સામાન્ય રીતે આપણા જેવા સામાન્ય સંસારિક જીવો માટે ઈશ્વરપ્રાપ્તિના બે માર્ગ દર્શાવવામાં આવ્યા છે – ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ. અલબત્ત, મારું દ્રઢપણે એમ માનવું છે કે આ ઉપરાંત એક ત્રીજો અને એટલો જ અકસીર માર્ગ ઉપલબ્ધ છે જે મોટા ભાગના ધુરંધરો આપણને કેહતા નથી. તે છે પ્રવાસ માર્ગ.

ભક્તિ માર્ગ (path of unconditional devotion to God) કહે છે કે પરમકૃપાળુ પરમાત્માની ઈચ્છા વગર એક પાંદડું પણ હલતું નથી. માટે જ તમારા બધા દુઃખ, ચિંતા, સમસ્યાઓ ભૂલી જાઓ અને ઈશ્વરને જીવન સમર્પિત કરી દો.

જ્ઞાન માર્ગ (path of knowledge through reasoning) તમને પ્રશ્નો કરવા કહે છે. હું કોણ છું? મારું અસ્તિત્વ શાને? ઈશ્વર કોણ છે? શું ઈશ્વર છે? મુર્તીપુજા શું કામ? ઉપવાસ થી શો ફાયદો? માસિક દરમ્યાન મંદિરમાં કેમ ના જવાય? જીવનનો હેતુ શું છે? જો પેટ ભરવા સિવાય કોઈ હેતુ નથી તો મારામાં અને ગરોળીમાં શું ફરક? અને આ બધા જ પ્રશ્નોના નિરાકરણ દ્વારા જ્ઞાન માર્ગ સનાતન સત્યને પામવા કહે છે.

પ્રવાસ માર્ગ (path of finding yourself through travel) કહે છે:

નોટ ને સિક્કા નાખ નદી માં ધુળીયે મારગ ચાલ, ઉપર વાળી બેંક બેઠી છે આપણી માલામાલ

જ્યારે માણસ પ્રવાસ કરવા નીકળી પડે છે, ત્યારે તે નવી જગ્યાઓ જુએ છે, નવા લોકોને મળે છે, તેમના જીવન, તેમની સંસ્કૃતિને જાણવાનો પ્રયત્ન કરે છે. થોડાઘણા દિવસ કોઈ નવા જ પ્રદેશમાં વિતાવીને તે પાછો ઘરે આવે છે. આ સમયગાળામાં તેની અંદર ચોક્કસ કોઈક બદલાવ આવે છે. તે સમજે કે ન સમજે, સ્વીકારે કે ન સ્વીકારે પરંતુ આ બદલાવ તેના જીવન પ્રવાહને એક નવી જ દિશા આપે છે.

હવે વિચારો કે આ જૂજ દિવસો જો આટલો ફરક પાડવા સમર્થ છે તો મહિનાઓ કે વર્ષોના પ્રવાસ થી શો જાદુ થાય! પ્રવાસ દરમ્યાન કદાચ એવો સમય આવે કે જ્યારે તમને અનરાધાર પ્રશ્નો મૂંઝવતા હોય જેનો કોઈ જવાબ ન મળે (જ્ઞાન માર્ગ) અને એવા દિવસો પણ આવે કે જ્યારે તમારી પાસે જીવનદોર નિયતિ પર છોડી દેવા સિવાય કોઈ રસ્તો જ ન બચ્યો હોય (ભક્તિ માર્ગ)!

હું “પ્રવાસ-માર્ગ” વિષે કોઈ સ્થૂળ દાવા કરવા નથી માંગતો. તમને ઈશ્વર પ્રાપ્તિ કે સત્યની ઝાંખી કે જાતનો પરિચય થાય પણ ખરો અને ન પણ થાય. પરંતુ એ તો ચોક્કસ છે કે boss, મજા તો solid આવશે. તમારા બચ્ચાઓ ને કહેવા માટે અઢળક વાતો ભેગી થશે. અને પેલો થોડા દિવસમાં આવેલો થોડો બદલાવ, હવે વિશાળ સ્વરૂપે તમારા અંતરમાં આત્મસાત થઈને જાદુ ચલાવશે. ખરેખર પ્રવાસ તો એક જાતનો પ્રસવ છે જે તમારી અંદર એક નવા તત્વ ને, નવા જીવ ને પોષે છે અને વખત આવ્યે તેને જન્મ પણ આપે છે.

છેલ્લે તુલસીદાસ ના શ્લોક થી મારા key-board ને વિરામ આપું –

Shlok by Tulsidas (from page 37 - "Wandering in the Himalayas" by Swami Tapovan)

Shlok by Tulsidas (from page 37 – “Wandering in the Himalayas” by Swami Tapovan)

તો શું વિચારો છો મારા વાચકો – જે આંગળી ના વેઢે ગણી શકાય એટલા છે 😉 – તમે પણ આવા કોઈ પ્રવાસ પર ક્યારે જાઓ છો?