“ભરી મહેફિલમાં બહારના અંધકારમાંથી એક બારીએથી એક પંખી આવ્યું અને બીજી બારીએથી ઊડી ગયું. બસ એટલા સમયની આ વાત છે”

આઠ – દસ વર્ષ કે એથી પણ વધુ સમય પહેલાં જોયેલા એક નાટકની આ ટેગલાઇન હજુ પણ યાદ છે. ઇમેજ પ્રકાશને ધીરુબેન પટેલની નવલકથા ‘આગંતુક’ નાં વિમોચન માટે ખાસ આ નાટક રજુ કર્યું હતુ અને ભાઈદાસ ખાતે મફત પ્રયોગ રાખ્યો હતો. પ્રોટેગોનિસ્ટ ઈશાનનાં પાત્રમાં ચિરાગ વોરાનો સબળ અભિનય અને ટેગલાઇન આ બે હંમેશ માટે મારી સાથે રહી ગયા. અન્ય કલાકર કે દિગ્દર્શક કોણ હતુ એ યાદ નથી. એ નાટકના બીજા પ્રયોગો થયા કે નહીં એ પણ ખ્યાલ નથી. પરંતુ આ નાટકને લીધે ધીરુબેન પટેલ નામનાં કોઈ એક લેખિકા છે એટલી ખબર પડી હતી. તેમણે નાટક પહેલાંના ભાષણમાં કહ્યુ કે તેઓ નાનપણમાં રોજનું એક પુસ્તક વાંચી કાઢતા. તેમની વાતો અને આગંતુક જોયાની અસર… અભિભૂત થઈ ગયો હતો હું!

ત્યારબાદ મને ઇંજીનીયરિંગનું નિદાન થયું. એની સારવાર માટે ચાર વર્ષ કૉલેજમાં ભરતી કરવામાં આવ્યો. એ બધી બબાલમાં ધીરુબેન, સાહિત્ય અને ભાષાપ્રેમ પૃષ્ઠભૂમાં ધકેલાઈ ગયાં. પણ પ્રેમનું તો એવું છે ને સાહેબ કે જો મળવાનું લખાયું હોય તો દુનિયાની કોઈ તાકાત રોકી ન શકે. છેલ્લાં કેટલાંક સમયથી અમે ફરી નજીક આવવા લાગ્યાં. જીવનની બધી જ વ્યસ્તતા અને ત્રસ્તતાની વચ્ચેથી બે સાચા પ્રેમીની જેમ મુલાકાતો ચોરી લેતાં આવડી ગયું. એવામાં ગયે અઠવાડિયે જ જુઓને મારો ધીરુબેનનાં આગંતુક જોડે ભેટો થઈ ગ્યો. અમારી પ્રણયગોષ્ઠી એવી તો ચાલી કે મને હાથમાંનું પુસ્તક (ઇલોન મસ્કની બાયોગ્રાફી) નીરસ લાગવા માંડ્યું અને તેને કોરાણે મુકીને બે જ દિવસમાં આગંતુક પતાવી નાખ્યું. દસ વર્ષ પહેલાં જ્યારે નાટક જોયું ત્યારે સપનેય ન્હોતું વિચાર્યું કે એક દિવસ એવો આવશે જ્યારે હું આગંતુક વાંચીશ અને એટલું જ નહી એ વિશે લખીશ પણ ખરો.

આગંતુક વાર્તા છે એક સન્યાસીનાં આઇડેન્ટીટી ક્રાઇસીસની. એવો સન્યાસી જેને અમુક તમૂક સંજોગોમાં ભગવાં ત્યજીને ફરી તે જ ઘરે આવવું પડયું છે જ્યાંથી તેણે સંસાર છોડ્યો હતો. ઘરના લોકો તેના પ્રત્યે સાશંક છે, અસુરક્ષિતતા અનુભવે છે, તેની ઈર્ષા કરે છે, ધિક્કારે છે છતાં તેને નિભાવ્યે જ છૂટકો છે. પ્રોટેગોનીસ્ટ ઇશાનનું પાત્ર પહેલા પાનાંથી જ મનમાં વસી જાય એવું છે કેમ કે એ author backed પાત્ર છે. તે સિવાયના પાત્રોમાં તેના મોટા ભાઈ-ભાભી, નાના ભાઈ-ભાભી, બંને ભાઈઓના સંતાનો, બંને ભાઈઓના નોકરો અને નાના ભાઈના પૈસાદાર પાડોશી છે. શરૂમાં ઇશાન સિવાય કોઈ પાત્ર ગમે એવા નથી. બધા જ પોતપોતાનામાં ડૂબેલા, દંભી, સ્વાર્થી અને છીછરા જણાય છે. વાર્તા થોડી આગળ વધે તેમ તેના મોટાભાઈ પ્રત્યે આપણને થોડી દયા જાગવા માંડે છે કેમ કે તેઓ નૈતિક અસમંજસમાં પડ્યા છે. બાકીના પાત્રો નિષ્ઠુર છે જ્યારે મોટા ભાઈને આપણે વાસ્તવિક જીવનમાં અનુભવતા હોય એવી દ્વિધા સ્પર્શે છે. એટલા માટે જ આપણે એમની માટે તીવ્ર અણગમો ન અનુભવતા થોડા કુણા પડીએ છીએ. મોટા ભાઈ સિવાય તેમના સંતાનો અને તેમના નોકર પ્રત્યે અણગમાના ભાવ નથી આવતા તેમજ કોઈ ખાસ ઉમળકો પણ નથી આવતો. નાના ભાઈનો નોકર ઈશાનનો ભક્ત બની જાય છે અને માટે જ વાચકને પણ તે પસંદ પડે છે. મોટાભાઈની પત્ની તો જાણે તેમનો દેર નહિ પણ સોતન આવી હોય એમ વર્તે છે. થોડા સમયમાં સંજોગો એવો પલટો લે છે કે ઈશાનનું શહેરના મોભીઓમાં નામ થઇ જાય છે અને જે લોકો તેની ઉપેક્ષા કરતા હતા તે તેની આગળ પાછળ થવા લાગે છે. આ બધાથી ઇશાન હેરાન થઇ રહ્યો છે અને અંતે …

એ જાણવા તમારે પુસ્તક વાંચવું રહ્યું. આ પુસ્તક દ્વારા ધીરુબેન શું કહેવા માગે છે? મારી સમજ મુજબ ધીરુબેન આપણને સમાજ અને સમાજમાં આપણા સ્થાનને જોવાનો માત્ર એક અલગ દ્રષ્ટિકોણ આપવા માગે છે. ઈશાનની નજરથી આપણે જો જાતને જોઈ શકીએ, તો પોતાના વિશે કેટલું જાણી શકીએ. ઈશાનની નજર એટલે કેવી નજર? એકદમ તટસ્થ નજર, સમ્યક દ્રષ્ટિ, વાસનારહિત, ક્ષોભરહિત, દંભ, લાલસા અને ઘૃણારહિત દ્રષ્ટિ.

સાવ નાનકડી ૧૫૦ પાનાંની જ નવલકથા છે. જરૂર વાંચજો. વાર્તામાં અનેક ચમત્કૃતિ ભરેલા વાક્યો છે. એક ઉદાહરણ, “મૌનનાં ખડક પાછળ છુપાવા કરતાં વાતોના ફુવારા પાછળ સંતાવાનું કેટલીક વખત વધારે અનુકુળ પડતું હોય છે”. અંતે, આખી નવલકથામાં માત્ર એક જ વાત જે ખટકી એ વિશે … નાના ભાઈના નોકરની એક અલગ જ સુંદર મજાની ટૂંકી વાર્તા બની શકે એવું છે. તે મને ખુબ ગમી હોવા છતાં જો આગન્તુકમાં એને ન સમાવી હોત તો પણ વાર્તાના પ્રવાહમાં કોઈ જ ફેર ન પડત. એને બાકાત રાખી શકાઈ હોત એવું મને લાગ્યું.