મેં છેલ્લા દસ વર્ષમાં માત્ર પચાસેક પુસ્તકો વાંચ્યા છે. એટલે કે વર્ષનાં સરેરાશ પાંચ પુસ્તકો. જો આ જ દરે વાંચું તો અને એંશી વર્ષનું જીવન મળે તો પણ બસ્સો અઢીસોથી વધારે પુસ્તકો વાંચવા નહીં પામું. આ વિચારને લઇને નક્કી કર્યું કે હવેથી એવું જ વાંચવું કે જે સમયની કસોટીમાં ખરું ઉતર્યું હોય, જેની શ્રેષ્ઠમાં ગણના થતી હોય, જે અમુક વિશ્વસનીય લોકોએ ખાસ વાંચવા કહ્યુ હોય.

ન હન્યતે એમાંનું જ એક. મૂળ બંગાળીમાં લખાયેલી મૈત્રેયીદેવીની આત્મકથનાત્મક નવલકથા, જેનો ગુજરાતી અનુવાદ નગીનદાસ પારેખે એટલો તો સુંદર કર્યો છે કે જો બંગાળની પાર્શ્વભૂ ન હોય તો એમ જ લાગે કે આ જ મૂળ કૃતિ હશે. આમ તો અનુવાદમાં મને શ્રદ્ધા થોડી ઓછી છે એટલે જ આ પહેલાં મેં કોઈ અનુવાદિત પુસ્તક નથી વાંચ્યું. પણ ન હન્યતે એમાં સુખદ અપવાદ છે. શરૂમાં લાગે છે કે આ એક યુરોપિયન યુવક અને એક બંગાળી તરુણીનાં અપૂર્ણ પ્રેમની કથા છે. અને જો એમ હોત તો આ એક સાધારણ નવલકથા બનીને રહી જાત. પણ એમ નથી. ખરેખર તો આ એક પ્રતિભાવ કથા છે. મૈત્રેયીદેવીનાં જીવનમાં ખરેખર જ એક યુરોપિયન યુવક આવ્યો હતો. તેમના પિતા જેમની તે સમયનાં કલકત્તાનાં વિદ્વાનોમાં ગણના થતી, તેમની પાસે સંસ્કૃત અને ભારતીય દર્શન શીખવા પુર્વ યુરોપના કોઈ દેશનો એક છોકરો નામે મિર્ચા તેમના શિષ્ય તરીકે કેટલાક મહિનાઓ રહ્યો હતો. એક જ ઘરમાં રહેતાં બે લગભગ સમવયસ્ક અને સમાન રસ રુચિ ધરાવતાં બે જીવને એકબીજા પ્રત્યે લાગણી ન બંધાય તો જ નવાઈ. જ્યારે તેમનો પ્રેમ બહાર આવ્યો ત્યારે મૈત્રેયીદેવીના પિતાએ મિર્ચાને તગેડી મુક્યો. તે હિમાલયમાં ખૂબ ભટક્યો અને અંતે સ્વદેશ પાછો ફર્યો ત્યારે ભગ્નહ્રદયને થોડો આરામ આપવા એક ફેન્ટેસી નવલકથા ‘બેન્ગાલ નાઇટ્સ’ લખી જેમાં તેમનાં શારિરીક પ્રેમનું વર્ણન છે. તેણે મૈત્રેયીદેવીનું નામ સુદ્ધાં બદલ્યું નથી. આ પુસ્તક પરથી શબાના આઝમી અને સુપ્રિયા પાઠકને લઇને એક ફિલ્મ પણ બની છે.

આ તરફ મૈત્રેયીદેવીની હાલત પણ સારી નહોતી. વિરહાનલની જ્વાળાઓએ તેમનું જીવન દુષ્કર કરી મુક્યું હતું. ભણવું, લખવું, વાંચવું, ઘરની બહાર નીકળવું, સમાજમાં હળવું આમાંનું કઈ તેમનાથી થતું નહોતું. આશ્વાસન રૂપે મિર્ચાની જેમ તેઓ એકલાં નહોતા. પરિવાર, દોસ્તો અને સૌથી મોટો આધાર રવીન્દ્રનાથ ટાગોર. સમય વીતતો ગયો એમ તેઓ સંસારમાં પડતા ગયા અને મીર્ચાને ભૂલી પણ ગયા. ચાલીસ વર્ષ પછી તેમને મીર્ચાનું પુસ્તક મળે છે અને તેમનાં જીવનમાં ભૂકંપ આવે છે. તેમાં લખેલું અસત્ય ન જીરવાતા તેમણે આ પ્રતિભાવ કથા લખી. વાર્તામાં નાયિકા, મિર્ચા સાથે ગાળેલી એક એક ક્ષણ ચાલીસ વર્ષ બાદ ફરીથી જીવે છે. અને આ જ બાબત છે જે વાર્તાને કાલાતીત બનાવે છે. વાર્તામાં એક વાક્ય છે, “વ્યક્તિગત વસ્તુને નૈર્વ્યક્તિક બનાવી દેવી એ જ સાહિત્યનું કામ છે”. મૈત્રેયીદેવીએ ‘ન હન્યતે’ લખીને આ વાક્યને બખૂબી યથાર્થ કર્યું છે. ‘ન હન્યતે’નો અર્થ થાય એ જેનું હનન થતું નથી. અનેક પરિમાણમાં આ શબ્દો વપરાયા છે —

એક તો પ્રેમ. ચાલીસ વર્ષ સુધી જેને મળ્યા નથી, જેના વિશે કોઈ જાણકારી નથી એના પ્રત્યે અંતરના ઊંડાણમાંનો પ્રેમ હજુ પણ મર્યો નથી. અને એ કોઈ પાર્થિવ વસ્તુ નથી; એ અધ્યાત્મિક અનુભૂતિ કરાવનારો પ્રેમ છે.

બીજું સમય. વાર્તાની નાયિકા અમૃતા એક સાથે બે સમયખંડમાં જીવે છે. તેની માટે ૧૯૩૦ની ઘટના પણ એટલી જ વાસ્તવિક છે જેટલી ૧૯૭૦ની. સમયની અવિરત ચાલતી રેખા પરના બે બિંદુઓ જેમનું સ્થાન અલગ હોવા છતાં મૂળસ્વરૂપ જુદું નથી.

ત્રીજું શબ્દની શક્તિ. માણસની અનુભૂતિ analog/એનેલોગ (અખંડ) છે. એને શબ્દોમાં ઉતારવાની (કે કળાના કોઈ પણ માધ્યમ દ્વારા પ્રગટ કરવાની) ધ્રુષ્ટતા કરવી એટલે એને digital/ડીજીટલ (ખંડિત)માં બદલવા જેવું. જ્યારથી ભાષાનો ઉદભવ થયો છે ત્યારથી માણસ એ કોશિશ કરતો આવ્યો છે. માણસની આ એષણા પણ ‘ન હન્યતે’ છે.

આ કદાચ મેં અત્યાર સુધી વાંચેલું સૌથી શ્રેષ્ઠ પુસ્તક છે. (જો કે આવું મને આ પહેલાના પુસ્તકોમાં પણ થયું છે) અને કેમ ન હોય!? જે પુસ્તકમાં રવિ ઠાકુર પોતે એક પાત્ર હોય એ પુસ્તક શ્રેષ્ઠ નહી તો પણ શ્રેષ્ઠમાંનું એક તો હોવાનું જ.