The perfect match – Part 2: ગ્યાનગંજ

અત્યાર સુધીની વાર્તા:

વાંચો The perfect match ભાગ 1 – તો તું જ બનાવી લે

લગ્ન કરવા આતુર અભિમન્યુ 99 છોકરીઓને રીજેક્ટ કરી ચુક્યો છે. 100મી છોકરી એની નાનપણની ફ્રેન્ડ અનુરાધા છે જે સત્તર વર્ષથી અમેરિકા હતી. જ્યારે તેઓ મળે છે એ મીટીંગ બંનેની ધારણા કરતા જુદો જ આકાર લે છે. મોડી રાતે અભિમન્યુ અનુરાધાને રસ્તા પર એકલી મુકીને આવી જાય છે. હવે વાંચો આગળ…

4 & 5.

આવેગમાં આવીને અનુરાધાને એકલી છોડીને આવેલા અભિમન્યુએ ગાડીના પાર્કિંગ માં બુલેટ પાર્ક કરી. 13માં માળના ફ્લેટને પોતાની ચાવી થી ખોલીને અંદર પ્રવેશ્યો. કંટ્રોલ કરવા છતાં એનાથી દરવાજો જોરથી પછાડીને જ બંધ થયો. પપ્પા સાથે આ સમયે કોઈ વાત ના કરવા ઈચ્છતો તે સીધો જ પોતાના રૂમ માં ગયો. રૂમ નો દરવાજો પણ એણે પછાડીને બંધ કર્યો. અને ત્યારબાદ બાથરૂમ નો પણ. વોશબેઝીન ના અરીસામાં તેણે પોતાનો ચહેરો જોયો અને ખબર નહિ કેમ એનો ગુસ્સો વધી ગયો. એણે ઠંડા પાણી ની ત્રણ છાલક મારી તો પણ કઈ અસર ના થઇ. તે ઠંડા પાણી ના શાવર માં ઉભો રહી ગયો અને જ્યાં સુધી શરીર ધ્રુજવા માંડ્યું ત્યાં સુધી ઉભો રહ્યો. તેનો ઈગો હર્ટ થયો હતો. ભારી ભરખમ male ego. આપણા ઈગો નું પણ કમાલ છે. જ્યાં સુધી એને ઠેસ ના પહોચે ત્યાં સુધી સાલું ખબર જ નથી હોતી કે આવું કઈ હતું આપણી અંદર.

શહેરના બીજા ખૂણા માં અવધૂત રંજન પોતાના બંગલા ના ડ્રોઈંગ રૂમ માં TV પર તારક મેહતા જોતા હતા ત્યાં તેમનો ફોન રણક્યો. સામે છેડે અભિમન્યુ ના પપ્પા હતા. તેમનો અવાજ ચિંતાતુર જણાયો. અભિમન્યુ દરવાજો પછાડીને એના રૂમ માં ભરાઈ ગયો હતો અને મીટીંગ કેવી રહી એની કઈ વાત પણ નહોતી કરી. અનુનો મૂડ કેવોક છે એ જાણવા એમણે ફોન કર્યો હતો. અનુ તો હજી ઘરે પહોચી જ નહોતી. અને હવે બંને પપ્પાઓ સાથે ચિંતા કરવા લાગ્યા. અવધૂત ભાઈએ તરત અનુને ફોન જોડ્યો. તેણે ફોન પર જ આખી સાંજ ની વાત કહી દીધી. જે વીજવેગે અભિ ના પપ્પા સુધી પણ પહોંચી ગઈ.

અભિના પપ્પાએ તેના રૂમ પર ટકોરા માર્યા અને પૂછ્યું અનુરાધા ક્યાં છે? કોઈ જવાબ ન મળતા પપ્પા દરવાજો ખોલીને અંદર ગયા. અંદર ભાઈ બારીની બહાર શૂન્ય તરફ તાકીને ઉભા હતા. “અનુરાધા ક્યાં છે? એ હજી ઘરે નથી પહોચી” પપ્પાએ ફરી પૂછ્યું. અભિને યાદ આવ્યું કે પોતે ત્યાંથી નીકળ્યો ત્યારે હજી અનુને રીક્ષા પણ નહોતી મળી. આમ તો સાડા દસ બહુ મોડું ના કહેવાય… નવરાત્રી માં તો છોકરીઓ રાતે બે વાગે પણ પોતાની સ્કુટી પર ફરતી હોય છે. પણ આ તો રીક્ષા છે અને એમાય અનુ તો આ શહેર માં સાવ અજાણી. હજી ઘરે નહિ પહોચી હોય તો એ સેફ હશે ને? ગુસ્સાની જગ્યા તત્પુરતી ક્ષોભે લઇ લીધી.

અનુરાધા ઘરે પહોંચીને સીધી રસોડામાં ગઇ. મિંટ ફ્લેવર્ડ ગ્રીન ટી ના બે કપ તૈયાર કરીને ડેડ પાસે આવી બેસી. થોડો સમય બંને ચુપચાપ બેસી રહ્યા. પછી અનુએ ડેડને પેલા ત્રણ મેસેજ બતાવીને કહ્યું “ડેડ i think મેં ઉતાવળ માં બહુ harsh words કહી દીધા”

“i wish હું એને મળવા જ ન ગઇ હોત તો આ બધી confusion જ ન થાત” “બેટા it was your decision to meet him. It is alright if he did not meet your expectations. Think of it as one of those dates of yours which went wrong. યાદ છે પેલો પંજાબી છોકરો જસ્સી જે તને tinder પર મળ્યો હતો અને તે ડેટ પર એના બે ફ્રેન્ડ્સને પણ સાથે લઈ આવ્યો હતો. “

અનુ ફિક્કું હસી.

“પણ i agree… You shouldn’t have been so harsh with him. અભિ દિલનો બહુ સારો છોકરો છે. આ તો છોકરીઓ જોવની આખી process જ એવી છે ને કે માણસની actual personality ની ઉપર બહુ બધા layers જામી જાય”

“જો આજે જ મનુ કાકાએ પેલું ગાંધીજીનુ quote  મોકલ્યું છે  BE kind always, for every person is fighting a battle”

“that’s not Gandhi dad, it’s by plato. અને તમે અભિની સાઇડ નહીં લ્યો. ભલે મિસટેક મારી હોય પણ અત્યારે તો તમારે મારી જ સાઇડ લેવાની છે” કહેતાં અનુએ પપ્પાના ખભા પર માથું ઢાળી દીધું.

અનુને ફોન લગાડવા માટે અભિમન્યુએ મોબાઇલ હાથમાં લીધો. સ્ક્રીન પર ૩ ન્યુ મેસેજના નોટિફિકેશન હતા. એ વાંચે તે પહેલાં તો પપ્પાએ ઉંચા અવાજે કહ્યું “રહેવા દે હવે આ બધા ડોળ કરવા. બે ઘડી મોબાઈલ બાજુ પર મુકીને બાપ શું કહે છે એ સાંભળ.” હંમેશા પોતાના ઢગલા મોઢ વખાણ કરતા પપ્પાને આજે આમ વાત કરતાં જોઇને અભિ મુંઝાયો “અરે પપ્પા પણ હું અનુને લગાડું છું.” “રહેવા દે એ નહીં ઉપાડે. મારી એના પપ્પા સાથે વાત થઇ ગઇ છે. માંડ
માંડ એ બિચારી રીક્ષામાં ઘરે આવી. આમ બોલાચાલી તો થાય એમાં આવી રીતે અડધી રાતે દીકરીને અધવચ્ચે મુકીને ભાગી જવાનું? અને હવે ખોટી ચિંતા કર્યે શું વળવાનું છે. પાડ માન ભગવાનનો કે છોકરી હેમખેમ ઘરે પહોંચી ગઇ.”

“ના તારો કઇ વાંક નથી. મારી જ ભૂલ થઈ કે મેં તને આટલો ચડાવી માર્યો. સીતારામ પ્રકાશ કોલેજમાં ભણેલાને IIT વાળો કો તો આવું જ પરિણામ આવે ને… “

“સારું જ છે કે તારા હજુ લગન નથી થયા. કોને ખબર બૈરીને પણ આમ ક્યાંક મુકીને આવી જાત”

પપ્પા આટલા કડવા કેમ થઇ ગયા એ અભિને સમજાતું નહોતું. એ પણ એક છોકરી માટે. ગુસ્સો કરવો કે રડી પડવું એની સમજ ન પડતાં અભિ ધુંધવાઇ ગયો અને પપ્પાને બોલતા છોડીને ઘરની બહાર નીકળી ગયો.

લિફ્ટમાં નીચે ઉતરતા વખતે તેણે અનુરાધાના ત્રણે મેસેજ વાંચ્યા. અનુ પોતે સામે ઊભી રહીને બોલતી હોય એવું લાગ્યું અને એટલે આ શબ્દો વધુ આકરા લાગ્યા. લિફ્ટમાંથી બહાર નીકળીને પગ આપમેળે જ બાઇક તરફ વધ્યા. કીક મારીને તે નીકળી પડ્યો.

6.

સપ્ટેમ્બર મહિનાની હુંફાળી, કાજળઘેરી રાતે હાઇવે પર સાવ પાંખો ટ્રાફિક હતો. શહેરની બહાર નીરવ શાંતિને ચીરતી અભિમન્યુની બુલેટ બેફામ ઝડપે જઈ રહી હતી. ઝરમર વરસાદમા પલળેલું શર્ટ શરીરને અડે ત્યારે એક લખલખું દોડી જતું. અભિની આંખો સામે અનુની ધારદાર આંખો તરવરી રહી હતી. એના કાનમાં અનુનો સ્હેજ ઘેરો, ઊંડો અવાજ ગુંજી ઉઠ્યો. “અનુરાધા તને રિજેક્ટ કરે છે” “You will stay single forever” “તો તું જાતે જ બનાવી લે.”

એના શરીરમાં હજુ એક લખલખું દોડી ગયું. સાથે જ એક્સીલરેટર પરની પકડ મજબૂત થઈ. ઝડપથી રેઇઝ લઇને બાઇક એક ઝટકા સાથે દોડ્યું.

“અનુરાધા તને રિજેક્ટ કરે છે….”
“You will stay single forever….”
“તો તું જાતે જ બનાવી લે….”
“તો તું જાતે જ બનાવી લે….”
“તો તું જાતે જ બનાવી લે….”

અાવા પડઘા એના કાનમાં અફળાઇ રહ્યા. જાણે માખી કાન પાસે બણબણતી હોય.

બાઇક પેટ્રોલના ઘુંટડા ભરતું આગળ ધસમસી રહ્યું હતું. કાબુ બહાર જતું હોય એમ લાગતાં અભિએ માથું ધુણાવીને તેના મગજના કોલાહલને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. પણ કોઈ ફાયદો ન થયો. ઉલટો આસપાસની શાંતિમાં હજુ જોરથી અને સ્પષ્ટપણે સંભળાવા લાગ્યો.

દૂર સફેદ અને નિયોન કલર્સની ઝીણી ઝીણી લાઇટ્સ દેખાઇ રહી હતી. થોડી નજીક આવતાં કોઇ ઢાબા જેવો આકાર લઈ રહી. અભિએ ચા પીવા બાઇક ઊભું રાખ્યું. કડક મીઠી ચાનો ઘુંટડો ભરતાં ભેગો તે વર્તમાનમાં પાછો આવ્યો. દૂર એક ખુુણામાંથી કાંઈક ઘોંઘાટ તેના કાને પડ્યો. અને આ અનુનો અવાજ નહોતો પણ ખરજના સુરનો પૌરુષી અવાજ હતો. જે બેસુરુ ભજન ગાઇ રહ્યો હતો.

बुरा जो देखन मैं चला, बुरा न मिलिया कोय।
जो मन खोजा अपना, मुझ-सा बुरा न कोय।।

ऐसी वाणी बोलिए मन का आपा खोये ।
औरन को शीतल करे, आपहुं शीतल होए ।।

पोथी पढ़ पढ़ जग मुआ, पंडित भया न कोय ।
ढाई आखर प्रेम का, पढ़े सो पंडित होय ।।

ગીત પુરૂ થયું ત્યાં સુધીમાં અભિએ ગાનારનો ઝીણવટથી અભ્યાસ કરી લીધો. આધેડ વય, એકવડિયો બાંધો, કાબરચિતરા વાંકડિયા વાળ, કરચલીઓ પડી ગયેલી ચામડી, દિવસોની વધેલી દાઢી, આંખોમાં ચમક અને કાંતિમય ચહેરો. ઊપર સાધુના ભગવા કપડાં. સાધુ નહીં ને બાવો કહો તો પણ ચાલે. તેની સાથે ચેલા જેવા બે કિશોર પણ હતા. ત્રણે માટે ચા આવી. બાબાએ ચિલ્લમ સળગાવી. એક ઊંડો કશ ખેંચીને ધુમાડાના વાદળો છોડ્યા. ધુમાડાની આરપાર તેમની નજરે અભિમન્યુની નજરનો સંપર્ક સાધ્યો. અભિએ તરત નજર ચોરીને ચાનો ખાલી કપ મોઢે માંડ્યો. નીચે બેસેલી ભૂકી મોં મા આવતા તેનું મોઢું બગડ્યું. પાછળથી કટાક્ષમય હાસ્ય સંભળાયું.

नज़रें मिलाना नज़रें चुराना, कहीं पे निगाहें कहीं पे निशाना
इक पल का जीना फिर तो है जाना,
अभी है तेरा जीवन કાલે આપણે મરી જવાના
कहत बाबा “बोल्ली शाह “खिंच ले दो कश मेरीजुआना

ચેલો ડણક્યો “બોલ બાબા બોલ્લી શાહ કી જય”, બીજાએ ટાપસી પુરાવી “બોલ બાબા બોલ્લી શાહ કી વીરુ!”

“शांत बेटा नमक शमक, ये बालक कुछ परेशान दिखाई पड़ता है”, એમ કહેતા બાબા અભિની પાસે આવીને બેઠા. “बोल बच्चा क्या परेशानी है तेरी? बाबा के पास हर समस्या का समाधान है” “अपना काम करो… खाली खोटा हेरान क्युँ करते हो?” “ये ही मेरा काम है. मुझे तुम्हारी मदद करने के लिए भेजा गया है अभिमन्यु” પોતાનું નામ સાંભળીને અભી ચોંક્યો. આ પાખંડીને નામ ક્યાંથી ખબર પડી? “नौकरी, कारोबार, कोर्ट कचेहरी, विझा, संतान प्राप्ति, फिल्म में प्रवेश, प्यार महोब्बत, शादी विवाह, तलाक, सौतन ये सब का इलाज है बाबा के पास. तुम बताओ समस्या क्या है?” એક ગંદો લૂક આપીને અભિએ કહ્યું “इतना सब आता है तो प्रोब्लेम क्या है वो भी खुद ही पता लगा लो”

“बाबा को चेलेंज करता है मुर्ख”, ચેલો ગુસ્સામાં આવીને તાડૂક્યો. “બાબા તને મંત્રેલું પાણી છાંટીને ઉદય ચોપરા બનાવી દેશે”, બીજાએ ટાપસી પુરાવી. “शांत बेटा नमक शमक, बाबा तो सब पहले से ही जानते हैं लेकिन हम तेरे मुह से सुनना चाहते थे. कोई बात नहीं. तुझे विवाहमें अड़चन आ रही है इसी कारण तू परेशान है ना?” અભિમન્યુ જોતો રહી ગયો. આ ઢોંગીને તો બધી જ ખબર પડી ગઈ. બાબાજી ખંધુ હસ્યા. “ये तो हमारी स्पेशियलिटी है. इसके समाधान के लिए बाबा बोल्ली शाह के पास दो ही इलम. एक बोलीवुड की फिल्लम और दूजी मनाली की चिल्लम” એમ કહેતા બાબાએ ચિલ્લમ માં કોઈ ભૂકી નાખીને અભિને આપી. ત્યારબાદ એક કંકુ છાંટેલું લીંબુ ના બે કટકા કરીને સામે મુક્યા. અને ચેલાને ઝોળીમાંથી “સચલ ઘુમંતુ યંત્ર” લાવવા કહ્યું. પછી આંખ બંધ કરીને કઈ મંત્ર બોલ્યા અને યંત્ર પર આંગળી મૂકી. “देख बच्चा अब जब जब हम स्वाहा कहेंगे तब इस चिल्लम का एक लम्बा कश खिंच और इस यंत्र पर ध्यान लगा। इसमें जो दृश्य तुझे दिखेगा उसमे ही तेरी समस्या का हल है”

“યાર તમે ગજબ થુંક લગાડવાના ધંધા કરો છો. આ સેમસંગ ના મોબાઈલમાં પિકચરના વિડીયો બતાવીને કઈ સમસ્યાનો ઈલાજ થતો હશે. મારું નામ અને પ્રોબ્લેમ તમને કઈ રીતે ખબર પડી એ તો હું નથી જાણતો પણ આ વિડીયો જોઇને શીશામાં ઉતારવાના કામ કોઈ બીજાને બતાવજો. મને જે જોવે છે એ કરી બતાવો તો તમને માનું” “બોલ શું જોઈએ છે તને?” “મને એક પરફેક્ટ છોકરી જોઈએ છે. એ બી મારી સ્પેસીફીકેશન મુજબ કસ્ટમ મેડ છોકરી. બોલો કરી શકશો?” બે મિનીટ વિચાર્યા બાદ બાબા બોલ્યા, “हो सकता है. पार्वतीने गणेशजी को और ब्रह्मा ने सप्तर्षियों को इसी प्रकार जन्म दिया था. लेकिन मुझे ऐसी विद्या नहीं मालुम। अगर कोई ऐसा ग्यानी आज भी जीवित है तो वो केवल ग्यानगंज में ही हो सकता है।” “वो किधर आया?” “ठीक से तो मुझे भी नहीं मालूम लेकिन मेरे गुरूजी कहते थे इस गीत में ग्यानगंज का स्थान छिपा है…

पहाड़ो  के बीच फूलों की घाटी में नगर बसा
कोई कहे उसे ग्यानगंज कोई कहे शम्भाला

न ज़मीं, न पानी, न आसमां
त्रिशंकु अवस्थामे स्थिर एक झूला

अमर सिद्ध योगी वहां के निवासी
बोलते केवल ज्ञान और प्रेम की भाषा

उत्तर से सुनहरी, पूरब से हीरे-सी दो रेखा
कहाँ मिली किसीने न देखा
हो अगर चतुर सुजान तो पूरी कर लो जिज्ञासा

કોઈ મોટી વાત નથી. આવા તો કઈ કેટલાય કોયડા CATની એક્ઝામ માટે સોલ્વ કર્યા છે. લાવો તમારી પેલી ચિલ્લમ. બે-ત્રણ ઊંડા કશ ખેંચીને અભિમન્યુ બોલ્યો “આઓ બાબા બાઈક પે બેઠો. હું સમજી ગયો આ ગ્યાનગંજ ક્યાં આવ્યું” હવે ચોંકવાનો વારો બાબાનો હતો. પણ તે કઈ બોલ્યા વગર બાઈક પર બેઠો અને અભિએ જોરદાર કિક મારી. બંને ચેલાઓ બાઈક પર સવાર પોતાના ગુરુને દુર જતા તાકી રહ્યા. કાળી રાત માં ક્યાંક બાઈક ઓગળી ગઈ.


ક્રમશ:


વાંચો The perfect match ભાગ ૩ – મુંદરી, ભાગ ૪ (છેલ્લો) – ચદરિયા ઝીની રે ઝીની 

2 Comments

  1. Just read part 2. Will search part 1 and read the starting bit. Will look forward for your next post. Do send a link or feed once u write it.

    Reading Gujarati story after ages, thanks to Shweta miss

Leave a Reply

Your email address will not be published.

*

© 2018 રઝળપાટ

Theme by Anders NorenUp ↑