The perfect match – part 4: ચદરિયા ઝીની રે ઝીની

અત્યાર સુધીની વાર્તા

PART 1 : તો તું જ બનાવી લે, PART 2: ગ્યાનગંજ, PART 3: મુંદરી

લગ્ન માટે નવ્વાણું કન્યાઓને ના પાડી ચુકેલા અભિમન્યુને જ્યારે 100મી કન્યા અનુરાધા – જે  એની નાનપણની મિત્ર છે – ના પાડે છે ત્યારે એનો અહમ ઘવાઈ જાય છે. ગુસ્સામાં એ રાતના બાઈક લઈને હાઇવે પર નીકળે છે જ્યાં એને એક બાબાજી ગ્યાનગંજ નામની રહસ્યમય જગ્યાએ  લઇ જવાની લાલચ આપે છે- કે જ્યાં પ્રખર યોગીઓ એને “મેઈડ ટુ ઓર્ડર” છોકરી બનાવી શકે છે.

ચિલ્લમના કેફમાં અભિમન્યુ ગ્યાનગંજ પહોચે છે જ્યાં એને નારદ નામનો વૈજ્ઞાનિક મળે છે. નારદ તેની બાઈકના બદલામાં એક કૃત્રિમ છોકરી તૈયાર કરી આપે છે પણ આ છોકરી અનુરાધા જેવી દેખાય છે. લગ્નનો પ્રસ્તાવ મુકતા તે ભાગી જાય છે અને નારદ પોલીસને અભિમન્યુની ખોટી ફરિયાદ કરી દે છે. પોલીસ તેને એક પુલ પરથી નીચે ફેકી દે છે.

હવે વાંચો આગળ…


નેશનલ હાઇવે નંબર ૮ પર બપોરે બાર વાગ્યે સારો એવો ટ્રાફિક હતો. પુરપાટ વેગે દોડતી ગાડીઓ અને બસમાં બેઠેલા લોકો રસ્તાની બાજુમાં પડેલા એક માનવશરીરને બારીમાંથી પસાર થતું જોઈ રહેતા. કોઈને પણ ઊભા રહેવાની ફુરસદ નહોતી. એસી ગાડીમાંથી ધોમધખતા તડકામાં બહાર નીકળવા માટે આ કોઈ વ્યાજબી કારણ નહોતું. એમાંય જો એક્સિડેન્ટ કે લૂંટફાટનો મામલો હોય તો નકામી પોલીસની માથાકૂટ થાય. કોને ખબર એ જીવતો પણ હતો કે નહિ. હાઈવે પરથી પસાર થતા લોકો માટે આ એક ફક્ત સામાન્ય ઘટના હતી કે જેને નજરઅંદાજ કરવા માટે તેઓ ટેવાયેલા હતા.

અભિમન્યુની આંખો ખુલી ત્યારે ક્ષિતિજ સુધી ચાલ્યા જતા ડામરના લાંબા કાળા પટ્ટાથી એનો સમગ્ર દ્રષ્ટિફલક ભરાઈ ગયો. ગાલ જાણે તોવડા પર શેકાવા મુક્યો હોય એમ જમીન સાથે ચોંટીને બળી રહ્યો હતો. લાળ ટપકી ટપકીને મોઢું સાવ સુકાઈ ગયું હતું. ચહેરા પર સુકાયેલી લાળના થર બાઝી ગયા હતા જેના પર માખી બણબણી રહી હતી. દર દસ સેકન્ડમાં ઝુપ્પ અવાજ કરીને કોઈ ગાડીના પૈડાં પસાર થતાં. થોડી થોડી વારે કાન ફાડી નાખતું હોર્ન સંભળાતું. હોર્નના અવાજથી એનો માથાનો દુખાવો વધી જતો. એક-બે વાર ગાડી સાવ પાસેથી પસાર થઇ. અભિએ ઉભા થવાની કોશિશ કરી પણ શરીરમાં તાકાત જ નહોતી. સાપની જેમ પેટે સરકતા તે ડામર પરથી ખસીને ધૂળમાં પહોચી ગયો. ફાટેલા પેન્ટ શર્ટમાંથી ઉઘાડી ચામડી પર જ્યાં જમીનનો સ્પર્શ થતો ત્યાં ચટકા લાગતા. જોકે ધૂળ ડામર કરતા ઓછી ગરમ હતી. જોર કરીને પડખું ફરીને પીઠ પર સુઈ ગયો. સુરજ સાવ માથા પર હતો. આંખો બંધ કરીને પડ્યો પડ્યો તે સ્થળ, કાળ પ્રત્યે સભાન થવા લાગ્યો.

પોતે અભિમન્યુ જરીવાલા અહી આ પરિસ્થિતિમાં કઈ રીતે આવી ગયો. ગઈ રાતની ઘટનાઓ તેની આંખ સામેથી પસાર થવા લાગી. પુર ઝડપે પોતે બાઈકમાં પેટ્રોલ ભરાવવા જઈ રહ્યો હતો. એક ભયાનક સફેદ પ્રકાશ તેને યાદ આવ્યો. ત્યાર બાદ શું થયું? એને કઈ યાદ નહોતું આવતું. બાઈક ક્યાં? આજુ બાજુ જોયું તો ક્યાય દેખાતું નહોતું. તેણે ફરી ઉઠવાનો પ્રયત્ન કર્યો. સહેજ ઉઠ્યા બાદ તે ફરી જમીન પર પટકાયો. શરીરમાં જરાક પણ જોર નહોતું. આખા શરીરમાં ભયંકર પીડા થતી હતી. રાતના પેટ્રોલ ભરાવવા પોતે શું કામ જઈ રહ્યો હતો? ક્યાય દુર જવું હતું એને … પણ ક્યાં? બાબાજી યાદ આવ્યા. ક્યાં ગયો પેલો બાબો? તેણે પોતાને કોઈ જગ્યાએ લઇ જવાનું વચન આપ્યું હતું. અને પોતે એક મૂરખની જેમ એની વાતોમાં આવી ગયો હતો. હા, યાદ આવ્યું એની સાથે એના બે ચેલા પણ હતા. ચા ના બાંકડા પર તેઓ કઈવાહિયાત ગીતો ગાઈ રહ્યા હતા. પોતે પપ્પાના મહેણાથી બચવા ગાંડાની જેમ રાતના બાઈક લઈને નીકળી પડ્યો હતો. અરે! પપ્પા મારી ચિંતા કરતા હશે. તેણે ફોન કરવા માટે ખિસ્સા ફંફોસ્યા. મોબાઈલ ગાયબ હતો. ઘડિયાળ, વોલેટ, બુટ, પટ્ટો બધું જ ગાયબ હતું. એક નાની અમથી વાતમાં પપ્પા ખોટેખોટા ઉકળી ગયા હતા. હવે તો ચોક્કસ શાંત થઇ ગયા હશે. ઉલટા ચિંતાના માર્યા બધા જ ફ્રેન્ડસ ને ફોન કરી ચુક્યા હશે. કદાચ પોલીસમાં રીપોર્ટ પણ લખાવી દીધી હોય. અને પેલી અનુડી? એને કારણે જ આ બધું થયું. શું એને પણ પોતાની ચિંતા થતી હશે? ના રે ના એને શું કામ ચિંતા થાય? ઊલટાની એ તો કદાચ ખુશ થતી હશે. ખેર, એ જે પણ વિચારતી હોય એથી પોતાને શું? પોતે શા માટે એને ચિંતા થાય એવું ઈચ્છી રહ્યો હતો? અનુનો સહેજ શ્યામવરણો પણ ખુબ નમણો ચહેરો એને યાદ આવી ગયો. એની સાથે જ ઘુંઘટ ઓઢેલી અસ્સલ એના જેવી જ દેખાતી કન્યાનો ચહેરો પણ એને યાદ આવી ગયો. અને એ એક ઝટકા સાથે ઉભો થઇ ગયો.

તેને અચાનક બધું જ સ્પષ્ટપણે યાદ આવી ગયું. પેલી સુંદર મજાની માયાનગરીમાં કોઈક રીતે પોતે પહોચી ગયો હતો. મેરુ પર્વત, ઇન્ફોસિટી, નારદની પ્રયોગશાળા અને મુંદરીનું સર્જન બધું જ એને યાદ આવી ગયું. શું એ જ ગ્યાનગંજ હતું કે જ્યાં પોતાને પેલો ઢોંગી બાબા લઇ જવાનો હતો? પોતે સાચે જ ત્યાં ગયો હતો કે ફક્ત ભ્રમણા હતી? કોઈ સપનું હતું? જો તે ખરેખર ત્યાં ગયો હોય તો બાઈક ક્યાં? અને ન ગયો હોય તો બાબા ક્યાં? પોતાને પુલ પરથી નીચે ફેકી દીધા બાદ શું થયું? અને સૌથી મહત્વનું પોતાની પરફેક્ટ ગર્લ શું કામ અનુરાધા જેવી દેખાતી હતી. એ ગુંચવાઈ ગયો. તેણે ચાલવા માંડ્યું. આવા તડકામાં ચાલતા એના પગ બળી રહ્યા હતા. પોતે કઈ દિશામાં ચાલી રહ્યો હતો એ પણ ખબર નહોતી. લીફ્ટ લેવાની કોશિશ કરી પણ કોઈ ઉભું જ નહોતું રહેતું. તેના મનમાં એક જ પ્રશ્ન ઘોળાઈ રહ્યો હતો. મુંદરી કઈ રીતે અનુરાધા જેવી દેખાઈ શકે? શું પોતાનું મગજ પરફેક્ટ ગર્લ વિશેની કલ્પના કરતી વખતે અનુરાધાના વિચારો કરી રહ્યું હતું? કરીના કપૂરના વિચારો કરવા જોઈતા હતા એની બદલે સાવ અનુરાધા રંજનના વિચારો? આ શું થઇ ગયું હતું પોતાની સાથે? આખરે તો એણે પોતાનું અપમાન કર્યું હતું અને એ પણ કોઈ જાતના દેખીતા કારણ વગર. ખુબ ચાલ્યા બાદ એક પેટ્રોલ પંપ આવ્યો. આ તો ગઈ રાત વાળો જ પંપ લાગતો હતો. રાતના કઈ અજુગતું બન્યું હતું કે કેમ એવી પૂછપરછ કરતા એને ખબર પડી કે રાતે અગિયાર વાગે પેટ્રોલ પંપ બંધ થઇ જાય પછી અહી વોચમેન સિવાય કોઈ હોતું નથી. વોચમેને કહ્યું કે રાતના થોડો સમય લાઈટ ગઈ હતી પણ એ સિવાય ખાસ કઈ બન્યું નહોતું. કોઈ બાઈક આવી હોય એવું તો એને યાદ નથી. વાતનો તાગ ન મળતા એણે હવે ઘરે જવું જ હિતાવહ છે એમ વિચાર્યું. મોઢા પર પાણીની છાલક મારીને ખુબ પાણી પીધું.

એક જુનીપુરાણી મારુતિ પેટ્રોલ પંપની એક્ઝિટ પાસે હવા ભરાવવા ઊભી હતી. અંદર એક ભલા લાગતા વયસ્ક ઉમરના ભાઈ ડ્રાઈવર સીટ પર બેઠા હતા. અભિમન્યુએ તેમની પાસે જઈને શહેર સુધી લઈ જવાની વિનંતી કરી. તેઓ આવા મેલા ઘેલા જેવા જુવાનને પોતાની સાથે લઇ જવા નહોતા ઇચ્છતા. ના કેમ પાડવી એની અવઢવમાં હતા, ત્યાં તો બાજુમાં બેસેલી એમની પત્નીએ એને ગાડીમાં બેસવા માટે હા પાડી દીધી. દબાયેલા અવાજમાં આન્ટીએ એમના વરને કહ્યું “આપણા દીપેશ જેવો જ લાગે છે આ. બિચારાને નક્કી કઈ મુસીબત હશે. ભલે ને સાથે આવતો”. હવે પોતાનું કઈ નહિ ચાલે એમ લાગતા અંકલે ગાડી ચાલુ કરી અને જાણીજોઈને સહેજ ઊંચા અવાજે પાછળ બેઠેલો છોકરો સાંભળી શકે એમ કહ્યું, “તને તો બધા દીપેશ જેવા જ લાગે છે. બાકી આજકાલ હાઇવે પર લુંટફાટના કેટલા બનાવ બને છે એ ખબર છે? રોજ છાપામાં આવે છે”. આન્ટીએ નારાજગી દર્શાવતા કહ્યું, “શ્સસ જરા ધીરે બોલો પેલો સાંભળે છે” અંકલ હજુ જોરથી બોલ્યા, “તો ભલે ને સાંભળે … એ આપણી ગાડીમાં બેઠો છે કઈ આપણે એની ગાડીમાં નહિ. હમણાં કાલે જ મેં વાંચ્યું કેટલાક અજ્ઞાત શખ્સોએ બુરખા પહેરીને ધોળે દિવસે ગાડીની ચોરી કરી. ઉપરથી અંદર બેઠેલાને મારી નાખ્યા. આવું બધું થાય છે ને તું ગમે એવા અજાણ્યાને વગર વિચાર્યે બેસાડી દે છે”. “અરે તમે તો કમાલ કરો છો ભઈસાબ, આણે તે કાઈ બુરખો પહેર્યો છે?” “તો શું થયું? એણે ખીસામાં ચક્કુ કે બીજું કોઈ હથિયાર છુપાડ્યું હોય તો આપણને શું ખબર?” અંકલે હવે સીધું અભિમન્યુ તરફ જ પોતાની તોપનું નાળચું ફેરવતા કહ્યું, “જો છોકરા, આ તારી આંટીએ કીધેલી એકેય વાતને હું ના નથી પાડી શકતો એટલે તને બેસવા દીધો છે. બાકી હું એકલો હોત તો તને ક્યારેય ન બેસાડત. તારે કઈ ચોરી ચપાટી કરવી હોય તો કહી દઉં કે અમારી પાસે કઈ જ નથી. અમે બંને સીનીયર સીટીઝન છીએ. જે બચત હતી એ બધી દીપેશનું કર્જ વાળવામાં ખર્ચાઈ ગઈ. આજે એનો જ છેલ્લો હપ્તો ભરીને આવી રહ્યા છીએ. પેન્શનની અગિયાર હજાર રૂપરડી આવે છે એમાં ઘર કેમ ચાલે એ મને અને તારી આંટીને જ ખબર છે. મોંઘવારી જોઈ છે?” સહેજ શાંત પડીને અંકલ ફરી બોલ્યા “મારી સૌથી કીમતી મૂડી જો કોઈ હોય તો એ આ તારી આંટી છે. અને પછી આ ગાડી. આ બેમાંથી એકેયને કઈ પણ થાય એ મને પાલવે એમ નથી. એટલે તારે જે કાઈ કરવું હોય એ મને કર. બાકી એક ત્રીજી મહામુલી મૂડી હતી એ તો હવે …”, બોલતા બોલતા અંકલનું ગળું ભરાઈ આવ્યું.

આન્ટીએ તરત અંકલની પીઠ પર હાથ ફેરવતા કહ્યું, “શું તમે પણ? કોઈ પણ વાત હોય એમાંથી હરીફરીને બસ એકની એક વાત પર આવી જાઓ છો. આપણે કેટલી વાર નક્કી કર્યું છે કે નવા માણસ સામે એનો ઉલ્લેખ નહિ કરીએ? અને હવે તો બે વરસ થવા આવ્યા છે એ વાતને. માન્યું કે ઘટના જ એવી હતી કે બાપનું હૈયું ભરાઈ આવે. હું પણ તો માં છું એની, કાબુ રાખું છું ને જાત પર? બિચારા છોકરાને મુંઝવી માર્યો. એને પણ તો કઈ બોલવા દો. લો પાણી પીવો અને શાંત મને ગાડી ચલાવો”. આન્ટીએ અભિમન્યુ તરફ એક હુંફાળું સ્મિત આપીને પૂછ્યું, “શું નામ તારું બેટા?” “અભિમન્યુ જરીવાલા. અંકલ તમે જેવું વિચારો છો એવો મારો કોઈ ઈરાદો નથી. હું તો પોતે જ લુટાઈ ગયો છું. કાલે રાતે એક ઢોંગી બાબાએ મને બેવકૂફ બનાવીને મારી બાઈક, પૈસા, મોબાઈલ બધું જ પડાવી લીધું”. જાણીજોઈને અભિએ ગ્યાનગંજ વાળી વાત ના કહી. આન્ટીએ પૂછ્યું, “અને તું રાતે એકલો બાઈક લઈને હાઇવે પર શા માટે નીકળ્યો હતો?” “નક્કી ઘરેથી ઝઘડો કરીને નીકળ્યો હશે”, અંકલ બોલ્યા. “હં હં … બોલવા દો ને એને”, આન્ટીએ એમને આગળ બોલતા અટકાવ્યા. “આ વખતે તમે સાચા છો અંકલ…” અભિમન્યુએ માંડીને બધી વાત કરી. વાત પૂરી થયા બાદ થોડી વાર કોઈ કઈ બોલ્યું નહિ. પછી આન્ટીએ ધીરેથી વાત માંડી, “અમારે પણ તારા જેવો જ એક દીકરો હતો. દીપેશ. કોઇપણ માં બાપ ને ગર્વ થાય એવો. તારા અંકલ નો પગાર બહુ નહિ તોયે એકનો એક છોકરો હતો એટલે અમે એને ખુબ લાડકોડથી ઉછેર્યો. અને એ પણ સામે એટલો જ હેતાળ”. થોડીવાર આંટી બારીની બહાર જોઈ રહ્યા અને પછી ફરી શરુ કર્યું, “કોલેજના છેલ્લા વર્ષમાં હતો ત્યારે એને બે મિત્રો જોડે મળીને ધંધો શરુ કરવો હતો. એમાં મૂડીરોકાણની જરૂર હતી. તેના બંને મિત્રો તો પૈસાદાર કુટુંબમાંથી હતા. પણ અમારી પાસે ત્યારે એટલા પૈસા નહોતા એટલે અમે દીપેશને આમાં પડવાની જ ના પાડી. એણે અમારી જાણ બહાર જ મહેસાણાના એક બાપુ પાસેથી વ્યાજે પૈસા લીધા. ગીરવી મુકવા માટે તો એની પાસે કઈ હતું જ નહિ એટલે પઠાણી વ્યાજે પૈસા લીધા. એકાદ વરસ ખુબ મહેનત કરવા છતાં ધંધો ન જામ્યો એટલે એના મિત્રોને રસ ઉડી ગયો. કોલેજ પૂરી થતા જ તેઓ પોતપોતાના બાપના ધંધામાં જોડાઈ ગયા. અમને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તારા અંકલ અને દીપેશ વચ્ચે ખુબ બોલાચાલી થઇ ગઈ. અને એ રાતે દીપેશ પણ તારી જેમ જ કઈ કહ્યા વગર બાઈક લઈને ચાલી નીકળ્યો. ત્યારબાદ આજ સુધી એનો કોઈ પત્તો જ નથી. પોલીસ સ્ટેશન અને શબગૃહના કેટકેટલા ચક્કર કાપ્યાં પણ ન તો એના હેમખેમ હોવાના કોઈ સગડ છે કે ન મૃત્યુની માહિતી. એટલે જ કોઇપણ જુવાન છોકરાને જોઉં તો મને એમાં મારો દીપેશ જ દેખાય છે. ખેર, તું હેમખેમ પાછો ઘરે જઈ રહ્યો છે એ માટે ભગવાનનો પાડ માન.

અને હા, આ બે વરસ અમે કેમ કાઢ્યા છે એ અમને જ ખબર છે. ઘરડે ઘડપણ તમારા જીવનસાથીનો સધિયારો એ કેટલી મહત્વની વાત છે એ તો હું કદાચ તને નહિ સમજાવી શકું. પણ હા, એટલું કહીશ કે અમારા લગ્ન થયા ત્યારે અમારા બંનેમાંથી કોઈ – તું જેને પરફેક્ટ ગણે છે – એવું નહોતું. તમે જ્યારે નવી નવી શાલ લો ત્યારે એ કેવી સુંદર હોય. એકદમ ચળકતી, કડક મઝાની સ્ટાર્ચ કરેલી. ઘડી કરીને પડી હોય કે ખભા પર નાખી હોય તો વટ પડે. પણ ઓઢવામાં જરાય ન ફાવે. પછી જેમ જેમ ધોવાતી જાય અને વપરાતી જાય એમ સુવાળી થવા લાગે. અને પછી તો એક વખત એવો આવે કે જ્યારે તમને એ શાલ એવી ફાવી ગઈ હોય, એની સાથે તમે એવા જોડાઈ ગયા હો કે કોઈ બીજી ચાદર ફાવે જ નહિ. દીકરા, લગ્નનું પણ એવું જ છે. ચાલીસ વર્ષ બાદ મ્યુઝીકના ટેસ્ટ કે આંખોના રંગ કરતા એ તમારી નાની નાની જરૂરિયાતોનું કેટલું ધ્યાન રાખે છે એ વધુ મહત્વનું હોય છે. માટે જ કહું છું એને માનવું કે ન માનવું એ તો તારી મરજી છે. તને તારા હિસાબથી પરફેક્ટ છોકરી મળે કે ન મળે, પણ જે તને તું જેવો છે એ માટે પ્રેમ કરી શકે, તારી સંભાળ રાખી શકે અને તું જેને પ્રેમ કરી શક ઉપરાંત એને ધીમે ધીમે તારા પ્રેમથી તારી પરફેક્ટ ગર્લ બનાવી શક એવી છોકરી જોડે પરણી જા. ચલ હવે મેં બહુ બકબક કરી લીધી. આ લે અંકલનો ફોન અને પપ્પાને જણાવી દે કે તું સહી સલામત છો.


અભિમન્યુ જરીવાલાએ છેલ્લી અડધી કલાકમાં લગભગ ત્રીસમી વાર ઘડિયાળ સામે જોયું. ઓફિસથી નીકળવાને હજુ થોડી વાર હતી. જેમ જેમ કાંટો છની નજીક વધી રહ્યો હતો તેમ અભિની બેચેની પણ વધી રહી હતી. કંઈ કામ નહોતું થઇ રહ્યું તેનાથી. ઉપરાઉપરી ત્રણ દિવસમાં બીજી વખત અભિની આવી હાલત જોઇને ડાબી તરફના ક્યુબીકલમાં બેઠેલી આરતીને આશ્ચર્ય થયું. તેણે જમણી તરફના ક્યુબિકલમાં બેસેલા અનુરાગને આંખથી ઈશારો કર્યો. અનુરાગે અભિમન્યુને પૂછ્યું, “શું વાત છે ભઈબંધ આજે પાછી કોઈ છોકરી જોવા જવાનો લાગે છે?” અભિએ હસતા હસતા કહ્યું, “હા આટલા વરસમાં પહેલી વાર આજે બીજી મીટીંગ સુધી વાત પહોચી છે”. “કોણ પેલી અમેરિકા વાળી?”

“હા એ જ”


સમાપ્ત


 

આવતા અઠવાડિયે વાંચો નવી વાર્તા…

નમ્રતા એની કોલેજની સૌથી લોકપ્રિય છોકરી છે. છોકરાઓ એની પાછળ મરે અને છોકરીઓ પીઠ પાછળ ઈર્ષાથી બળી મરે. તે કોઈ છોકરાને ભાવ પણ ન આપે કારણકે તેની પસંદનો છોકરો તો કોઈ કોલેજની બહાર કોર્પોરેટમાં કામ કરતો, પોતાની જવાબદારી ઉપાડવા સક્ષમ, દુનિયાથી પોતાને બચાવી શકે એવો અને હા ખુબ અમીર એકદમ હીરો ટાઈપનો હોવો જોઈએ. તેની આ બેફીકરાઇ અને એટીટ્યુડની પાછળ છુપાયેલી છે એક રહસ્યમય છોકરી જે દુનિયાથી ડરેલી છે અને સામાજિક બંધનોની બેડીઓમાં જકડાયેલી છે. પોતાની આસપાસના સંકુચિત વિશ્વમાંથી  છૂટીને એ મુક્ત ગગનમાં ઉડવા માંગે છે. અને એની માટે એ કઈ પણ કરવા તૈયાર છે. કઈ પણ.

બીજા શહેરમાં રહેતા રોહનના સપના ખુબ મોટા છે. દિવસમાં સત્તર કલાક કામ કરીને અને રવિવારે પણ રજા લીધા વગર એણે ફક્ત છ મહિનાની અંદર બે પ્રમોશન મેળવી લીધા છે. તેને વારંવાર કંપનીના કામ અંગે ટુર પર જવાનું થયા કરે છે.

દેખીતી રીતે તદ્દન ભિન્ન લગતી આ બે વ્યક્તિઓની વચ્ચે બે વસ્તુ કોમન છે – tinder અને હિમાલય પ્રત્યેનો લગાવ. શું થાય છે જ્યારે બ્રમ્હાંડ આ બે સિતારાઓને વેગપૂર્વક એકબીજા તરફ ફંગોળવાનું ધારે છે?

4 Comments

 1. Keep it up. Good starts howevr
  Sometime it gave feeiling tat author is relating to his own life. So make it as story only.
  All the brst

 2. Thats a good end to a story, was predictable after narad jobs name came. But I enjoyed. Nice gujju touch in the end with uncle n aunty.

  Keep it up…and I sure agree story does have some or other connect with the author.

  Mail me once u have the part one released.

  PS: 500 kms an hour on Enfield reminds me of my days with Her. She didnt do 500, but I sneezed a piston at 125….

Leave a Reply

Your email address will not be published.

*

© 2018 રઝળપાટ

Theme by Anders NorenUp ↑