નોર્થ પોલ – જીતેશ દોંગા (ઈ-બુક)

નોંધ: તાજેતરમાં એક યુવા ગુજરાતી લેખક જીતેશ દોંગાએ એની નવલકથા મફતમાં ઈ-બુક તરીકે આપી દીધી કે જેથી તેનો વાચક વર્ગ વધે. મારી તેની સાથે છેલ્લે વાત થઇ ત્યારે એક અઠવાડિયાની અંદર અંદર પાંચ હજાર ડાઉનલોડ થઇ હતી અને એ ઉપરાંત પણ અનેક લોકો વ્હોટ્સએપ પર શેર કરી રહ્યા હતા. આ પગલું સારું-ખરાબ, સાચું-ખોટું કે કેવું છે એ તો સમય જ કહેશે પણ એ નોંધનીય ચોક્કસ છે અને એટલે જ મેં આ લખ્યું છે. તમે ચાહો તો એની ઈ-બુક એની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરીને વાંચી શકો છો (એટ યોર ઓવ્ન રિસ્ક!)

યુવાનીમાં માણસની સાહસવૃત્તિ ઉછાળા મારતી હોય છે અને ક્યારેક તે સાહસ કરવા જતાં દુ:સાહસ કરી બેસે છે. બસ મારી સાથે પણ એવું જ કંઇક થયું કે જ્યારે મેં વાંચી યુવા લેખક જીતેશ દોંગાની ઈ-બુક ‘નોર્થ પોલ’. કબુલ કે મારો જ લોભ મને આ કળણમાં તાણી લાવ્યો; મને ચટપટી ઉપડી કે સાંપ્રત સમયમાં અને એમાંય યુવાનો શું લખી રહ્યા છે એ જાણકારી રાખવી જોઈએ. છતાંય ફસાયા પછી માણસ નીકળવાના વલખા તો મારે જ. આ લખાણ એ વલખાનો જ ભાગ છે એમ સમજવું. મેં ટાગોરના પુસ્તક વિશેની મારી નોંધમાં લખ્યું હતું કે સારું સાહિત્ય તમારા મો માં આંગળા નાખીને તમારી પાસેથી પ્રતિભાવ કઢાવી જાય. હવે, એ બદલીને એમાં ઉમેરો કરવો પડશે કે અમુક સાહિત્ય એટલું નબળું હોય કે એ પણ તમને પરાણે પ્રતિભાવ આપવા મજબુર કરે છે.

જીતેશ દોંગા કેટલાક વખત પહેલા બે મિત્રો (જ્યોતિ અને વૈભવ)ની વાતોમાં આ નામનો ઉલ્લેખ સાંભળ્યો હતો અને પછી ફેસબુક પર તેની એકાદ પોસ્ટ જોઈ હશે. તાજેતરમાં જીતેશે તેની બીજી નવલકથા ‘નોર્થ પોલ’ મફતમાં ઈ-બુક તરીકે આપી દેવાની ફેસબુક પર જાહેરાત કરી. એનો સુર એવો કે મારું પુસ્તક લાખો લોકો વાંચે એ માટે પ્રકાશકો પર નિર્ભર રહે નહિ પાલવે. મફતમાં ઈ-બુક તરીકે આપ્યું તો કદાચ એ શક્ય બને. અને જો કોઈને એ ગમ્યું તો એ વ્યક્તિ યથાશક્તિ પૈસા આપી શકે. આ વિચાર સાથે તેણે જય વસાવડા પાસે ડીજીટલ વિમોચન પણ કરાવ્યું. જો કે માત્ર તમે મફતમાં આપી દો એટલે લોકો વાંચશે જ અને રાતોરાત ગુજરાતી સાહિત્યના વાચકો વધી જશે એ વાત એટલી જ અશક્ય લાગે છે જેટલી સારા વડાપ્રધાનથી દેશની કાયાપલટ થઇ જવી. ખેર, એ મુદ્દો અહી અપ્રસ્તુત છે. વાત કરવી છે જીતેશના પુસ્તક વિષે, એની વાર્તા વિષે, ગુણવત્તા વિષે અને સાહિત્યિક મુલ્ય વિષે.

ગઢમાં એટલા બધા છીંડા છે કે શરૂઆત ક્યાંથી કરવી એ જ નથી સમજાતું. સૌથી પહેલું તો એ કે ચેતન ભગત પ્રકારની હળવી (કે હલકી?) ભાષામાં આખી વાર્તા લખાયેલી છે. લેખક પોતે પણ આ કબુલે છે. હું પોતે એવી ભાષા વાપરતો અને સાંભળતો હોવા છતાં એ અનેક જગ્યાએ ખુંચે છે. અપશબ્દોનો ભરપુર ઉપયોગ થયો છે અને હિન્દી, અંગ્રેજી પણ છૂટથી આવે છે. અપશબ્દો કરતા પણ અમુક બિનજરૂરી હિન્દી શબ્દો ‘દિમાગ’માં ‘ચુભે’ છે. ‘કહાની’માં પાત્ર તો ‘મુસ્કુરાય’ છે પણ વાચક ‘ખુદ’ના વાળ ખેંચે છે. બિનજરૂરી પરથી યાદ આવ્યું કે વાર્તામાં કેટલા બધા બિનજરૂરી વર્ણનો, દ્રશ્યો, ઘટનાઓ અને માહિતીનો ખડકલો છે! ઈન્જીનીયરીંગના વિવધ વિષયોના પુસ્તકોના લેખકોના નામથી લઈને કેન્સરની દવાના ઇન્જેક્શનના કેમિકલ નામ સુધીની ઝીણી ઝીણી ડીટેઈલ્સ છે જેની વાર્તાના સંદર્ભે કોઈ જરૂર નથી. જોવાની વાત એ છે કે એમાંની બધી માહિતી સાચી પણ નથી. એવી જ રીતે કેટલા બધા એવા દ્રશ્યો છે જેમના હોવા કે ન હોવાથી વાર્તામાં કોઈ જ ફરક ન પડત. કેટલીક જગ્યાએ તર્કદોષ અને જોડણીદોષ પણ દેખાઈ આવે છે. પણ તે બાકીના મુદ્દાઓ સામે બહુ જ ગૌણ બની જાય છે.

ચેતન ભગત પાસેથી દોંગાએ માત્ર ઉછાંછળી ભાષાને મામલે જ પ્રેરણા નથી લીધી પણ સ્થૂળ ઘટનાઓ અને ઉપરછલ્લા પાત્રાલેખન માટે પણ લીધી છે. (દેખીતી રીતે) આધુનિક વિચારશૈલી ધરાવતા આજના યુવક યુવતીની આ વાર્તા છે, લેખક પોતે પણ આધુનિક હોય એવું લાગે છે તો પછી કેમ આટલા બધા ક્લીશે / cliche આવે છે? અને કેટલી બધી જગ્યાએ (ખાસ તો પૂર્વાર્ધમાં) સ્ત્રીદ્વેષ / misogyny થી ભરેલું લખાણ દેખાઈ આવે છે. તો પછી કઈ રીતે આ વાર્તા આધુનિક થઇ. આના કરતા મોડર્ન તો આજથી સો વરસ પહેલા લખાયેલું ટાગોરનું સાહિત્ય છે. જો કે લેખકે પોતે ક્યાંય એવો દાવો નથી કર્યો કે મારી વાર્તા અને પાત્રો આધુનિક છે. પણ યુવાનોની વાત હોઈ એ મોડર્ન હોવાનું મારું ધારવું વધુ પડતું નથી.

બીજી એક ત્રાસદાયક બાબત છે પુનરોક્તિ અને પુનર્કથન. એક જ વાત પહેલા (નાયક) ગોપાલના મનમાં ચાલે, પછી એ વિજયને કહે, પછી દારૂ પી ને આખી હોસ્ટેલ સામે કહે, પછી રસ્તે ચાલતા કોઈ માણસને કહે, પછી ઓફીસ કલીગને કહે, પછી મા-બાપને, બસમાં મળેલા અજાણ્યા બેનને, ગીરના સાધુબાવાને, મુંબઈના લોકોને, મીરાને, બિલાડીને વગેરે વગેરે બધાને આ વાત કહે છે … અને દરેક વખતે વાચકને એ સાંભળવી પડે. ‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’ કે પછી અન્ય કોઈ સીરીયલમાં જેમ એક માણસ ડાયલોગ બોલે પછી દરેક પાત્રના ચહેરા પર એક પછી એક કેમેરા ફરે અને દરેક પાત્ર એક પછી એક ‘ક્યા! ક્યા! ક્યા!’ નું એક્સપ્રેશન આપે એવું. જો એ ટાળ્યું હોત તો સાત આઠ પ્રકરણ ઘટી જાત. પુનરોક્તિને લીધે વાર્તા પોતાની ગતિ ગુમાવી દે છે — જે આવા પ્રકારની વાર્તાઓનું એકમાત્ર સબળું પાસું હોતું હોય છે. ફટાફટ ફટાફટ ઘટનાઓ બને તો કમસે કામ વાચકને મનોરંજન મળે. અહી, એ પણ નથી થતું. ચુસ્ત એડીટીંગથી આ બાબત નિવારી શકી હોત.

થોડા ઊંડા ઉતરીએ તો, એકેય પાત્રનો પોતાનો અવાજ નથી, પોતાનો ચોક્કસ આકાર અને શેડ નથી. દરેક જણ લેખકનો જ પડઘો પાડતું હોય એમ વાત કરે છે. ઘણી વાર્તાઓમાં (નામાંકિત લેખકોની પણ) એવું જોવા મળતું હોય છે કે તેમના એકાદ પાત્રમાં લેખક પોતે ઘણી હદે ડોકાઈ જાય. પણ બધેબધા જ પાત્રો લેખકના સ્વભાવ, તેની વિચારધારાનું વિસ્તરણ હોય એ વાર્તાકળાની દ્રષ્ટિએ ગુનો છે.

મુખ્ય પાત્રનો મનોવ્યાપાર બહુ જ સ્થૂળ રીતે વર્ણવ્યો છે. જે વાત વ્યંજનામાં થવી જોઈએ એ પણ અહી અતિ બોલકા ડાયલોગ્સમાં ચાલે છે.

લેખકને આ વાર્તા થાકી કેટલીક ફિલોસોફીકલ વાતો કહેવી છે. પહેલી વાત તો એ કે વાર્તા એ માટેનું યોગ્ય માધ્યમ નથી. વાર્તાનો એ હેતુ હોવો જ ન જોઈએ. તેમ છતાં લેખકે તેના પાત્રોના મોઢે આવી વાતો મૂકી છે. આવું એકાદ બે જગ્યાએ હો તો ઠીક, પણ આખા પુસ્તકમાં કેટલી બધી જગ્યાએ પાત્રો ફીલીસોફી બોલી દે છે. એની જગ્યાએ એ જ વસ્તુ દર્શાવવાની જરૂર હતી. ફિલ્મોની જેમ વાર્તા પણ કહેવાની નહિ દાખવવાની કળા છે.

વાર્તા, ફિલોસોફી, ઘટનાઓ આ બધામાં કેટલું બધું ઉછીનું હોય એવું લાગે છે. ઈમ્તીયાઝ અલીથી લઈને ધ્રુવ ભટ્ટ સુધીના શેડ્સ જોઈ શકાય છે. જો કે લેખકે પુસ્તકને અંતે ઋણસ્વીકારમાં નોંધ કરી છે કે તે આ લખવા પહેલા શેના શેનાથી પ્રભાવિત થયો છે અને કઈ વસ્તુ સીધેસીધી લઇ લીધી છે. એક વાત આમાં ઉમેરાઈ નથી એ હેમીન્ગવેની “Baby shoes for sale. Never worn.” વાળી પ્રખ્યાત લઘુકથા વિષે. એ નોંધ કરવી રહી.

આટલી બધી નબળાઈઓ છતાં બે ત્રણ એવી વાતો પણ ખરી કે જેને માટે જીતેશને ક્રેડીટ આપવી ઘટે. હોસ્ટેલ લાઈફના અમુક સચોટ નિરીક્ષણ લીધા છે. અમદાવાદ – બરોડા – રાજકોટ – વિદ્યાનગરમાં કેટકેટલા યુવાનો આ રીતે ગામમાંથી આવીને ભણવા સારું હોસ્ટેલમાં રહે છે. એમનું એક અલગ જ પેટા-કલ્ચર ગુજરાતની અંદર પેદા થઇ રહ્યું છે. કેટલી બધી વાર્તાઓ ત્યાં ખદબદે છે. કોઈ કુશળ વાર્તાકાર જો ત્યાં જાળ નાખે તો ખુબ બધી વાર્તાઓ એમાં સપડાઈ જાય એમ છે. એ વિષે કોઈએ વાત કરી છે એ સરાહનીય છે. અમુક અમુક જગ્યાએ કલાત્મકતાના ચમકારા દેખાઈ જાય છે (એટલે આખા પુસ્તકમાં ચાર-પાંચ વખત). આજની પેઢી કે જેને જનરેશન Y કહેવાય છે (પચ્ચીસથી ત્રીસ વર્ષ – નોકરી કરતો વર્ગ) અને એની પછીની પેઢી જેને મીલેનીયલ્સ કહે છે (પંદરથી વીસ વર્ષ – કોલેજના વિદ્યાર્થીઓ) તેમની કેટલી બધી એષણાઓ, ફેન્ટેસી, આદતો એકસરખું હોય છે. એ વિષે હમણાં હમણાં અંગ્રેજીમાં ઘણું લખાતું થયું છે. દોંગા આ બાબતને ગુજરાતીમાં લઇ આવ્યો છે અને એટલે ઘણા બધા કોલેજીયન આ વાર્તા સાથે કનેક્ટ થઇ શકે છે.

જીતેશ દોંગાના બચાવમાં એટલું કહેવું પડે કે, આપણા દેશમાં અને ખાસ તો આપણી ભાષામાં કોઈ લેખન શાળા કે યુનીવર્સીટી નથી. જીતેશ જાતે જ વાંચી વાંચીને શીખેલો છે. ભલે તે કદાચ નબળો વિદ્યાર્થી હશે પણ તે મહેનતુ છે અને સાહસી પણ. કદાચ મારી જેવો દુ:સાહસી પણ. બે વર્ષની અથાક મહેનત પછી આ રીતે પુસ્તક મફતમાં મૂકી દેવું એ હિંમતનું કામ છે જે એણે કર્યું છે. એ માટે પુરા માર્ક્સ. જીતેશ અને મોદી વચ્ચે કેટલીક સામ્યતાઓ છે. બંને બોલ્ડ છે. બંને પ્રેમી છે – એક દેશપ્રેમી બીજો સાહિત્યપ્રેમી. બંનેના ઈરાદા નેક છે (કદાચ) પણ સાધનશુદ્ધિમાં નથી માનતા.

જો કે હિંમત એ એકલો ગુણ તો ભોળા કે મૂરખા લોકોમાં પણ હોય છે. જીતેશ પણ કદાચ હજુ નાદાન અને અબુધ ગણી શકાય એવો, યંગ ફૂલ, બળવાખોર હોય એવું એની ફેસબુક પોસ્ટ્સ અને જે થોડી ઘણી ચેટ કરી એના પરથી જણાય છે. અને એટલે એની પ્રત્યે થોડી સહાનુભુતિ થાય છે. (જીતેશના) સદભાગ્યે જેટલું ધાર્યું હતું એટલું બધું તીખું આ નથી લખાયું. શું હું કોઈને આ પુસ્તક વાંચવા કહીશ? હા. શું હું જીતેશ વિષે લોકોને કહીશ? હા. શું હું જીતેશ વિષે વધુ જાણવાનો પ્રયાસ કરીશ અને તેના આગામી લખાણોની રાહ જોઇશ? હા. પણ શું મને આ પુસ્તક ગમ્યું? ના.

અંતે, એક ટ્રીવિયા નોર્થ પોલમાં બીજા નંબરે સૌથી વધુ વપરાયેલો શબ્દ છે ‘છે’. પ્રશ્ન — તો પહેલા નંબરે કયો અને તે કેટલી વાર વપરાયો?

આંસુ. (છવ્વીસ હજાર ચારસો ને બાવન વખત).

8 Comments

 1. Sachot vivechan. Jitesh donga mass mate lakhe che ane mass mate vishay par vadhu dhyan apine samany vachakne prabhavit kari jay evi shaili pakdo etle lekhak mate bhayo bhayo. Aapni daridrata e che k mass ne sahityathi kai j leva deva nathi hota. Class vaalo varg bahu j ocho. Shuddh sahityano haajmo badhano nathi hoto. Pan eva vakhate aa banne no farak janava aava vivechano bahu upayogi sabit thay.

 2. મને એ જ સમજાતું નથી આવું શાને થાય છે? (કર્ટસી કરસનદાસસાહેબ.)

  આવું પુસ્તક, કરનારા કરે, એમાં વાંચનારા શું કામ મરે?
  એકઃ આ પુસ્તક ડાઉનલોડ કરવાની,
  બેઃ ડાઉનલોડ કરી નાખ્યું તો વાંચવાની,
  ત્રણ, વાંચ્યું તો એના પર આટલો સમય બગાડી લખવાની
  અને ચાર, આપણી ભાષામાં આવુંબધું ચાલી રહ્યું છે એ દુઃખી બાબતે બીજાના જીવ બાળવાની શી જરૂર?
  God Bless You…

 3. આવા રીવ્યુ લખવા સારી જ વાત છે. સમાન પસંદગી અથવા ગુણવત્તા માટે સમાન આગ્રહ રાખનારા આવા રીવ્યુ વાંચી પોતાનો સમય બચાવી અથવા તો વાપરી શકે છે. થેન્ક્સ તુમુલ, આ રીવ્યુ બદલ.
  બીજો આભાર, આટલો સ્પષ્ટ અને વિગતે રીવ્યુ આપવા માટે. અને સાથેજ લેખક અને પુસ્તક બંનેને અલગ પરિમાણ થી મુલાવવું… એ પણ અગત્યનું જ!

  • આભાર નેહા. કર્તા અને કર્મને અલગ જોવાં એ સાહિત્યેતર સ્થાનોએ પણ ફાયદાકારક નીવડી શકે છે.

 4. rtvapi@yahoo.com'
  રાકેશ ઠક્કર, વાપી

  December 10 at 11:35 am

  એકદમ સચોટ રીવ્યુ છે. મને તો પહેલુ જ પ્રકરણ એટલું અશ્લીલ શબ્દોથી ભરપૂર દેખાયું કે સાહિત્ય રસિક તરીકે આગળ વાંચવાની હિંમત કરી શક્યો ન હતો. તેમાંના બિભત્સ શબ્દો દૂર કરવા મેં જે તે એપને પણ રજૂઆત કરી હતી. તેમણે એમ કહી દીધું કે અમે વાર્તા માટે પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ બદલાવ ના કરી શકીએ. આપણે યુવાપેઢીને વારસામાં બિભત્સતા આપવી છે કે બીજું કંઇ એ કોણ નક્કી કરશે?

  • અપશબ્દો અંગ્રેજી સાહિત્ય (ચેતન ભગત છાપ નહિ, સર્વાનુમતે માન્યતાપ્રાપ્ત સાહિત્ય)માં આપણા કરતાં ઘણાં વધારે પ્રમાણમાં સ્વીકૃત છે. (તેમની ફિલ્મોમાં પણ આપણી ફિલ્મો કરતાં વધુ અપશબ્દો સ્વીકૃત છે). સાહિત્યમાં કેટલી હદે અપશબ્દો અને અશ્લીલતા સ્વીકારવી યોગ્ય એ વિષે મોકળી ચર્ચા જરૂરી. મને મુખ્ય સમસ્યા એ શબ્દો નથી લાગ્યા પણ લેખમાં જણાવેલ અન્ય મુદ્દાઓ લાગ્યા છે.

Leave a Reply

Your email address will not be published.

*

© 2018 રઝળપાટ

Theme by Anders NorenUp ↑