છલનાયક – નીલેશ રૂપાપરા

ખલનાયક સાથે શબ્દરમત કરીને બનાવેલું શીર્ષક છલનાયક. ચબરાકિયાં નામવાળી નવલકથા વાંચવામાં એક જોખમ ખરું; રખે પુસ્તકની સામગ્રી પણ માત્ર સ્માર્ટ, રમતિયાળ હોય અને ઊંડાણનો સદંતર અભાવ હોય તો છેતરાયાનો ભાવ આવ્યા વિના ન રહે. માત્ર ‘પલ્પ’ લખવામાં કે વાંચવામાં કંઈ ખોટું નથી પણ જયારે જિંદગીમાં માત્ર બસ્સો – ત્રણસો પુસ્તકો જ વાંચી શકાય એમ હોય ત્યારે મારી પહેલી પસંદગી એ તરફ નહિ ઢળે. એટલે જ જયારે આ કથા છાપાંમાં હપ્તાવાર આવતી ત્યારે મેં નહોતી વાંચી. પરંતુ નીલેશને મળ્યા પછી અને તેમની વાર્તાકળા વિશેની ઊંડી સમજ વિષે જાણીને મેં આ જોખમ લઈ જ નાખ્યું.

થોડા સમય પહેલા અંગ્રેજીમાં એક પ્રદીર્ઘ લેખ વાંચ્યો હતો જેનું શીર્ષક હતું ‘what makes you, you?’. એ લેખ વાંચીને મગજ ફરી ગયેલું અને દિવસો સુધી તેની અસર રહી હતી. છલનાયકનો મધ્યવર્તી વિચાર પણ એ જ છે જે લેખનો વિષય છે. પુસ્તક વાંચતી વખતે જ્યારે મને એ સમજાયું કે પુસ્તકનો એક લીટીનો સારાંશ ‘તમને, તમે શું બનાવે છે’ એ જ છે, બસ એ જ ઘડીએ મને લીધેલું જોખમ વસૂલ થતું જણાયું. એક તો આવો ગૂઢ વિષય અને તેને પ્રગટવા માટે સાયન્સ ફિક્શનનો અવતાર અને એ પણ ગુજરાતીમાં એ ખૂબ જ હિંમત ભરેલું પગલું છે. અને એમ કરવા જતાં વાર્તારસમાં ક્યાંય ઉણપ નથી આવી.

‘ધ રૂમ’ નામની એક અંગ્રેજી ફિલ્મમાં મધ્યાંતર પૂર્વે જ વાર્તા પૂરી થઈ જાય છે. એક બાળક છે જેને નાનપણથી જ તેની મા સાથે એક બારી વગરનાં ઓરડામાં પૂરી રાખ્યો છે અને તેને બહારની દુનિયા વિષે કોઈ ખ્યાલ જ નથી. તેની માટે બહારની દુનિયા એટલે છતમાં એક નાનકડા કાચનાં ટુકડામાંથી દેખાતું આકાશ અને ટી.વી. પર આવતાં દ્રશ્યો. મા ની પૂરી કોશિશ હોય છે કે તેઓ ત્યાંથી ભાગી છૂટે. હવે, મધ્યાંતર સુધીમાં જ તેઓ સફળતાપૂર્વક આઝાદ થઈ જાય છે અને ત્યાં વાર્તા પૂરી થતી જણાય છે. પરંતુ ફિલ્મની સુંદરતા એ જ વાતમાં રહેલી છે કે મધ્યાંતર બાદ દસ વર્ષની વયે અચાનક પહેલી વાર આપણી દુનિયા જોઈ રહેલા તે છોકરા પર શું વીતે છે, દસ વર્ષ બાદ કેદમાંથી છૂટેલી સ્ત્રીની મનોસ્થિતિ કેવી છે વગેરેનો ખૂબ સંવેદનશીલ ચિતાર તેમાં રહેલો છે. નવલકથાના આશરે સો પાનાં વાંચ્યા બાદ મને એમ થયું કે જો નીલેશભાઈએ પણ આવી જ રીતે ઘટનાઓને પ્રથમાર્ધમાં સમેટી લઈને પછીનો ભાગ જો માત્ર આખી બાબતના વૈજ્ઞાનિક હિસ્સાને છોડીને માનવીય હિસ્સા પર કેન્દ્રિત કર્યો હોત તો ખૂબ કળાત્મક નવલકથા બની શકત… જો કે તેમણે એમ ન કરતાં મસાલેદાર બોલીવુડ કે હોલીવુડ ફિલ્મની જેમ ઘટનાપ્રચુર, દિલધડક વાર્તા લખી છે. અને તે બેશક મજેદાર છે જ. પણ આ તો જસ્ટ એક રેન્ડમ વિચાર…

વાર્તા વિષે કંઈપણ કહેવામાં અમુક અગત્યનાં રહસ્યો ખુલ્લા થઈ જવાનો ભય હોઈ, માત્ર મને શું ગમ્યું અને શું ન ગમ્યું એની વાત કરું –

 • વાર્તાનો પ્લોટ તો રોચક છે જ પણ સાયન્સ ફિક્શનમાં એમણે જે ઠેકઠેકાણે ભારતીય દર્શન અને આધ્યાત્મિકતાનું સાયુજ્ય કર્યું છે એ મનોહર છે. દાખલા તરીકે, નાયકની ગણેશ સાથેની સરખામણી, મૃત્યુ પછીના જીવનની વાતો, જડ-ચેતનની ફિલોસોફી, પુનર્જન્મ વગેરે વગેરે.
 • નાયક, અન્ય મુખ્ય પાત્રો – તેની પ્રેયસી, તેનો પરમમિત્ર, તેના પિતા, પ્રેયસીના પિતા, નાયકનો હમશકલ – તેમજ ગૌણ પાત્રો, આ દરેકના પાત્રાલેખન એટલા સરસ થયાં છે કે તેમાંના કેટલાંક હજુ મારી સાથે છે. ઉપરાંત જગ્યાઓ અને તેમાં ઘટેલી ઘટનાઓનાં એટલાં તાદ્દશ વર્ણન કે, હું જ્યારે હૈદરાબાદમાં હુસૈન સાગરની ફરતે રાતના સમયે આંટા મારતો હતો ત્યારે મારી આંખો પલાશ (વાર્તાના નાયક)ને જ શોધી રહી હતી.
 • નાયકના પિતાની બેકસ્ટોરી બહુ જ સુંદર આલેખાઈ છે. એ પોતાનામાં જ એક ટૂંકી વાર્તા જેવી છે. મારે માટે પુસ્તકનો એ ભાગ સૌથી સુંદર હિસ્સો રહ્યો.
 • ખૂબ કસાયેલી ભાષા. સારી ભાષા જ છે જે સારી કથાવસ્તુ ધરાવતી અનેક નવલકથાઓમાં કેટલીક નવલકથાઓને એ-ગ્રેડમાં બેસાડે છે જયારે અન્યોને બી-ગ્રેડ જ રાખે છે. (જેમ કે મિત્ર જીતેશ દોંગાની ‘નોર્થ પોલ‘)
 • ફોર-શેડોઈંગ (Foreshadowing) – લેખનની એક એવી તરકીબનું શાસ્ત્રીય નામ છે કે જેના દ્વારા લેખક વાચકોને આવનારી ઘટનાઓ વિષે સંકેત કરે છે. વાચકના મનમાં એક અપેક્ષા જન્મે છે જેને આગળ જતાં લેખક વાર્તાની જરૂરિયાત મુજબ કાયમ રાખે છે અથવા તો તોડી પણ નાખી શકે છે. છલનાયકમાં એકથી વધારે વખત નિલેશભાઈએ આ તરકીબનો સફળ પ્રયોગ કર્યો છે. તેમજ ઝવેરી નામના એક વૈજ્ઞાનિકનું યોગ્ય સમયે અપહરણ થઈ જવું એ એક માસ્ટરસ્ટ્રોક હતો. જે વ્યક્તિને બધાં જ રહસ્યો વિષે ખબર છે એ વ્યક્તિ જ ગાયબ છે જેને લીધે બાકીનાં બધાં જ પાત્રોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. એમાંના કેટલાંકનું તો અસ્તિત્વ જ ખતરામાં મુકાઈ જાય છે.
 • હવે શું ન ગમ્યું એ: વૈજ્ઞાનિક પ્રક્રિયા અને સિદ્ધાંતોની અતિ લાંબી અને નીરસ વિગતો. આ જ વિગતો વાર્તામાં વણી લેવાઈ હોત તો કદાચ વધુ ગ્રાહ્ય બની શકત. મેં તો પુસ્તકના રૂપે નવલકથા વાંચી પણ જ્યારે તે છાપાંમાં આવતી ત્યારે લગભગ એકથી દોઢ હપ્તો માત્ર આ વર્ણનોમાં જ ગયો હતો અને તેને લીધે વાચક તૂટવાની પૂરી શક્યતા. આટઆટલી વિગતો આપવા માટે પુષ્કળ રીસર્ચ કરવી પડી હશે. પરંતુ તે છતાંયે ‘સ્કીન ગ્રાફ્ટીંગ’ની બદલે ‘સ્કીન ગ્રાફિટી’ શબ્દ વાપરવામાં આવ્યો છે (અને ના આ મુદ્રણદોષ હોય એવું નથી લાગતું).
 • તે ઉપરાંત પણ અમુક જગ્યાએ એટલી બિનજરૂરી ઝીણી ઝીણી વિગતો આપી છે કે જેનો વાર્તા સાથે કોઈ સંબંધ નથી. દાખલા તરીકે આર્યા (નાયકની પ્રેયસી)ની માતા લેટીન અમેરિકન છે કે પછી તેની નાટક કંપનીનું નામ.
 • પુસ્તકમાંથી ઠેકઠેકાણે ભારતીય અને તેમાંય ગુજરાતી વાચકો માટે ‘આટલું’ સાયન્સ ફિક્શન પૂરતું છે, એવી બૂ આવે છે. આ વિધાનને સમર્થન આપવા માટે મારે પાસે કોઈ ઠોસ દલીલ કે ઉદાહરણો નથી. આ માત્ર એક ફીલિંગ છે અને તે મારી પોતાની અપેક્ષાઓને લીધે હોઈ શકે છે. પણ જો કદાચ (પેલા લેખની જેમ) નાયક અને તેના હમશકલની વચ્ચે જે પ્રયોગ કરવામાં આવ્યો છે તે પ્રકારના અન્ય પ્રયોગો કરાયા હોત તો તે આ નવલકથાને અલગ જ સ્તર પર લઈ જાત. એમ કરતાં મૂંઝવણ વધી જાય એ પણ શક્યતા ખરી જ પણ ત્યાં જ તો લેખકનું કૌવત રહેલું છે!

આ (અને આ પ્રકારની અન્ય મનોરંજક) કૃતિઓનું સાહિત્યિક મૂલ્ય કેટલું, એવો એક પ્રશ્ન ઉઠે છે. સાથે જ એ પ્રતિપ્રશ્ન પણ ઉદ્ભવે છે કે, દરેક કૃતિનું સાહિત્યિક મૂલ્ય હોવું જરૂરી ખરું? ફિલ્મોની વાત કરીએ તો મુન્નાભાઈ કે ૩ ઇડીયટ જેવી થોડી અલગ પ્રકારની ફિલ્મો પણ કલાત્મક દ્રષ્ટીએ એવી સબળ નથી તો પછી લખાણના માધ્યમ પાસે આટલી ઉંચી અપેક્ષા કેમ? આ માત્ર રેટરિક (rhetoric) પ્રશ્ન નથી પણ મને ખરે જ આનો ઉત્તર ખપે છે…

અંતે એટલું જ કહીશ કે, છલનાયક તો મારી માટે બોનસ જ હતી. મૂળે તો મને નીલેશભાઈની ટૂંકી વાર્તાઓ વાંચવાની તાલાવેલી હતી જે ‘આનંદ રોડની પેલે પાર’ નામનાં પુસ્તકરૂપે હાલ જ મારી પાસે આવી છે. એ વિષે ટૂંક સમયમાં અહી લખીશ…

4 Comments

 1. આટલ રસથી આ નવલકથા વાંચી એ મિત્રભાવે ગમ્યું [ મિત્રભાવ તારા તરફનો કે નિલેશ તરફનો તે અધ્યાહાર ]

  હું કદાચ પક્ષપાતી હોઈ શકું પણ મારું માનવું છે કે કથાનો લોકાભિમુખ અભિગમ એટલો ઘાતક પણ નથી કે સાહીત્યીકતા રહેંસાઈ ગઈ હોય.

  અલબત્ત તે સુચવેલા વૈકલ્પિક સ્તર અદભુત છે પણ એ તો હમેશાં રહેવાનું, વારતા [ ચાહે નોવેલની કેમ ન હોય ] સંબંધ કે કવિતાની જેમ વિરમતી નથી જ, કોઈ ખુબસુરત મોડ પર છોડવી રહી..

  આભાર —

  • ના. સાહિત્યિકતા રહેંસાઈ નથી જ ગઈ. પણ આને હાડોહાડ સાહિત્યિક નવલકથા ન કહી શકાય. અને એટલે જ હું એ વાંચવાનું પસંદ ન કરત જો એ કોઈ અજાણ્યા લેખકની હોત.

 2. keyshorpatel@gmail.com'
  કિશોર પટેલ

  November 16 at 7:02 am

  નવલકથા “છલનાયક” મેં હપ્તાવાર વાંચી છે, એક પણ હપ્તો ચૂક્યા વિના. પુસ્તકરૂપે વાંચવાની હજી બાકી છે. લાંબી નવલકથા હપ્તાવાર વાંચવાની અલગ મઝા છે. ઘણી ઓછી નવલકથાઓ મેં એ રીતે વાંચી છે. પુસ્તકરૂપે જ વાંચવાનું હું વધુ પસંદ કરું છું. પણ અહીં અપવાદ કર્યો કારણ કે લેખક જાણીતા અને મિત્ર હતા. ખેર, નવલકથા વિષે મારો અભિપ્રાય હું અહીં હમણાં નહીં કહું. તુમુલના અભિપ્રાય બદલ કહીશ કે; સરસ પૃથ્થકરણ. ગમ્યું. રાજુએ નોંધ્યું એમ વિકલ્પો સરસ છે. સારી કૃતિઓ સાથે આવું થાય છે. સારી કૃતિ હંમેશા વિકલ્પો સુઝાડે છે. વેલ, તુમુલ, જોબ ડન વેરી વેલ!

  • “સારી કૃતિ હંમેશા વિકલ્પો સુઝાડે છે” – સહમત. પણ શું શ્રેષ્ઠ કૃતિ વિકલ્પશૂન્ય કરી મુકે છે?

Leave a Reply

Your email address will not be published.

*

© 2017 રઝળપાટ

Theme by Anders NorenUp ↑