દુબઈ: ઘર એટલે …?

નોંધ : આકાશવાણી મુંબઈ કેન્દ્ર પરથી જાન્યુઆરી ૨૦૧૮માં  પ્રસ્તુત થયેલો આ નિબંધ ૨૦૧૭ના પ્રવાસના સરવૈયા હેઠળની છેલ્લી કડી છે. આ શ્રેણીના અન્ય લેખ અહી વાંચી શકાશે.

દ્રશ્ય ૧ –

સ્થળ: મુંબઈના અંધેરી સ્ટેશનની બહાર આવેલી સામાન્ય રેસ્ટોરાં.

સમય: વિરાર ફાસ્ટમાં દરવાજે લટકવા પણ ન મળે અને બેસવા મળી જાય એ બંનેની વચ્ચેનો.

યુવક નંબર ૧, એકલો રેસ્ટોરાંમાં તેનું ઓર્ડર કરેલું ભોજન આવે એની રાહ જોતો બેઠો છે. ભોજન આવે છે. મુંબઈમાં સામાન્ય રીતે હોય એવા ખુબ બફાટ, ગરમી, ઘોંઘાટ અને ભીડથી અલિપ્ત રહીને તે ભોજન માણે છે.

દ્રશ્ય ૨ –

સ્થળ: ઉત્તર યુરોપીય દેશ નોર્વેનાં પાટનગર ઓસ્લોના અંધેરી જેવા જ વ્યસ્ત સેન્ટ્રલ સ્ટેશનની બહાર આવેલી સામાન્ય કેફે.

સમય: સવારે આઠ વાગ્યાના સુર્યોદય અને સાંજે પાંચ વાગ્યાના સુર્યાસ્તની વચ્ચેનો.

યુવક નંબર ૨, ઘરથી હજારો કિલોમીટર દૂર એકલો કાળી કોફીની ચુસ્કી લેતો બેઠો છે.  શૂન્યથી નીચેના તાપમાનમાં થોડી હુંફ મેળવવા તે કોફી હાઉસમાં આવતા જતા અજાણ્યા લોકો સાથે વાતચીત કરવાના ફાંફા મારે છે.

બંને યુવક એકસરખી પરીસ્થિતિમાં એકલા છે છતાંય પહેલો યુવક ખુશ છે અને બીજો વ્યગ્ર કેમ? કદાચ તે એકલતા અનુભવે છે એટલે …? જોઈએ …

દ્રશ્ય ૩ –

યુવક નંબર એક, ઘરથી હજારો કિલોમીટર દુર – દુબઈની કોઈ હોટેલમાં વધુ પડતું મોંઘુ ભોજન મંગાવે છે. પણ એકલા એકલા તેનાથી એ ખવાતું જ નથી.

હંમ્મ્મ… યુવક નંબર બે જેવી જ પરીસ્થિતિ. અમેરિકન રખડું યુવક ક્રિસ્ટોફર મેક-કેન્ડલેસે મહિનાઓ સુધી એકલા ભટક્યા પછી તેની ડાયરીમાં લખ્યું હતું, “હેપ્પીનેસ ઇસ ઓન્લી રીયલ વ્હેન શેરડ”. પણ શું એકલતા એ જ તેમની સમસ્યા છે? જોઈએ …

દ્રશ્ય ૪ –

સ્થળ: રાજસ્થાન સ્થિત કોઈ તળાવને કાંઠે આવેલ લક્ઝરી તંબુઓ વાળો રિસોર્ટ.

સમય: લગ્ન પછીના પહેલા અઠવાડિયાનો સુવર્ણકાળ.

યુગલ નંબર એક, એકબીજાનો સાથ હોવા છતાં – પેલો મિત્ર હોત તો આમ કરત, પેલી સહેલી હોત તો તેને આમાં મજા આવત, મોટાભાઈને આ ભાવત, નાની બેન હોત તો આમ કહેત – પ્રકારની અનુપસ્થિતિઓને લઈને હનીમૂનનું એકાંત પૂરેપૂરું માણી નથી શકતા.

દ્રશ્ય ૫ –

સ્થળ: હિમાચલ પ્રદેશના કોઈ ગામમાં આવેલ એક લાકડાનું ઘર.

સમય: નિરાંતનો.

યુગલ નંબર બે, પોતપોતાના મુંબઈસ્થિત ઘરની લક્ઝરી છોડીને પહાડોની પ્રતિકુળતાઓ વચ્ચે પણ ખુબ ખુશીથી રહે છે.

લગભગ સરખી ઉંમરના બંને યુગલ બેશક એકલા નથી છતાંય પહેલું યુગલ અધુરપ અનુભવે છે અને બીજું ખુશ છે. કેમ ? કદાચ ઘર કહી શકાય એવી જગ્યા અથવા તેના અભાવને કારણે …? જોઈએ …

દ્રશ્ય ૬ –

સ્થળ: મુંબઈના પરાંમાંનું એક ઘર અને તેનાથી માંડ દસ મિનીટ ચાલતાં થાય એટલું છેટું બીજું એક ઘર.

સમય: બપોરની નવરાશનો, કે જયારે માણસનો પડછાયો ટૂંકો હોય અને તેના વિચારોનો પડછાયો લાંબો. યુવતી નંબર એક, જેનાં થોડાં દિવસો અગાઉ જ લગ્ન થયાં છે, તે પહેલા ઘરને હવે પોતાનું ગણી નથી શકતી અને બીજું ઘર તેને હજુ પોતીકું લાગતું નથી.

દ્રશ્ય ૭ –

સ્થળ: દુબઈના પરાંમાંનું એક ઘર.

સમય: સવારે પતિને ઓફીસ અને બાળકોને સ્કુલે ડબ્બો લઈને રવાના કરી દીધા પછીની નવરાશનો.

યુવતી નંબર બે, જેનાં લગ્નને આઠ વર્ષ થઇ ગયાં છે, તે મુંબઈસ્થિત પિયર અને સગાંવ્હાલાંઓને દિવસમાં હજાર વાર યાદ કરવા છતાં નવા દેશને ઘર માની ચુકી છે. એટલું જ નહિ, ભારતથી દુબઈ ફરવા આવતા તેના સંબંધીઓ – મિત્રોને પણ ઘરથી દુર ઘર જેવો જ અનુભવ કરાવે છે.

સાવ અલગ પરિસ્થિતિમાં જીવી રહેલી બંને યુવતીઓ વચ્ચે મુખ્ય તફાવત શું છે? પહેલી યુવતી કદાચ તેના ઘરની શોધમાં છે જયારે બીજીની એ શોધ પૂરી થઇ છે અને હવે તે પોતે જ પોતાનામાં એક ઘર છે. તો, પ્રશ્ન એ છે કે ઘરે એટલે શું?

આ એ જ પ્રશ્ન છે જે મને મારા દુબઈ પ્રવાસ દરમ્યાન વારંવાર ઉઠ્યા કર્યો કર્યો હતો. ઉપર જેનો યુવક નંબર એક તરીકે ઉલ્લેખ કર્યો તે હું અને યુવતી નંબર બે તરીકે ઉલ્લેખ કર્યો એ મારાં મોટાબેન. પાંચેક વર્ષથી દુબઈ પાસેના અબુધાબી સ્થિત બેનને ત્યાં જવાનો વાયદો નિભાવવા અને સાથે જીવનની સૌપ્રથમ ફોરેનટ્રીપ કરવા મેં દુબઈ જવાનું નક્કી કર્યું હતું. પાંચ દિવસ એકલા ફરવું અને પાંચ દિવસ બેનને ઘરે રહેવું એવો પ્લાન હતો.

હું એવો વ્યક્તિ છું કે જેને પહાડોમાં ફરવાનો જેટલો ઉત્સાહ હશે એટલો કોઈ શહેરી સ્થળે જવાનો ન થાય. દુબઈ જવા પહેલા પણ મને ખાસ કોઈ ઉત્સાહ નહોતો. ઉપરથી જવાના એક દિવસ પહેલા સુધી વિઝા નહોતો મળ્યો એટલે તેની ચિંતા હતી તેમજ પહેલીવાર પરદેશ જવાનું અને તે પણ એકલા એટલી તેનો પણ થોડો ઉચાટ ખરો. આમ થોડી નકારાત્મકતા લઈને જ હું પ્લેનમાં બેઠો. પ્લેને મુંબઈની ધરતી છોડીને હવામાં છલાંગ મારી એ સાથે જ મારી અંદર ભાવનાત્મક વાવાઝોડું ઉઠ્યું. પ્લેનની બારીમાંથી જેને ઘર કહી શકાય એવા મુંબઈની ઓળખસમા ચિહ્નો – ટ્રેનના પાટા, પાટાને સમાંતર રસ્તાઓ, ઇસ્ટ-વેસ્ટને જોડતા પુલો, ધારાવીના ઝુંપડાઓનું વન, મારી કોલેજનું બિલ્ડીંગ, તેની પાસેનું મેદાન, જુહુનો દરિયો, માહીમની ખાડી, બાંદ્રા-વરલી સીલિંક વગેરે બધું ધીમે ધીમે નાનું થતું, દૂર જતું જોઈ રહ્યો હતો. પ્લેનનાં પૈડા ફરી જે ધરતી સાથે સંપર્ક કરશે તે કેવી દેખાતી હશે એની જરાસુદ્ધા પણ કલ્પના નહિ. એકાએક વિચાર આવ્યો કે, આ પ્રવાસ મને અગાઉના કોઈપણ પ્રવાસ કરતા, ઘરથી સૌથી વધુ દુરના અંતરે લઇ જઈ રહ્યો હતો. બારીમાંથી શહેરનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું હતું. એકમાત્ર જાણીતું તત્વ દરિયો દેખાઈ રહ્યો હતો.

દરિયો મારો દોસ્ત

ફોનમાં હેડફોન જોડીને હું ગીતો સાંભળી રહ્યો હતો. ભયંકર યોગાનુયોગે ‘યે જો દેસ હૈ તેરા’ ગીત વાગ્યું. હું હચમચી ગયો. વહેલી સવારની ફ્લાઈટ હોઈ, રસ્તામાં ઝોકાં આવી રહ્યા હતાં. જેટલી વાર આંખો ખુલતી એટલી વાર અફાટ જળરાશી જ નજરે ચડતી. દુબઈમાં પણ આ જાણીતો દરિયો હશે એમ વિચારીને થોડી ધરપત થઇ. ઘરથી દૂર રહેતા લોકોની મનોસ્થિતિ કેવી હશે તેનો મને અંદાજ આવી રહ્યો હતો. એમાંય દુનિયાને બીજે છેડે રહેતા લોકોને તો બાર – બાર કલાક ફ્લાઈટમાં બેસીને જ ગર્ભનાળ કપાઈ રહી હોય એમ ભાસતું હશે. એટલે જ અમેરિકાની બર્કલી કોલેજના ભારતીય વિદ્યાર્થીઓ જ્યારે ‘યે વો બંધન હૈ જો કભી તૂટ નહિ સકતા’ લાઈન ગાય છે ત્યારે તેમાંથી મૂળ ગીત કરતા પણ વધારે વ્યથા છલકાય છે.

દુબઈ પહોચ્યો એ દિવસ ૩૧ ડીસેમ્બર હતો. નવા વરસને વધાવવા માટે આખું શહેર અશ્લીલ લાગે એ હદે સજાવવામાં આવ્યું હતું. એ સાંજે દુનિયાની સૌથી ઉંચી ઈમારત તરીકે ઘમંડપૂર્વક ઉભેલી બુર્જ ખલીફાની ઉપરથી શહેરની રોશની જોવા હું ગયો. ૧૨૫મે માળેથી નીચે ટપકાં ટપકાં જેવી દેખાતી લાઈટ જેટલી સુંદર લાગી રહી હતી એથીયે મોહક ઉપર ચૌદસનો તેજસ્વી ચન્દ્રમા લાગી રહ્યો હતો. પ્લેનમાંથી જે ધરપત દરિયાને જોઇને થઇ હતી, એ જ રાહત ચાંદાને જોઇને પણ થઇ. આ અજાણી જગ્યાએ કોઈ તો છે જે આપણને ઓળખે છે.

૩૦ સેકંડની અંદર રણમાંથી ગીચ શહેર : વેલકમ ટુ દુબઈ

ઉબરમાં ગાડી ન મળે તો હેલીકોપ્ટર બૂક કરી લેવાનું : વેલકમ ટુ દુબઈ

ખેર, પહેલા દિવસે હું એટલું બધું ફર્યો – એ પણ મોટેભાગે પગપાળા અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં – કે રાતે બાર વાગ્યે આતશબાજી જોવા જેટલી ત્રેવડ જ નહોતી બચી. એ પહેલાં જ હું સુઈ ગયો. દુબઈમાં ભાષા અને ખાવાનાની સમસ્યા નથી. લગભગ દરેક જણ હિન્દી સમજે છે અને ન સમજે તો અંગ્રેજી તો સમજે જ. તેમજ શાકાહારી ભારતીય ભોજન માટે પણ બહુ મહેનત ન કરવી પડે. આ બે ચીજને લીધે બીજા દિવસ સુધી તે સાવ અજાણ્યું નહોતું લાગી રહ્યું. ઉપરાંત ઠેકઠેકાણે મફતમાં ઈન્ટરનેટ પણ હતું એટલે મિત્રો – સંબંધીઓ સાથે જોડાયેલા રહેવું પણ સહેલું હતું. નવા વરસને લીધે મોટાભાગની હોટેલમાં યા તો જગ્યા નહોતી અથવા તે બહુ જ મોંઘી હતી. એટલે શરૂઆતના બે દિવસ જુના દુબઈના એક એવા વિસ્તારમાં રહેવાનું થયું કે જ્યાં શ્રમજીવી પાકિસ્તાની, બાંગ્લાદેશી, નેપાળી અને નાઈજીરીયન લોકો પુષ્કળ સંખ્યામાં રહેતા. આ વિસ્તાર તમને મુંબઈના કોઈપણ ભરચક વિસ્તારથી ખાસ અલગ ન લાગે. આવા વિસ્તારમાં સામાન્ય રીતે હોય એવાં દુષણ – ઘોંઘાટ, ગંદકી, ટ્રાફિક, થોડીઘણી ગુનાખોરી, બીજાના જીવનમાં ચંચુપાત કરવો વગેરે અહીં પણ ખરા. ફૂટપાથ પર ચાલતા તમને ‘મસાજ પાર્લર’ને નામે ચાલતા ઉંધા ધંધાના ફરફરિયાં વિખરાયેલા દેખાય. પણ એને નજરઅંદાજ કરો તો લાચારીના તાંતણે બંધાયેલી પ્રજા ખુબ મિલનસાર અને અજાણ્યા માણસોનું પણ ધ્યાન રાખે એવી. અલગ અલગ દેશ અને ધર્મના લોકો સાથે મળીને ચા પીતા દેખાય અને તેમના બાળકો શેરીમાં ક્રિકેટ રમતા પણ દેખાય. દુબઈના અન્ય વિસ્તારોની જેમ મકાનો પણ એટલાં ઊંચા નહિ કે તમારા અસ્તિત્વને, તમારી ગરિમાને વામણા પુરવાર કરે.

દુબઈનો ઝાકઝમાળ ભરેલો ચહેરો ચમકતો રાખતાં બ્યુટી પાર્લર

આ પણ દુબઈ છે ???

આ પણ દુબઈ છે !!

અસામાન્ય શહેરનાં સામાન્ય ચહેરાઓ

બે દિવસ પછી જે જગ્યાએ રહેવા ગયો એ આનાથી સાવ જ અલગ વિસ્તાર. અહી આવ્યા પછી જ ખરેખર દુબઈ આવ્યો હોઉં એવું લાગ્યું. ત્રીસ માળના મકાનમાં ઓગણીસમે માળે એક ટેરેસ ફ્લેટમાં હોસ્ટેલ બનાવવામાં આવી છે. એક રૂમમાં ટ્રેનની જેમ બે-માળના ઘણા બધા ખાટલા હોય જ્યાં સ્ત્રી પુરુષો સાથે જ રહે. ખુબ કિફાયતી દરે ખાટલાદીઠ રહેવા મળે. મોટાભાગના ઉતારુઓ ત્યાં યુરોપ – અમેરિકાના હતા. રૂમદીઠ એક જ બાથરૂમ હોવા છતાં ઘર કરતાં પણ વધારે ચોખ્ખાં હોય. એક મોટો કોમન રૂમ જ્યાં બેસીને તમે વાંચવા – લખવાનું – ગીતો સાંભળવાનું – લેપટોપ પર કામ કરવાનું – કે પછી અન્ય ઉતારુઓ સાથે ગપ્પાં મારવાનું રાખી શકો. જો કે આ બધું જ તમે આલીશાન અગાસીમાં પણ રાખી શકો કે જ્યાં હીંચકો, બિન બેગ, સોફા વગેરે વિવધ પ્રકારની આરામદાયક બેઠક બનાવી છે. અહીથી તમને નીચે દેખાતી સડક પર દુનિયાની લગભગ બધી જ ‘૫ સ્ટાર’ હોટેલ દેખાય. જમણી તરફ પ્રખ્યાત માનવનિર્મિત ટાપુ પામ જુમૈરાહ અને તેની પર આવેલ પ્રખ્યાત હોટેલ એટલાન્ટીસ તેમજ બુર્જ-અલ-અરબ દેખાય. ડાબી તરફ ‘લંડન આય’ની પ્રતિકૃતિ સમું પણ એથીયે વિશાળ ચકડોળ ‘ઐન દુબઈ’ દેખાય. ઉપરાંત આકાશ તરફ દોટ માંડી રહેલા અન્ય નામી-અનામી ઊંચા ઊંચા મકાનોનો તો કોઈ હિસાબ જ નહિ. તમે આ દ્રશ્ય જોઇને અંજાઈ ન જાઓ એ અશક્ય છે. પરંતુ એની પાછળનું ખરું કારણ એ કે, આ બધી જ ઈમારતો દરિયાકાંઠે આવેલી છે. ડાબેથી જમણે નજર ફેરવતા બુલંદ ઈમારતોનું જે ચિત્ર ઉભું થાય એ આખું દરિયાના નીલવર્ણ કેન્વ્સ પર ચીતર્યું હોય એવું લાગે. જો અહી દરિયાની મોજુદગી ન હોત તો આ દ્રશ્ય કેવું કુરૂપ બની જાત.

બધું જ માનવનિર્મિત સિવાય કે દરિયો

બે દિવસ પુરતું ઘર

ફલાફલ (ચણાના ભજીયા), હમ્મસ (ચણાની પેસ્ટ), તાહીની (તલની પેસ્ટ), પીટા બ્રેડ, ઓલીવ, કાકડી અને ટામેટાં – સસ્તું, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શાકાહારી અરબી ભોજન

આ વિસ્તાર સાચે જ દુબઈના સૌથી આલીશાન વિસ્તારોમાંનો એક હતો, એ વાત મને ત્યારે બરાબર સમજાઈ જ્યારે હું નીચે પેલી ‘૫ સ્ટાર’ હોટેલો વાળી સડક પર લટાર મારવા નીકળ્યો. લગભગ અડધી કલાક સુધી મને એકેય ભારતીય ના દેખાયો. બધા ગોરી ચામડીના લોકો અથવા દુબઈના શેખ. અને ગાડીઓમાં રસ ધરાવતા લોકોને તો અહી સ્વર્ગમાં આવી ગયા હોય એવું લાગે. દરેકેદરેક મોંઘીદાટ ગાડી અહી રસ્તાની બંને તરફ હરોળબંધ પાર્ક કરેલી દેખાય. મને આવા વિસ્તારમાં સાવ સસ્તાદરે આટલી સારી રહેવાની વ્યવસ્થા મળી ગઈ એ માટે હું મનોમન હરખાતો હતો. અને સાથે જ યુગલ નંબર એકની જેમ પેલો કે પેલી હોત તો તેને કેટલી મજા આવત એ વિચારે સહેજ હિજરાતો પણ હતો. ઘરથી દુર ગયા પછી જ ઘર શું છે એ સમજાય છે.

મારું માનવું છે કે શહેરો જીવતાજાગતા વ્યક્તિઓ હોય છે. તેમનું વ્યક્તિત્વ તેમાં વસતા લોકો, તેમની સંસ્કૃતિ અને કુદરતે તેને શું આપ્યું છે એ બધાનો ગુણાકાર હોય છે. જેમ કોઈ વ્યક્તિને મળીને તમને ખ્યાલ આવી જાય કે તમને એ પસંદ છે કે નહિ અને તમારું એની જોડે જામશે કે નહિ એવી જ રીતે શહેરમાં પણ અલ્પ સમયમાં જ તમને સમજાઈ જાય કે એ તમને અને તમે એને સ્વીકારો છો કે નહિ. જો એ તમને સ્વીકારશે તો તમારી પર જાતજાતની કૃપા વરસાવવા લાગશે અને તમે ચોક્કસપણે એ અનુભવી શકશો. અને જો એ તમને તરછોડવા કે પજવવા ધારતું હશે તો પણ તમે એ સમજી જશો. પાંચ દિવસ ફર્યા બાદ પણ દુબઈ સાથે મારો પ્રેમ સંબધ ન બંધાઈ શક્યો. હા, નફરત પણ નહોતી જ. એ બંનેની વચ્ચેનું કંઇક – કદાચ અવગણનાનો સંબંધ કહી શકાય.

જે શહેરમાં નદી – તળાવ – કે દરિયો હોય તેનું હૈયું એ તત્વોની ચેતનાથી ધબકતું હોય છે. શહેરની બધી જ પ્રવૃત્તિઓ એ તત્વ પર કેન્દ્રિત થયેલી હોય. દુબઈનું હૈયું વેપારી વાસનાથી સબડે છે. તેની બધી જ ગતિવિધિઓના કેન્દ્રસ્થાને વેપાર છે. કદાચ આ જ કારણ હતું જેને લીધે દુબઈ મને સ્પર્શી ન શક્યું.

હા, એક જગ્યા હતી જે મને ખરેખર સ્પર્શવા પામી.

મારા એકલપ્રવાસના પાંચ દિવસ બાદ હું અબુધાબી બેનને ઘરે રહેવા ગયો. શહેરની જાહોજલાલી, નવી જગ્યાઓ જોવાનો રોમાંચ અને જાતજાતના લોકો સાથે વાતો કરવાની મોજમાંથી જે ઉલ્લાસ મને નહોતો મળ્યો એ બેને વ્હાલથી રાંધેલા, બનેવીએ હેતથી પીરસેલા અને ભાણીના કલબલાટ સાથે આરોગેલા ભોજનનો એક કોળિયો મોંમાં મૂકતા અનુભવાયો.

Happiness is only real when shared

રણનું વાહન – ત્યારે અને અત્યારે

તેમણે મને બાકીના પાંચ દિવસ ઘણી જગ્યાઓએ ફેરવ્યો. પરંતુ તે સહુમાં એક અનુભૂતિ અવિસ્મરણીય છે – અબુધાબી સ્થિત શેખ ઝાયેદ મસ્જીદ. સફેદ આરસના ગુંબજ અને સાચા સોનાનાં નકશીકામ ધરાવતી કમાનોથી બનેલું આ વિશાળ પ્રાર્થનાગૃહ સ્થાપત્યકળાનો ભવ્ય નમુનો છે. તેની આસપાસ સ્વચ્છ પાણીના હોજ અને બગીચાઓ આવેલા છે. સાંજના સમયે પીળી રોશનીમાં નહાઈ રહેલા આ મસ્જીદનું પ્રતિબિંબ જ્યારે હોજમાં પડે છે ત્યારે એ દ્રશ્ય ઇસ્લામી સ્થાપત્યકળા અને સૌન્દર્યદ્રષ્ટિનું શિખર સમું લાગે છે.

રોજ હજારો લોકો અહી આવતા હોવા છતાં તમે અંદર લટાર મારો ત્યારે તમારા શ્વાસના પડઘા પડે એટલી નિરવતા. મસ્જિદના ભોંયરામાં આવેલા અતિસ્વચ્છ સ્નાનગૃહમાં વઝુ કરીને, અરબી ભાતવાળી જાજમ પર ખુલ્લે પગે ચાલતા ચાલતા તમે પ્રાર્થનાગૃહ સુધી પહોચો ત્યારે તમે બહારની દુનિયાથી અલગ થઈ ચુક્યા હો. માત્ર અંદરની દુનિયા પર તમારું ધ્યાન જવા માંડે. વિશાળ ગુંબજની નીચે તમે ઉભા હો ત્યારે પુરેપુરા એ જ ક્ષણમાં હો. ગુંબજ તમારી ઉપર એ રીતે ઉભો હોય જાણે તમારો અહમ, તમારી સમસ્યાઓ કેટલા વામણા છે એ દર્શાવતો હોય. તમારી અંદરનો ઘોંઘાટ ધીમે ધીમે શાંત થઈને આંખો વાટે બહાર ચાલ્યો જાય. તમે ધર્મમાં માનતા હો કે ના હો, ઈશ્વરમાં માનતા હો કે ના હો, પરંતુ આવી સભર ક્ષણોના સાક્ષાત્કારને તો નકારી ન જ શકો.

આવી ક્ષણો જ છે જે પ્રવાસનું – જીવનને જીરવવાલાયક ચીજ તરીકેનું – મહત્વ પ્રસ્થાપિત કરે છે. એક આદર્શ પ્રવાસ શિક્ષક અને પ્રેમી બંનેની ગરજ સારે છે, એક આદર્શ પ્રવાસી આજીવન વિદ્યાર્થી હોય છે અને આવા મહાન પ્રવાસીને જે સ્થળ કે વ્યક્તિ જકડીને રાખી શકે એ એનું નામ ઘર.

પરિવાર એટલે ઘર. જ્યાં તમને પ્રેમ કરનાર લોકો હોય, તમારી સંભાળ લેનાર લોકો હોય એ જગ્યા ઘર. સોમથી શુક્રનું દસથી સાતનું વૈતરું ઘર. જાણીતા ભોજનની માનીતી ગંધ એ ઘર. જ્યાં પોતાની સાઇકલ – સ્કુટર – ગાડી પોતે ચલાવીને નીકળો અને કોઈને દિશા માટે પૂછવું ના પડે એ ઘર. રીક્ષા મીટરથી ચાલતી હોય અને શાકવાળા સાથે ભાવતાલ ન કરવો પડે છતાં કરવાની મઝા આવે એ ઘર. મમ્મી, પપ્પા અને નાની એટલે ઘર. કેટલાકને જ્યાં જન્મ્યા અને મોટા થયા એ ઘર, ઘર નથી લાગતું અને તેઓ એની શોધમાં વર્ષો સુધી ભટકે છે. અંતે જીવનસાથીના સહવાસમાં ઘરની અનુભૂતિ પામે છે. અહી રમેશ પારેખ યાદ આવ્યા વિના નથી રહેતા – “કોઈ પૂછે જો ઘર મારું કેવડું, મારા વ્હાલમજી બાથ ભરે એવડું”

દુબઈનો મારો પ્રવાસ ઘર એટલે શું એ પ્રશ્ન છોડતો ગયો, જેનો ઉત્તર શોધવાનો પ્રયાસ ચાલુ છે. ઘોંઘાટીયા સ્વભાવ માટે કુખ્યાત ગુજરાતીઓનું એકાદ ગ્રુપ જો મને કોઈ શાંત સ્થળે ભટકાઈ જાય તો હું હેરાન થઇ જાઉં. દુબઈમાં ત્યાની ક્રિક એટલે કે ખાડીના કિનારે બેસીને હું પુસ્તક વાંચી રહ્યો હતો. બાજુના બાંકડા પર અને બાંકડાની નીચે શેતરંજી પાથરીને એક ગુજરાતી કુટુંબ આવીને બેઠું. તેમનો ઉત્તર ગુજરાતી છાંટ ધરાવતા કકળાટથી મને પડેલી ખલેલ આટલી મીઠી લાગશે એવું નહોતું ધાર્યું. દુબઈ પ્રવાસ મને એ પણ શીખવી ગયો કે પ્રવાસના લાલ-ગુલાબી ઝાંય ઉપરાંતના રંગો પણ હોઈ શકે. પાશ્ચાત્ય જગતની સગવડો અને પૂર્વી વિશ્વની સાહ્યબી બંને ધરાવતું દુબઈ પણ કેટલાંય લોકો માટે ઘર જ હશે ને! કેટલાંય લોકોને તે એટલું વ્હાલું અને પરમપ્રિય હશે જેટલું મને મુંબઈ.

4 Comments

 1. hathigs@gmail.com'
  Gajendra Hathi

  June 16 at 12:19 pm

  અતિ સુંદર. હ્રદય ભરાય જાય તેવું. પ્રવાસ વર્ણન પ્રથમ પંક્તિમાં મુકાય તેવું.અભિનન્દન.

 2. parul.khakhar@gmail.com'
  Parul Khakhar

  June 16 at 12:20 pm

  હાઈ,
  શેખ ઝાયેદ મસ્જિદનું વર્ણન એકદમ આરપાર જઈને સ્પર્શી ગયું. મેં અમુક ધાર્મિક સ્થાનોએ આ અનુભૂતિ કરી છે તેથી અહીંયા બેઠાં હું તમારી સંવેદનાઓને સમજી શકી.

  પ્રવાસ દરમ્યાન સતત ઘર જોડાયેલું રહે છે એ વાત ખૂબ જ કાળજીપૂર્વક કહેવાઇ છે. વધારે લાઉડ પણ નથી થતી અને સાવ વીસારે પણ નથી પડી જતી.

  કાશ… છોકરીઓ (અમારા જેવી… સેફ ઝોનમાં રહેવા ટેવાયેલી) પણ આવી કોઈ રઝળપાટ કમ સે કમ એક વખત કરી શકે. 🙏
  મજા પડી ગઈ દોસ્ત, લખતા રહો

 3. sau.mehta@yahoo.co.in'
  Saurabh Mehta

  June 18 at 6:19 am

  Dear Tumul,
  A heart touching travelog ! keep writing .
  Regards,
  Saurabh

 4. તુમુલ, હંમેશા ની જેમ, આફરીન. તારા લખાણમાં ક્યાંય કોઈ આયાસ નથી હોતો, એટલું સહજ હોય છે એટલે જ કદાચ સ્પર્શે છે. લેખ ની શરૂઆત અને ઘર વિશેની તારી વ્યાખ્યાઓ વાંચીને આપોઆપ મનમાંથી તારા માટે શુભેચ્છા નીકળે છે, ‘તને હંમેશા તારું ઘર મળી રહો. ‘…આમીન. અને હા, રખડું પ્રવાસ માં થી સમય મળે અને એ ઘર માં પગ વાળીને બેસે ત્યારે આવું કશુક લખતો રહેજે. જેથી દુર બેઠા બેઠા અમને પણ ખબર પડે કે તેં ક્યાં શું સંવેદના અનુભવી? મઝા આવી દોસ્ત.

Leave a Reply

Your email address will not be published.

*

© 2018 રઝળપાટ

Theme by Anders NorenUp ↑