January ના પહેલા અઠવાડિયામાં શિયાળો જ્યારે મુંબઈને બરોબર ભીંસમાં લઈને બેઠો હતો, ત્યારે વહેલી સવારે ઉઠીને સ્કૂલે જવું એ એક શિક્ષા સમાન હતું. મમ્મીની લાખ બુમો છતાં હજી પાંચ મિનીટ સુવાની લાલચ લગભગ રોજ મોડું કરાવી દેતી. સાડા સાતના પહેલા period માટે અંતે માંડમાંડ સાડા છએ ઉઠીને અડધું પડધુ નાહીને હું દોડતો. નીચે મમ્મી scooter શરુ કરીને ઉભી હોય. કાંદીવલીથી મલાડ સુધીની 15-20 મિનીટની સફરમાં હજી એક નાનકડું ઝોકું ખાઈ લેવાનો અવકાશ રહે. પણ હાઇવે પરની ઠંડી હવા શરીર સોંસરવી નીકળી જતી હોય ત્યાં ઊંઘ કેમ કરતા આવે?

સ્કુલે પહોચતા જે ભેગું સ્કુટર ધીમું પડે એટલે હું ઉભો થઇ જાઉં અને સ્કુટર પગની વચ્ચેથી આગળ સરકી જાય. (તે વખતે મારી હાઇટ ખાસ્સી એવી વધી ગઈ હતી).  ચોથે માળેથી ઘંટનો ઘેરો અવાજ અને ત્યાર બાદ loudspeaker પરથી પ્રાર્થના ગાતી છોકરીઓનો તીણો અવાજ સંભળાય. હું ચિત્તા જેવી દોટ મુકીને મારા બીજા માળના ક્લાસમાં ટીચર આવે એની 10 સેકંડ પહેલા પહોચી જઉં. ક્યારેક ક્લાસ ટીચર થોડા વહેલા હોય તો આંખોથી ઠપકો પણ પડે.

આ મારો રોજનો ક્રમ.

આવા જ એક દિવસે વહેલી સવારે ઊંઘરેટી આંખો લઈને હું સ્કુટર પર પાછળ બેસીને સ્કુલે જવા નીકળ્યો. બુધવાર હોવો જોઈએ. કારણકે દરેક મહત્વની ઘટના અઠવાડિયાની મધ્યમાં જ થઇ જતી હોય છે. અમારું સ્કુટર – મમ્મી, હું અને મારું દફતર – એમ અઢી જણનો ભાર વેંઢારતું હજી ઘરથી જરાક જ આગળ નીકળ્યું હતું. અમે એક સુંદર દેખાતી છોકરીની બાજુમાંથી પસાર થયા. તેને જોઇને મારી બધી ઊંઘ ઉડી ગઈ. તરત મેં મગજનું pause બટન દબાવ્યું અને એ દ્રશ્યને rewind કરીને પાછુ slow motion માં play કર્યું.

Average થી થોડી વધારે હાઇટ, તેજસ્વી ગોરો ચહેરો, સહેજ માંજરી આંખો, સુઘડ રીતે બાંધેલા કાળા વાંકડિયા વાળ અને એકવડિયો હોવા છતાં ભવિષ્યના એક ઘાટીલા યૌવનની ચાડી ફૂકતો બાંધો ધરાવતી એ છોકરી …

બીજી વાર આખું દ્રશ્ય play કરતા મને દેખાયું કે તે પણ પોતાની મમ્મી જોડે સ્કુલે જઈ રહી હતી. અલબત્ત ચાલતા ચાલતા. આટલી ઠંડીમાં પણ તેણીએ  sweater નહોતું પહેર્યું જેને કારણે હું તેનો uniform જોઈ શક્યો. ફ્રોક નો રંગ અમારી સ્કુલ જેવો જ હતો પણ shirt અલગ શેડનું હતું.

યુનિફોર્મનો રંગ અને મમ્મી સ્કુલે મુકવા આવે એ બે વસ્તુઓ અમારી વચ્ચે common હતી. અને આ બે વસ્તુઓ એક આઠમાં ધોરણમાં ભણતા તરુણના દિવાસ્વપ્નોમાં રંગ પુરવા માટે પુરતી હતી. ત્યાર બાદ બાકીનો રસ્તો જાણે ઇન્દ્રધનુષ થઇ ગયો. જેનો એક છેડો તેના પગ નીચે જ્યારે બીજો સ્કુલના ગેટ પર. અમારું સ્કુટર આ સતરંગી પુલ પર દોડતો અશ્વ.

બીજા દિવસથી હું સમયસર ઉઠીને તૈયાર થવા લાગ્યો. રખે એને જોવાનો એક પણ મોકો ચુકી જવાય. મેં મનોમન તેનું નામ પણ વિચારી લીધું – મુગ્ધા.

મુગ્ધા ક્યારેક મમ્મી સાથે તો ક્યારેક ફ્રેન્ડસ જોડે હોય. મમ્મી સાથે હોય ત્યારે તે ચુપચાપ ચાલી જાય. તેનો ચહેરો ખુબ ભોળો અને માસુમ લાગે. ધ્યાનથી જુઓ તો એક બે વિષાદની રેખાઓ પણ દેખાઈ જાય. ફ્રેન્ડસ જોડે હોય ત્યારે તે ખીલખીલાટ હસતી હસતી નીકળે. તેનું સ્મિત લુચ્ચું અને ચાલ મોજીલી હોય.

હું તેને રોજ જોવું. તે પણ મને ક્યારેક ક્યારેક જોવે. તેના હોઠ પર આછું સ્મિત પણ ફરકી આવે (કે પછી મને એવો ભ્રમ થાય?). એ જુજ પળોને લીધે મારી સવાર સુધરી જાય. બાકીનો રસ્તો અચૂક એના વિચારોમાં નીકળે. સ્કુલે પહોચ્યા બાદ અને બાકીનો આખો દિવસ એ ભુલાઈ જાય. ફરી બીજા દિવસે સવારે એના દર્શન થાય અને થોડી પળો પુરતી દિલ પર એક ખુમારી સવાર થઇ જાય. જો ક્યારેક એ ના મળે તો મન બેચેન બેચેન થઇ જાય. એ બેચેની પણ સ્કુલના રસ્તા સુધી સીમિત. કારણ ફરી બીજા દિવસે તો તે હોય જ.

આવું લગભગ એક-દોઢ મહિનો ચાલ્યું. પછી તે દેખાતી બંધ થઇ ગઈ. હંમેશ માટે. તેણે સ્કુલ જવાનો રસ્તો બદલ્યો કે સ્કુલ બદલી કે શહેર બદલ્યું કે ખોળીયું બદલ્યું એ વિષે મેં થોડા દિવસો સુધી વિચારો કર્યા. ત્યાર બાદ મુગ્ધા મારા મગજની કોઈ અંધારી, ઊંડી ગર્તામાં કાયમ માટે ગરકાવ થઇ ગઈ.

ત્યારે તો સમજણ નહોતી કે આ ઉભરા, આ ઉમળકાને શું કહેવાય. આજે જ્યારે સાડા બાર વર્ષે પુનઃ વિચારું છું કે એ શું હતું ત્યારે પણ ખાતરી પૂર્વક નથી કહી શકાતું કે એ માત્ર આકર્ષણ હતું કે પછી પ્રેમ? હા, કદાચ પ્રેમ જ. એવો પ્રેમ કે જે ફક્ત એક આઠમાં ધોરણનો તરુણ જ કરી શકે. જેને નવોસવો મુછનો દોરો ફૂટ્યો હોય અને આત્મવિશ્વાસ રૂપી પાંખો ફૂટી હોય.

આજની ભાષામાં જેને crush કહેવાય એ. પણ ના. Crush એ છીછરો શબ્દ છે. કંઇક ખૂટે છે એમાં. મુગ્ધતા (wonder) ખૂટે છે. કદાચ એટલે જ અજાણપણે મેં તેનું નામ મુગ્ધા પાડ્યું હશે.

ત્યાર બાદ જેટલી પણ લલનાઓને જોઇને દિલમાં guitar વાગી છે એ બધી જ crush હતી. કારણકે દરેક વખતે મુગ્ધતાની સામગ્રી ખૂટતી હતી.