રોજની જેમ જ એ દિવસે પણ સુરત-બાન્દ્રા ઇન્ટરસીટી બરાબર સાંજના ચાર વાગ્યાના નિર્ધારિત સમયે સુરત સ્ટેશનથી નીકળી હતી. ધર્મેશ શાહ અને કરસન કાકા પેન્ટ્રી ની બાજુના એસી ચેરકાર વાળા ડબ્બામાં ગોઠવાઈ ગયા હતા. આ ટ્રેન બોરીવલી પહોચે ત્યાં સુધીના ચાર કલાક ધર્મેશ માટે જિંદગીનો સૌથી બોરિંગ સમય હતો. કરસન કાકા ગાડી ઉપડતા ભેગ પેન્ટ્રી માંથી જે આવે તે દાબીને ખાતા અને નવસારી આવે ત્યાં સુધીમાં તો ઘોરવા લાગતા. જો તેમને ભાવતું ખાવાનું હોય તો પેટની શરમ રાખ્યા વિના ઠુંસતા અને પછી આખો રસ્તો એસીની હવા બગાડતા. આમ છતાં જાગતા કરસન કાકા કરતા સુતેલા કરસન કાકા લાખ ગણા સારા. જો એ વાતોએ ચડ્યા તો પછી છેટ બોરીવલી સુધી ધર્મેશનો બોલવાનો વારો જ ન આવે. તેમની વાતોમાં પણ પોતાની બડાઈ હાંકવા સિવાય કંઈ ભલીવાર ન મળે. ગૌતમ અદાણી થી લઈને ગૌતમ ગંભીર સુધી બધાને એ વાયા-વાયા ઓળખતા હોય. અને કમાઠીપુરાથી કૈલાસ સુધી બધે જ એમનું  કોઈ ને કોઈ ઓળખીતું ઓળખીતું તો જઈ જ આવ્યું હોય. એ પણ તમારા કરતા બહેતર રીતે. ધર્મેશ સિંગાપોર જઈ આવ્યો એ તો કંઈ ન કહેવાય કારણકે કશા કાકાનો સાળો સિંગાપોરમાં મરીના બે સેન્ડ્સમાં ઉતર્યો હતો અને એ પણ મફતમાં. કશા કાકાએ જ એમના ફ્રેન્ડને કહીને સાળા નો ફ્રી નો રૂમ બુક કરાવી આપ્યો હતો. વિચારવાની વાત એ હતી કે આટઆટલા કોન્ટેકસ  હોવા છતાં કશા કાકા જિંદગીભર ધર્મેશના પપ્પાના લેફ્ટ હેન્ડ થઈને શું કામ રહી ગયા હતા. ધર્મેશના પપ્પાનો એકંદરે સારો કહી શકાય એવો કાપડનો ધંધો હતો જેને માટે થઈને ધર્મેશે દર અઠવાડિયે સુરતના ધક્કા ખાવા પડતા અને એ પણ કશા કાકાને સાથે લઈને. બી. કોમ. પછી તરત જ ધર્મેશ પપ્પાના ધંધામાં જોડાઈ ગયો હતો. થોડો સેટ થઇ ગયો હોય એવું લાગ્યું એટલે મા-બાપે લગન કરાવી દીધા અને પછી બે વરસમાં તો છોકરું પણ આવી ગયું. આજે જ્યાં પચ્ચીસ વરસની ઉમરમાં એના દોસ્તો રાતે મહેફીલો જમાવી રહ્યા હતા ત્યાં એ છોકરાં ના ડાઈપરો બદલતો હતો. સાલું, કાંઈ એક્સાઈટમેન્ટ જ ન્હોતું બચ્યું જીવનમાં. ધર્મેશની જાણ બહાર જ એની લાઈફનું સૌથી મોટું એક્સાઈટમેન્ટ બાજુની પેન્ટ્રી કારમાં આકાર લઇ રહ્યું હતું.

પેન્ટ્રી કારમાં ઉભો ઉભો રાજુ ઢોકળાં ભરેલી પેપર પ્લેટ્સ પ્લાસ્ટીકની મોટી ટ્રેમાં ગોઠવી રહ્યો હતો. આખી ટ્રે ભરાઈ જાય એટલે ખાસ ધ્યાનથી દરેક પ્લેટમાં એક એક લીલી ચટણી નું પડીકું મુકી દેતો. ભરેલી ટ્રે તે વેઈટરની સેનામાંથી એક એક સૈનિકના હાથમાં આપતો જેમનું મિશન ઢોકળાંની પ્લેટ્સ યાત્રીઓને પીરસીને ખતમ કરવાનું હતું.

પીળાં ઢોકળાંની પ્લેટ લઈને આવતા વેઈટર ને જોઇને કરસન કાકાના મોઢામાં પાણી આવ્યું અને ધર્મેશને માથે પરસેવો. પીળાં ઢોકળાં કાકાને બહુ ભાવતા એટલે એમણે વેઈટર ને સો ની નોટ આપીને ચાર પ્લેટ લઇ લીધી. ઉપરથી ધર્મેશને પૂછ્યું તારી માટે લઉં બેટા? ધર્મેશે એમને એક ગંદો લુક આપીને કાનમાં હેડફોન નાખી દીધા. એનું ચાલત તો નાક પર કલીપ પણ ભરાવી દેત. ગીતો સાંભળતા એને ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર ન રહી. નવસારી પર ગાડી ઉભી રહી અને એની આંખો ખુલી ત્યારે જોયું તો બાજુની સીટ પરથી કરસન કાકા ગાયબ હતા અને બાથરૂમની બહાર સારી એવી ભીડ જમા થઇ ગઈ હતી. ધર્મેશ પણ ઉઠીને શું ચાલે છે એ જોવા ગયો. પાચ છ લોકો બાથરૂમના બારણાને ઠોકી રહ્યા હતા. બીજા પાચ છ લોકો કાઈ ન સમજાય એવો બબડાટ કરી રહ્યા હતા. બારણાની એકદમ બાજુમાં ઉભેલા માણસે બુમ પાડી, “બહાર નીકળ સાલા અડધી કલાકથી અંદર બેઠો છે … અહિયાં અમારી ફાટી પડી છે”. ધર્મેશને લાગ્યું કે ક્યાંક કરસન કાકા તો બાથરૂમમાં નહિ હોય ને એટલે એ ટોળામાંના લોકોને ધક્કા મારીને આગળ વધ્યો. તેને પાસે આવતો જોઇને પેલા આગળ ઉભેલા માણસે એને રોક્યો અને ફરીથી બરાડ્યો, “આ જ છે એ … પેલો અંદર ગયો છે એ બુઢ્ઢો આની સાથે જ હતો … ” આખું ટોળું એની તરફ ફરી ગયું. ધર્મેશને લાગ્યું કે હમણાં બધા તેને મારશે. તેણે કહ્યું, “જુઓ મને કોશિશ કરવા દો કદાચ એ મારી વાત સાંભળશે”. તે આગળ ચાલ્યો. “કશા કાકા હું ધર્મેશ … શું થયું છે ? કઈ જવાબ આપો. અહી દસ બાર લોકો જમા થઇ ગયા છે … અને બધાને એક સાથે લાગી ગઈ છે … સામેનું બાથરૂમમાં પણ કોઈ બેઠું છે. આ લોકો કહે છે તમે અડધી કલાક થી અંદર બેઠા છો. તમારી તબિયત તો  ઠીક છે ને? કઈક તો બોલો કશા કાકા… જો તમે નહિ ખોલો તો અમારે દરવાજો તોડવો પડશે. કેમ બરાબર ને?” તેણે ટોળા સામે જોયું જેમાં હજી બીજા દસ બાર લોકો જોડાઈ ગયા હતા અને બધા જ જાણે ગજબ પીડામાં હોય એમ લવારી કરી રહ્યા હતા. બધાએ એક સાથે “તોડી નાખો તોડી નાખો ” એવી બુમો પાડી. બાથરૂમ માંથી સમજાય નહી એવો કંઈક બબડાટ સંભળાયો. બધા શાંત થઈને સાંભળવા લાગ્યા. ધર્મેશે તરત કહ્યું “હા કશા કાકા બોલો શું વાત છે અમે સાંભળીયે છીએ” ફરી પેલો ગડબડીયો અવાજ. હવે આગળ ઉભેલા માણસ ની ધીરજ ખૂટી ગઈ. તેણે કહ્યું ચાલો આપણે તોડી નાખીએ દરવાજો. ધર્મેશે તેને રોકવાની કોશિશ કરી પણ પાંચ લોકોની સામે તે એકલો હતો. “હું ત્રણ ગણું એટલે એક સાથે દરવાજાને ધક્કો મારજો. એક બે અને ત્રણ …”

અને ધડામ … દરવાજો તોડીને કરસન કાકા બહાર આવ્યા. અચાનક દરવાજો ખૂલવાથી આગળ ઉભેલા લોકો પડી ગયા. ધર્મેશ જરા માટે બચી ગયો. એની બાજુમાંથી બાથરૂમનો દરવાજો જે સૌથી આગળ ઉભો હતો તેની ઉપર પડ્યો. તે એની નીચે દબાઈ ગયો. ટોળામાં ભાગદોડ મચી ગઈ. કરસન કાકાના ચહેરા પર એમને જ્યારે ખુબ ભૂખ લાગતી અને કાંઈ ખાવા ન મળતું ત્યારે હોય તેવા ભાવ હતા. તે આ ક્ષણે જે મળ્યું તે ખાઈ જાય તેમ હતા. અંતે કાંઈ ન મળ્યું તો સામે ઉભેલા માણસને પણ ખાઈ જાય. અને એમ જ થયું. સમજાય નહિ એવા ઘોઘરા અવાજ માં તે બોલી રહ્યા હતા “ઢોકળાં … ઢોકળાં લાવો” તેમની સૌથી બાજુમાં ઉભેલા ભાઈના બાવડાં પર તેમણે બચકું ભર્યું. પેલો ચીસ પાડી ઉઠ્યો. કરસન કાકા ના દાંત લાલ લાલ થઇ ગયા. અને તે “ઢોકળાં લાવો… ઢોકળાં લાવો” એમ બોલતા બોલતા ડબ્બા તરફ વધ્યા. ડબ્બામાં નાસભાગ મચી ગઈ. ધર્મેશ બાઘાની જેમ જોતો જ ઉભો રહ્યો. કશા કાકાને કાંઇક થઇ ગયું હતું. જે સામે આવે તે બધાને બચકાં ભરી રહ્યા હતા. પાંચ લોકો બેભાન થઈને પડી ગયા હતા. બીજા પાચ-સાત લોહી લુહાણ હતા. એવામાં બીજા બાથરૂમનો દરવાજો ઝોરથી બહાર ફેકયો અને એમાંથી એક અદોદળા બેન નીકળ્યા. તેમણે સૌથી પહેલા ધર્મેશને જ જોયો અને તેની તરફ ધસ્યાં. તેમની આંખો ઢોકળાની ચટણી જેવી લીલી લીલી હતી. તે આંખોમાં વાસના હતી, કશા કાકા ભૂખ્યા થયા હોય ત્યારે તેમની આંખોમાં જોવા મળે બિલકુલ એવી જ વાસના. જે મળે એ ખાઈ જવાની વાસના. ધર્મેશ દોડીને પેન્ટ્રીમાં ગયો અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. પેલા બેન દરવાજો ઝોરઝોરથી ઠોકવા લાગ્યા. એ પણ “ઢોકળાં … ઢોકળાં …” એવું રટણ કરી રહ્યા હતા. ધર્મેશને ખાતરી નહોતી કે દરવાજો કેટલી વાર એમના ઠોકવાની સામે ઉભો રહેશે એટલે એ દરવાજાથી દુર પેન્ટ્રીમાં કોઈ છુપાવાની જગ્યા શોધવા લાગ્યો. તેને સમજાતું નહોતું કે આ શું થઇ રહ્યું છે? એકલા કરસન કાકા જ નહિ હવે તો પેલા જાડા માસી પણ ગાંડા જેવા થઇ ગયા હતા. શું ખબર બીજા પણ કેટલા લોકો આમ હાહાકાર મચાવી રહ્યા હશે. હવે આ ટ્રેનમાં રહેવામાં જીવનું જોખમ હતું. વલસાડ આવે એટલે ઉતરી જવું એમ તેણે નક્કી કર્યું. બસ, ત્યાં સુધી કોઈ સારી જગ્યા શોધીને પેન્ટ્રીમાં છુપાઈ જવું પડે. એ જગ્યા શોધતો આગળ વધ્યો ત્યાં એને સીટ નીચે છુપાયેલો વેઈટર દેખાયો. બંનેની આંખો મળી. વેઈટર તેને જોઇને ગભરાઈ ગયો અને કરગરવા લાગ્યો, “મને છોડી દ્યો, મેં કઈ નથી કર્યું”. “શેનું કંઈ નથી કર્યું?”, ધર્મેશે પૂછ્યું. “પેલી બાજુના ડબ્બામાં જે ધમાલ ચાલે છે એમાં મારો કોઈ વાંક નથી”. “તો કોનો વાંક છે?” વેઈટર ચુપ રહ્યો. ધર્મેશે તેને ડરાવવા માટે પોતાને પણ જાણે ભૂત વળગ્યું હોય એવો ડોળ કરવા માંડ્યો “ઢોકળાં … ઢોકળાં …” એમ બોલીને તેણે વેઈટરનું બાવડું ઝાલ્યું. “સાચું બોલ નહિ તો તને ખાઈ જઈશ”. “મને કાઈ ખબર નથી… બધા મને છોડીને ચાલ્યા ગયા” પેલાએ રીતસર ભેંકડો તાણ્યો. “ક્યાં ગયા?” “નવસારી ઉતરી ગયા. મેં તો ખાલી એટલું જ કીધું હતું કે આજે ઢોકળાનો વારો નથી અને આ ચટણીમાં કઈક વાસ આવે છે. હું મોટા સાહેબને કહેવા જતો હતો ત્યાં મને રાજુ ભાઈએ ધમકાવ્યો અને પછી બાથરૂમમાં પૂરી દીધો. છેટ નવસારી ઉતરતી વખતે ખોલ્યો અને કહેતા ગયા જા મરજે હવે આખી ટ્રેનની સાથે, બહુ વાયડો થતો હતો ને. એમની સાથે બાકીના બધા વેઈટર પણ ઉતરી ગયા. પછી ટ્રેન ઉપડી અને બાજુના ડબ્બામાં ધમાલ ચાલુ થઇ એનાથી બચવા હું અહિયાં છુપાઈ ગયો. બસ, મને આટલી જ ખબર છે. જવા દો મને.” ધર્મેશને લાગ્યું કે તે સાચું બોલી રહ્યો હતો. તેણે કહ્યું, “ડર નહીં હું પેલા શેતાનોમાનો એક નથી. મારી પાછળ એક જાડા માસી પડ્યા એટલે હું અહિયાં છુપાવા આવ્યો છું. મેં દરવાજો બંધ કરી દીધો છે પણ એ તોડીને ક્યારે આવી જશે એ કહી ન શકાય. વલસાડ સુધી આપણે ગમે તેમ કરીને છુપાઈને બેસી રહેવું પડશે.” “અને જો એની પહેલા જ દરવાજો તોડીને તે લોકો આવી ગયા તો?” “તો આપણે આત્મરક્ષા માટે કોઈ હથિયાર જેવું સાથે રાખવું પડશે. રસોડામાંથી એક ચપ્પુ અને તવો લઇ લે અને પાછો આ સીટ નીચે છુપાઈ જા.” ધર્મેશ પોતે પણ બાજુની સીટ નીચે સુઈ ગયો. બંનેને ડર લાગી રહ્યો હતો. પાંચ મિનીટ એમનેમ ચુપચાપ પસાર થઇ ત્યાં ધર્મેશ બોલ્યો, “એઈ શછ છ્છ… વેઈટર ભાઈ તારું નામ શું છે?” “હ્રિતિક રોશન” “સાલા તને આવે વખતે પણ મજાક સુઝે છે?” “ના ના સર, નામ તો રોશનલાલ ગુપ્તા છે પણ આ છ – છ આંગળીઓ છે ને બંને હાથમાં એટલે બધા મને હ્રિતિક રોશન કહે છે” “અચ્છા ઠીક છે. મને પણ તું સર નહિ કહે, મારું નામ ધર્મેશ છે. મેં એક તરફનો દરવાજો તો બંધ કર્યો છે પણ બીજી તરફથી પેલા શેતાનો આવી જશે તો? જા, બંધ કરી આવ” “ના ના હું એકલો ન જાઉં” “કેમ ફાટી પડી?” “હા, મને તો બહુ ડર લાગે. તમે જ જાઓ ને મને શું કામ કો છો? તમને પણ ડર લાગે છે કે?” “ના મને કાઈ ડર બર ન લાગે… ” “તો જાઓ ને…” “એક કામ કર આપણે બંને જઈએ” “તમે આગળ થાઓ” “હા ચલ” એક હાથમાં ચાકુ અને બીજા હાથમાં તવો લઈને ધર્મેશ આગળ અને એની પાછળ પાછળ હ્રિતિક રોશન મરચાની ભૂકીનો ડબ્બો લઈને ચાલ્યો. તેઓ દરવાજા પાસે પહોચ્યા ત્યાં કોઈ જ નહોતું. બાજુનો ડબ્બો અનરીઝર્વ્ડનો હતો. ત્યાંના લોકોને પેન્ટ્રીની પેલી બાજુ એસી ડબ્બામાં શું ઘમાસાણ ચાલી રહ્યું હતું એની જરાયે જાણ નહોતી. તેમની માટે બધું જ નોર્મલ ચાલી રહ્યું હતું. તેમ છતાં ધર્મેશે એક તકેદારી તરીકે દરવાજો બંધ કરી દીધો. તેઓ છુપાવાની જગ્યા તરફ જવા માટે પાછા ફર્યા અને જે દ્રશ્ય દેખાયું એને જોઇને જ્યાં હતા ત્યાંને ત્યાં એમના પગ થીજી ગયા. જાડા માસી અને એમની પાછળ આખી ભૂતાવળની હાર ચાલી આવતી હતી. બધા જાણે આંખો બંધ કરીને કે ઊંઘમાં ચાલતા હોય એમ આજુબાજુની સીટો સાથે અથડાતા કુટાતા આવી રહ્યા હતા. બધાની આંખો નિસ્તેજ અને ઓછા વધતા પ્રમાણમાં લીલી હતી. ધર્મેશનું ધ્યાન પડ્યું કે, માસીની પાછળનો માણસ તો એ જ હતો કે જેને કરસન કાકાએ સૌથી પહેલા બચકું ભર્યું હતું અને એ ત્યારે બેભાન થઇ ગયો હતો. હવે તેના બાવડા પરના ઘાવમાંથી લીલા રંગનું લોહી ટપકી રહ્યું હતું. અને તે પણ હવે પેલા લોકો જેવો હેવાન બની ગયો હતો. ધર્મેશ અને હ્રિતિકને જોતા જ તેઓ “ઢોકળાં … ઢોકળાં …” નો બબડાટ કરવા લાગ્યા. હ્રિતિક રોશને કહ્યું, “ધર્મેશ ભાઈ આ લોકો આપણને ઢોકળાં સમજી રહ્યાં છે. એટલે જ આમ બચકાં ભરવા આવે છે… રાજૂ ભાઈએ આજે ઢોકળાં બનાવ્યા એમાં કંઈ ભેળવી દીધું લાગે છે. પણ આપણે શું કરીશું હવે? એ લોકો નજીક આવી રહ્યા છે” ધર્મેશે વિચાર્યું કે બે જણ મળીને આટલા બધાને તો પહોંચી નહિ શકે. જો બાજુના ડબ્બામાં જઈને દરવાજો બંધ કરી દીધો તો પણ તેઓ થોડી વારમાં તો આવી જ પહોચશે અને પછી હજુ બીજા કેટલાય લોકોને બચકાં ભરી ભરીને તેમના જેવા કરી મુકશે. તેમને કોઈ પણ રીતે ધીમા પાડવા જરૂરી હતા જેથી તેઓ બાજુના ડબ્બામાં બધાને સતર્ક કરી શકે અને વલસાડ આવે એટલે ટ્રેન ખાલી કરવાની વ્યવસ્થા કરી શકે. “હ્રીતિક રોશન હું બે ત્રણને ઠેકાણે લગાવું છું એટલી વારમાં તું રસોડામાંથી તેલનો ડબ્બો લઈને જમીન પર ઢોળી દે એમાં આ લોકો લપસી જશે”. ધર્મેશે માસીના માથા પર ઝોરથી તવો ફટકાર્યો. તે પાછળની તરફ બે જણને લઈને પડ્યા. તેની પાછળ વાળાની બંને આંખોની વચ્ચોવચ ધર્મેશે ચાકુ ભોંકી દીધું. લીલા રંગના લોહીની પિચકારી ધર્મેશના મોઢા પર ઉડી. અને પેલો માથું પકડીને બેસી ગયો. હ્રીતિક પડેલા લોકોની ઉપરથી થઈને રસોડામાંથી તેલનો ડબ્બો લઇ આવ્યો અને ઉન્ધો કરી દીધો. ઝડપભેર તેઓ બંને બાજુના ડબ્બામાં ચાલ્યા ગયા અને દરવાજો બંધ કરી દીધો. હવે પ્રશ્ન એ હતો કે અન-રીઝર્વ્ડમાં બેઠેલા અને ઉભેલા લોકોને પેન્ટ્રીમાં ઉઠેલા તોફાન વિષે સમજાવવું કઈ રીતે?

ક્રમશ:

તસ્વીરમાનો મોડેલ: પ્રતિક બગડિયા


વાંચો ભાગ બીજો અને છેલ્લો અહી