સમયદ્વીપ – ભગવતીકુમાર શર્મા

ભગવતીકુમાર શર્માએ તેમની નવલકથા સમયદ્વીપના નાયક નીલકંઠને એક એવા એકલાઅટૂલા દ્વીપ પર લઇ જઈને મૂકી દીધો છે કે એક વાચક તરીકે હું મારો કાંઠો છોડીને એ દ્વીપ સુધી પહોંચી જ ન શક્યો

૧૯૭૪માં રચાયેલી આ કૃતિ માત્ર ૭૮ પાનાં પુરતી મર્યાદિત છે અને પુસ્તકના બાકીના ૮૦ પાનાં સમીક્ષાનિબંધોથી ભરાયેલાં છે. આ નિબંધો મને એક અભ્યાસુ વાચક તરીકે મૂળ કૃતિ કરતા વધારે નહિ તો પણ કમસે કમ એટલાં જ પ્રમાણમાં પસંદ પડ્યા.

અગાઉના વિધાનમાં કૃતિશબ્દ વાપરવાનું કારણ એ કે તેને નવલકથાની માન્યતા આપવી કે લઘુનવલ તરીકે જ જોવી એ વિષે વિદ્વાનોમાં મતમતાંતર છે. અંગત રીતે મને એ નવલકથા તો નથી જ લાગતી. એટલું જ નહિ મને તો તેને લઘુનવલ પણ ન ગણતાં, અતિ લાંબી ટૂંકી વાર્તા ગણવી એ વધારે ઉચિત લાગે છે. કારણ આખી વાર્તા માત્ર એક પાત્રના ભાવવિશ્વમાં જ લટાર મારે છે. ઘટનાઓ કે પાત્રો બંનેમાંથી એકેયનો ફલક એટલો વિસ્તૃત નથી જણાતો કે આ કૃતિ માટે નવલિકાથી વધારે બહોળો શબ્દ વાપરી શકાય.

વાર્તા નીલકંઠ નામના એક માણસના જીવનના માત્ર ચોવીસ કલાકમાં જ આકાર લે છે પણ તેના સીમાડા તેના નાનપણથી લઈને અત્યાર સુધીના ભૂતકાળ સુધી વિસ્તરે છે. આ માણસ બે વિરોધી પ્રવાહો વચ્ચે વહેચાઈ ગયો છે. એક તરફ ગ્રામ્યજીવન, ભારતીય રીતરીવાજો અને જૂની પેઢીની રહેણીકરણી તો બીજી તરફ શહેરીજીવન, પાશ્ચાત્ય રહેણીકરણી અને નવી વિચારધારા વચ્ચે એ હદે વહેચાઈ ગયો છે કે એ સમયના ટુકડાઓમાં જીવે છે. તેની માનસિક પરિસ્થિતિ અને પીડા આપણને સ્પર્શે એવા હોવા છતાં મને અંગત રીતે મુખ્ય પાત્ર નીલકંઠ કરતા તેની પત્ની નીરાના પાત્ર સાથે વધારે નિસ્બત અને સહાનુભુતિ વર્તાયા. પુસ્તકની અંતે આપેલા નિબંધમાં ઋજુતા ગાંધી નોંધે છે તેમ લેખકને ક્યાંક નીલકંઠની ગ્રામ્યજીવન અને જુનવાણી પરંપરા વાળી બાજુ સાથે થોડો પક્ષપાત છે એવું વર્તાય છે. તેવી જ રીતે હું શહેરનું ફરજંદ હોઈ મને નીલકંઠની શહેરી બાજુ, કે જેનો નીરા મુખ્ય ભાગ છે, એ વધારે સ્પર્શી.

જે કૃતિ વિષે અનેક વિદ્વાનોએ સમીક્ષાલેખ લખ્યા છે એ વિષે હું નવું શું લખું એ એક પ્રશ્ન સાથે આ લખવાનું શરુ કર્યું હતું. અડધો-એક મુદ્દો ઉપર જણાવ્યો જે મેં અન્ય કશે નથી વાંચ્યો. બીજો અડધો-એક મુદ્દો એમ કે ગ્રામ્ય જીવનથી શહેર આવેલા અને શહેર સાથે અનુકુલન સાધી બેસેલા નીલકંઠને આધુનિકા નીરા સાથે પ્રેમ થયો જે લગ્નમાં પરિણમ્યો એ વાત માત્ર જ નીલકંઠના પાત્ર વિષે ઘણું કહી જાય છે. એટલું જ નહિ એ વાત માણસો જીવનસાથી કઈ રીતે પસંદ કરે છે એ વાત પર પણ પ્રકાશ પાડે છે.

પુસ્તક વાંચવું કે નહિ? પુસ્તક વેંચવા માટેનું આ લખાણ નથી. નીલકંઠની વ્યથા કેટલેક અંશે મારી વ્યથા છે. કેમ કે એની સમસ્યાનું મૂળ એ વાતમાં રહેલું છે કે એ વિચારક્ષમ અને વિચારશીલ છે. તેની પાસે તર્ક છે અને સાથે જ ભાવના પણ છે. એ બંને વચ્ચે એ જે રીતે અટવાયેલો છે એ બાબત મને સ્પર્શે છે. પરંતુ એ પરિસ્થિતિ પેદા થવાનું કારણ નહિ. મારી માટે એ કારણો જુદા છે અને હોવાના જ. આમ હું નીલકંઠ સાથે connect કરી શકું છું પણ empathise નહિ. ‘સમયદ્વીપ’ ચોક્કસ એક સારી કૃતિ છે. પણ તે ન વાંચી હોત તો મેં કંઇક અમુલ્ય ગુમાવ્યું હોત કે નહિ, હાલ એ વિષેની દ્વિધાના દ્વીપ પર છું…

નોંધ: આખી નવલકથા ગુજલીટ પર પ્રાપ્ય છે

5 Comments

 1. Wah, vanchan anubhav pan tari varta jevo rasaal. Vadhu kain kaheva vanchavi pade.

 2. keyshorpatel@gmail.com'
  કિશોર પટેલ

  November 12 at 10:38 pm

  સરસ. પ્રમાણિક અભિપ્રાય આપવાની પદ્ધતિ ગમી. ભગવતીકુમારની અન્ય કેટલીક કૃતિઓ વાંચી છે. આ કૃતિ મિસ થઇ ગઈ હતી. હવે એ વાંચવાની ઈચ્છા થાય છે. આભાર તુમુલ!

 3. વાંચી છે પણ આ વાંચ્યા બાદ ફરી વાંચવાનું મન થયું.

  વાંચી ને અહીં આવીશ અને નોંધ મુકીશ.

  આભાર.

Leave a Reply

Your email address will not be published.

*

© 2018 રઝળપાટ

Theme by Anders NorenUp ↑