ફોટોબ્લોગ: ૨૦૧૭નું સ્વાગત સાંધન વેલીમાં [૨૦૧૭નું પ્રવાસનું સરવૈયું શ્રુંખલા હેઠળ]

નોંધ: ૨૦૧૭માં ખેડેલા પ્રવાસનું સરવૈયું હેઠળ લખાયેલ અન્ય લેખ અહી વાંચી શકાશે.

મૂળે મારો સ્વભાવ અંતર્મુખી. ઘણા બધા લોકો ભેગા થઈને એક ઘોંઘાટિયા અંધારા ઓરડામાં મોટા અવાજના સંગીત પર નાચીને કે દારૂ પીને છાકટા થઈને નવા વર્ષને વધાવે એ વિચાર જ મને ગળે ના ઉતરે એવો. એટલે એમ તો વર્ષ બદલાય તેની ઉજવણી કરવા‍‌‌‍ના વિચાર સાથે પણ હું ખાસ સહમત નહિ. કેમ કે સમયની ગણતરી આપણે આપણી સહુલીયત માટે ઈજાત કરી છે. વાસ્તવમાં વર્ષ બદલાવાથી કોઈ જ ફરક નથી પડતો. ખેર, એ વિચાર બાજુએ મૂકીને જોઈએ તો મઝા કરવી એમાં કઈ ખોટું નથી, બહાનું ચાહે કોઈપણ હો! જ્યારે તમારા બધા જ મિત્રો (એટ લીસ્ટ સોશિયલ મીડિયા પર) પાર્ટીમય ભાસતા હોય ત્યારે સ્વાભાવિક રીતે તમને પણ “હું રહી ગયો” એમ થયા વગર ન રહે. આ સમસ્યાના તોડ તરીકે હું અને મારા જેવું વિચારતા કેટલાક મિત્રો છેલ્લા પાંચેક વર્ષથી નવા વરસ નિમિત્તે પ્રકૃતિની નજીકના કોઈ શાંત સ્થળે જઈએ છીએ. ગયા વરસ માટે એ સ્થળ હતું મહારાષ્ટ્રની ગ્રાન્ડ કેન્યન તરીકે ઓળખાતી સાંધન વેલી.

મુંબઈથી પોણા બસ્સો કિલોમીટર દૂર ભંડારધરા તળાવને‌ ફરતે ટ્રેકિંગ તેમજ કેમ્પીંગ માટેના અનેક સ્થળો આવેલા છે. મહારાષ્ટ્રનું સૌથી ઊંચું શિખર કળસુબાઈ, સૌથી વધારે તોડામણવાળો ટ્રેક હરિશ્ચંદ્રગઢ, સૌથી અઘરી કિલ્લા ત્રિપુટી અલંગ-મદન-કુલંગ, આગિયાઓનું પ્રણયમેદાન રતનવાડી, તળાવની વચ્ચેનો અનામી ટાપુ આ બધાંનો નામોલ્લેખ માત્ર સાહસપ્રેમી કે પ્રકૃતિપ્રેમી જીવોને હરખપદુડા કરી મુકે તેવો છે. આ યાદીમાં એક અગત્યનું નામ એટલે સાંધન વેલી. સાંધન એ સામ્રડ નામના ગામ પાસે આવેલી જમીનમાં બસ્સો ફૂટ ઊંડી અને બે કિલોમીટર લાંબી તિરાડ જેવી ખીણનું નામ છે. ગામની પાછળ આવેલા મેદાન વટાવીને તમે એકવાર ખીણમાં ઉતરો એટલો સીધો તડકો માત્ર બે કલાક પુરતો જ આવે. ઉપરાંત સૂર્યોદય ઉપર કરતા મોડો અને સુર્યાસ્ત જલ્દી થવાને લીધે દિવસ ટૂંકો હોય છે. પરિણામે રાતે ઠંડી અનહદ રહે. ચોમાસામાં અહી પાણી ભરાઈ જવાને લીધે જવું શક્ય નથી. નવમ્બર – ડીસેમ્બરમાં પાણી ઉતરતાં જ શની રવિ દરમિયાન અનેક લોકો આવે છે. બે કિલોમીટરની આ ખીણમાં રસ્તામાં બે સ્થળ એવાં આવે છે કે જ્યાં બારેમાસ પાણી નથી ઉતરતું અને તેમાંથી ઋતુપ્રમાણે ગોઠણસમાણા કે કેડસમાણા પાણીમાં થઇને આગળ જવું પડે છે. મોટાભાગના લોકો આ બે પૈકી પહેલા અને ઓછા ઊંડા ખાડો પસાર કરીને બીજા ખાડો શરુ થાય ત્યાંથી જ પાછા વળી જાય છે. કેટલાક બીજો પાર કરીને છેટ અંત સુધી જઈને એ જ રસ્તે પાછા ફરતા હોય છે. સાવ થોડા હોય છે જે રેપલીંગ (એટલે કે કમરે દોરડાં બાંધીને ખડકની દીવાલ પરથી નીચે ઉતરવાની રીત) કરીને નીચેના ગામમાં પહોચે છે અને ત્યાંથી જ ઘરે રવાના થાય છે. અને અમારા જેવા તો કદાચ અન્ય કોઈ નહિ હોય કે જેમનું રાતે ખીણની અંદર રહેવાનું જીગર ચાલે.

સામ્રડ ગામનું ઘર

સામ્રડ ગામથી સાંધન ખીણ તરફ જતું મેદાન

ખીણમાં ઉતરવાનો રસ્તો

પહેલું ખાબોચિયું

અમે સાંજ સુધીમાં પહેલા અને બીજા ખાડાની વચ્ચે આવેલા એક ખડક પર અડ્ડો જમાવી લીધેલો. તાપણી કરીને મેગી અને ચા બનાવીને રાતવાળુ તૈયાર થઇ રહ્યું હતું અને છેલ્લા છેલ્લા પ્રવાસીઓ ખીણની બહાર નીકળી રહ્યા હતા. અમે નિરાંતે ભોજન પકાવ્યું, હજુ નિરાંતે આરોગ્યું, ખુબ ગપ્પા માર્યા, કેટલાક લોકોએ ઝોલું ખાધું તો કેટલાકે ફોટો પાડ્યા / પડાવ્યા… પણ બધું કર્યા પછી સમય જોયો તો માત્ર નવ જ વાગ્યા હતા. અંધારું તો એટલું કે જાણે વર્ષોથી સુરજ ઉગ્યો જ ન હોય. ઉપર એક લીસોટા જેટલા આકાશ અને તેમાં કેટલાક તારાઓ દેખાતા હતા. કેટલાક લોકોએ સુવાનો પ્રયાસ કર્યો પણ ઠંડીને લીધે તેમજ ઢોળાવને લીધે સરકી જવાથી ઊંઘ ઉડી જતી હતી. મેં મોટાભાગની રાત બેઠા બેઠા તાપણી બુઝાઈ ન જાય એનું ધ્યાન રાખતાં કાઢી. રાતે બાર વાગે ઉપર મેદાનમાં તંબુ નાખીને રોકાયેલા લોકોના ફટાકડાનો અવાજ  સંભળાયો… અને નવા વર્ષનું આગમન થયું.

ધૂણી

વેલકમ ૨૦૧૭

ગુડ મોર્નિંગ

બીજે દિવસે સવારે કોફી પી ને અમે ખાડા નંબર બે નાં ઠંડાગાર છાતીસમાણા પાણીમાં થઈને ખીણના અંત સુધી ગયાં. ત્યાંથી આગળ રેપલીંગ કરીને નીચેના ગામ જવાતું હતું પરંતુ અમારી પાસે તે માટેના સાધનો કે આવડત નહોતી એટલે જ્યાંથી આવ્યા હતા એ જ રસ્તે થઈને બંને ખાબોચિયા વટાવીને પાછા ફર્યા. રવિવાર હોઈ ઘણા પ્રવાસીઓ મહારાષ્ટ્રની આ અજાયબી જોવા આવ્યા હતા. લોકોની ગેરહાજરીમાં ગઈ સાંજે અને રાત્રે જે સ્થળ બેહદ નાટ્યાત્મક ભાસતું હતું તે અત્યારે આટલી બધી ભીડમાં કોઈ સામાન્ય બજાર જેવું લાગી રહ્યું હતું.

બીજું ખાબોચિયું

 

બે કિલોમીટર લાંબી ખીણ

ખીણનો અંત

બહાર નીકળીને ગામમાં જમતી વેળાએ અમને સપાટ જમીન, તૈયાર ભોજન, છત્ર, હુંફ જેવી માનવ નિર્મિત વસ્તુઓનું કેટલું બધું મહત્વ છે એ સમજાઈ રહ્યું હતું. દસ-બાર જણનું અમારું ગ્રુપ હતું જેમાં એક-બે વ્યક્તિને તો હું જરાય નહોતો ઓળખતો તેમ છતાં ખુબ મઝા પડી. આ અગાઉ મને મોટા ટોળામાં ફરવા જવાની અને એ પણ અજાણ્યા લોકો જોડે જવાની તો ખાસ સુગ હતી. પરંતુ આ બે દિવસીય ટ્રીપ પછી એ ચાલી ગઈ. નવા વરસે રિસોલ્યુશન લેવું – કે જેનું માંડ એક બે અઠવાડિયા પાલન થાય – તેના કરતા આવી સમજણ અને કૃતજ્ઞતા સાથે નવું વરસ શરુ કરવું એ વધારે સારો આઈડિયા નથી લાગતો તમને?

2 Comments

  1. તારું લખાણ વાંચ્યા બાદ લાગે છે કે અદ્ભુત જગ્યા છે આ . અને આ રીતે ઠંડીમાં કેદ સમાણા પાણીમાં થઈને ખીણમાં જવું….ખુબ રોમાંચક લાગી રહ્યું છે. મઝા આવી વાંચીને.

  2. Good work

Leave a Reply

Your email address will not be published.

*

© 2018 રઝળપાટ

Theme by Anders NorenUp ↑