વાત કરવી છે બે વાર્તાસંગ્રહ વિશે. એક કિશોર પટેલનો ‘ડિવોર્સ @ લવ ડોટ કોમ’ અને બીજો રામ મોરીનો ‘મહોતું’. બંનેમાં ચૌદ ચૌદ વાર્તાઓ છે. બંનેમાં અમુક ગ્રામ્ય અને અમુક શહેરી વાતાવરણમાં આકાર લેતી વાર્તાઓ છે. તમે મોટેભાગે કોઈ લેખકની વાર્તા દ્વારા એમનો પરિચય કેળવતા હો પણ આ બે લેખકોને હું ‘વાર્તા રે વાર્તા’ થકી પહેલાં મળ્યો અને પછી એમની વાર્તાઓ વાંચી. બસ આ સિવાય બંને પુસ્તકોમાં કોઈ સામ્ય નથી.

આમ તો વાર્તાસંગ્રહ વિશે એક પોસ્ટમાં લખી ન શકાય. દરેક વાર્તા પોતાનામાં એક નવલકથા કે એક ફિલ્મ લઇને આવે છે અને દરેક વાર્તા પર એક અલાયદો પોસ્ટ લખવો ઘટે. પરંતુ ગંગાસતીની વાત મારાથી કેમ કરીને ઉથાપી શકાય? એટલે વીજળીને ચમકારે મોતીડાં પરોવવાનો પ્રયાસ છે. આ પોસ્ટમાં કિશોરભાઈની વાર્તાઓ વિશે થોડું લખીશ અને એ પછી રામની વાર્તાઓ વિશે. મેં આ બધી વાર્તાઓ માત્ર મનોરંજન માટે નહીં, અભ્યાસાત્મક હેતુથી પણ વાંચી છે એટલે લખાણ થોડું શુષ્ક હોઇ શકે છે… બીજું એ કે હું વાર્તાઓ ખૂબ ધીમે વાંચું છું. નવલકથા એક બેઠકે વાંચી શકાય પણ નવલિકાઓ ધીમે ધીમે વાંચવી પડે છે. પહેલી વાર્તા વાંચવાથી લઇને અઠ્ઠાવીસમી વાર્તા વાંચવા સુધીમાં પાંચેક મહિના લાગ્યા છે અને એ દરમિયાન મારામાં એક વાચક અને એક વ્યક્તિ તરીકે કેટલાક ફેરફાર આવ્યા હશે. જેને લીધે પાછળથી વાંચેલી વાર્તાઓ માટે થોડો પક્ષપાત થયો હોઇ શકે છે.

મોટાભાગની વાર્તાઓમાં નાયક એક મધ્યમવર્ગીય પુરુષ છે. છ કે સાત વાર્તાઓનો નાયક એક વાર્તાલેખક છે. આ વાર્તાઓ પ્રથમ પુરુષમાં લખાઈ છે જ્યારે બાકીની ત્રીજા પુરુષમાં. બધી જ વાર્તાઓના પાત્રોની સમસ્યાઓ એકબીજાથી ખાસ જુદી નથી. કોઇપણ મધ્યમવર્ગીય માણસને પજવે તેવા બે છેડા ભેગા કરવાનાં પ્રશ્નો કિશોરભાઈનાં પાત્રોને પણ સતાવે છે. આમ જોવા જાઓ તો આ ખુબ જ સામાન્ય પ્રશ્નો છે. પરંતુ તે પ્રશ્નો સાથે દેશભરના લાખો કરોડો લોકો વર્ષોથી દિવસ રાત મુઠભેડ કરતા આવ્યાં છે અને આવનારા વર્ષોમાં પણ કરતાં રહેશે. અને એટલે જ આ નાના નાના પ્રશ્નો મોટુ રુપ ધારણ કરે છે. તે અનાદિ અનંતનાં પ્રશ્નો બની જાય છે. એવું નથી કે પુરુષો જ આ લડાઈમાં રત છે. સ્ત્રીઓ પણ એ જ મોરચે જોતરાઈ છે. અને કટોકટી જ્યારે યુદ્ધનાં ધોરણની છે ત્યારે કિશોરભાઈનાં પાત્રો નૈતિક અનૈતિકની પુનઃચકાસણી કરવા મજબૂર થાય છે. એક વાચકની રુએ આપણે પણ આપણી ઉપર ઠોકી બેસાડેલી નૈતિકતાને હચમચાવી નાખીએ છીએ અને તેનું ઇન્ટરોગેશન કરવા મથીએ છીએ. પાત્રો ગરીબ છે પણ તેમની ગરીબી એક વાસ્તવિકતા તરીકે દર્શાવાઈ છે. તેમની મજબૂરીનો ઉપયોગ વાચકની ભાવનાત્મક ઉશ્કેરણી માટે નથી કરવામાં આવ્યો. ખરેખર તો નાણાંભીડ એ કોઇપણ પાત્રનો પ્રાથમિક પ્રશ્ન છે જ નહીં. એવું લાગે છે જાણે આ બધાં જ પાત્રો એકબીજાને ઓળખતા હશે. કેટલાંકનો એકબીજા સાથે ઉઠવા બેસવાનો સંબંધ હશે, તેઓ પોતાના પ્રશ્નો એકબીજા સાથે વહેંચતા હશે. અમુક વાર્તાઓ ઘટના કેન્દ્રી છે જ્યારે મોટાભાગની પાત્ર કેન્દ્રી. આ સ્લાઈસીસ ઓફ લાઈફ પ્રકારની વાર્તાઓ છે જેમાં ખાસ કોઈ ઘટના આકાર નથી લેતી. પાત્ર એની રોજિંદી જીંદગી જીવતો હોય છે અને એમાં જ ક્યાંક કોઈ સાવ ક્ષુલ્લક બાબત બને છે જે એનાં વ્યક્તિત્વ અને વિશ્વ વિશે ઘણું બધું કહી જાય છે.

કેટલાંક વિશિષ્ટ સંવાદો / શબ્દપ્રયોગ / શૈલીપ્રયોગ

  1. મારો સુરીયોમાં વૃદ્ધ દંપતિની એકલતા દર્શાવવા પ્રાણીઓ સાથે માનવ જેવો વર્તાવ કરે છે.
  2. સેક્સ માણવું માટે વપરાયેલ શબ્દ સંસાર માણવો (શું સંસાર એટલે માત્ર સેક્સ?)
  3. ત્રણ વાર્તાઓ જેનો નાયક લેખક છે એ સર્જન પાછળનાં લોહીબળાપા વિશે, કળાના વિનિમય વિશે અને લેખન – જીવન વચ્ચેનાં તફાવત વિશે ધારદાર પ્રશ્નો પૂછી જાય છે
  4. એક જ વાર્તાનો કથક બદલીને તેને ફરી કહેવાથી તે બીજી વાર્તા બની જાય એનાં જ્વલંત ઉદાહરણ જેવી બે વાર્તાઓ (કે એક વાર્તા) થેન્ક ગોડ અને ઓહ ગોડ.
  5. દરેક વાર્તા પછી પ્રખ્યાત લેખકોનાં લેખન વિશેના ક્વૉટસ.

કુલ મિલાકે પાત્રો અને વિશ્વને લીધે ખૂબ મજેદાર પુસ્તક. અલગ પ્રકારની વાર્તાઓ વાંચવામાં રસ ધરાવતા હો તો વાંચવા જેવું પુસ્તક. અને જો કોઈ દિવસ કલમ ઉઠાવીને કઈંક લખવાની જહેમત કરી જોઇ હોય તો ખાસ વાંચવા જેવું પુસ્તક.