આ પુસ્તક વાંચતી વખતે એક સમય એવો આવ્યો (બળતરા વાર્તા વાંચ્યા પછી) કે જ્યારે વાર્તાનું સત્ય મારી માટે અસહ્ય થઇ પડ્યું. અને ખાસ તો એટલા માટે કે મને ખબર હતી કે આ માત્ર વાર્તાનું સત્ય નથી પણ વાસ્તવની ખુબ નજીકની વાત છે. મેં રામને તરત મેસેજ કર્યો કે ભાઈ શું બાકીની વાર્તાઓ પણ આવી જ છે તો હું વાંચું જ નહિ. બલ્કે મારાથી વાંચી શકાશે જ નહિ. ખેર, પછી તો રામે મને સાંત્વના આપી અને બાંહેધરી પણ આપી કે બાકીની વાર્તાઓ આટલી નિર્મમ નથી. છતાંય ચૌદમાંથી બે કે ત્રણ સિવાય બધી જ કઠોર તો છે જ. દરેક વાર્તા ચાલુ કરવા પહેલા મને એક જાતની બીક લાગતી કે આ વાર્તા ક્યાંક એટલી બધી હચમચાવી ન જાય કે એમાંથી બહાર ન નીકળી શકાય. દરેક વાર્તા ચાલુ કરતા પહેલા જંગ પર જતો હોઉં કે લાગણીઓનું મેરેથોન ભાગવાનું હોય એવું લાગતું તોયે મન મક્કમ કરીને મેં એ વાંચી. અને ભલે ઉદાસ થયો હોઉં પણ નિરાશ નથી થયો.

આ બધી જ વાર્તાઓની વિશેષતા એ કે એ સ્ત્રીકેન્દ્રી હોવા ઉપરાંત સ્ત્રીપરીઘી અને સ્ત્રીવર્તુળી પણ છે. કહેને કા મતલબ, મુખ્ય પાત્ર અને આજુબાજુના ઓછા મુખ્ય પાત્રો પણ મોટેભાગે સ્ત્રીઓ જ છે. આ બધી સ્ત્રીઓનું જીવન અતિશય કપરું છે. મારું જીવન સાવ સરળ છે એટલે આ વાર્તાઓમાં નીરુપયેલી પરિસ્થિતિ મને કેટલીક વાર કલ્પનાતીત લાગી. છતાં એ હકીકત છે. શિયાળામાં જામી ગયેલા સરોવર જેવી હકીકત જેની ઉપલી સપાટી તો નક્કર લાગે પણ નીચે અસંખ્ય જીવથી ભરેલું પ્રવાહી હોય. સ્ત્રીઓ, છોકરીઓ અને કન્યાઓ વિશેની વાર્તાઓ હોવા છતાં એમાં ક્યાંય ક્યુટનેસનો ‘ક’ યે નથી. કરુણા, કલ્પાંત અને કમોતના ‘ક’ થી ભરેલા પાનાઓ છે. નારીની ઉપેક્ષા, સમાજની એની પાસેથી હદ બહારની અપેક્ષા, બોડી ઈમેજ, જાણીતા લોકો દ્વારા કરાયેલી છેડતી, રોજબરોજની જિંદગીનો કંટાળો વગેરે મુદ્દાઓને આવરી લેતી આ પુસ્તકની વાર્તાઓને જો યોગ્ય ક્રમમાં ગોઠવવામાં આવે તો બાળપણથી લઈને ઘડપણ સુધી કોઈપણ નારીની જીવનકથની બની શકે એમ છે.

શું ગમ્યું?

  1. અડધી વાર્તાઓ ગ્રામ્ય જીવનમાં છે અને અડધી શહેરી. ગ્રામ્ય વાર્તાઓની તળપદી ભાષા ગમી. એ હદે ગમી કે મેં બધી ગ્રામ્ય વાર્તાઓ તળપદા ઉચ્ચાર સાંભળવા માટે મોટેમોટેથી વાંચી.
  2. એક નવા અજાણ્યા વિશ્વ તરફની બારી ઉઘડી એ ગમ્યું. એવું વિશ્વ કે જ્યાં ‘ટેબુ’ની (taboo) વ્યાખ્યા અલગ છે. આપણા શહેરી મધ્યમવર્ગીય જીવનના ‘ટેબુ’ કરતા તેમના ‘ટેબુ’ ઓછા ‘ટેબુ’ છે. કે જ્યાં અપમાન વધુ આકરા છે.
  3. દ્રષ્ટાભાવ. આ સાચું છે કે આમ જ થવું જોઈએ એવો બોધ આપવાને બદલે રામે આવું થઇ રહ્યું છે નો અરીસો દાખવ્યો છે.
  4. વર્ણન કે પ્રસંગની બદલે વાતાવરણ જ વાર્તા કહી જાય છે.
  5. આખા પુસ્તકમાં એક થીમ હોવા છતાં વિષયવસ્તુની વિવિધતા.
  6. છેલ્લી વાર્તા. તીખા તમતમતા ભોજનને અંતે રહેલી મીઠી જેવી છે આ વાર્તા અને આખા પુસ્તકમાંની મારી સૌથી પ્રિય.

શું ન ગમ્યું?

  1. હવેથી મારી અમદાવાદ – સૌરાષ્ટની સ્ત્રીઓને જોવાની દ્રષ્ટિ બદલાઈ જશે. એમની દુનિયાનું એક રહસ્ય જાણે મને ખબર પડી ગઈ હોય એવું અનુભવું છું. નાના હોઈએ ત્યારે જો તમારા શિક્ષક સ્મોક કરે છે કે તમારો મોટો ભાઈ ક્યારેક ડ્રીન્કસ લે છે કે તમારી મોટી બહેન તેની સહેલીઓ સાથે હોય ત્યારે ગાળો બોલતા અચકાતી નથી કે તમારો પાડોશી ગે છે. આવી કોઈ વાત ખબર પડી જાય પછી જે તે વ્યક્તિને જોવાની દ્રષ્ટી બદલાઈ જાય એવી મારી હાલત છે. કે પછી કોઈ એક્ટર આંધળા કે ગાંડાની બહુ સારી એક્ટિંગ કરે પછી તમે એને સામાન્ય રોલમાં સ્વીકારી ન શકો એવું કંઇક…
  2. વરવી વાસ્તવિકતા વાળી વાર્તાઓ વાંચીને (#વર્ણાનુપ્રાસ) હું થોડો ભ્રષ્ટ થઇ ગયો. હવે થોડી ડાઈલ્યુટ કરેલી વાર્તાઓમાં મઝા નહિ આવે. સિંહ માણસનું લોહી ચાખી લે જેવી સ્થિતિ…

છેલ્લે, એક ઘટસ્ફોટ: આ ચૌદમાંથી એક વાર્તા રામે નથી લખી. કેમ કે એ તેની અન્ય વાર્તાઓની શૈલીથી સાવ અલગ છે.

જસ્ટ કિડિંગ!! આ ચૌદમાંથી એક જ વાર્તા રામે લખી છે (એને મળ્યા પછી ઓલી બધી સીરીયસ કીસમની વાર્તાઓ એણે લખી હોય એ હું ન માનું )