• નોંધ ૧: ૨૦૧૭માં ખેડેલા પ્રવાસનું સરવૈયું હેઠળ લખાયેલ અન્ય લેખ અહી વાંચી શકાશે.
  • નોંધ ૨: આ લેખ આર્ષ સામયિકના મે ૨૦૧૭ના અંકમાં પ્રકાશિત થયો છે.

વેળાસ મહારાષ્ટ્રમાં દરિયાકાંઠે આવેલી એક એવી જગ્યા છે જે નેટવર્કના અભાવે બાકીના વિશ્વથી અલિપ્ત રહેવા પામ્યું છે. શહેરની રોજીંદી જીંદગીમાં એક પછી બીજા પછી ત્રીજા પછી ત્રણસોમાં ને ત્રણ કરોડમાં એમ નિરંતર ચાલ્યા જ કરતા કામના સમુદ્રમાં ગળાડૂબ હોઉં ને ત્યારે ક્યારેક વેળાસનો કિનારો દેખાઈ જાય અને ત્યાં જવાનું મન થઇ જાય. પણ દર વખતે ત્યાં જવાનું શક્ય ન થાય. આ વખતે તો નક્કી જ કર્યું’તું કે જાવું જ છે ચાહે કુછ હો જાયે. અગાઉ બે વાર હું આ જગ્યાએ જઈ આવ્યો છું અને બંને વખતે થયેલા અનુભવોએ મને લખવા માટે મજબુર કર્યો છે. (અંગ્રેજી લેખ અહી વાંચી શકાશે અને ગુજરાતી અહી). એક જ જગ્યાએ ત્રીજી વખત જઈને આવ્યા પછી પણ લખી શકાય અને લખવું જ પડશે એવું મેં નહોતું ધાર્યું. એવું શું હતું કે જેણે મને આ લખવા માટે ધકેલ્યો એ કહું એની પહેલા વેળાસ વિષે થોડું …

દરિયો

આ નાનકડું તટવર્તી ગામ કાચબા જન્મ માટે પ્રખ્યાત છે. ભારતના પશ્ચિમ તટ પર ઈંડું મુકવા આવતી માદા કાચબીઓમાંની એંશી ટકા માત્ર આ ગામમાં આવે છે. ઈંડામાંથી નીકળતા નાનકડા બાળ કાચબાઓ પોતાનું પહેલું ડગલું સમુદ્ર તરફ માંડે એ નજારો જોવા અનેક લોકો અહી ઉમટી આવે છે. દર વર્ષે અહીથી બે – ત્રણ હજાર નવજાત કાચબાઓને સમુદ્રમાં છોડવામાં આવે છે. ઈંડા મુકીને ચાલી ગયેલી માદાની પાછળથી ઈંડાને કઈ નુકસાન ન પહોચે તે જોવાની જવાબદારી ગામવાળાઓએ લીધી છે. વિલુપ્ત થઇ રહેલા કાચબાઓના સંવર્ધનને વરેલું અને જન્મનો ઉત્સવ મનાવતું આ ગામ છે.

કૂર્મ અવતાર લઈને આવેલ એક જીવ

બીજી તરફ, મારો અને આ જગ્યાનો સંબંધ મૃત્યુના નાજુક દોરે બંધાયેલો છે. અમે બીજી વખત ત્યાં ગયેલા ત્યારે ગામમાં બે મૃત્યુ થયા હતા. જેમને ત્યાં ઉતર્યા હતા એ ભાઈનું એક અઠવાડિયા અગાઉ જ બહુ નાની વયમાં મૃત્યુ થયું હતું. પહોચ્યાના બીજા દિવસે પણ હજુ એક જણનું મૃત્યુ થયું. અને પાછા ફરતા પણ રસ્તામાં ઠેકઠેકાણે લોકોની અંતિમ યાત્રા નીકળી રહી હતી. ત્યાં સુધી કે છેલ્લે કાંદિવલી સ્ટેશનની બાજુમાં આવેલી સરોવર હોટેલથી જમીને છુટા પડતી વખતે પણ કોઈક ટ્રેન નીચે કપાઈ ગયેલાનું શબ એમ્બ્યુલન્સમાં ગોઠવાઈ રહ્યું હતું.

આમ તો, આ બધી ઘટનાઓ વચ્ચે કોઈ જ તાર્કિક સંબંધ નથી છતાં મનનો સ્વભાવ જ એવો કે એ ચાંદામાં પ્રાણીઓ અને તારાઓમાં નક્ષત્ર શોધે રાખે.

આ વાતના બે વર્ષ પછી, એટલે કે ગયા મહીને (માર્ચ ૨૦૧૭) અમે ત્યાં જવાનું ફરી નક્કી કર્યું. પેલી ઉપરાઉપરી મોતની કુશંકા પર અત્યાર સુધીમાં ધૂળ જામી ગઈ હતી એને ઉડાડવા જવાના ત્રણ દિવસ પહેલા જ ફરી મોતની તલવાર ત્રાટકી. અને આ વખતે એ ખુબ નજીક ત્રાટકી. હું અને મારા જે મિત્રો જવાના હતા એમના દરેકને કોઈક ને કોઈક નજીકના વ્યક્તિનું ઉપરાઉપરી મૃત્યુ થયું. એક મૃત્યુને લઈને પ્લાન થોડો પાછો ઠેલ્યો ત્યાં બીજું મૃત્યુ, હજુ પ્લાન પાછો ઠેલ્યો ત્યાં ત્રીજું. અને આ તો માત્ર સગાઓની વાત. થોડા દુરના સગા કે પાડોશીઓ કે ત્યાં ન આવનારા મિત્રોના સ્વજનો વગેરેના મૃત્યુના સમાચાર તો નોટીફીકેશન વેગે આવી રહ્યા હતા. અંતે જ્યારે ત્યાં પહોચ્યા અને એ જ ઘરમાં રોકાયા ત્યારે ખબર પડી કે ગયા બે વર્ષોમાં એ ઘરમાં હજુ ચાર મૃત્યુ થયા હતા. માણસો ઉપરાંત તેમના બે કુતરા અને કેટલીક બિલાડીઓ પણ ખતમ થઇ ગયા હતા.

બુદ્ધિ કે તર્ક ગમે એટલા તરફડીયા મારે આ બધા મૃત્ય વચ્ચે કોઈ કડી નથી એવું માન્યે રાખવાની પરંતુ મનની સામે તેનું ખાસ કઈ ઉકળતું નથી. મન તો એવું વિચારે છે કે શું જન્મ અને મૃત્યુની કોઈ બેલેન્સ શીટ છે જે માર્ચ એન્ડીંગમાં કોઈક અદીઠ સી.એ. ટેલી કરવા મથી રહ્યો છે. વેળાસના ખાતામાં જરૂર કરતા વધુ જન્મ નોંધાયા છે એટલે સામે એટલા મૃત્યુ નોંધવા પડશે, એવું?

હવે, એ વાત કે જેણે મને આ લખવા માટે ઉશ્કેર્યો. વહેલી સવારે કાચબા જન્મ જોઇને અમે વેળાસના દરિયેથી ગામ તરફ આવી રહ્યા હતા. રસ્તામાં એક મંદિર આવે છે. નવાઈની વાત એ કે ત્રણે વખત મળીને કુલ દસ – બાર વખત ત્યાંથી પસાર થયા હોવા છતાં હજુ સુધી એના તરફ મારું ધ્યાન જ નહોતું ગયું. હજુ વધારે નવાઈની વાત એ કે, એને જોઇને અચાનક મને એમાં જવાનું મન થઇ આવ્યું., આમાં નવાઈ એ વાતની કે છેલ્લા દસેક વર્ષમાં કે કદાચ એથી પણ વધુ સમયથી મને કોઈ મંદિરમાં જવાનું મન જ નથી થયું. જો ઘરેથી કોઈ મંદિરે દર્શન ગયા હોઈએ તો પણ હું મંદિર સુધી જઈને પણ અંદર ન જાઉં કે દર્શન ન કરું. મને પોતાને અને મારા મિત્રોને આ વાતની નવાઈ લાગી છતાં હું અને જીગર અંદર ગયા. અંદર જવા પહેલા, મસ્જીદમાં પ્રવેશવા પહેલા વઝુ કરે એ રીતે, બહાર નળમાં હાથ પગ મો ધોઈને પ્રવેશ્યા. વેળાસના દરિયાની જેમ મંદિરમાં પણ અમારા બે સિવાય કોઈ નહોતું. (જો કે મારે મન દરિયાનું મહત્વ મંદિર કરતા જરાય ઓછું નહિ) મંદિરમાં એવી કોઈ ખાસિયત પણ નહોતી. આ પ્રદેશના અન્ય કોઈપણ મંદિર જેવું જ એ હતું. એક મુખ્ય મંદિર જેમાં શિવલિંગ અને બાજુમાં બીજું મહાલક્ષ્મીનું નાનું મંદિર. બંનેના ઊંચા ગુંબજ, પ્રવેશદ્વાર પર કમાન અને એમાં કરેલી કોતરણી, ગર્ભગૃહમાં પ્રવેશવાનું દ્વાર ખુબ નીચું અને એમાય પાછો ઓટલો જેથી માણસે પરાણે નીચા નમીને પ્રવેશવું પડે. જીગરે મહાલક્ષ્મીના દર્શન કર્યા, હું કોતરણી જોતો હતો. પછી અમે મુખ્ય મંદિરમાં પ્રવેશ્યાં જ્યાં શિવલિંગની બાજુમાં બે ઓટલા પડ્યા હતા. અમે બંને એની ઉપર બાજુબાજુમાં ગોઠવાઈ ગયા. અદ્ભુત શાંતિ હતી એ જગ્યાએ. આવી જ શાંતિ ગઈ રાતે અંધારામાં દરિયે બેઠા પણ અનુભવાઈ હતી. જો કે એ શાંતિ અને આ શાંતિ જુદી હતી. એ શાંતિ એટલા વિસ્તૃત ફલકમાં પ્રસરેલી હતી, ખુલ્લી ખુલ્લી હતી કે અમને એનો થોડો જ ભાગ મળતો હતો. એ વ્યગ્ર મનને શાંત કરનારી તો હતી પણ થોડી ઉદાસ કરનારી પણ હતી. જ્યારે મંદિરની શાંતિ થોડી ઓછી શાંત હોવા છતાં કેન્દ્રિત કરેલી હતી. વ્યગ્ર મનને માત્ર શાંત નહિ પણ પ્રફુલ્લિત કરી મૂકનારી હતી. એવામાં જીગરે મંત્રોચ્ચાર શરુ કર્યો. એ હાથ જોડીને આંખો બંધ કરીને મંત્ર બોલી રહ્યો હતો અને હું એને જોઈ રહ્યો હતો. એનો અવાજ ઊંચા ગુંબજને અથડાઈને આખા મંદિરમાં ઘૂમી વળ્યો અને મારા પર કબજો જમાવી રહ્યો હતો. જાણે આદેશ આપી રહ્યો હોય કે ખુલ્લી આંખે નહિ આંખ બંધ કરીને જો. અને મારી આંખો સાચે જ બંધ થઇ. મને શ્લોકની પંક્તિઓ સંભળાઈ અને તરત સમજાયું કે આ તો મહામૃત્યુંજય મંત્ર બોલી રહ્યો છે. કેવો યોગાનુયોગ! મનમાં આટલા સમયથી ઘુમરાઈ રહેલા મૃત્યુના વિચારોને મોક્ષનો રાહ મળી ગયો. એ મંત્ર બોલ્યે જતો હતો અને મારામાં ભાવની ભરતી આવી જેના ઉલળતા મોજાં આંખોને કિનારે વસેલા ગામને પુરેપુરુ ભીંજવી ગયાં.

વૈકલ્પિક અંત ૧:

જન્મ અને મૃત્યુ વચ્ચે તો જીવનનો સંબંધ છે પણ મૃત્યુ અને જન્મ વચ્ચે કોઈ સંબધ ખરો? કયા કારણથી હું એ મંદિરમાં ગયો અને એ સભર ક્ષણોનો સાક્ષી બન્યો? દેખીતો યોગાનુયોગ પણ પૂર્વનિર્ધારિત જ હોય છે કે કાગનું બેસવું ને ડાળનું પડવા જેવું હોય છે? કેટલાક સવાલોના જવાબ મળવા સહેલા નથી કેમ કે, આપણે અપૂર્ણ છીએ. પરંતુ તે મેળવવા અશક્ય પણ નથી કેમ કે, આપણે પૂર્ણનો અંશ છીએ. આ હું નથી કહેતો પણ જીગરનો બીજો શ્લોક કહે છે —

ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पुर्णमुदच्यते
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥

(બહારથી પણ પૂર્ણ, અંદરથી પણ પૂર્ણ, એવા પૂર્ણમાંથી પૂર્ણનો જ ઉદય થાય છે;
આવા પૂર્ણમાંથી પૂર્ણ લઇ લીધા પછી જે અવશેષ છે એ પણ પૂર્ણ જ રહે છે.)

વૈકલ્પિક અંત ૨:

કયા કારણથી હું એ મંદિરમાં ખેંચાઈ ગયો અને એ સભર ક્ષણોનો સાક્ષી બન્યો? શું એ માત્ર યોગાનુયોગ હતો કે કોઈ પૂર્વનિર્ધારિત લીલા? શું આ જગ્યાનો અને જન્મ-મૃત્યુનો કોઈ સંબંધ છે? હું નથી જાણતો. કદાચ જાણવા પામીશ પણ નહિ અને જાણવાની ખાસ કોઈ ધગશ પણ નથી. છતાં એટલું જાણું છું કે પ્રવાસ અનેક બારીઓ ઉઘાડી આપતો હોય છે. મૃત્યુ, કે જેનો આકાર ચંદ્રની પાછલી સપાટી જેવો કે બ્રહ્માના ચોથા મુખ જેવો અકળ છે, એને જોવાની પણ એક નવી બારી આ પ્રવાસ મારે માટે ખોલતો ગયો.

(તમને કયો અંત ગમ્યો તે જરૂરથી જણાવશો).