એના હંમેશા વ્યથિત રહેતા મગજ માંથી સાવ નીકળી જ ગઈ. એને પોતાના પર ખુબ ગુસ્સો આવ્યો અને શરમ પણ આવી. રોહન શું હજી પોતાની રાહ જોતો ઉભો હશે કે પછી ચાલ્યો ગયો હશે…? એમ વિચારતા તેણે ફોન જોડ્યો.