અત્યાર સુધીની વાર્તા:

વાંચો The perfect match ભાગ 1 – તો તું જ બનાવી લે, ભાગ 2 – ગ્યાનગંજ

લગ્નેચ્છુક ઉમેદવાર અભિમન્યુ જરીવાલા નવ્વાણું છોકરીઓને ના પાડી ચુક્યો છે. 100મી છોકરી એની નાનપણની મિત્ર, US રીટર્ન અનુરાધા રંજન એને રીજેક્ટ કરે છે. અહમ ઘવાયેલો અભિમન્યુ રાતના સમયે અધવચ્ચે અનુરાધાને છોડીને ઘરે આવી જાય છે. ઘરે પપ્પા એને વઢી નાખે છે. ધૂંધવાયેલી મનોસ્થિતિમાં અભિમન્યુ બાઈક લઈને હાઇવે પર નીકળી પડે છે. એક ઢાબા પર તેને મળે છે એક ફિલ્મી પ્રકારના “બાબાજી” જે એને ગ્યાનગંજ નામની રહસ્યમય જગ્યાએ લઇ જવાનો દાવો કરે છે. હવે વાંચો આગળ…


કાળી રાતમાં બાઈકના પૈડાં નીચેથી ડામરની કાળી જાજમ ઝડપભેર સરકી રહી હતી. પીળી હેડલાઈટના પ્રકાશમાં બાઈકની આગળનો રસ્તો ધોવાઇ રહ્યો હતો. આગળ એક જુવાન અને પાછળ એક સાધુબાબાને લઇ જતી આ બાઈક એક જોવાલાયક નજરાણું હતી. બાબાનું પાતળું ભગવું વસ્ત્ર બાઈકની પાછળ એમ ઉડી રહ્યું હતું જાણે હિંદુ સુપરમેન. હાઈવે પરની ડંખીલી હવા બાબાના હાડકાની આરપાર જઈ રહી હતી. અભિમન્યુની બાઈક આજે કંઇક વધારે જ ઝડપથી દોડી રહી હતી. સ્પીડના ડર અને ઠંડીને કારણે બાબા અભિમન્યુને વળગીને બેઠા હતા. સ્પીડોમીટરનો કાંટો 500 ને સ્પર્શી ચુક્યો હતો. બાઈક હંકારતા અભિમન્યુનું મગજ 1000ની ઝડપે દોડી રહ્યું હતું. થોડીવાર પહેલા બાબાએ આપેલા રહસ્યમય ગીતમાં ગ્યાનગંજનું સ્થાન છુપાયેલું હતું. અભિમન્યુ મગજમાં બધી કડીઓ જોડીને રહસ્ય ઉકેલવા મથી રહ્યો હતો. “બાબા ફિર સે એક બાર વો ગાના સુના દો”. ધ્રુજતી દાઢીએ બાબાએ લલકાર્યું:

पहाड़ो  के बीच फूलों की घाटी में नगर बसा
कोई कहे उसे ग्यानगंज कोई कहे शम्भाला

न ज़मीं, न पानी, न आसमां
त्रिशंकु अवस्थामे स्थिर एक झूला

अमर सिद्ध योगी वहां के निवासी
बोलते केवल ज्ञान और प्रेम की भाषा

उत्तर से सुनहरी, पूरब से हीरे-सी दो रेखा
कहाँ मिली किसीने न देखा
हो अगर चतुर सुजान तो पूरी कर लो जिज्ञासा

“ફૂલોં કી ઘાટી”, “ઉત્તર સે સુનહરી”, “પૂરબ સે હીરે-સી”, “ત્રિશંકુ ઝૂલા” આ ત્રણ-ચાર સંજ્ઞા એના મગજ માં આમથી તેમ અફળાઈ રહી હતી. “ફૂલોં કી ઘાટી” તો હિમાલયમાં આવેલી valley of flowers અથવા એની આસપાસની કોઈ જગ્યા હોઈ શકે. ઉત્તર અને પૂર્વની બે રેખા કોઈ જગ્યાના અક્ષાંશ, રેખાંશ સૂચિત કરતી હોય. તેણે એક હાથે બાઈક ચલાવતા બીજા હાથે ખીસામાંથી મોબાઈલ કાઢ્યો. 3G ડેટા પર તેણે “ગોલ્ડન લાઈન”, “ડાયમંડ લાઈન”, “ગોલ્ડન લેટીટ્યુડ” જેવી અલગ અલગ સર્ચ કરી જોઈ પણ ખાસ કઈ ન મળ્યું. થોડી વાર સોનેરી અને હીરાનું અક્ષાંશ-રેખાંશ સાથે શું સંબંધ હોઈ શકે એમ વિચારતા એને બત્તી થઇ … સુવર્ણ જયંતી અને હીરક જયંતી!! એટલે કે 50 ઉત્તર અને 75 પૂર્વની રેખાઓ જ્યાં મળે એ સ્થળે આવ્યું હોય ગ્યાનગંજ. એણે તરત ગૂગલ મેપ્સમાં જોયું. પોતે બરોબર 75 પૂર્વ રેખાંશ પર હતો. પણ 50 ઉત્તર અક્ષાંશને આ રેખા જ્યાં મળતી હતી એ જગ્યા હતી છેટ કઝાખસ્તાન-તાજીકિસ્તાન આ બે દેશોની સરહદ પર. માનવ વસ્તીથી દુર પામીર નામની પર્વતમાળાની વચ્ચોવચ. હવે અભિ મૂંઝાયો. સાડા પાંચ હજાર કિલોમીટર અંતર ગૂગલ મેપ્સ બતાવતું હતું જે 500ની સ્પીડ પર 10 કલાક થાય. હજુ થોડો ફાસ્ટ જાય તો કાલ સવાર સુધીમાં પહોચી શકાય. પોતે NH7 હાઇવે પર હતો જે 75 રેખાંશની લગભગ સમાંતર ચાલતો હતો. પણ તકલીફ એ હતી કે પોતાની પાસે પાસપોર્ટ નહોતો અને એટલું પેટ્રોલ ભરવાના પૈસા બી નહોતા. તેણે બાબાને મેપ્સ બતાવતા કહ્યું “આ જુઓ તમારું ગ્યાનગંજ તો તાજીકિસ્તાનમાં આવ્યું છે”. બાબાએ કહ્યું “ये असंभव है, हमारे गुरूजी यहीं हिन्दुस्तान से जाया करते थे। वो शहर तो एक त्रिशंकु झूला है, उड़नखटोला है। कल कहीं तो आज कहीं। तुम इसी राह पे चलते रहो मंज़िल मिल जाएगी”

કંઈ જવાબ આપ્યા વગર અભી સીધેસીધું ચલાવતો રહ્યો. થોડે આગળ જતા પેટ્રોલ પંપની મસમોટી ગ્લો સાઈન ઝબૂકી રહી હતી. એણે બાઈક ડાબે વાળ્યું. રસ્તો સાંકડો થઇ રહ્યો હતો અને છેવાડે પેટ્રોલ પંપની સફેદ લાઈટ ચમકી રહી હતી. બાઈકનો ફયુલનો કાંટો છેટ ડાબી તરફ ચોંટી ગયો હતો અને ગમે તે ક્ષણે બાઈક બંધ થઇ જાય એમ હતું. અભિએ ઝડપ વધારી. જેમ એ આગળ જઈ રહ્યો હતો તેમ પેટ્રોલ પંપ પણ મૃગજળની જેમ દુર જઈ રહ્યો હતો. રસ્તો હવે સાવ સાંકડો, ફક્ત એનું બાઈક પસાર થાય એટલો જ થઇ ગયો અને ચઢાણ આવી ગયું. એની બાઈક હવે 1000ની સ્પીડ પર પહોચવામાં હતી. ચઢાણ કપરું થઇ રહ્યું હતું અને અંતે પેટ્રોલ પંપ નજીક આવતો હોય એમ લાગ્યું. તેનો સફેદ પ્રકાશ ઘનઘોર રાતની દીવાલ પર એક વર્તુળ બાકોરાની જેમ હતો. અભિ તેની સાવ પાસે આવી ચુક્યો અને તે વિરાટ સ્વરૂપ લઇ ચુક્યું હતું. તેનો આકાર હવે સાવ સ્પષ્ટ હતો. રસ્તો પૂરો થતો હતો ત્યાં બાઈક ટેક-ઓફ થઈને આ રાક્ષસના મોં જેવા બાકોરામાં પ્રવેશ્યું અને મોઢું બંધ થઇ ગયું. જાણે ત્યાં કઈ હતું જ નહિ. બાબા આ તરફ રહી ગયા અને અભિમન્યુ બાઈક સાથે અંદરની તરફ ખેંચાઈ ગયો.


ધ … ડા … મ… દઈને બાઈક પાછુ જમીન પર પટકાયું. પેટ્રોલ ફુલ્લ થઇ ચુક્યું હતું. અભિમન્યુ પણ ધડામ કરતો જાણે કોઈ સપનામાંથી હકીકતમાં પાછો આવ્યો હોય એમ એને લાગ્યું. ઘોર અંધકારમાંથી અચાનક સોનેરી સવાર થઇ ગઈ. તેણે આંખો ચોળીને દ્રશ્ય સાફ કરવાની કોશિશ કરી. પણ આ તો સાચે જ સવાર હતી. તેનુ બાઈક ધીમે ધીમે એક રસ્તા પર જઈ રહ્યું હતું જેની બેવ બાજુ સુંદર બગીચા હતા; બગીચામાં રંગબેરંગી ફૂલો. રસ્તો દૂર ક્યાંક ટેકરીઓની વચ્ચે ખોવાઈ જતો હતો. એક ટેકરી પરથી પાતળી રૂપેરી જલધારા નીચે પડી રહી હતી. બીજી ટેકરીની પાછળથી સૂર્ય ડોકિયું કરવા જઈ રહ્યો હતો. એના કુમળા સોનેરી તડકામાં આખો પ્રદેશ નહાઈ રહ્યો હતો. થોડે આગળ જતા તેને “એકલા ચોલો રે…” નું સંગીત સંભળાયું. જોયું તો એક ભલો લાગતો, સફેદ કપડા પહેરેલો, લાંબા વાળ અને લાંબી દાઢી વાળો માણસ કેટલાક લોકોને એકઠા કરીને ઝાડ નીચે સિતાર વગાડતા શીખવી રહ્યો હતો. એની બાજુના ઝાડ નીચે આબેહુબ એવો જ માણસ ચિત્રો દોરતા શીખવી રહ્યો હતો. એની આગળના ઝાડ નીચે પણ હજુ એક એવોને એવો દેખાતો માણસ કેટલાક લોકોને બંગાળીમાં કવિતાનું રસપાન કરાવી રહ્યો હતો. ઝાડ પર બોર્ડ માર્યું હતું “પ્રોફેસર RT’s આર્ટ કલાસીસ”

આ બધું અભિને સપના જેવું લાગી રહ્યું હતું. રસ્તાની બાજુ પર એક હેલ્પ કિઓસ્ક પાસે તે ઉભો રહ્યો. તેની સ્ક્રીન પર ગ્યાનગંજનો નકશો હતો. સ્ક્રીન પર સ્પર્શ કરતા એક 3D હોલોગ્રફિક પ્રોજેક્શન બહાર આવ્યું. અભિને કકડીને ભૂખ લાગી હતી. એને નકશામાં મેરુ પર્વતની પાછળ ઇન્ફોસીટી દેખાયું. તેને લાગ્યું કે અહિયાં પણ ઇન્ફોસિટીમાં સારી રેસ્ટોરેન્ટ હશે.

ઇન્ફોસિટી પહોચીને જોયું તો કોઈ રેસ્ટોરેન્ટ નહોતી. હતું તો મેરુ પર્વતની તળેટીમાં રચાયેલું એક 4 મકાનોનું સંકુલ. વચ્ચેનું એક મકાન ખુબ ઊંચું હતું અને બાકીના ત્રણ નાના મકાન તેની ફરતે ગોઠવાયેલા હતા. દરેક મકાન એકબીજાથી પુલ દ્વારા જોડાયેલા હતા. ઉડતી ગાડીઓ પુલ પાસે હવામાં ઉભી રેહતી અને લોકો એમાંથી ઉતરીને મકાનની અંદર જઈ રહ્યા હતા. અભી બાઘાની જેમ આ જોઈ રહ્યો હતો ત્યાં કોઈએ તેના ખભા પર હાથ મુક્યો. ચોંકીને તેણે જોયું તો એક તેજસ્વી આંખો વાળો જુવાન હતો. ખુબ જ ઉત્તેજિત થઇને બોલ્યો “ડ્યુડ… આ વિન્ટેજ બાઈક ક્યાંથી મળ્યું? લાસ્ટ મારા ડેડ પાસે આવું એક હતું. પછી તો એરિઅલ કાર્સ આવી ગઈ એટલે કોઈ લેન્ડ વેહીકલ્સ વાપરતા જ નથી. But I just love them. એનો પોતાનો એક અલગ જ ચાર્મ હોય છે.” અભિએ કહ્યું, “આ તો મારું જ બાઈક છે. હમણાં બે મહિના પહેલા જ લીધું”. પેલો હસી પડ્યો, “તારી સેન્સ ઓફ હ્યુમર બહુ સારી છે. એક કામ કર મને આ બાઈક આપી દે. જેટલા જોઈએ એટલા પૈસા આપીશ પણ મને આ બાઈક જોઈએ છે”. અભિ વિચારમાં પડી ગયો. “આટલું બધું નહિ વિચાર. મને મોડું થાય છે ઓફીસ માટે. ચલ આપણે કેન્ટીનમાં બ્રેકફાસ્ટ પર ડીલ નક્કી કરીએ”. કેન્ટીન સાંભળીને અભિ પેલા જોડે ચાલ્યો. કાચની લીફ્ટમાં પ્રવેશતા તેણે હાથ લંબાવીને કહ્યું, “બાય ધ વે, આઈ એમ નારદ. GG સીટીનો મોસ્ટ ફેમસ નર્ડ” અભિએ હાથ મિલાવતા કહ્યું, “હું અભિમન્યુ જરીવાલા. મોસ્ટ એલીજીબલ બેચલર ઓફ ગુજરાત” “ગુજરાત…? ઓહ એટલે કે તું પૃથ્વીવાસી છે. વંડરફૂલ. ઘણા વખત પછી કોઈ તમારે ત્યાંથી અહી આવ્યું છે. તું અહિયાં પહોચ્યો કઈ રીતે? એ પણ આ બાઈક સાથે…” કેન્ટીનમાં બેસીને નાસ્તો કરતા અભિએ આખી વાર્તા કહી સંભળાવી. “ઈન્ટરેસ્ટીંગ… મને લાગ્યું જ કે કાલે રાતે ટેલીપોર્ટલ વાળા કઈ એક્સ્પેરીમેન્ટ કરી રહ્યા હતા. બહુ ડેવિલ કંપની છે એ લોકોની. તમારા પૃથ્વીવાસીઓને ગીનીપીગ સમજીને જાતજાતના પ્રયોગો કર્યે રાખે છે. એનીવેઝ લેટ્સ ટોક બીઝનેસ. બોલ તને શું જોઈએ છે બાઈકના બદલામાં?” અભિમન્યુને લાગ્યું કે આ માણસ કદાચ એને પરફેક્ટ છોકરી બનાવવામાં મદદ કરી શકે. એણે કહ્યું, “જો ભાઈ નારદ, મને પૈસામાં કોઈ રસ નથી અને ન તો મારો આ બાઈક વેંચવાનો કોઈ ઈરાદો છે. પણ હા, જો તું મારી એક મદદ કરી શકે તો હું તને આ બાઈક મફતમાં આપી દઈશ”. અને અભિએ પ્રસ્તાવ મુક્યો કે પોતાની જરૂરિયાત મુજબની એક છોકરી બનાવી આપે અને તેને પોતાની સાથે હેમખેમ ઘરે પાછી મોકલવાની વ્યવસ્થા કરી આપે.

હવે વિચારવાનો વારો નારદનો હતો. તેણે પોતાની બે દિવસની વધેલી દાઢીને ખંજવાળતા કહ્યું, “વેલ, બ્રો… આ શક્ય તો છે પણ…” તેણે આજુબાજુ જોઇને ધીમેથી કહ્યું “આ એક સિક્રેટ રીસર્ચ પ્રોજેક્ટ છે. મારા ડેડ એ આ પ્રોજેક્ટ શરુ કર્યો હતો જ્યારે એ અહિયાં રેહતા. એનું એક વાર સફળ પરીક્ષણ પણ કર્યું હતું. પછી આ પ્રોજેક્ટના નૈતિક પ્રત્યાઘાતો વિષે ખુબ વિવાદો થયા અને મારા ડેડ અહીંથી ભાગીને પાછા એમના દેશ અમેરિકા જતા રહ્યા. ઓફ કોર્સ ત્યાં એમની કમ્પ્યુટર અને મોબાઈલ બનાવવાની કંપની બહુ સક્સેસફૂલ થઇ. પણ પેલો પ્રોજેક્ટ અભેરાઈ પર ચઢી ગયો”. અભિમન્યુએ પૂછ્યું “પરીક્ષણનું પરિણામ હતુ એ હવે ક્યાં છે?” ફરી આજુબાજુ જોઇને નારદ બોલ્યો, “હવે આ સિક્રેટ જે હું તને કહેવાનો છું એ તું કોઈને પણ કહેતો નહિ. આ તારી સામે બેસેલો નારદ જોબ્સ એ જ આ પ્રોજેક્ટનું રીઝલ્ટ. મારા ડેડ આજે જીવતા હોત તો એ બહુ હેપ્પી હોત મારી અને એમના પ્રોજેક્ટની બંનેની પ્રોગ્રેસ જોઇને. ઓફ કોર્સ એ મારા બાયોલોજીકલ ફાધર નહોતા ફક્ત માનસિક પિતા કારણકે હું એમના વિચારોમાંથી જ જન્મ્યો છું. એમનું માનસ સંતાન. મારું નામ પણ નારદ એટલા માટે જ રાખ્યું છે. એક્ચુલી મારા ડેડ હિંદુ માયથોલોજીના બહુ મોટા ફેન હતા. એટલે બ્રહ્માના માનસ પુત્ર નારદ મુની પરથી મારું નામ રાખ્યું છે”. અભિમન્યુએ પૂછ્યું, “તારી પ્રોગ્રેસ તો બહુ સારી છે નારદ પણ તું પ્રોજેક્ટની પ્રોગ્રેસ વિષે કંઈ કેહતો હતો…” “ઓહ યેસ, મેં ડેડની બ્લુ પ્રિન્ટ પર જ નવેસરથી કોડીંગ કરીને એક સોલીડ અલ્ગોરિધમ બનાવ્યો છે. અને એક બંગાળી આર્ટિસ્ટ પર ટેસ્ટ બી કરી જોયો છે. ઈટ વર્કસ!!” “તો પછી મારું કામ કરી આપ અને આ બાઈક તારું”. “પણ આમાં બહુ રિસ્ક છે… જો આ વાત કોઈને પણ ખબર પડી તો તારે અને મારે બંને એ અહીથી ભાગી જવું પડશે”. “તમે નહિ કહો અને હું પણ નહિ કહું તો કોઈને ખબર ક્યાંથી પડશે. તમે ડરો નહિ. રોકેટ સિંઘે કહ્યું છે એમ રિસ્ક તો સ્પાઈડરમેને પણ લેવો પડે છે. આજે રાતે જ હું અને મારી પરફેક્ટ ગર્લ અહીંથી નીકળી જઈશું”. “ઓકે ઇટ્સ અ ડીલ. તું લીફ્ટ માં અન્ડર ગ્રાઉન્ડ લેવલ 2 પર જા. ત્યાં મારી અંગત લેબોરેટરી છે. અંદર જવા માટેનો પાસવર્ડ છે apple. હું તને મારી ઓફીસમાંથી વિડીયો કોલ પર ગાઈડ કરીશ.

અભી લેબમાં પ્રવેશ્યો. ત્યાં મોટા રૂમમાં વચ્ચોવચ એક સ્ક્રીન દીવાલ પરથી નીચે લટકતી હતી. બધી જ દીવાલો સફેદ હતી અને સફેદ લાઈટ્સથી આખો રૂમ પ્રકાશિત હતો. સ્ક્રીન પર નારદ આવ્યો અને તેણે અભિમન્યુને પાસે પડેલા કમ્પ્યુટરમાં dZiner સોફ્ટવેરમાં નવી PHF (=portable human format) ફાઈલ બનાવવા કહ્યું. ત્યારબાદ તેને એક કેબલ માથા પર અટેચ કરવા કહ્યું. તેના ચાર પોર્ટ હતા જેમાંથી બે ડાબી અને જમણી તરફ લમણા પર, એક કરોડરજ્જુની ટોચ પર અને એક બે આંખોની વછે કપાળ પર કનેક્ટ કરવાના હતા. ત્યારબાદ તેણે અભિને કહ્યું કે “હવે તું જેમ વિચારીશ તે પ્રમાણે આ સોફ્ટવેરમાં મોડેલ તૈયાર થઇ જશે. ત્યારબાદ આપણે આ ફાઈલની બાયો-પ્રિન્ટરથી પ્રિન્ટ લેશું. એક નાનકડો પ્રોબ્લેમ છે કે આના પર હજી કામ ચાલી રહ્યું છે એટલે આપણને પ્રિન્ટ કરવા પહેલા છોકરી કેવી બની છે એ નહિ દેખાય. પણ તને તારી પરફેક્ટ ગર્લ કેવી હોવી જોઈએ એ તો ખ્યાલ જ હશે એટલે કોઈ પ્રોબ્લેમ ના થવો જોઈએ. હવે હું તને એકલો મુકીને જાઉં છું. જ્યારે તું પ્રિન્ટ લેવા માટે રેડી હોય ત્યારે મને વિડીયો કોલ કરજે”. અભિ હરખપદુડો થઇ ગયો. એની કલ્પનામાં છોકરીના દેખાવ, સ્વભાવ, બુદ્ધિમત્તા, શોખ, પર્સનાલીટી વગેરે વિષે જેટલા પણ વિચારો હતા એ બધાની એણે ઉલટી કરવા માંડી. ચાર કલાકની જહેમત બાદ એણે “mundari.phf” ફાઈલ સેવ કરીને કેબલ માથા પરથી કાઢ્યો અને નારદને વિડીયો જોડ્યો. નારદે કહ્યું “અત્યારે સેફ નથી. આપણે ઓફીસ છૂટે પછી પ્રિન્ટ લઈશું. હું સાંજે સાત વાગે આવીશ ત્યાં સુધી તું લેબમાં જ રેસ્ટ કર”. નારદની રાહ જોતો અભી ગાઢ ઊંઘમાં સુઈ ગયો.

કર્કશ અવાજ સંભળાતા અભિમન્યુ ઊંઘમાંથી સફાળો જાગ્યો. ઉઠીને જોયું તો નારદ બાયો-પ્રિન્ટરમાં પ્રિન્ટ લઇ રહ્યો હતો. એક સાડી પહેરેલી સ્ત્રીની મૂર્તિ તૈયાર થઇ રહી હતી. પહેલા પગ આવ્યા પછી ધીમે ધીમે ઉપર તરફનું શરીર રચાતું ગયું. અંતે ઘૂંઘટમાં પુરેપુરો ઢંકાયેલો ચહેરો અને માથું તૈયાર થવાની સાથે મુંદરી નામની સ્ત્રી પૂર્ણ થઇ. અભિમન્યુ તેની પાસે ગયો અને ઘૂંઘટ ઊંચક્યો. “અતિ સુંદર અભિમન્યુ… વાહ શું કલ્પના છે તારી”, નારદે કહ્યું.ચહેરો જોતા જ તેનાથી એક ચીસ નંખાઈ ગઈ અને એ તરત બે ડગલા પાછળ હટી ગયો. “આ તો આબેહુબ અનુરાધા … ” મુંદરી તેની સાથે જ બે ડગલા આગળ આવીને તેને પગે લાગી.” “આ શું કરે છે એ છોકરી?”, અભિમન્યુ ગુસ્સા અને ઉદ્ધતાઈથી બોલ્યો. “મારા પિતા સમાન મારા જન્મદાતાને પ્રણામ કરું છું”. અભિ ખળભળી ઉઠ્યો. “તું શું બોલે છે એનું તને ભાન છે? હું તારી સાથે લગ્ન કરવાનું છું એટલે મેં તને બનાવી છે”. અભિનું દિલ આવી ગયું હતું આ મનમોહિની મુંદરી પર. પણ એનું વર્તન એને હેરાન કરી રહ્યું હતું. “આ શક્ય નથી પિતાશ્રી. ભલે માનસ પુત્રી પણ હું છું તો તમારું જ સંતાન એટલે તમે મારી સાથે લગ્ન કરવાનું વિચારી પણ કઈ રીતે શકો?” “મારી સાથે હોશિયારી ના કરીશ. મેં તને પેદા કરી છે એટલે હું કહું એમ તારે કરવું જ રહ્યું. જો નહિ કરે તો હું તને ખતમ પણ કરી શકું છું. ચલ મારી જોડે”. એમ કહેતા અભિએ મુંદરીનો હાથ પકડ્યો અને એને ખેંચવા માંડી. અત્યાર સુધી ચુપચાપ ઉભેલો નારદ હવે વચ્ચે પડ્યો. “હેય હેય ઇઝી મેન… રીલેક્સ. એનો હાથ છોડ એ ક્યાંય નથી જઈ રહી. ભલે કૃત્રિમ રીતે બનાવી હોય પણ દર્દ તો એને પણ તારા જેટલું જ થાય છે”. નારદે મુંદરીનો હાથ અભિની પકડમાંથી છોડાવ્યો અને એ ભેગી તે ભાગી. તેની પાછળ અભિમન્યુ અને તેની પાછળ નારદ પણ ભાગ્યા.

ઇન્ફોસિટી મકાનના અંધારા પુલ પર ત્રણ પડછાયા ભાગી રહ્યા હતા. મુંદરી પુલ પરથી છલાંગ મારીને પાસેની ટેક્સીમાં બેસીને વઈ ગઈ. અભિમન્યુ લીફ્ટમાં નીચે ઉતરીને બાઈક પર એનો પીછો કરવા લાગ્યો. પણ ટેક્સી જોતજોતામાં મેરુ પર્વતની ઉપરથી ગાયબ થઇ ગઈ. નારદે GG સીટી પોલીસને ફોન જોડ્યો.

GG સીટી પોલીસ સ્ટેશનમાં આજે વર્ષો પછી કોઈએ કમ્પ્લેન માટે ફોન કર્યો હતો. ગ્યાનગંજમાં ગુનાઓનું પ્રમાણ લગભગ નહીવત જ હતું. નારદે પોલીસને કહ્યું કે ઇન્ફોસિટીમાં હમણાં જ એક પૃથ્વીવાસીએ એક સ્ત્રી પર બળાત્કારનો પ્રયાસ કર્યો છે અને ત્યારબાદ તે પોતાની વિન્ટેજ બાઈક ચોરીને ભાગી ગયો. આ બધું પોતે નજરે જોયું છે. પોલીસ તરત કામે લાગી ગઈ. તેમણે દસ મીનીટની અંદર અભિમન્યુને આંતર્યો. અભી કઈ સમજે એ પહેલા એની બાઈક જપ્ત કરીને એને શહેરના છેવાડા તરફ લઇ ગયા. ત્યાં એક અત્યંત લાંબો ફ્લાયઓવર હતો. એનો બીજો છેડો દેખાતો પણ નહોતો. એની નીચે ખુબ બધા વાદળાં અને ધુમ્મસ હતું. ફ્લાયઓવર ઉપર થોડે સુધી જઈને પોલીસે અભિમન્યુને નીચે ફેંકી દીધો. અભિમન્યુ ખુબ લાંબા સમય સુધી ધુમ્મસના જાડા થરોની વચ્ચેથી નીચે તરફ પડતો રહ્યો. આંખ બંધ થઇ જવા પહેલા તેના મનમાં છેલ્લો વિચાર હતો કે હવે તો મોત પાક્કું.


ક્રમશ:


વાંચો The perfect match ભાગ ૪ (છેલ્લો) – ચદરિયા ઝીની રે ઝીની