નોંધ: ૨૦૧૭માં ખેડેલા પ્રવાસનું સરવૈયું હેઠળ લખાયેલ અન્ય લેખ અહી વાંચી શકાશે.

મુંબઈના એક અતિપ્રખ્યાત, સભા ગજવતા કવિએ મારા (અને તેમના પણ) મિત્ર સુનીલ મેવાડાને એક વખત કહેલું કે, તમારી પેઢીના છોકરા – છોકરીઓમાં કોઈ વસ્તુ માટેની ‘ઇન્ટેન્સીટી’ જ નથી, પછી એ કેરિયર હોય કે કળા. અરે તમે તો પ્રેમ પણ પુરતી ઇન્ટેન્સીટીથી નથી કરતા. મને આમ તો “તમારી પેઢી તો સાવ આવી…” કે “અમારા વખતમાં તો …” આ પ્રકારના વાક્યોની ભયંકર સૂગ છે. પરંતુ આ કવિની વાત સાથે હું આંશિકપણે સહમત થઇ ગયો હોત જો પીંડવળ જઈને મિહિર પાઠકને મળવાનું ન થાત …

મુંબઈથી બસ્સો કિલોમીટર છેટે આવેલ ધરમપુર તાલુકાનું સાવ નાનું ગામ એટલે પીંડવળ

ધરમપુર એ વલસાડનો એવો તાલુકો કે જ્યાં સેવાભાવી સંસ્થાઓનો રાફડો ફાટી નીકળ્યો છે. ગાંધીજી – વિનોબાના સામાજિક આદર્શો સાથે ધરમપુરના અતિપછાત આદિવાસીઓ માટે કામ કરવા વિનોબાના સમયમાં જ કેટલીક સંસ્થાઓ શરુ થયેલી જેમની સંખ્યા વખત જતા વધતી જ ચાલી. આજે ત્યાં ખરા અર્થમાં પછાત આદિવાસીઓ કરતાં સંસ્થાઓ વધારે હોય એ શક્ય છે અને છતાંય ખરા અર્થમાં આદિવાસીઓનો બે પેઢી પસાર થયા બાદ પણ ઉદ્ધાર થયો છે કે કેમ એ પ્રશ્ન છે. આમાંની અમુક સંસ્થાઓનું સાચું કામ આદિવાસીઓનો નહિ પણ શહેરોમાં બેઠેલા તેમના અમીર ટ્રસ્ટીઓનો ઉદ્ધાર કરવાનું છે.

ખેર, છાપાળવી ભાષા અને બાબતોમાં ન પડતાં, ધરમપુર એ મોસમના પહેલા વરસાદ બાદ રમ્ય થઇ જતો વલસાડનો એવો તાલુકો જ્યાં મકરંદ દવે – કુન્દનિકા કાપડિયાનું નંદીગ્રામ આવેલ છે, જ્યાં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે પ્રખ્યાત વિલ્સન હિલ જ્યાં છે અને જ્યાં અમુક સંસ્થાઓ આદિવાસી કલ્યાણ માટે નિષ્ઠાવાન કાર્યકરો સાથે મળીને ખુબ સારું કામ કરી રહી છે.

વરસાદી ધરમપુર

આવી જ એક સંસ્થા એટલે પીંડવળ ખાતેની સર્વોદય વિદ્યાલય. વિનોબાના વિચારોથી પ્રેરિત મુંબઈના ચાર ભાઈ બહેનોએ વર્ષો પહેલા જામેલી કારકિર્દી અને સહેલાઈ જામી શકનાર કુટુંબનું સ્વપ્ન ત્યજીને સાવ અંતરિયાળ વિસ્તારમાં લોકોની તબીબી સારવાર કરવી શરુ કરી હતી. તેઓ અહી જ રહેતા એટલે સારવારની સાથોસાથ સમાજ ઘડતરના અન્ય કાર્યો પણ શરુ કરેલા. વખત જતાં તેમના કાર્યને ચોક્કસ માર્ગ અને સ્વરૂપ આપવા સંસ્થાની સ્થાપના કરી અને તેના ભાગરૂપે શાળા પણ શરુ થઇ. આજે તેમાંના કોઈ હયાત નથી અને સંસ્થામાં પ્રમુખરૂપે શાળા કાર્યરત છે તેમજ વનસંરક્ષણ તેમજ પાણી બચાવવાનું કામ તેઓ કરી રહ્યા છે. તેમની બીજી – ત્રીજી પેઢી સંસ્થાનું ટ્રસ્ટ સંભાળે છે પરંતુ તેઓ તેમના વડવાઓની જેમ અહી રહેતા નથી. ઉપરાંત તેમની સામેની સમસ્યાઓ પણ આજના સમાજ મુજબની છે.

ખેર, મહીતીકોશ ભાષા અને બાબતોમાં પણ ન પડતાં, પીંડવળ ખાતેની સર્વોદય વિદ્યાલય એટલે એવી સંસ્થા કે જ્યાં બેસીને ધ્રુવ ભટ્ટે ‘તત્વમસી’ લખેલી (ના, રેવાની સફળતાને વટાવી ખાવા આ વાક્ય નથી લખાયું). ધ્રુવ દાદાએ જ મને આ સંસ્થા અને ત્યાં કામ કરતા એક મળવા જેવા છોકરા મિહિર પાઠક વિષે વાત કરેલી. ત્યારબાદ મેં મિહિરનો ફેસબુક અને ફોન પર સંપર્ક કરેલો અને એક વખત તેની શાળા જોવા જવું એવું ઘણા સમયથી મનમાં હતું. ભેગાભેગું ધરમપુર ફરી લેવાશે એવી લાલચ પણ ખરી. તો બસ, સપ્ટેમ્બરમાં મિત્રો જીનેશ, દિશા અને ભાવેશ મહેતાને લઈને આપણે તો નીકળી પડ્યા…

કેળવણીને પોતાના ખાસ ચશ્માથી જોઈ શકનાર છોકરો મિહિર. અત્રે નોંધનીય કે તેણે તસ્વીરમાં પણ ચશ્મા પહેરેલ છે

મિહિર મૂળે વડોદરાનો. ઈન્જીનીયરીંગનું એક વરસ કરીને તેને એ સમજ આવી ગયેલી કે આ ડીગ્રી પૂરી કરીને મને જે મળવાનું છે એના કરતા ક્યાંય વધારે ગુમાવવાનું છે. ટેકનોલોજી, શિક્ષણ, માનસશાસ્ત્ર તેના પ્રિય વિષયો છે. અને ત્રણેયમાં સ્વતંત્રરૂપે તેમજ તેમના મિલાપવાળા ક્ષેત્રોમાં તે દસમાં ધોરણથી જ કામ કરતો આવ્યો છે. કામ અને મિત્રતા બંને માટે તે અઢળક લોકોને મળતો રહે છે, તેમની પાસેથી શીખતો રહે છે. સાવ નાની ઉમરમાં તે જે ઉંચાઈના લોકોને મળ્યો છે એ તેની સરળતા અને નિખાલસ હાસ્ય પરથી ક્યારેય ન કળી શકાય. કેળવણીને લગતી અનેક કાર્યશાળાઓ અને પ્રયોગોમાં ભાગ લઈને તે શીખતો રહે છે. અને તેનું અમલીકરણ તેની શાળાના વિદ્યાર્થીઓ પર કરે છે. અગાઉ તે ગોરજ ખાતેની મુનિ સેવાશ્રમ તેમજ અન્ય કેટલીક સંસ્થાઓમાં રહીને કામ કરી ચુક્યો છે પરંતુ પીંડવળ આવવા બાબત તેણે ઘરેથી ઝઘડીને આવવું પડેલ. છએક મહિના સુધી પપ્પા વાત નહોતા કરતા. જો કે, પછીથી તેઓ માની ગયા અને હવે તેમને સારું બને છે.

ખેર, જીવનચરિત્રની ભાષા અને બાબતોમાં ન પડતાં, વિનોબા – ગાંધીજીના વિચારો પચાવીને તેને આજના સંદર્ભે અમલમાં કઈ રીતે મૂકવા એના પ્રયોગો મિહિર પીંડવળમાં કરી ચુક્યો છે. ઉપરાંત તેમાં સ્ટાઈનર કે સ્વરાજ યુનીવર્સીટી વાળા મનીશ જૈન કે શીપ ઓફ થીસીયસ વાળા આનંદ ગાંધી કે બીજા કોઈની પદ્ધતિઓ ઉમેરીને શિક્ષણ પ્રથાને અને માનવબાળની શીખવાની મૂળભૂત રીતને ‘હેક’ કઈ રીતે કરવી – મિહિરનું મગજ ચોવીસે કલાક એમાં જ રોકાયેલું હોય છે. અને હા, દુનિયાના કોઈપણ વિષય પર તમે તેની સાથે વાત કરી શકો. તેને મળવા તેમજ શાળા જોવા શૈક્ષણિક ક્ષેત્રે નિસ્બત ધરાવતા લોકો તો દેશ વિદેશથી આવ્યા જ છે પણ સાહિત્યિક નિસ્બત ધરાવતા લોકો જેમ કે અંકિત દેસાઈ, દીપક સોલિયા, અભિષેક અગ્રાવત વગેરે પણ અહી આવતા રહે છે.

શાળાની દિનચર્યા સમજાવી રહેલ મિહિર

નવા અને જુના માળખાંઓ વચ્ચે આવતીકાલનો નાગરિક

ઝાઝું ફૂલાવાની જરૂર નથી; સેવા એ પણ સ્વાર્થ જ છે

પ્રયોગશાળા / ઓડિયો વિઝ્યુઅલ રૂમ / પુસ્તકાલય / ટોય લાઈબ્રેરી / એક્ટીવીટી રૂમ – બધું જ એકમાં. ખુરશી ટેબલ બાળકોએ જ લેવાના અને કામ પતે એટલે પાછા ગોઠવી દેવાના

કન્યા છાત્રાવાસ.

છોકરાઓને અલાયદો આવાસ નથી ફાળવવામાં આવ્યો. દિવસે જે જગ્યા ક્લાસ અને મેસ તરીકે વપરાય છે ત્યાં જ તેઓ રાતે સુવે છે.

ભોળિયો

ભોળકી

ભોલેનાથ

મિહિર જેવા જ બીજા નિષ્ઠાવાન શિક્ષિકા મીતાલીબેન

વારલી ચિત્રો તરીકે પ્રખ્યાત આ કળા વારલી નામની આદિવાસી જાતિ પરથી આવી છે. બીજી જાતિ કુકણા છે જેમની મરાઠી મિશ્ર ગુજરાતીમાં ધ્રુવ ભટ્ટે કેટલાક ગીતો પણ લખ્યા છે

આ બારી છે. ઓટોમેટીક લીફ્ટનો આપમેળે ખોલબંધ થતો દરવાજો નહિ. એ સુવિધા હજુ સર્વોદય વિદ્યાલયમાં નથી. આપ ચાહો તો અનુદાન આપી શકો છો.

કંઇક બનાવવા માટે રિસ્ક તો લેવો પડે …

મારી પેઢીનો ‘ઇન્ટેન્સીટી’ ધરાવતો માણસ અને કવિની પેઢીનો ઇન્ટેન્સીટી ધરાવતો માણસ ઊંડી ચર્ચામાં … (અત્રે નોંધનીય કે ભાવેશ મહેતા ‘મુંબઈ ગુજરાતી’ સંગઠન હેઠળ મુંબઈની ગુજરાતી શાળાઓને બંધ થતી અટકાવવા અને ફરીથી સદ્ધર બનાવવા સામા પ્રવાહે અથાકપણે કામ કરી રહ્યા છે).

હા તો કવિરાજ, મારી પેઢીમાં પણ ‘ઇન્ટેન્સીટી’ ધરાવતા લોકો છે. ઓકે? અને જો નથી કે અપૂરતા છે તો એમાં વાંક કોનો? (હિન્ટ : આઠથી ત્રણની ઈંટરનેશનલ સ્કુલ પતે કે તરત ટ્યુશનમાં અને ત્યારબાદ તરત હોબી કલાસીસમાં મોકલતા અને પછી રીલેક્સ કરવા મોબાઈલ પર ગેમ રમવાની કે ફેસબુક વાપરવાની સલાહ આપતા મા-બાપનો, પાઠ્યપુસ્તકોમાંથી રસ લઈને પોતાનો ટોચ સુધીનો રસ્તો બનાવતા સત્તાધીશોનો અને ‘જિસ કવિ કી કલ્પના મેં ઝીંદગી હો પ્રેમગીત’ તેનો)