The perfect match – Part 1: તો તું જ બનાવી લે

1.

અભિમન્યુ જરીવાલાએ છેલ્લી અડધી કલાકમાં લગભગ વીસમી વાર ઘડિયાળ સામે જોયું. ઓફિસથી નીકળવાને હજુ થોડી વાર હતી. જેમ જેમ કાંટો છની નજીક વધી રહ્યો હતો તેમ અભિની બેચેની પણ વધી રહી હતી. કંઈ કામ નહોતું થઇ રહ્યું તેનાથી. મનના ઉચાટના તરંગોથી આસપાસની હવામાં પણ ટેન્શન ફેલાઈ ગયું હતું. જે ડાબી અને જમણી તરફના ક્યુબીકલમાં બેઠેલા આરતી અને અનુરાગ પણ અનુભવી શકતા હતા. જો કે તેઓ માટે આ પરિસ્થિતિ સાવ નવી તો નહોતી પણ ઘણા વખત પછી આજે ફરી આવું બની રહ્યું હતું

દોઢેક વર્ષ પહેલા જયારે અભિમન્યુએ લગ્ન માટે છોકરીઓ જોવાનું શરુ કર્યું ત્યારે તેની આવી હાલત વારંવાર થતી. જે દિવસે મીટીંગ ગોઠવાઈ હોય તે દિવસ સવારથી જ ભાઈને પરફોર્મન્સ એન્ક્ઝાઈટી ઘેરી વળે. ઓફીસના કામમાં જરાય ધ્યાન ન હોય કારણકે મગજ તો ફક્ત નામ અને બાયોડેટામાં જોયેલા ફોટો પરથી આખું ફેન્ટસી વર્લ્ડ રચવામાં મશગુલ હોય. પછી ધીમે ધીમે એ યુઝડ ટુ થવા લાગ્યો. અને હવે તો ૯૯ છોકરીઓ જોયા બાદ એ એક્સપર્ટ થઇ ગયો હતો. છોકરીના ઘરે જઈને શું શું થાય એ બધી ઘટનાઓનો ક્રમ પણ ગોખાઈ ગયો હતો. પહેલા બંને ઘરવાળાઓ ફેક સ્માઈલ કરી કરીને સ્મોલ ટોક કરશે જેમ કે “આજે બહુ ગરમી છે” કે “ઘર ગોતવામાં મુશ્કેલી તો ન પડી ને” વગેરે. ત્યાર બાદ પપ્પા પોતાના એવા તો વખાણ કરે કે જાણે કોઈ બીજા જ વ્યક્તિની વાત કરતા ન હોય. વખાણ નહિ ને માર્કેટિંગ કહો તો પણ ચાલે. છ ફૂટ ની હાઇટ, કસાયેલું શરીર અને તામ્રવર્ણ તો કોઇપણ જોઈ શકે એમ જ હતું. IIT માં થી એન્જીનીયરીંગ, IIM માં થી MBA અને MNC માં ભારી ભરખમ પગારની નોકરી સુધી તો ઠીક પણ પપ્પાની વાતોમાં અભિ સિતાર વાદક, સ્ક્વોશ ચેમ્પિયન, દોસ્તોયેવ્હસકી રીડર, માઉન્ટ એવરેસ્ટ ટ્રેકર અને વાઈન ટેસ્ટર સુધી નું કઈ પણ બની જતો. જેવી કન્યાની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ એવા એવા શોખ અભિમન્યુ માં તાત્કાલિક પેદા થઇ જતા. પછી જો કે કન્યાને એકાંત માં મળવાનું આવે ત્યારે અભિએ બાજી સંભાળવી પડતી. અભિની અનેક વિનંતી અને ધમકીઓ છતાં એના પપ્પા દર વખતે વાતમાં વધુ ને વધુ મોંણ નાખતા. પછી ધીમે ધીમે આ બધા વખાણ અભિને સાચા લાગવા માંડ્યા. પોતે એક સર્વગુણ સંપન્ન છોકરાના બધા જ લક્ષણો ધરાવે છે એમ તે દ્રઢપણે માનવા લાગ્યો.

આ બધી ફોર્માલીટી અને વડીલોને વાતો પતે એટલે કન્યા ચા નાસ્તો લઈને આવે. ત્યારબાદ જયારે બંનેને એકાંત મળવાનો વારો આવે એમાં પણ એક ચોક્કસ પેટર્ન રહેતી. ડીસીપ્લીનનો દુરાગ્રહી એવો અભિમન્યુ એક ક્વેશ્ચનેર તૈયાર કરીને લાવતો કે જેમાં રસોઈ, ઘરકામ, હોબીઝ, કળા, સોશ્યલાઈઝિંગ, ધર્મ, સમાજસેવા, રમત ગમત, પોલીટીક્સ વગેરે વિષયો પર ડિટેઇલ્ડ પ્રશ્નો હોય. આ બધામાં જો છોકરી પાસ થાય તો જ હા પાડવી. અભિના પ્રશ્નોનો મારો સહન કરીને મોટે ભાગે તો છોકરી એટલી કંટાળી ગઈ હોય કે તે કંઈ પૂછવાનું જ માંડી વાળે. અને જો કોઈ હિંમત કરીને પૂછે તો પણ આપણો અભિમન્યુ જરીવાલા ફુલ્લી પ્રીપેર્ડ આવ્યો હોય. CAT માં ૯૯% અમસ્તા થોડી આવ્યા હતા.

આવી દરેક મીટીંગ નું પરિણામ એકસરખું જ આવે – અભિમન્યુ ને છોકરી ન ગમી. આમ તો સારી છે. દેખાવ, સ્વભાવ બધું જ સારું છે પણ ખાલી હાઇટ થોડી ઓછી છે … અથવા તો ખાલી બી.કોમ જ કર્યું છે અથવા તો તેની ફક્ત એક જ ફ્રેન્ડ છે અથવા તેના બહુ બધા છોકરાઓ ફ્રેન્ડસ છે અથવા તો થોડી કાળી છે કે પછી વધુ પડતી ગોરી. ટૂંકમાં સારી તો છે પણ પરફેક્ટ નહિ. અને પછી અભિના વ્હાલા કાકી એને છાવરતા હોય એમ કહેતા કે, હા હા આપણે ક્યાં છોકરીઓની કમી છે? હમણાં લાઈન લગાડી દઈશ. અને ખરેખર ખુબ લાંબી લાઈન લાગી કે જેમાં શરૂઆતની ૯૯ કન્યાઓને અભિ રીજેક્ટ કરીને આજે ૧૦૦મી જોવા જઈ રહ્યો હતો.

શરુ શરુ ની નર્વસનેસ તો પહેલી ૫-૭ મીટીંગ માં જ નીકળી ગઈ હતી. જેના સ્થાને પહેલા કોન્ફિડેન્સ, પછી બેફિકરી અને અંતે તોછડાઈ આવી ગઈ હતી. પચાસેક મીટીંગ પછી તો ઉત્કંઠા અને ઉમળકો પણ મરી ચુક્યા હતા. હજુ જીવિત હતી તો ફક્ત લગ્ન કરવાની ઈચ્છા.

પણ આજની વાત કઈ અલગ જ હતી. આજે અભિ ખરેખર નર્વસ હતો. ના અભિને સેન્ચુરી કરવાનું ટેન્શન નહોતું. એ કઈ સચિન ની નર્વસ નાઈન્ટીઝ નો શિકાર નહોતો. એની નર્વસનેસ નું કારણ હતી અનુરાધા.

2.

“અનુરાધા રંજન….” અજાણી છોકરીઓને મળવામાં ચેમ્પિયન અભિ આજે આ જુના ને જાણીતા નામથી કેમ ડરી રહ્યાો હતો? હા, અભિ અને અનુ પહેલા પણ મળ્યા હતા. ૧૭ વર્ષ પહેલાં. એક વાર નહીં, વારંવાર મળ્યા હતા, સાથે રમ્યા હતા. પપ્પાના ખાસ મિત્ર અને પાડોશી અવધૂત રંજનની દીકરી અનુરાધા. ૮ વર્ષની અનુ ત્યારે ટોમબોય જેવી દેખાતી અને અભિ પર હંમેશા રોબ જમાવવાનો પ્રયત્ન કરતી. જ્યારે જ્યારે બંને વચ્ચે ઝઘડો થાય ત્યારે એના ડેડ અભિનો પક્ષ લે અને અભિમન્યુના પપ્પા અનુનો. ફક્ત છ મહિના તેઓ નેબર્સ રહ્યા હતા અને પછી અવધૂત અંકલ US શિફ્ટ થઈ ગયા. હવે આજે આટલા વર્ષે શું કરવાને અનુ પાછી આવી હશે? અને એમાંય તેણે બે પપ્પાઓની આ મિટિંગ ગોઠવવાની ઇચ્છા શું કામ માની હશે?

3.

ખેર હવે તો પડશે એવા દેવાશે એમ વિચારીને અભિ ઓફિસથી સીધો જ આ મિટિંગ માટે નીકળી ગયો. બાઇક પર અનુને એના ઘરેથી પિકઅપ કરીને ઝેક કોફી બારમાં લઇ ગયો. ડિનરના ટાઇમ પર કોફી માટે લઇ આવ્યો એ અનુને થોડું ઓડ લાગ્યું. ત્રીજા માળે આવેલા કેફેમાં જવા અભિ દાદરા ચડવા માંડ્યો અને કહ્યું કે “You see, I care for environment इसलिए हमेशा दादरा चढ के ही जाता  हूँ. आप भी चलिये इसी बहाने सेहत का भी ख्याल रहता है” અનુને હસવું આવ્યું કે આટલી જો પર્યાવરણની ચિંતા છે તો બાઇકની બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ટ્રાવેલ કરવી જોઈએ. પણ એના બદલે તેણે કહ્યું “અભિમન્યુ તમે ગુજરાતીમાં વાત કરશો તો ચાલશે. મને સારી રીતે આવડે છે.” અભિ હસીને બોલ્યો, “આ તો ઓવ્સમ કેવાય, આપણી ઇન્ડિયન છોકરીઓને ગુજરાતી બોલતા શરમ આવે છે અને તમે અમેરિકામાં રહીને પણ આટલું મસ્ત ગુજરાતી બોલો છો… કૂલ” કેફેમાં પ્રવેશતાં જ તેના ફેવરીટ સી ફેસિંગ ટેબલ પર કોઈ પહેલેથી બેઠું હતું એ જોઈને તેણે વેઈટરને ખખડાવી નાંખ્યો. અનુને આ ના ગમ્યું પણ તે ચુપ રહી. બીજા ટેબલ પર ગોઠવાઇને અભિએ પૂછ્યું “શું લઈશ?” અને અનુના જવાબની રાહ જોયા વગર જ તેણે બે આઈરીશ કોફી વિથ એક્સ્ટ્રા ક્રીમ એન્ડ બ્રાઉન શુગરનો ઓર્ડર આપ્યો. “અહીંની આઈરીશ કોફી બહુ ટોપ છે. ટ્રાય કરી જો.” અનુને ગ્રીન ટી પીવાની ઈચ્છા હતી છતાં તે કઈ બોલી નહિ. “તમારા ન્યુ યોર્ક જેવી તો નહિ હોય પણ શહેર ની સૌથી બેસ્ટ છે” “હું ન્યુ યોર્ક નહિ સાન ફ્રાન્સિસ્કો માં રહું છું. અને હું એક વર્ષથી ડીકેફ કોફી લઉં છું. પણ આજ માટે એક્સેપ્શન ચાલશે” અભિને ડીકેફ એટલે શું એ તો ના સમજાયું પણ આવી કોઈ કોફી શહેરના કોઈ પણ કેફે માં મળતી હોય એવો તેને ખ્યાલ નહોતો. પણ અનુને જો પૂછે તો તો પોતાને ખબર નથી એમ છતું થઇ જાય એટલે તેણે કહ્યું, “હા, એટલે આમ તો હું પણ ડીકેફ જ પ્રીફર કરું છું પણ અહિયાં આ લોકો ને બનાવતા ના આવડે ને એટલે …” “ઇટ્સ ઓકે. મને ચાલશે આજ માટે. એ છોડ તું મને એમ કે what’s your story? મેં સાંભળ્યું છે કે તું બહુ ટાઈમ થી છોકરીઓ જોવે છે. હજુ સુધી કોઈ ગમી નહિ કે કોઈએ તને હા જ નથી પાડી?” અનુએ મશ્કરી કરતા પૂછ્યું. અભિની તો આ દુખતી નસ હતી જેના પર અનુએ પહેલી દસ મીનીટમાં જ ચીટીયો ભરી લીધો. અભિ છંછેડાઈ ગયો. “જો બોસ આપણને ના પાડી શકે એવી તો કોઈ પેદા જ નથી થઇ. આ તો મેં જ એકો એકને ના રીજેક્ટ કરી છે. નવ્વાણું સ્કોર છે આપણો અને સો થતા બી વાર નહિ લાગે. છોકરીઓ  સમજે છે શું પોતાને … અભિમન્યુ જરીવાલાને મળવા આવવા પહેલા જરા મોઢું તો જોઇને આવે. થોડું પાર્લર માં જઈને આવે. ચાલો માન્યું કે અક્કલ તો ઓછી જ હોય છે છોકરીઓમાં પણ એટ લીસ્ટ સારા દેખાવું અને રસોઈ બનાવવી એ બે કામ તો સરખી રીતે કરો. હું તો એવી છોકરી જોડે જ લગ્ન કરીશ જે 100% પરફેક્ટ હોય. બ્યુટી + બ્રેઈન. कार्येषु मन्त्री करणेषु दासी, भोज्येषु माता शयनेषु रम्भा એમ કમ્પ્લીટ પેકેજ હશે મારી વાઈફ તો” અનુને ધારણા નહોતી કે અભિ આટલો બધો ચિડાઈ જશે. “oh my God Abhi, that was so mean. I was just kidding. just relax”

ત્યારબાદ થોડી વાર સુધી બેમાંથી કોઈ કઈ પણ ના બોલ્યું. આ શાંતિનો ભંગ કોફી આવી એટલે થયો. એક લાંબો ઘૂંટડો ભરીને અનુએ કહ્યું, “ચલ કઈ બીજી વાત કરીએ” 1 મિનીટ સુધી અભિનો કઈ રીપ્લાય ના આવ્યો એટલે એણે જ સામે થી પૂછ્યું, “અચ્છા મને એમ કે તારી હોબીઝ શું છે?” અભિને આ ખૂચ્યું કે દર વખતે તો તે પોતે ક્વેશ્ચ્નેર માંથી સવાલો પૂછતો હોય છે જ્યારે આ તો પોતે પહેલા જ જવાબમાં ક્લીન બોલ્ડ થઇ ગયો હતો અને ત્યાં તો બીજો બોલ પણ રેડી હતો. આ વખતે તેણે ખાલી બેટને ટચ કર્યું, “વ્હોટ્સેપ”. “what?” “હા એટલે કે પહેલા જયારે વ્હોટ્સેપ નહોતું આવ્યું ત્યારથી મને મેસેજ નો બહુ શોખ છે. BSNL નું 59 માં હજાર મેસેજ નું પેક નખાવતો. અને હવે વ્હોટ્સેપ પર તો હું 19 ગ્રુપ નો એડમીન છું.” અનુનો કઈ પ્રતિભાવ ન મળતા તેને લાગ્યું કે આ સારો મોકો છે બાજી પોતાના હાથ માં લઇ લેવાનો “તમે કેટલા ગ્રુપ માં છો?” “Group? Oh you mean, WhatsApp group chat? OK. વેલ, એક પણ નહિ કારણકે હું WhatsApp યુઝ નથી કરતી.” “કેમ?” “એમ જ” “હા, બરાબર તમારે ત્યાં અમેરિકા માં લોકો એટલા સોશ્યલ નથી ને? કોઈ ગ્રુપ પર એક્ટીવ જ ના હોય તો સુ મજા આવે?” “ના એમ વાત નથી” “તો પછી જોઈન કરી લો આજે જ. બહુ મજા આવશે. હું તમને સારા સારા મેસેજ મોક્લીસ એકદમ તમારી ટાઈપ ના… આ જો હમણાં જ કઝીન ગ્રુપ પર આવ્યો:

girl – ओमजी ओमजी

Om – हा कहिये जी।

Girl standing near – भाई तुझे नही बुला रही, वो डिस्काउंट का सुन कर OMG OMG कर रही है।

અનુના ચેહરા પર કોઈ રીએક્શન ના મળતા અભી બોલ્યો આ જોવો બીજો આ એકદમ તમને ગમે એવો છે … હમણાં જ કોલોની ગ્રુપ પર આવ્યો –

Wo patel ki  raily  mein bhi aata hai, wo gurjar ki raily me bhi aata hai,
ek mike aur speaker lagaane wale ka koi majhab nahi hota

હજી કોઈ રીએક્શન ન આપતા અનુ ફક્ત અભિની સામે જોઈ રહી. અભિનો ફોન ફરી વાઈબ્રેટ થયો. તે જોશમાં આવી બોલ્યો –

યે દેખો માર્કેટ મેં નયા આયા હૈ…

“ઈનફ અભિ. બીજી કઈ વાત ના હોય તો હવે જઈએ. આમ પણ મારી કોફી પીવાઈ ગઈ છે” “ના ના છે ને. હજી તો મારે બહુ બધા સવાલો પૂછવાના છે.” એમ કહીને અભિએ ખીસામાં થી ક્વેશ્ચનેર નું ફૂલસ્કેપ કાઢ્યું. “આ શું છે?” “આ મેં થોડા સવાલ તૈયાર કર્યા છે. દરેક મીટીંગમાં આની ઝેરોક્સ લઈને જઉં. તારા માટે આમાંથી ફક્ત 30 સવાલ છે” “no wonder you are still single” અનુ બબડી “શું કહ્યું?” “મને લેટ થાય છે. તારું આ કેબીસી મને ઈ-મેલ કરી દેજે” કહીને અનુ ઉભી થઇ અને પોતાની કોફીના પૈસા ટેબલ પર મુક્યા. એને ખરેખર ગુંગળામણ થતી હતી આ માણસ ની હાજરી માં. અભિનો અવાજ ફરી ગયો “એક મિનીટ અનુરાધા. તું એમ મારા સવાલો ના જવાબ આપ્યા વગર ના જઈ શકે. આ મારું ઈન્સલ્ટ છે” બે મિનીટ સુધી બંને એકબીજાની આંખ માં જોઈ રહ્યા. હજારો તણખાઓની આપ-લે બાદ અનુરાધા બોલી, “વેલ, …. હા” અને ઝડપી છતાં મક્કમ ચાલે તે બહાર નીકળી ગઈ. તેનાથી બમણી ઝડપે, “વેઇટ વેઇટ …” બુમો પાડતો અભિમન્યુ પાછળ આવ્યો. લીફ્ટ સામે જ ઉભી હતી જેમાં અનુરાધા પ્રવેશી. અભિએ હજુ બીલ નહોતું ચુકવ્યું એટલે એને વેઈટરે રોક્યો. પેલાને ગાળો આપતા આપતા પૈસા ચૂકવીને તેણે દાદરા પર દોટ મૂકી. અનુ હજી નીચે રીક્ષાની રાહ જોતી ઉભી હતી. અભિએ તેની સામે જોયું અને બાઈકને કિક મારી. રેઈઝ કરીને “હુંઉઉ… હુંઉઉ…” અવાજ કર્યો અને ખુબ સ્પીડ માં બાઈક અનુને કટ મારીને હંકારી મુક્યું.

સાડા દસ વાગે રસ્તો સાવ સુમસામ હતો. અનુને પહેલી વાર ઇન્ડિયા આવીને અનસેફ લાગી રહ્યું હતું. રીક્ષા માં બેસતા પહેલા તેણે નંબર નોંધીને ફોન પર કોઈને કહેતી હોય એમ ડોળ કર્યો. ત્યારબાદ તરત તેણે અભિમન્યુ ને મેસેજ કર્યો.

મેસેજ – (1): I always knew that you were a bit narcissistic and obnoxious. But I was wrong. You are in fact a total asshole. If you wish to find that “perfect girl” then forget it. It will never happen. You will stay single forever.

મેસેજ – (2): Tane taari perfect girl joti hoy to tu j banavi le … bau smart samje chhe ne potani jaat ne.

મેસેજ – (3): Ane ha biji koi bhale na kare, pan anuradha tane reject kare chhe


ક્રમશ:


વાંચો The perfect match ભાગ 2 – ગ્યાનગંજ, ભાગ ૩ – મુંદરી, ભાગ ૪ (છેલ્લો) – ચદરિયા ઝીની રે ઝીની

5 Comments

 1. Nice beginning. Hope tempo will be maintained.

 2. Amazingly written. Keep it up.

 3. This guy is never finding a girl. If at all he does, won’t last for long. Lol!!

 4. tejal3112@live.co.uk'
  Tejal Thakore

  October 4 at 7:04 pm

  Mast baki!! Bav gami story!!!
  pachi hu thyu aa abhi bhyla nu I wonder?! Anyways keep up the good work. Best wishes

Leave a Reply

Your email address will not be published.

*

© 2018 રઝળપાટ

Theme by Anders NorenUp ↑