સારા સાહિત્યનું એક ખાસ લક્ષણ છે કે એ તમારા મોમાં આંગળાં નાખીને પ્રતિક્રિયા કઢાવી જાય. એમાય લેખક જ્યારે ટાગોર હોય ત્યારે તો ખાસ. આટલા મોટા ગજાના સાહિત્યકારને આ પહેલા મેં કદી નથી વાંચ્યા અને એટલે જ પુસ્તક શરુ કરતી વખતે મને એક જાતનું અભિમાન આવી ગયું હતું. ઉપરાંત એક આછો ભય પણ હતો કે ક્યાંક એમનું લખાણ અતિ ગંભીર અને શુષ્ક તો નહિ હોય ને? જો કે મારો ભય પ્રસ્તાવના પછી અને પહેલું પ્રકરણ શરુ થવાની વચ્ચે એક પાનું આવે છે એ વાંચતા જ ઓસરી ગયો. આ પાના ધારાઓના પ્રતિનિધિ છે એવું કદાચ અનુવાદક ચીંધવા માંગે છે. એ શેના વિષે છે એ કહું તે પહેલા પુસ્તક શેના વિષે છે એ —

પુસ્તકની વાર્તા આઝાદીની લડત ચાલુ થઇ હતી એ સમયના બંગાળના એક નાના ગામમાં આકાર લે છે. આખી નવલકથાનું સ્વરૂપ નોખું છે. એના ત્રણ મુખ્ય પાત્રો — નીખીલ, વિમલા અને સંદીપની એક પછી એક આવતી આત્મકથાના પ્રકરણો રૂપે પુસ્તક આગળ વધે છે. ત્રણ કથક, તેમના ત્રણ અલગ દ્રષ્ટિકોણ અને ત્રણ વિચારધારાઓથી તે સમયના બંગાળી સમાજની લાક્ષણિકતાઓ અને માનસિકતા છતી થાય છે. નીખીલ જમીનદાર છે, વિમલા તેની પત્ની છે (હા, તેની એટલી જ ઓળખ છે. કમસે કમ વાર્તાની શરૂમાં તો એટલી જ). સંદીપ ક્રાંતિકારી યુવા નેતા અને નીખીલનો દોસ્ત છે. ત્રણે પાત્રો દેશનું હિત ઈચ્છે છે પણ તેમના રસ્તા જુદા છે અને એથીયે અગત્યનું કે તેમની ‘દેશ હિત’ની વ્યાખ્યા જુદી છે. આ ફરકમાંથી જ આખી નવલકથા આકાર લે છે. લેખકની કુશળતા એ વાતમાં છે કે તમે જ્યારે, જેની આત્મકથાનું પ્રકરણ વાંચી રહ્યા હો ત્યારે તમે તે પાત્ર સાથે પૂરા કનેક્ટ થઇ જાવ છો, પછી ભલે ને એ અગાઉના પ્રકરણમાં વાંચેલા પાત્રની નવલકથા કરતા વિરુદ્ધ દિશામાં જતું હોય તો પણ. અને ફરી જ્યારે પ્રકરણ બદલાય અને પાત્ર બદલાય ત્યારે તમે એની સાથે પણ ફરી કનેક્ટ થાવ છો. આવું ત્યાં સુધી ચાલ્યા કરે છે જ્યાં સુધી છેલ્લા પ્રકરણમાં લેખક આવીને તમને છોડાવી નથી જતા. જો કે તે પછી પણ તમે લેખકે ઈચ્છ્યું હોય એ જ પાત્રને હીરો તરીકે લઈને પુસ્તક પૂરું કરો એવી શક્યતા ઓછી છે કારણકે એનો આધાર તમારી અંદર કોનું જોર ચાલે છે એના ઉપર છે — નીખીલ, વિમલા કે સંદીપ.

લેખકની બીજી કુશળતા એ કે આ ત્રણેય પાત્રોનું આલેખન એટલું સચોટ થયું છે કે ત્રણેમાંથી એકેયની આત્મકથા દરમિયાન તમને લેખકનો પોતાનો અવાજ ન સંભળાય. અને તેમ છતાંયે આખા પુસ્તકમાં તેમની (લેખકની), તેમના વિચારોની હાજરી વર્તાય. પુસ્તક પૂરું થાય પછી તમે જે સાથે લઇ જાઓ તેમાં પણ ટાગોર પોતે જ ઠાંસી ઠાંસીને ભર્યા હોય. એ રીતે એ કોઈ જાદુગરથી કમ નથી – અદ્રશ્ય છતાં પ્રસ્તુત.

હવે, પેલા બે ફકરાઓ વિષે — પહેલો ફકરો છે નિખિલની આત્મકથામાંથી વિમલા વિષેનો. તેમાં એક વાક્ય આવે છે “જ્યારે તમે પંખીને પિંજરામાંથી મુક્ત કરો છો, ત્યારે પંખી પણ તમને મુક્ત કરતુ જાય છે”. આપણી આસક્તિ વિષે કેટલી ગહન વાત કેટલી સુંદરતાથી રવિબાબુએ કહી દીધી. આખું પુસ્તક આવા જ ગણ્યા ગણાય નહિ, વિણ્યા વિણાય નહિ એવા તારલાઓથી ઝળહળે છે અને એટલે જ એ શુષ્ક નથી બનતું. પુસ્તકનો એક બળુકો પ્રવાહ સ્ત્રીઓને — એકથી વધુ અર્થમાં — ઘરની બહાર નીકળવા વિષે છે. શીર્ષક પણ એ પરથી જ છે.

બીજો ફકરો પણ નીખીલની જ આત્મકથાના કોઈ અન્ય ભાગમાંથી છે – અલબત્ત એ છે સંદીપ વિષે. આ ફકરામાં જે વાત છે એ જમીનદારો અને આઝાદીના ચળવળકારોના સંદર્ભે લખાઈ હતી. આજે જ્યારે જમીનદારી નાબુદ થઇ ગયાને વર્ષો થઇ ગયા છે અને દેશ આઝાદ થયે એથીયે વધુ વર્ષ વીતી ગયા છે ત્યારે પણ આ ફકરો એટલો જ સાંપ્રત જણાય છે. દેશને કે પોતાના કોઈપણ ટૂંક સમયના ધ્યેયને ઈશ્વર, ધર્મ કે સત્યથી ઉપર માનનારાઓ વિશેની આમાં વાત છે. દેશનું ભલું થતું હોય તો છો એમાં કેટલાક નાના માણસોનો મરો થતો, એ વિચારસરણી કેટલી અનિષ્ટ છે એની આમાં વાત છે. આ વાંચીને તાજેતરની કોઈ ઘટના ચમકે છે? થઇ કોઈ બત્તી? પુસ્તકનો બીજો બળુકો પ્રવાહ આ વાતને લઈને ચાલે છે. સમાંતરે ચાલતા બંને પ્રવાહો કેટલીક જગ્યાએ આવીને એકબીજામાં ભળે છે અને ત્યારે થતા કોલાહલમાંથી વાર્તારસ નીપજે છે.

સર્જન થયાના સ્થળ કાળની સીમાઓ ઉલ્લંઘી જઈને “ન હન્યતે, હન્યમાને શરીરે…” થઇ શકવું છે એ સારા સાહિત્યનુ બીજું લક્ષણ છે. ટાગોરને કંઈ અમથું નોબેલ નહોતું મળ્યું.

તા.ક: નગીનદાસનો અનુવાદ એટલે એમાં કંઈ કહેવું ન પડે. અગાઉ ‘ન હન્યતે’માં હું એ અનુભવી ચુક્યો છું અને ‘ઘરે બાહિરે’માં ફરી એ પુરવાર થયું કે તેઓ એક બાહોશ અનુવાદક છે. બાહોશ શબ્દ આમ તો સરકારી અફસર કે પત્રકાર માટે વપરાતો હોય છે પણ ટાગોરને ગુજરાતીમાં અવતરવા માટે પોતાની જટા આગળ ધરતા આ શિવજી માટે મને આનાથી વધારે યોગ્ય શબ્દ નથી જડતો.