બે કોલંબસ

એક વાંદાઓથી ભરેલી ઓરડીમાં મારે એક રાત પુરતું સુવાનું થયું હતું. મારા સામાનમાં કે પથારીમાં વાંદા ચડી જશે એ બીકે મને માંડ માંડ ઊંઘ આવી અને સવારે ઉઠીને સૌથી પહેલો વિચાર પણ એ જ આવ્યો કે લાવ જોઈ લઉં ક્યાંક સાચ્ચે જ બેગમાં વાંદા ઘુસી તો નથી ગયા ને. અને ત્યારબાદ જે વિચાર આવ્યો એનું પરિણામ આ વાર્તા છે.


દર્શન પટેલ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા પર ન્યુ યોર્કની ફ્લાઈટની રાહ જોતો બેઠો હતો.

તારકોન તિલચટ્ટા તેના વહાલાં પરિવારજનોને છોડીને એક લાંબી, અનિશ્ચિત મુસાફરી પર  જઇ રહ્યો હતો. કદાચ હંમેશને માટે.

દર્શન એના પરિવારમાંથી અમેરિકા જઇ રહેલો પહેલો વ્યક્તિ હતો. એના દુરના કાકાઓ અને પપ્પાના કેટલાક મિત્રો કેનેડા, લંડન અને સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા. પણ અમેરિકા તો બોસ્સ અમેરિકા છે. અને હવે જો આવતા બે વર્ષમાં બધું એની ગણતરી મુજબ થયું તો એ છેલ્લો તો નહીં જ હોય.

તારકોનનો પરિવાર તો વણઝારો હતો. પરિવાર જ કેમ એની સમગ્ર પ્રજાતિ જ રખડુ હતી. દુનિયાના કોઇ પણ ખૂણે તમને એમના સગાવહાલાં મળી આવે. તારકોનને પણ એનો પરિવાર આજે આ વિશાળ દુનિયાના કોઈ અજાણ્યા ખૂણે મોકલી રહ્યો હતો.

દર્શનને જ્યારે અમેરિકામાં ભણવા જવા માટે વિઝા મળ્યા ત્યારે એના પપ્પાનો હરખ સમાતો નહોતો. આખા મણિનગરને એમણે પેંડા ખવડાવ્યા હતા. પણ જેમ જેમ એના જવાની તારીખ નજીક આવતી ગઈ એમ એ ઢીલા પડવા માંડ્યા હતા. અને અંતે જ્યારે દસ મિનીટ પહેલા તેઓ એરપોર્ટ પર વળાવીને ગયા ત્યારે આંખમાંથી આંસુ ટપકી રહ્યા હતા.

તારકોનના જન્મથી જ એના પપ્પાએ એનું ભાવી નક્કી કરી રાખ્યું હતું. છેલ્લી ત્રણ-ત્રણ પેઢીથી તેમનો પરિવાર એક જ જગ્યાએ સ્થાયી થયો હતો અને હવે સમય પાકી ગયો હતો વિસ્થાપનનો નહીતર એમનો વંશવેલો આ સિમેન્ટ, કોન્ક્રીટ અને કાચના વિશ્વમાં જ કેદ રહી જશે. આજે એ મોકો આવી ચુક્યો હતો. ભલે જન્મથી જ એને જાણ હતી કે એક દિવસ ઘર છોડીને જવાનું છે તેમ છતાં જેમ જેમ વિદાયની વેળા નજીક આવી રહી હતી તેમ તારકોન નર્વસ થઇ રહ્યો હતો.

દર્શનના પપ્પા કરતાં મમ્મી ઘણી જ સ્વસ્થ જણાતી હતી. તેને પહેલી વાર એકલા જઈ રહેલા અને એ પણ વિદેશ જઈ રહેલા દીકરાની ચિંતા નહોતી એવું તો નહીં પણ  સાથે આપેલા બસ્સો થેપલા અને ખુબ બધો સુકો નાસ્તો તેનું ધ્યાન રાખશે એવી ધરપત હતી. બીજું કાંઇ પણ થાય છોકરાને ભૂખ્યા પેટે સુવાનો વારો તો નહીં જ આવે. કદાચ યુનીવર્સિટીની લાખો રૃપિયાની ફી ભરીને પણ બાપ નિશ્ચિંત નહીં થઇ શકતો હોય અને છોકરું ભુખ્યું નથી એટલી જાણ માત્રથી મા ને હૈયે ટાઢક થઈ જતી હશે. દર્શનને હવે ખૂબ ભૂખ લાગી હતી. પણ ડબ્બો કાઢીને ખાય તો કેવું લાગે? આખા એરપોર્ટ પર લટાર મારીને તેણે તપાસ કરી લીધી કે સૌથી સસ્તું ખાવાનું CCD માં મળતું હતું. કમાલની વાત એ હતી કે કોલેજમાં મોટેભાગે અમીર બાપના છોકરાઓ જ CCD માં જતા અને અહીં તો સાવ ઉંધો જ scene હતો.

તારકોન એની મંઝિલ તરફ લઈ જનાર ઉડનખટોલા પર સવાર થઈ ચુક્યો હતો. ગતિને લીધે તેની નર્વસનેસ થોડી ઘટી હતી. હજુ તે ઘરથી બહુ દુર પહોચ્યો હોય એવું નહોતું લાગતું કારણકે તેના પરિચિત વિસ્તારમાં જ ઉડનખટોલો ચકરાવો લઇ રહ્યો હતો. દુરથી આવતી ખાવાનાની સુગંધ પણ જાણીતી લાગતી હતી.

દર્શન ફિક્કી ફિક્કી કોર્ન સેન્ડવિચને મોળી મોળી કોફીના ઘુંટડા વડે ગળે ઉતારતો હતો. હવે તો આવતા બે વર્ષ આવું ખાવાની જ આદત પાડવી પડશે. જે ભેગો કૉર્સ પુરો થાય અને નોકરી લાગે એટલે મમ્મી પપ્પાને અમેરિકા બોલાવી લેવા છે. પછી તો ખાવા પીવાની કોઈ ચિંતા જ નહિ. બસ પછી ધીમે ધીમે ગ્રીન કાર્ડ અને સિટીઝનશિપ મળી જય એટલે લાઈફ સેટ. ત્યારબાદ અહીંની ભીડ, ગંદકી, ઘોંઘાટ, ગરમી બધાથી કાયમ માટે આઝાદી. પૈસા કમાવાના, સ્પોર્ટ્સ કાર ચલાવવાની, મોંઘી શેમ્પેન પીવાની, વીકેન્ડમાં કેસીનોમાં જવાનું આ બધું તો અમેરિકામાં જ શક્ય થાય. ન કોઈ સમાજના બંધન કે ન કોઈ જાતની સરકારની પાબંદી. જલસાની લાઈફ. ઇન્ડીયામાં તો માણસ બે છેડા ભેગા કરવામાં જ બુઢ્ઢો થઇ જાય. એમાં પોતાની માટે તો સમય જ ક્યાંથી મળે? આ પપ્પાને જ જોવોને મણીનગર સ્ટેશનની સામે રેડીમેડ ગારમેન્ટની દુકાન હતી એમાંથી આજે ચોવીસ વર્ષે જઈને છેટ મોલમાં શોરૂમ ખોલી શક્યા છે. યાર આટલી ધીમી લાઈફ મને નથી જોઈતી. ઇન્ડીયાના ભલે અચ્છે દિન આવશે ત્યારે પણ મારા અને મારી ફેમિલીના અચ્છે દિન તો આજ થી જ શરુ થયા છે. આવા દિવાસ્વપ્નોમાં ખોવાયેલા દર્શનની સાથે એક યુવતી અથડાઈ ગઈ જેથી કોફી અને સેન્ડવીચ પોતાના શર્ટ અને બેગ પર ઢોળાયા. તેને બરોબરની ખીજ ચડી પણ પેલીને કઈ કહેવાય એવું નહોતું કારણકે એક તો પોતે રસ્તાની વચ્ચે ઉભો હતો અને બીજું પેલી બહુ ક્યુટ હતી. પેલી સોરી સોરી કરતી ચાલી ગઈ અને દર્શન ડાઘ સાફ કરવા વોશરૂમ તરફ ચાલ્યો.

તારકોનને હવે કકડીને ભૂખ લાગી હતી. પેલી દુરથી આવતી સુગંધ આવ નજીક આવી ગઈ હતી. તેણે ઉડનખટોલામાં એક આંટો મારીને જોયું તો એક ખૂણામાં કોફ્ફી અને કોર્ન સેન્ડવીચ મળતા હતા. તરત તેણે આ બંને વસ્તુનો સફાયો બોલાવી દીધો. પેટ ભરાઈ જવાથી એને ઊંઘ આવી રહી હતી. પણ પપ્પાએ કહ્યું હતું કે કાઈ પણ થાય સુતો નહિ. એક જગ્યાએ બેસતો પણ નહિ. ચાલ્યા કરજે. કાઈ અવાજ થાય તો ત્યાં થી ભાગી જજે. આ એક જ રસ્તો છે જીવતા રહેવાનો અને તારી મંઝીલ સુધી પહોચવાનો. તારકોન પરાણે આંખો ખુલ્લી રાખીને બેઠો રહ્યો. ઊંઘ ન આવી જાય એટલા માટે એ મૂછોને નચાવતો હતો. તેને દુરથી કોઈ દુર્ગંધ આવતી હોય એવો ભાસ થયો. અરે આ શું? આ તો બિલકુલ પોતાના ઘરેથી આવતી વાસ જેવી હતી જે વધુ ને વધુ નજીક આવી રહી હતી. અચાનક એક જગ્યાએ આવીને ઉડનખટોલો ઉભો રહી ગયો. શું ચાલી રહ્યું છે એ જોવા તારકોન નીચે ઉતર્યો.

દર્શને તેની બેગ નીચે મૂકી અને અરીસામાં શર્ટ પર લાગેલા ડાઘને ધ્યાનથી જોવા લાગ્યો.

તારકોનને નક્કી લાગી રહ્યું હતું કે આ તેનું ઘર જ છે. કાંઇક ગેરસમજ થઇ છે અને પોતે ખોટા ઉડનખટોલામાં બેસી ગયો છે. એમ તો પપ્પાએ પુરતી તપાસ કરીને જ મને બેસાડ્યો હતો અને એમ પણ કહ્યું હતું કે “આ ઉડનખટોલો જ્યાં ઉતરશે તે એક નવી જ દુનિયા હશે. આપણામાંથી કોઈએ ન જોઈ હોય, સપનામાં પણ ન વિચારી હોય એવી કોઈ જગ્યા. જ્યાં રહેવા ખાવાની કોઈ ચિંતા જ નહિ. એટલું અઢળક ખાવાનું અને એટએટલા પ્રકારનું ખાવાનું જે આપણે ત્યાં લગ્નમાં પણ ન હોય. અને એ ખાવા વાળાઓમાં પણ ખાસ કોઈ હરીફાઈ નહિ. ખાવ તમારાથી જેટલું ખવાય એટલું અને તગડા થાઓ. રહેવા માટે પણ મસમોટી વસાહતો હોય છે ત્યાં. એવું નહિ કે અહીની જેમ એક ખૂણામાં ભરાઈ રહેવાનું કે જ્યાંની દુર્ગંધથી જ કાચાપોચા તો મરી જાય. દરેકની માટે સ્વતંત્ર રૂમ. બસ તું ત્યાં જ અને મોજ કર. ત્યા જ કોઈ સારું પાત્ર જોઇને પરની જજે અને થાય એટલા છોકરાં પેદા કરજે. અમારો તો ત્યાં આવવાનો કોઈ ભરોસો નહિ પણ તું આપણા કુળનું નામ રોશન કરજે”. અને પોતે અત્યારે જ્યાં આવી ગયો હતો એ તો પપ્પાએ કીધેલી વાત સાથે જરાય મેળ નહોતું ખાતું. તે વધુ તપાસ કરવા ઉપરને માળે ગયો.

દર્શને શર્ટ પરના ડાઘને સાફ કરવા માટે વોશ બેસીનનો નળ ખોલવા હાથ લંબાવ્યો.

તારકોન હજી તો ઉપર પહોચ્યો જ હતો ત્યાં એના પપ્પાએ જેનાથી સૌથી વધારે સાચવીને ચાલવા કહ્યું હતું એ પરિસ્થિતિ આવી ગઈ. એક વિશાળ કદનું પ્રાણી કે જેની પ્રજાતિ પોતાને પૃથ્વી પરના સૌથી હોશિયાર જીવ માનતા હતા, તેનો કદાવર હાથ પોતાના તરફ આવી રહ્યો હતો. જોવાની વાત એ હતી કે આ પ્રાણીઓ પૃથ્વી પર ફક્ત બે લાખ વર્ષ જુના હતા અને તેમને ગમે તે ઘડીએ તેમની સમગ્ર પ્રજાતિનો વિનાશ થવાનો ડર સતાવતો હતો. જ્યારે પોતાની પ્રજાતિ તો બત્રીસસો લાખ વર્ષથી પૃથ્વી પર જીવતી આવી છે અને હજી પૃથ્વીના અંત સુધી જીવવાની ધગશ પણ ધરાવે છે. તેમ છતાં પેલા લોકો પોતાને હોશિયાર સમજતા હતા અને આવા વિશાળકાય લોકોથી બચીને ચાલવામાં જ ખરી હોશિયારી છે એવી સમજણ પપ્પાએ કહ્યા વગર જ તારકોનમાં હતી.

“સાલા આ જ પ્રોબ્લેમ છે ઈન્ડિયાનો” દર્શન મનોમન બબડ્યો “એરપોર્ટ જેવી જગ્યાએ પણ વોશરૂમ સાફ નથી રાખતા. આ નળ પર વાંદા ફરે છે” નળ તરફ જતો તેનો હાથ રોકાઈ ગયો. ઘડીભર માટે તે વાંદાને જોતો રહ્યો. એકવાર તો તેને થયું કે લાવ એક ઝાપટ મારીને આને ખતમ કરી નાખું. કઈ નહિ તો એક ટીચકી મારીને દુર ક્યાંક ઉડાડી દઉં. પણ પછી એના મનમાં અચાનક ક્યાંકથી દયા ઉપજી આવી અને એ બાજુના બેસિન તરફ ખસી ગયો.

તારકોન તરફ આવતો પેલા રાક્ષસનો હાથ અટકી ગયો અને એ આંખોમાં આંખો નાખીને થોડીવાર સુધી એમ જ ઉભો રહ્યો એની તારકોનને બહુ જ નવાઈ લાગી. એને તો એમ હતું કે બસ હવે મારું આયુષ્ય પૂરું. યાદ આવ્યા તે બધા જ દેવી દેવતાઓનું સ્મરણ તેણે કરી લીધું. અને સાચ્ચે જ તેમની કૃપા દ્રષ્ટિ પોતાના તરફ ફરી અને પેલો દાનવ હાથ પાછો ખેંચી લઈને દુર ચાલ્યો ગયો. તારકોને હાશકારો લીધો અને દોડીને તે પાછો પોતાના ઉડનખટોલા પર બેસી ગયો.

દર્શન બેગ ઉપાડીને ફ્લાઈટ તરફ ચાલતો થયો.

પોતપોતાની જિંદગીનો એક અતિ મહત્વનો પ્રવાસ ખેડી રહેલા બે પ્રવાસીઓ એ વાતથી સાવ અજાણ હતા કે થોડી વાર પહેલા જ્યાં મારવા-મારવાની વાત હતી ત્યાં હવે તેઓ ચોવીસ કલાક માટેના હમસફર બનીને જઈ રહ્યા હતા.

4 Comments

  1. Hey! Why don’t U travel to US n settle down there n enjoy coffee-Sandwich. Enjoyed. Keep writing.

  2. વાહ.. ખૂબ સુંદર વાર્તા.. સાવ અલગ પ્રકારની..

Leave a Reply

Your email address will not be published.

*

© 2018 રઝળપાટ

Theme by Anders NorenUp ↑