“The Mumbai monsoon is like a Stanley Kubrick movie. I could watch it all day, but I’d hate to be caught in it.” – Rohan Joshi

મૂળ વાર્તા:

એક ગામમાં એક સાપનો ભયંકર ખોફ ફેલાયો હતો. સીમમાંથી આવતા જતા માણસોને તે કરડતો. નાના મોટા દરેક ફક્ત તેના ફુંફાડાના અવાજથી પણ ડરી જતા. એક વખત એક સાધુ મહારાજ તે ગામમાં થી પસાર થતા હતા, તેમને ગામ વાસીઓએ ચેતવ્યા કે સીમમાંથી જતા સંભાળજો. એક કાળા નાગે છેલ્લા કેટલાક સમયથી કાળો કેર વર્તાવ્યો છે. સાધુએ નક્કી કર્યું કે આ સાપને સમજાવવો. તે સીમમાંથી પસાર થયા અને સાપ સામો આવ્યો. સાપે ફેણ ચડાવીને ફુંફાડા મારવા શરુ કર્યા. સાધુએ એને પૂછ્યું કે તું આમ બધાને કરડે તેમાં તારો શું ફાયદો? તું બીજા સાથે જેવું વર્તન કરીશ એવું જ લોકો તારી સાથે વર્તશે. સાધુ યોગમાં ખુબ ઊંડા ઉતરેલા હતા. એમની વાત સાપને ગળે ઉતરી ગઈ અને તેણે હવેથી કોઈને ડંખ ન મારવો એમ વચન લીધુ.

થોડા વખત પછી સાધુ ફરી એ ગામ માં આવી ચડ્યા અને સીમમાં જતી વખતે એ જ સાપ અધમુઓ પડેલો મળ્યો. સાધુએ પૂછ્યું ભાઈ તારી આવી હાલત કેમ કરતા થઇ? સાપે કીધું કે તમારા કહેવાથી મેં લોકોને હેરાન કરવા બંધ કર્યા પરંતુ એનો લાભ લઇને મને બધાએ ખુબ માર્યો. જે મળે તે મારે એટલે મારે અહી આવીને છુપાઈને રહેવું પડે છે. હવે તમે જ કહો કે હું શું કરું? સાધુએ કહ્યું કે મુર્ખ મેં તને ડંખ મારવાની ના પાડી હતી પણ ફૂંફાડો તો રાખવો જ જોઈએ.

આ વાર્તાની આધુનિક આવૃત્તિ (inspired by Stanley Kubrick’s movie – A Clockwork Orange)

વાત છે નજીકના ભવિષ્યમાં એક નગરની કે જ્યાં લોકો અને સાપની સંખ્યામાં તેમજ તેમના વર્તનમાં વધુ અંતર નહોતું. ગામમાં જુવાન સાપની એક ટોળકીએ વર્તાવેલા કાળા કેરથી લોકો ત્રસ્ત હતા. પરંતુ આ ટોળકીનો નેતા કોઈ સાધુનું માને તેમ નહોતો અને એવા ઉચ્ચ કોટીના સાધુ પણ હવે ક્યાંય જડે તેમ નહોતા. એટલે લોકોએ પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે લાગ જોઇને સાપને પકડી ને જેલમાં નાખ્યો. સાપ જેલમાંથી છુટવા માટે સારામાં સારું વર્તન કરવા માંડ્યો તેમ છતાં હજી તેના મનમાંથી ડંખ મારવાના વિચારો જતા નહોતા. તેને જલ્દીથી જલ્દી જેલમાંથી છૂટવું હતું. પરંતુ એમ ને એમ બે વરસ નીકળી ગયા. તે દરમિયાન નવી સરકાર આવી હતી જેણે જેલમાં સાપની વધતી જતી સંખ્યાને કાબુમાં લેવા એક નવી મનોવૈજ્ઞાનિક ચિકિત્સા શોધી હતી. અલબત્ત, તે હજી પ્રાયોગિક ધોરણો પર હતી. સરકાર પ્રયોગો કરવા માટે યોગ્ય ઉમેદવારની શોધમાં જ હતી. આપણા નાયકને આ વાતની ઉડતી ઉડતી ખબર મળી. તેણે આ પ્રયોગમાં ભાગ લેવા માટે અરજી કરી, જે તેના બે વર્ષના સારા વર્તનને લીધે તરત જ મંજુર થઇ ગઈ.

આ પ્રયોગોના બે મુખ્ય ભાગ હતા. પહેલા ભાગમાં તેને રોજ એક ઇન્જેક્શન અપાતું જેને લીધે તે કોઈ ભયાનક બીમારીથી પીડાતો હોય તેવું લાગતું. અને બીજા ભાગરૂપે તેને આ ઇન્જેક્શનની અસર હેઠળ જ પરાણે બાંધી ને અમુક ચોક્કસ ફિલ્મો બતાવવામાં આવતી. આ ફિલ્મો દુનિયાભરના અલગ અલગ સાપ લોકોને ડંખ મારી રહ્યા હોય તેમજ ફુંફાડા મારી મારીને ભયનો હાહાકાર મચાવી રહ્યા હોય તે વિશેની અત્યંત ક્રૂર ડોક્યુમેન્ટ્રી હતી.

એક મહિના સુધી રોજ આમ ચાલ્યું. આ આખી પ્રક્રિયાનું પરિણામ એ આવ્યું કે સાપની ડંખ મારવાની સહજ પ્રાકૃતિક ઈચ્છાશક્તિનો જ નાશ થયો. તેને જ્યારે જ્યારે ડંખ મારવા વિષે વિચાર આવતો કે તરત પેલી ઘૃણાસ્પદ માંદલી feeling પાછી આવતી. હવે આ સાપ કોઈ દિવસ ડંખ નહિ મારે એમ ખાતરી થતા તેને છોડી મુકવામાં આવ્યો. આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ કે હવે સાપ ડંખ મારવા સક્ષમ નથી. જેનો ફાયદો ઉઠાવીને પહેલા આ કે અન્ય કોઈપણ સાપનો ડંખ ખાઈ ચુકેલા લોકોએ બદલો લેવાનું શરૂ કર્યું. દેરેકે તેને બરાબરનો માર્યો. પોલીસે પણ એ વિષે ફરિયાદ લખવાની ના પાડી દીધી. એક રીઢા સાપ પ્રત્યે સહાનુભતિ શું કામ રાખવી? હવે સાપ પાસે ડંખ હોવા છતાં, તે વગરડંખો થઇને છુપાતો ફરે છે.

Subscribe in a reader