Below is the script of my radio travelogue which aired on Akashwani (All India Radio) on 14th June 2015, 18:30pm IST. Topic is Rajmachi / Monsoon trek. Here’s mobile phone recording of the show.

May પૂરો થઈને June બેઠો છે. ઉનાળો પૂરો થવાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. બુઝાતા દીવાની જ્યોત જેમ છેલ્લો છેલ્લો ઉનાળો વધુ આકરો લાગે છે. મુંબઈના એક ગુજરાતી પરામાના મારા ઘરમાં હું બારી પાસે બેઠો બેઠો ચાતકની જેમ વરસાદની રાહ જોવું છું.

થોડા જ સમયમાં પહેલા વહેલા છાંટા ટપટપ કરતા આવી પડે છે. હજારો ફૂટ ઉપર કાળા આભમાં ઠાંસી ઠાંસીને ભરેલા જળની પૃથ્વીને મળવાની જાત્રા શરુ થાય છે. બારીમાંથી હાથ બહાર કાઢતા ભેગ હથેળી ભીંજાય અને એની ભીનાશ મનને ભીંજવી જાય. આવા સમયે ગમે એટલા કાળમીંઢ હૈયામાં પણ કુંપળ ફૂટ્યા વિના ન રહે.

ફિલ્મ ના રસિયાઓને યાદ હશે જ wake up sid નું છેલ્લું દ્રશ્ય કે જેમાં પહેલા વરસાદની લાગણી આબેહુબ ઝીલાઈ છે. અકળાવી નાખે એવા ઉકળાટમાં અચાનક ધોધમાર વરસાદ આવી ચડે છે. તે રણબીર કપૂર ના પાત્ર સીડ ની અંદર રહેલા કંઈક અપ્રગટ ને બહાર આવવા મજબુર કરે છે. તેને પોતાનામાં સુષુપ્ત રહેલા આયેશા માટેના પ્રેમનો અહેસાસ કરાવે છે. અને તે આયેશા ને મળવા બહાવરો થઈને દોટ મુકે છે.

મારું પણ દર ચોમાસે આવું જ કંઈક થાય છે. ફરક એટલો કે મારો પ્રેમ મને કોઈ એક વ્યક્તિ પ્રત્યે નહિ પણ પ્રકૃતિ પાસે ખેચી જાય છે. દર વરસે જે ભેગો પહેલો વરસાદ પડે એ ભેગો હું “રાજમાચી” તરફ દોટ મુકું. તો ચાલો મિત્રો તમને પણ આજે એક એવા સ્થળે લઇ જાઉં કે જ્યાં દુનિયા ના દરેક સીડ અને આયેશા ને જવાનું મન થઇ જાય.

મુંબઈ અને પુના આ બંને મહાનગરોને એકસરખા પોતીકા લાગતા લોનાવાલા વિષે તો સૌ કોઈ જાણે જ છે. પણ આ લોનાવાલા અને ખંડાલા ની વચ્ચે એક અતીરમ્ય છતાં ઓછુ જાણીતું સ્થળ છે રાજમાચી. સમુદ્ર સપાટી થી અઢી હજાર ફૂટ ઉપર આવેલા શિવાજી એ બનાવેલા બે કિલ્લા – મનરંજન અને શ્રીવર્ધન. તેની તળેટી માં વસેલું ગામ ઉધેવાડી ઉર્ફે રાજમાચી.

લોનાવાલા સ્ટેશન થી ચાલવા માંડો તો તુંગાર્લી ડેમ ના રસ્તે થઇ ને છ થી સાત કલાક માં રાજમાચી પહોચી જવાય. જો તમને મારી જેમ ફોટોગ્રાફી નો શોખ હોય તો દસ થી બાર કલાક પણ લાગી જાય. તો આવા રાજામાચીના મારા પહેલા પ્રવાસ ની વાત તમને સંભળાવું…

શુક્રવારે રાતે અગિયાર ની ટ્રેન પકડી ને અમે પાંચ મિત્રો લોનાવાલા જવા નીકળી પડ્યા. લોનાવાલા સ્ટેશન પર થોડો આરામ કાર્ય બાદ રાતે ત્રણ વાગ્યે અમે ચાલવાનું શરુ કર્યું. થોડી જ વાર માં સિમેન્ટ નો રસ્તો છોડી ને કાચે રસ્તે આવી ચડ્યા. અહી થી ચઢાણ શરુ થતું હોઈ અમારો વેગ થોડોક ઘટ્યો. તુંગાર્લી ડેમ આવતા સુધી માં આસપાસ નું જંગલ ખાસું એવું ગાઢ થઇ જાય છે. અમાસ પછી ની કાળી રાત્રીએ રસ્તો દેખાતો નથી. ટોર્ચ ના આછા અજવાળે અમે અલક મલક ની વાતો કરતા ચાલ્યા જઈએ છે. થોડે આગળ પહોચ્યા ત્યાં અમારું સ્વાગત કરવા એક ઝાડ પર હજારો આગિયા ઝબુક ઝબુક કરી રહ્યા હતા. શહેર માં જ મોટા થયેલા અમે આગિયા ને જોઈ ને ઘેલા ઘેલા થઇ ગયા.

રાત ની ઠંડક ઘૂંટાઈ ઘૂંટાઈ ને મળસ્કે ચારેક વાગ્યા સુધી માં ચરમ સીમા એ પહોચે છે. આવા વખતે જો તમે સુતા હો તો સૌથી મીઠી ઊંઘ અને સૌથી મધુરા સપનાઓ આવે. પણ જો જાગતા હો તો મામુલી ઠંડી પણ ધ્રુજાવી મુકે.

આ ઠંડી ને દુર કરવા અમે એક તાપણું કરીને બેઠા. થોડા લોકો એક ઝોલું ખાવા આડા પડ્યા. પણ હું જાગતો બેઠો. કારણકે સુરજ દાદા નો રથ ટૂંક સમય માં આવવાનો હતો. અને આ લ્હાવો ગુમાવવો મને મંજુર નહોતો. સૂર્ય ના પહેલા કિરણો ની સાથે જાણે એલાર્મ સેટ કરી હોય એમ પંખીઓનો કલરવ શરુ થઇ ગયો. પીળક, ભારદ્વાજ, દરજીડો, લેલા એમ દરેક પંખીનો અલગ અવાજ સ્પષ્ટપણે સાંભળી શકાતો હતો. પણ આછા આછા ઉજાસ અને ગાઢ ધુમ્મસ ની વચ્ચે તેમને જોવા અશક્ય… જેમ જેમ અજવાળું અમારી ઉપર ઉતરતું ગયું એમ ધુમ્મસ સાફ થવા માંડ્યું. હવે આસપાસ નો નજારો સાફ સાફ જોઈ શકાતો હતો. જંગલ અમે કયારનું પાછળ છોડી ચુક્યા હતા અને એક ખુલ્લા મેદાન જેવી જગ્યાની વચ્ચે થી એક કેડી નીકળતી હતી તેની પર આરામ કરવા બેઠા હતા.

તાપણું બુઝાઈ ગયું હતું પણ તેની ઉષ્મા હજી જીવંત હતી. કેડી ની એક તરફ ઊંડી ખીણ હતી. ખીણ ની સામે ની બાજુ અમારી મંઝીલ – રાજમાચી. કેડી ની બીજી તરફ મોટું મેદાન અને ત્યાર બાદ પહાડોની વચ્ચે થઈને ગામ તરફ એક રસ્તો જાય છે. આ રસ્તા પર ચાલ્યા જાઓ તો ગામ પછી એક મસમોટું તળાવ છે નામે શીરોટા. તેને તળાવ ની બદલે સમુદ્ર કહો તો પણ ચાલે. ખુબ જ સુખદ આશ્ચર્ય ની વાત છે કે મુંબઈ થી ફક્ત સો કિલોમીટર દુર આટલી શાંત અને નિર્મળ જગ્યા બચવા પામી છે.

આવા વિચારો પર તત્પુરતી બ્રેક મારીને અમે આગળ વધ્યા. કુમળો તડકો અને ભીનો ભીનો છાયો સંતાકુકડી ની રમત રમી રહ્યા હતા. વચ્ચે છૂટાછવાયા ઝાપટા અને ધીમા ધીમા ફોર પોતાની ટાપસી પુરાવતા હતા. શનિવાર હોવાથી બીજા પણ થોડા પર્યટકો દેખાતા હતા. ફેમીલી ક્રાઉડ SUV કે જીપ જેવા ખડતલ વાહનો માં જતા હતા જયારે બાઈક ના શોખીન જુવાનીયાઓ પોતાની 300 સીસી ની બાઈક ફટફટ કરતા હંકારી જતા હતા. કેટલાક સાઇકલ વીરો પણ નજરે ચડતા હતા.

આવા ખુશનુમા વાતાવરણ માં ચાલવું આકરું નથી લાગતું. મકરંદ દવે નો “ધૂળિયો મારગ” સુંદર સાથ ને કારણે વ્હાલો લાગે છે. ખભા પરના દસ કિલો ના રકસેક નું વજન પણ સાવ હળવું લાગે છે જયારે મજાક મસ્તી કરતા ચાલ્યા જઈએ છે.

આ દસ કિલોના અમારા બેકપેક માં શું હતું? એક અસલ ગુજરાતી ને શોભે એમ અમારી બેકપેક માં થેપલા ખાખરા અને અન્ય નાસ્તાની સામગ્રી હતી. “જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદા કાળ ફરસાણ” વીર નર્મદ ની આ પંક્તિ ને સાર્થક કરવાનું અમે બીડું ઝડપ્યું હતું.

ટ્રેકિંગ પર જઈએ ત્યારે સૌ કોઈ થેપલા તો અચૂક લાવે જ. દરેક ના થેપલા ના રંગ રૂપ નોખા હોય. અને થેપલાં ની સંગત કરવા દરેક જણ કઈક વિશિષ્ટ લાવે. છૂંદો, રાજકોટની ચટણી , લસણની સુકી ચટણી, મેયોનીઝ અને ચોકલેટ સોસ સુદ્ધા ની વસ્તુ ઓ હાજર હોય. જેટલો આનંદ નિર્ભેળ પ્રાકૃતિક નજારા જોવામાં આવે એટલીજ મઝા આ બધી remix વાનગીઓ ઝાપટવા માં પણ આવે.

આમ હસતા, ગાતા અને ખાતા અમે અંતે અગિયાર વાગ્યે ઉપર ગામમાં પહોચ્યા. પહોચ્યા બાદ અમને ખબર પડી કે રહેવા માટે અહી કોઈ હોટેલ કે લોજ નથી. સો એક ઘરની વસ્તી વાળા આ ગામ માં “હોમ સ્ટે” ની પ્રણાલી છે. જે મુજબ દસેક ગ્રામવાસી ઓ એ પોતાના ઘરના દરવાજા અમારા જેવા ટ્રેકર માટે ખોલી આપ્યા છે. સાવ નહીવત ભાડા માં તેઓ ઘરના એક રૂમ માં ગાદલા પાથરી ને સુવાની જગ્યા, સ્વાદિષ્ટ ભોજન અને પ્રેમપૂર્વક પરોણાગતી પૂરી પાડે છે.

અમે શિરીષ ભાઈ ને ઘરે રોકાવાનું નિમંત્રણ સ્વીકાર્યું. ચાલીસેક વરસનો શિરીષ કસાયેલા શરીર અને કાળા વાળ ને કારણે મ્હાંડ ત્રીસ વર્ષનો લાગતો હતો. તેના કુટુંબ માં તેની “આઈ” એટલે કે માતા, પત્ની અને બે પુત્રો હતા. મોટા ના તો લગ્ન પણ થઇ ગયા હતા અને તેને ઘરે પણ એક નાનકડો પુત્ર હતો.

તેના ઘરની બહાર પરસાળ માં પાણીનું એક વાસણ પડ્યું હતું કે જેમાં માછલી તરતી હતી. શિરીષ ના કહેવા મુજબ એ એક ખાસ પ્રકારની માછલી હતી કે જે પાણી ને સાફ રાખતી. ઘરના નીચા દરવાજામાં વાકા વળીને પ્રવેશ કરો એટલે ચાર દાદરા ચડીને એક પ્લેટફોર્મ જેવું હતું. આ પ્લેટફોર્મ પર જ જમવાનું પીરસાય અને રાતે ત્યાં જ ગાદલા પાથરીને સુઈ જવાનું. છાણ માટીથી લીપેલી જમીન પર બેસવાનો આ મારો પહેલો અનુભવ હતો.

નળિયા થી ઢાંકેલી ઉંચી છત વાળા આ કાચા મકાન માં પ્લેટફોર્મ વાળો રૂમ મધ્ય માં હતો. ત્યાર બાદ અંદર જાઓ તો એક રસોડું અને પાછળ નાનું આંગણ હતું કે જેમાં મરઘીઓ દોડાદોડ કરી રહી હતી. રસોડા માં કેરોસીન ના સ્ટવ પર થતી રસોઈ ની સુગંધ થી જ અમારો અડધો થાક ઉતરી ગયો. બાકી નો અડધો થાક ઉતારવા અમે તળાવમાં ન્હાવા ગયા. તળાવને રસ્તે જતા જોયું કે મહારાષ્ટ્ર સરકારે આખા ગામમાં સોલાર લાઈટ લગાડી હતી. જેનો ઉપયોગ લોકો મોબાઈલ ચાર્જ કરવા અને ટીવી જોવા કરતા. મોટા ભાગના ઘરો કાચી બાંધણી ના જ હતા. ગામની બહાર ખડકાયેલા ઈંટ અને સિમેન્ટ ના ઢગલા જોઇને લાગ્યું કે ટૂંક સમય માં અહી બદલાવ આવાનો હતો.

ગામના એક છેડે કિલ્લા પર જવાનો રસ્તો શરુ થતો હતો. કિલ્લા પર સાંજે જવાનું નક્કી કરી અમે બીજા છેડા તરફ ચાલ્યા જ્યાં એક પાણી ની ટાંકી હતી અને થોડે આગળ જાઓ તો એક નાનકડું તળાવ. તળાવમાં ખુબ નાહ્યા અને તર્યા બાદ અમે સ્વચ્છ, સુંવાળી ચામડી લઈને શિરીષ ભાઈ ને ઘરે પાછા ફર્યા.

ત્યાં અમારી માટે તળપદી મરાઠી શૈલી નું તીખું તમતમતું ભોજન તૈયાર હતું. ચોખા અને નાચણી ની ભાખરી, સાદાસીધા દાળ-શાક, પોલીશ કર્યા વગર ના ભાત, અથાણું અને પાપડ. દરેક વસ્તુ ખુબ જ પ્રેમ થી બનાવેલી અને આગ્રહ પૂર્વક પીરસવામાં આવી. ભોજન દરમિયાન ઘરના લોકો જોડે પણ પરિચય કેળવાયો.

જમીને થોડો આરામ કર્યા બાદ સુર્યાસ્ત જોવા માટે અમે કિલ્લા પર ચડી ગયા. દુર ક્ષિતિજ ની પેલે પાર સુરજ ગરકાવ થઇ રહ્યો હતો. નીચે લોનાવાલા માં ઘરોની લાઈટ ઝબૂકી રહી હતી જે મને ગઈ રાતના આગિયા ની યાદ આપી ગઈ. આકાશના રંગો જેમ લાલ થી કાળા તરફ જઈ રહ્યા હતા તેમ મારા મનો અવકાશ માં પણ એક નીરવ શાંતિ ઉતરી રહી હતી.

સુર્યાસ્ત પછી અને ચંદ્રોદય પહેલાની એ થોડી ક્ષણો જાદુઈ હતી. અઢળક તારલાઓથી લદાયેલું આકાશ, મંદ મંદ વહેતો શીતળ પવન, અમારા શ્વાસ સિવાયનો કોઈ અવાજ નહિ. જાત સાથે વાત કરવાનો એક અદ્રશ્ય સેતુ બંધાઈ ગયો હતો. જીવન માં ક્યારેક જ આવી ક્ષણ આવતી હોય છે જયારે તમે કોઈ પણ જાતના પ્રયાસ વગર, સહજતાથી પોતાની જાત સાથે તેમજ તમારા પરિસર સાથે ઐક્ય ની લાગણી અનુભવતા હો. એ પ્રશાંત અનુભૂતિ ના જીની ને યાદોના ચિરાગમાં કાયમ માટે કેદ કરી લીધો.

ખંધુ હાસ્ય રેલાવતો બીજનો ચંદ્ર આવી પહોચ્યો હતો. અમે અંધારામાં સાચવીને કિલ્લા પરથી ઉતર્યા. શિરીષ ભાઈને ઘરે ફાનસ ને અજવાળે ભોજન કરીને સુવા માટે આડા પડ્યા ત્યારે લાગ્યું કે આજના દિવસ માં કંઈક ખૂટતું હતું. સવારે થોડા ઝાપટા પડ્યા બાદ વરસાદ સાવ ગાયબ જ હતો. બીજે દિવસે મેઘરાજાની મહેર થાય એવી પ્રાર્થના કરીને અમે સુઈ ગયા.

અમારી પ્રાર્થના ફળી. એવી તો ફળી કે અમારે તેને reverse કરવા નવેસર થી પ્રાર્થના કરવાની નોબત આવી. રવિવારે પરોઢિયે બારે મેઘ ખાંગા થઇ ને વરસ્યા. અમારો સવારે બીજો કિલ્લો જોઇને ઘર તરફ પ્રયાણ કરવાનો પ્લાન હતો. પણ બપોર સુધી વરસાદ રોકવાના કોઈ અણસાર ન દેખાતા અમે કિલ્લા નો પ્લાન મોકૂફ રાખી ઘર ભેગા થવાનું ઉચિત માન્યું. સમય કટોકટ હોઈ અમે લોનાવાલા ની બદલે કર્જત ને રસ્તે ઉતારવા માંડ્યા. આ રસ્તો ઘણો ટૂંકો હતો. સાથે જ જોખમી પણ ખરો. ગઢ જંગલ માં થી એક કેડી જતી હતી અને દર થોડા અંતરે પથ્થરો પર તીર ની નિશાની હતી.

અમારા કમનસીબે વરસાદમાં અમુક તીર ભુંસાઈ ગયા હતા જેને લીધે અમે રસ્તા પરથી ભટકી ગયા. થોડા સમય સુધી કોઈ દિશા નિર્દેશ ન દેખાતા અમે ઘાંઘા થઇ ગયા. સુર્યાસ્ત થવાને બહુ વાર નહોતી. પગથી માથા સુધી તરબોળ અવસ્થામાં આવા જંગલ માં રાત કાઢવાની અમારી કોઈ તૈયારી નહોતી. લપસણી અને કાદવ વાળી જમીન પર ઝડપથી ચાલવું પણ શક્ય નહોતું. અમે જે રસ્તા નો ઢોળાવ નીચે ની તરફ હતો તે રસ્તા પર ચાલ્યા કર્યું. અંતે અડધી કલાકે એક સફેદ તીર દેખાયું. અને અમને હાશ થઇ. મૂળ રસ્તા પર પહોચવા માટે એક ઝરણું પાર કરવું પડે એમ હતું. ધોધમાર વરસાદ ને લીધે એ ઝરણું નદી બની ચુક્યું હતું. કમર સમાણું ઠંડુ પાણી હતું. વહેણ પણ ખાસું એવું. અમે એક બીજાના હાથ પકડીને એક સાંકળી બનાવી. હિમત કરીને નદી પાર કરી. આ એક ગજબ રોમાંચક અનુભવ હતો. થોડો ડર અને થોડી સાહસવૃત્તિ. બંને એકબીજા પર હાવી થવાના પ્રયાસ કરતા હતા. સાહસ ની જીત થઇ. હવે આગળ નો રસ્તો સહેલો હતો.

ઘરે પહોચ્યા બાદ કંઈક કીમતી મેળવ્યાનો સંતોષ લઈને હું સુઈ ગયો. રાજમાચી ના આ પ્રવાસે, મને ઓફીસનું હજી એક શુષ્ક અઠવાડિયું જીરવવા માટે ચાર્જ કરી દીધો હતો. હવે વરસાદમાં જયારે પણ લોકલ ટ્રેન માં ધક્કા, ભેજ, કચકચ અને વાસ રૂપી ત્રાસ સહન કરવાનો વખત આવે ત્યારે પેલા ચિરાગ માં થી જીની ને બહાર કાઢું છું અને હોઠ પર આછું સ્મિત ફેલાઈ જાય છે.