2016 – પ્રવાસનું સરવૈયું : ભાગ ૧ (ગુજરાતી)

છેલ્લા બે વર્ષથી આ બ્લોગનો શિરસ્તો ચાલતો આવ્યો છે કે વરસને અંતે આખા વરસમાં મેં કે અન્ય મિત્રોએ કરેલા પ્રવાસના લેખાજોખા કાઢીએ અને એમાંથી જે કઈ વિશેષ હોય એ અહી મુકીએ. ૨૦૧૬ એની પહેલાના બે વર્ષોના પ્રમાણમાં થોડું ઓછું પ્રવાસમય રહ્યું છે. પ્રવાસના ભાગનો સમય મારા નવા પ્રેમપ્રકરણો (લેખન, ‘મુંબઈ ગુજરાતી’)એ લઇ લીધો છે અને એને લીધે પ્રવાસની વ્યાખ્યા પણ થોડી બહોળી થઇ છે. શરુ શરુમાં જે રઝળપાટ માત્ર વનપ્રદેશ પુરતી સીમિત હતી એ હવે મનપ્રદેશમાં વિસ્તરી રહી છે. અને એને પણ હું પ્રવાસ જ ગણું છું. ગયા વર્ષ સુધી અંગ્રેજીમાં લખાતા આ લેખ, આ વર્ષે ગુજરાતી – અંગ્રેજી બંનેમાં લખવાનો ઈરાદો છે. પહેલો ભાગ ગુજરાતીમાં અને બીજો ભાગ અંગ્રેજીમાં. તો શરુ કરીએ પહેલો ભાગ…

૧. …કે જ્યારે હું ચંદ્રતાલ ન ગયો

જૂન ૨૦૧૦માં આપણા હિમાંશુ પ્રેમ તેમના ગ્રુપને લઈને ચંદ્રતાલ જવા નીકળ્યા હતા પરંતુ બરફવૃષ્ટિને લીધે બાતલ નામની જગ્યાએ દસ દિવસ સુધી ફસાઈ ગયા હતા, જ્યાંથી સૌથી નજીકનું ગામ પણ ૧૦૦ કિલોમીટર દુર છે. અંતે જ્યારે રસ્તા ખુલ્યા અને આર્મીની મદદ મળી ત્યારે ચંદ્રતાલનો પ્લાન ત્યજીને ઘરે ચાલ્યા જવું પડ્યું હતું. એ સમયે છાપાં અને ઈન્ટરનેટ પર ઘણી મશહુર થયેલી આ રોચક કહાણી સાંભળી ત્યારથી તોષનું ચંદ્રતાલ જવાનું સપનું હતું. એ ગ્રુપમાંથી કુશળ રીતે પાછા આવેલા લોકો પોતાની જાતને નસીબદાર માની રહ્યા હતા કે માંડ બરફના કારગારમાંથી છૂટ્યા જ્યારે તોષ પોતાના ભાગ્યને કોસી રહ્યો હતો કે કેમ હું એ ગ્રુપમાં ન જોડાઈ શક્યો અને આવા અનુભવથી વંચિત રહ્યો.

બાતલનો એ ઢાબો કે જ્યાં મદદવાંચ્છુઓને કાયમ મદદ મળી રહે છે

કટ ટુ, જુલાઈ ૨૦૧૬. એ વાતને છ વર્ષ વીતી ગયા છે અને હજુ સુધી તોષ ચંદ્રતાલ નથી જઈ શક્યો. દર વર્ષે મનાલી જવા છતાં કોઈને કોઈ કારણસર તેનો ચંદ્રતાલનો પ્લાન નથી બની રહ્યો. આ વખતે તે એકલો જવાનું નક્કી કરે છે. પણ એ નિયતિને મંજુર નથી. લોકો સામે ચાલીને તોષની સાથે જોડાઈ રહ્યા છે. લોગ જુડતે ગયે ઔર કારવાં બનતા ગયા … એકની જગ્યાએ અડધો ડઝન છોકરાઓ મુંબઈથી સ્પીતી વેલી ફરવા નીકળ્યા છે જેનો પહેલો પડાવ ચંદ્રતાલ ટ્રેક છે. છ પૈકી એક તો એવો છે જે છેલ્લા દસ વર્ષમાં પહેલી વાર મુંબઈની બહાર નીકળી રહ્યો છે. એક રાત ટ્રેનમાં, એક રાત બસમાં વિતાવીને મનાલી, મનાલીમાં સાંજે નાનકડી ટ્રેક, હોટેલમાંની ત્રીજી રાતે મોડે સુધી જાગવું અને ચોથે દિવસે પરોઢે બસમાં બેસીને બાતલ તરફ રવાના થવું. આફત માટેની રેસિપીમાં લખેલી બધી જ સામગ્રી યોગ્ય માત્રામાં ભેગી થઇ ગઈ છે. મનાલી – બાતલનો રોહતાંગ પાસ વટાવ્યા પછીનો રસ્તો અતિ ખરાબ છે. એમાં હિમાચલ પરિવહનની મર્સિડીઝની સવારી એટલે સર્વે યાત્રાળુઓની તબિયત અને શરીરના નટ-બોલ્ટ ઢીલાં પડી રહ્યા છે. બાતલથી ચંદ્રતાલનો ટ્રેક ૧૬ કિલોમીટરનો છે. આટલી ઉંચાઈ પર, થોડા કથળેલા સ્વાસ્થ્ય સાથે એક એક ડગલું માંડવું અઘરું પડી રહ્યું છે. છતાં બધા એકબીજાને પાનો ચડાવતા આગળ વધી રહ્યા છે. આફતની સામગ્રીઓને પ્રેશર કુકરમાં નાખીને સીટી પર સીટી વાગી રહી છે. પેલા મુંબઈથી એક દાયકે બહાર નીકળેલા યુવકને માથું દુખી રહ્યું છે, ચક્કર આવી રહ્યા છે, મોળ ચડી રહી છે — બધા જ એ.એમ.એસ. (altitude mountain sickness) ના લક્ષણો છે. થોડો સમય પછી તેનો બોલવા પરથી પણ કાબુ જાય છે, તે શું બોલે છે એનું તેને ભાન નથી. તોષને કુકરની સીટી પરથી સમજાય છે કે હવે વાનગી રંધાઈ ગઈ છે. જો હજુ ગેસ ચાલુ રાખ્યો તો બળી જશે. પેલા છોકરાને લઈને એક જીપમાં લીફ્ટ માગીને ગમે તેમ બાતલ સુધી પાછો આવે છે. બાતલથી દિવસની એક જ બસ પસાર થાય એટલે ત્યાંથી હજુ લીફ્ટ લઈને મનાલી પહોચે છે. તોષ આફત વાનગીને થાળીમાં પીરસે છે, સ્વાદ મુજબ મીઠું નાખીને એકલો જ ખાઈ જાય છે. પેલો છોકરો હવે સલામત છે. તેમના અન્ય ચાર સાથીઓ બે દિવસ પછી મનાલી પાછા ફરે એની રાહ જોતા તેઓ મનાલીમાં જ આરામ કરે છે.

 

બાતલથી ચંદ્રતાલનો સોળ કિલોમીટરનો રસ્તો

આવા કિસ્સાઓ પહાડોમાં જતા ટ્રેકિંગ ગ્રુપમાં અવારનવાર થતા હોય છે. યોગ્ય માહિતીનો અભાવ કે યોગ્ય સમયે ન લેવાયેલો નિર્ણય કે યોગ્ય સમયે ન મળેલી મદદ કેટલાક કિસ્સાઓમાં જીવલેણ પણ બનતી હોવાનું દર વર્ષે સાંભળવા મળે છે. તોષની કહાણીમાં એનું ચંદ્રતાલ જવાનું સપનું ન પૂરું થયું પણ એક દોસ્તનો જીવ બચી ગયો એ વાત ક્યાંય વધારે મહત્વની હતી. પ્રવાસનું આ જ કામ છે કદાચ … તમે જે ઇચ્છતા હો એ મળે જ એવું જરૂરી નથી પણ તમને જેની જરૂર હોય એ તો મળી જ રહે છે. પ્રખ્યાત બેન્ડ Coldplay ના મારા આ પ્રિય ગીતના શબ્દોને થોડા મરોડીને કહું તો … you get what you need but not what you want.

~ તોષ ઠક્કર

૨. દિવાળીની ફેમીલી ટ્રીપ

વર્ષાન્તના લેખમાં ફેમીલી ટ્રીપ? એ પણ એવા બ્લોગ પર કે જેનું નામ રઝળપાટ છે? થોડી ન પચે એવી વાત તો છે પણ મારે આ લખવું અનિવાર્ય થઇ પડ્યું છે. વાંચો કેમ…

છેલ્લાં સાત આઠ વર્ષથી જ્યારથી હું એકલો ફરવા જવા લાગ્યો ત્યારથી મારી માટે પ્રવાસની વ્યાખ્યા બદલાઇ છે. અલબત્ત ત્યારથી જ પ્રવાસની કોઈ એક વ્યાખ્યા બની છે એમ કહું તો પણ ચાલે. અને એ વ્યાખ્યા દરેક ટ્રેકિંગ, કેમ્પિંગ કે લાંબી પંદર – વીસ દિવસની રઝળપાટ પછી ઘૂંટાઈ ઘૂંટાઈને વધુ સુવ્યાખ્યાયિત થઈ છે. કદી નામ પણ ન સાંભળ્યું હોય એવી જગ્યાઓ નકશામાં શોધવી, કોઈ પ્લાનિંગ વગર, સાવ ઓછા બજેટ સાથે ત્યાં પહોચી જવું અને ઘણી હાડમારી વેઠીને એ જગ્યાને જીવવી. વિચાર તરીકે ખૂબ રોમાંચક અને રોમેન્ટિક કલ્પના. પણ આવું કરવામાં ખાટલે મોટી ખોડ એ આવી કે આ સિવાયનું ફરવાનું મને મોળું મોળું લાગવા માંડ્યું. જો સહકુટુંબ પ્લાનિંગ કરીને, હોટેલ – ગાડી વગેરે અગાઉથી બૂક કરીને જતા હોઇએ તો મને એ વિચાર માત્રથી બીક લાગવા માંડે. અને એમાંય જો વચ્ચે અમુક તમુક જાત્રાધામે જવાનું હોય તો કમકમાં આવી જાય. બને ત્યાં સુધી હું પરિવારજનો સાથે જવાનું ટાળવા લાગ્યો અને જાઉં ત્યારે પણ ઉત્સાહ ઓછો જ હોય. અને દોસ્તો સાથે કે એકલો જાઉં ત્યારે પણ એક ચોક્કસ પ્રકારની અપેક્ષા સાથે જ જતો જે દર વખતે પૂરી જ થાય એવું જરૂરી નહિ. કેટલીક વાર તમે જ્યાં ગયા હો ત્યાં બીજા સહેલાણીઓ પણ આવ્યા હોય એ શક્ય છે. કેટલીક વાર તમારા પોતાના જ ગ્રુપમાં સાથે આવેલા નવા લોકો ત્રાસવાદી જેવા હોય. આમ મારી બાંધેલી વ્યાખ્યામાં પ્રવાસ બંધાતો નહિ ત્યારે નિરાશા થતી. પણ રેઇનર મારિયા રિલ્કે લખે છે તેમ આ નિરાશાની પળોમાં જ તમારી અંદર કંઇક નવું જન્મે છે.

૨૦૧૬ની દિવાળીમાં પપ્પાની સાઈડના ફેમિલીના દસ-બાર જણ મળીને અઠવાડિયું ફરવા જવાનો પ્લાન બની રહ્યો હતો. મને એ સાંભળીને દર વખતની જેમ જ કંટાળો, નિરાશા અને ટેન્શનનું સ્ટ્રોંગ કોકટેઈલ પાઈ દીધું હોય અને એ મગજમાં ચડી ગયું હોય એવું લાગવા માંડ્યું. પાછું દર વખતે ના પાડવામાં થોડો અપરાધભાવ જેવું પણ લાગે કેમ કે, એમ તો એ બધા સારા લોકો છે. તેઓ મારું ભલું જ ઈચ્છે છે. મને ખાલી ફરવા લઇ જવા માગે છે, ન કે પરણવા. એટલે મેં આઈડિયા અજમાવ્યો કે આ વખતે મને જ્યાં લઇ જવો હોય ત્યાં લઇ જાવ. હું આવીશ પણ શરત એટલી કે મને છેટ છેલ્લી ઘડી સુધી ખબર ન પડવી જોઈએ કે આપણે ક્યાં જવાના છીએ. હું પણ તમને નહિ કહું કે અમે ક્યાં ગયા હતા કેમ કે એ જગ્યાનું અહી મહત્વ નથી. મહત્વ છે ત્યાં ફરી આવ્યા પછી મને લાધેલા બ્રહ્મજ્ઞાનનું.

મ્હારાં ભોળાં વ્હાલુડાં આપ્તજનો

ખુબ મઝેદાર એ ટ્રીપથી પાછા ફરતી વખતે બધાએ પોતપોતાના આ સફર વિશેના પ્રતિભાવ એક અનામી ચિઠ્ઠીમાં લખી આપવાના હતા. એ લખતી વેળા મને અચાનક સમજાયું કે, હું જે પ્રવાસની વ્યાખ્યા બાંધી બેઠો હતો એ મારી પહેલી વ્યાખ્યા નહોતી. એ પહેલા પણ મને પપ્પાએ ખુબ ફેરવ્યો છે અને એ વખતે મારી માટે પ્રવાસનો અર્થ સારું સારું ખાવું પીવું કે સારી હોટેલમાં રહેવા જવું એવો કંઇક હતો. પછી ધીમે ધીમે અર્થ બદલાતો ચાલ્યો. નવી જગ્યાઓ જોવી, ત્યાંની સુંદરતાને માણવી, ત્યાંની સંસ્કૃતિને જાણવી એનું મહત્વ વધી ગયું, ખાણી – પીણીનું અને લક્ઝરીનું મહત્વ ઘટી ગયું. અને એ પછી મારી પેલી ‘રઝળપાટ’ વાળી વ્યાખ્યા આકાર પામી. પણ આ દિવાળી વળી ફેમીલી ટ્રીપે એ વ્યાખ્યાને પણ ખોરવી નાખી. આ ટ્રીપમાં મારી પ્રવાસ માટેની નવી વ્યાખ્યા બંધાઈ એ હતી — જાણીતા લોકો સાથે અજાણી દૂરની જગ્યાઓએ સમય ગળવાથી એમને વધુ નજીકથી જાણી શકાય છે. અને હા બીજો અર્થ હતો આરામ. રોજીંદી દોડધામ અને નેટવર્કથી દુર… કઈ જ કામ ન કરવાની મઝા. જો કે આ નવી વ્યાખ્યા કરતા પણ મહત્વની વાત એ સમજાઈ કે આ વ્યાખ્યા પણ વહેલી મોડી બદલાવાની જ છે. ખરેખર તો પ્રવાસ પણ ઈશ્કની જેમ કોઈ વ્યાખ્યામાં બાંધી શકાય એવું તત્વ જ નથી. હેં ને?

~ તુમુલ

૩. આશા અને નિરાશા : એક સિક્કા વાઘની બે બાજુ

મારી એક ફ્રેન્ડનું વ્હોટ્સએપ સ્ટેટસ — “No chill is too chill to be chill enough”. અહી કવિ શું કહેવા માગે છે એ મને ઘણાં વખત સુધી નહોતું સમજાયું.

આ વાઘના બચ્ચાને જ્યારે પંદર ફૂટ આઘેથી રસ્તો ઓળંગતા જોયો ત્યારે એ સ્ટેટસનો અર્થ સમજાઈ ગયો. આવું જાજરમાન પ્રાણી, એની છટાદાર ચાલ, ભયાવહ ગર્જન, બેશુમાર તાકાત, જેને જોઇને માણસ સહિતના ભલભલા પ્રાણી બી જાય, જેને એકવાર જોવાનું કેટલાય લોકોનું સપનું હોય. એવા વાઘને મેં જોયો ત્યારે મને કશું જ ન અનુભવાયું. ન ભય, ન વિસ્મય, ન અહોભાવ. એ ક્ષણની ધારમાંથી હું કોરેકોરો નીકળી આવ્યો. એનું કારણ કદાચ એ હોઈ શકે કે, અમે અમારા જેવા જ બીજા સો – બસ્સો ટુરિસ્ટ જ્યાં આજુબાજુ અમારા જેવી જ બીજી ચાલીસ- પચાસ જીપમાં બેસીને વાઘ જોવા નીકળ્યા હતા એવા જીમ કોર્બેટ પાર્કમાં (ઉપરોક્ત દિવાળીની ફેમીલી ટ્રીપ દરમિયાન) હતા. અમારા ગાઈડ લોકો અને ડ્રાઈવરો તેમની સૂઝ મુજબ જ્યાં વાઘ દેખાવાની સૌથી વધુ શક્યતા હોય ત્યાં અમને લઇ જઈને બેસાડી રાખે. પછી થોડી વારમાં વાઘ એના ફ્રેન્ડને ત્યાં હેંગઆઉટ કરવા જતો હોય અને અમે તેને જોઈ લઈએ. આખો અનુભવ કૃત્રિમ લાગે. જો હું કદાચ પોતે જીમ કોર્બેટ કે એની ટુકડીનો એક સભ્ય હોત અને જો અમે દિવસો સુધી એક નરભક્ષી બની ચુકેલા વાઘની તલાશમાં ફર્યા હોત અને અંતે તેની સામસામે થયા હોત તો કદાચ ઉત્તેજના થઇ હોત. પણ આ અનુભવ તો કોઈ થીમ પાર્કની રાઈડ જેવો હતો. વાઘ જોવો, ફોટો લો અને આગળ વધો. ધાર્મિકતા અને અધ્યાત્મ વચ્ચેના ફરક જેવું કશું. કે પછી ફોરપ્લે વિનાના સેક્સ જેવું.

અને વાઘ જોવામાં જ મને આ ફીલિંગ આવી છે એવું નથી. મોટેભાગે દરેક વસ્તુ પ્રત્યે મારું વલણ ઉદાસીન રહ્યું છે અને એ વધતું જાય છે. પરીક્ષામાં સારા માર્ક્સ આવ્યા, પગાર વધ્યો, ગાડી લીધી, ઇનામ મળ્યું, ખ્યાતી મળી વગેરે વગેરે ઘટનાઓ મને સ્પર્શ્યા વગર જ વહી જાય છે. પેલું સ્ટેટસ એ જ કહે છે, કે કોઈ પણ “ચીલ્લ” એટલી “ચીલ્લ” નથી કે એને “ચીલ્લ” કહી શકાય. અહી કવિ “ચીલ્લ” શબ્દનો નામ અને ક્રિયાપદ બંને તરીકે ઉપયોગ કરે છે. પહેલું ચીલ્લ નામ છે જેનો અર્થ કોઈ મહત્વની ઘટના જે સામાન્યરીતે આનંદ અને ઉલ્લાસની લાગણી જન્માવતી હોય. બીજું અને ત્રીજું ચીલ્લ ક્રિયાપદ તરીકે વપરાયું છે અને તે આનંદ – ઉલ્લાસ જન્માવતી ઘટના માટીને પોતે જ આનંદ – ઉલ્લાસની લાગણી બની જાય છે. વાહ કવિ વાહ.

જો કે સાવ એવુંયે નથી. અમુક વસ્તુ મને હજુયે એટલી જ રોચક લાગે છે. જેમ કે દરિયે બેસી રહેવું કે દોસ્તો સાથે રખડવું. કે પછી પેલા દિવસે જ્યારે વાઘ જોયો ત્યારની ખુલ્લી જીપ રાઈડ. વાઘ જોવા કરતા અમે એ ખુલ્લી જીપમાં ગાઢ જંગલમાં કલાક – દોઢ કલાક જેવું ફર્યા એનો આનંદ ઘણો વધારે અને લાંબો ચાલે એવો હતો. રસ્તામાં હરણાંના ટોળા પાણી પીતાં હોય, દૂર ક્યાંક વાઘની ત્રાડ સાંભળીને વાંદરા હૂપાહૂપ કરતા હોય. જ્યારે કોઈ મોટું પ્રાણી તમારી નજરમાં ન હોય ત્યારે પણ તમે જીપની ઘરઘરાટી સિવાયની નીરવ શાંતિમાં પણ જંગલ જીવી રહ્યું છે એ અનુભવી શકો. ક્ષણેક્ષણ કોઈકને કોઈક જીવને તમારા આવ્યાની ખબર મળી રહી છે એ અનુભવી શકો. આ બધું મારા માટે વાઘદર્શન કરતા ક્યાંય વધુ રોમાંચક સાબિત થયું.

ગયા વર્ષે હું એકલો જ નહોતો જે વાઘ જોવા ગયો હતો. મારા મિત્રો પ્રતિક અને દેવકી પણ એમના પરિવારવાળા જોડે નાગપુર પાસેના ઉમરેડ નામના જંગલમાં વાઘ જોવા ગયા હતા. તેમની એક દિવસ પહેલા અને પછી ગયેલા લોકોની જીપને સાવ અડીને વાઘ પસાર થયો તેનો વિડીયો વ્હોટ્સએપ પર ફરતો થયો હતો. પણ નસીબની બલિહારી કે તેમને વાઘે દર્શન ન આપ્યાં. અને પાછું હું જેમ નિર્લેપ ભાવથી કોઈ જ અપેક્ષા વિના વાઘ જોવા ગયો હતો, દેવકીબેનનું એવું નહોતું. એમને જોવું હતું કે આ પ્રાણી સાચેમાં અને એ પણ નજીકથી કેવું દેખાય છે. એને જોઇને લાગનારો ભય અનુભવવો હતો. પણ જો કઈ અનુભવાયું તો એ હતું એને ન જોવાથી આવેલી નિરાશા.

કદાચ, મારામાં આવેલી ઉદાસીનતા આવી અનેક નાની – નાની નિરાશાઓમાંથી જન્મેલું ડીફેન્સ મીકેનીઝમ હશે. કે પછી મારી અધ્યાત્મિક ઉન્નતી થઇ હોય. એ જે હોય તે. પણ એક જોયેલા વાઘે ન આપેલી આશા અને એક ન જોયેલા વાઘે આપેલી નિરાશાની આ વાત છે. એથી વિશેષ કઈ નહિ.

~ તુમુલ, દેવકી

૪. ડબકાં ખવરાવું બે-ચાર? ખવરાવ ને, ભાઈ! દસ-બાર

રોડ ટ્રીપ !! બોલીવુડ, હોલીવુડ વાળાઓએ આ શબ્દ એટલો ચમકીલો બનાવી દીધો છે કે જ્યારે ચાર જુવાન છોકરાઓની રોડ ટ્રીપની વાત આવે એટલે આપણને છાપરા વગરની ગાડી, શરાબની રેલમછેલ, કેસિનો, લલનાઓ અને મૂર્ખ સાહસિકતા જેવી ચીલાચાલુ વાતો જ યાદ આવે. અમારી માર્ચ મહિનાની રોડ ટ્રીપ આ વિવરણથી થો…ડી અલગ હતી. અમારી ગાડીમાં છાપરું હતું અને છાપરાં વગરની બાઈક હતી. દારૂ, લલના, કેસિનો આ બધાની કમી પુરી દે એવો દરીયો હતો. મુંબઇ-ગોવાની બોર્ડર પાસે આવેલું એક ગામ તારકરલી. મુંબઈથી લગભગ 500 કિલોમીટર છેટે આવેલી આ જગ્યાએ આમ તો બાઈકથી જઇને આવવું એ પોતાનામાં જ એક સાહસ ગણાય. છતાંય ચાર દિવસની રજા અને અમારી (માનસિક) ઉંમર માંડ પંદર – સોળ વર્ષની એટલે અમારી માટે આવું સાહસ ખેડવું સ્વાભાવિક છે. અધૂરામાં પુરું અમે મુંબઈથી થોડે દુર જઇને મુખ્ય રસ્તો છોડીને દરિયાને સમાંતર અંદરના રસ્તે જવાનું નક્કી કર્યું. એક બાજુ ટેકરીઓ અને બીજી બાજુ દરિયો, વચ્ચે વચ્ચે આવે નાનકડાં ગામડાંઓ. ગૂગલ મેપ્સ અને ગામવાળાઓને પૂછતાં પૂછતાં, કેટલીક જગ્યાઓએ રસ્તો પૂરો થઇ જતાં બોટમાં વાહનો લાદીને, અમે પહેલા દિવસનાં અંતે હજુ અડધે સુધી પણ ન પહોંચી શક્યા. તે રાતે તંબુ નાખીને દરિયે જ ઊંઘી ગયા.

બીજા દિવસનો પ્રવાસ હજુ વધારે સુંદર રસ્તાઓ પર કરવાનો હતો. મુંબઇ જેમ દુર જઇ રહ્યું હતું એમ શહેરને સંલગ્ન કુરૂપતાઓ પણ પાછળ ધકેલાઈ રહી હતી. સળંગ પાંચ સાત કિલોમીટર સુધી અન્ય કોઈ વાહન ન દેખાય. લગભગ દરેક ગામને પોતાનો દરિયો જયાં ભાગ્યે જ કોઈ ટુરીસ્ટ આવતા હોય. વચ્ચે આવતા ખાડી પરનાં નાનકડા પુલ જેની નીચે માછીમાર જાળ નાખીને માછલાં પકડતા હોય. રસ્તાની બંને તરફ ઝાડ પર વિશ્વની શ્રેષ્ઠ આફૂસ કેરીઓ લટકતી હોય. અતિ રોમેન્ટીક રોમેન્ટિક દ્રશ્યો. પણ આ બધું નિરાંતે બેસીને જોવાનો અમારી પાસે સમય નહોતો. નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંખ સામેથી ચાલ્યા જતાં આ ચિત્રોની છાપ મારા પર એવી જ કઈંક પડી છે જેવી કાન પાસેથી ચાલ્યા જતા પવનના સુસવાટાની. ભંગુર. અનુભવી શકાય પણ પકડી ન શકાય.

અંતે મોડી બપોરે અમે માલવણ પહોંચ્યાં. તારકરલી એ માલવણ જિલ્લાનું એક એવું ગામ જે છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્કૂબા ડાઇવિંગ માટે પ્રખ્યાત થયું છે. આમ તો જ્યાં ભરપૂર વરસાદ પડતો હોય એવું કોઇપણ ગામ કલ્પી લો, તારકરલી પણ એવું જ. પણ સ્કૂબા જ્યારથી ‘ઈન-થિંગ’ ગણાવા લાગ્યું છે ત્યારથી લગભગ દરેક ઘર હોટેલ, રિસોર્ટ કે હોમ-સ્ટેમાં ફેરવાઈ ગયું છે. ગામની મૂળ સુગંધને ઢાંકી દે એ હદે વ્યાપારીકરણનું પરફ્યુમ છંટાયું છે. આ વાત મને બહુ રૂચે એવી નહોતી. એનું કારણ એ કે હું જ્યાં ભોજિયાનો ભાઇ પણ ન આવતો હોય એવી એવી જગ્યાઓએ જઈ જઇને ભ્રષ્ટ થઈ ચુક્યો છું. પરંતુ તુમુલ બેટા એટલું સમજી લ્યો કે, વ્યાપારીકરણમાં કાંઇ ખોટું નથી. દરેક વ્યક્તિ કે વ્યાપાર કે ગામને આર્થિક-ભૌતિક પ્રગતિ કરવાનો અને પર્યાવરણની ઘોર ખોદવાનો એટલો જ હક છે જેટલો મુંબઇ કે શાંઘાઈને છે. ફાસ્ટ ઇન્ટરનેટનાં જમાનામાં કૃત્રિમતા અને કૂલ બનવા પર માત્ર શહેરોનો ઇજારો નથી રહ્યો. ગામના સૌથી સાદા જણાતા હોમ સ્ટેમાં અમે રોકાયા કે જ્યાં અન્ય સહેલાણીઓ સાથે સ્મોલ ટોક ન કરવી પડે. સાંજે દરિયે લટાર મારવા ગયા ત્યાં માછીમારો તેમની હોડી પર બેઠા હતા. માછલાં કરતા ક્યાંય વધારે કચરો જાળમાં ફસાઈ જતો હોય છે એ સાફ કરીને બીજી ખેપની તૈયારીમાં તેઓ પડ્યા હતા. એવામાં જીનેશે તેમની પર પ્રશ્નોની જાળ ફેંકી. બોટ જોઇને જીનેશની દાનત બગડી’તી. તેને રાતની માછલાં પકડવાની ખેપમાં જોડાવું હતું. ખારવાએ એના જીવનમાં ઘણાં તોફાન જોયા હતાં અને એમાંથી એ પોતાની નાવડી સિફતપૂર્વક તારી લાવ્યો હતો પણ જીનેશને ખાળી શકવું એ જેવા તેવાનું કામ નહિ. માંડ માંડ તેણે અને તેના સાથી ખારવાઓએ મળીને તેને ફરી ક્યારેક આવશે તો લઇ જઈશું એમ કહીને મનાવ્યો. અત્યાર સુધીની ટ્રીપ પ્લાન મુજબ નહોતી જઈ રહી એ માટે રાતે જમતી વખતે મત-મતાંતર અને ચર્ચાઓ થઇ. જેને કારણે અમુક લોકોને સ્ટ્રેસ-સ્ટ્રેસાંતર થઇ ગયો. પછી બે દિવસનો થાક હોવાથી ઊંઘ-ઊંઘાંતર કરવા ચાલ્યા.

ત્રીજે દિવસે સવારે અમે બોટમાં બેસીને સ્કુબા ડાઈવીંગ માટે દરિયામાં ઘણે અંદર સુધી ગયા. અહી એક કિલ્લો છે અને એની આસપાસનો દરિયો માંડ ત્રીસ-ચાલીસ ફૂટ ઊંડો છે. પાણી એટલું સ્વચ્છ કે બોટમાં બેઠા બેઠા સમુદ્રનું તળિયું દેખાય. થોડે દુર ડોલ્ફિન કુદકા મારતી દેખાય. સ્કુબા ડાઈવીંગ માટે આમ તો તમારે કાયદે સે કોર્સ કરવો પડે અને સર્ટીફીકેટ મળે તો જ તમે સ્કુબી શકો. પણ અહી જુગાડ છે. સ્કુબા ગાઈડ તમને ઓક્સીજન માસ્ક પહેરાવી, તમારો હાથ પકડીને નીચે સુધી લઇ જાય. તમે હાથમાં બ્રેડ પકડી હોય એને બચકા ભરવા માછલા આવે અને તમે પોઝ આપો એટલો પેલો તમારો ફોટો અને વિડીયો પાડે. આવા બે ત્રણ ડૂબકાં ખાઓ એટલે તમારી સસ્તું ભાડું ને સ્કુબાપુરની યાત્રા પૂરી. મારા માટે આ પણ એક ન ગમતી વાત હતી. અસલી એડવેન્ચરની જગ્યાએ બે ઘડી દિલ બહેલાવવા માટે બાળકને રમકડું આપતા હોય એવો અભિગમ લઈને એડવેન્ચર ટુરીઝમ ચાલે છે. ખેર, મારી માટે જો કોઈ સૌથી મઝેદાર વાત હતી તો એ સ્કુબા ડાઈવ થઇ ગયા પછી દરિયામાં તરવું. બોટમાંના બીજા લોકોનો સ્કુબાનો વારો આવે ત્યાં સુધી હું મનભરીને દરિયામાં તર્યો. જો એકવાર તમે દરિયા કે નદીમાં તરી ચુક્યા હો પછી દુનિયાના કોઈપણ સ્વીમીંગ પુલમાં એ આનંદ નહિ આવે. એક બંધિયારપણું હંમેશા વર્તાશે જે દરિયા માટે અશક્ય છે.

એ જ દિવસે અમે પાછા આવવા નીકળી ગયા. આ વખતે અંદરનો રસ્તો ન લેતા હાઇવે જ પસંદ કર્યો. એ દિવસે મેં આશરે ૨૫૦ કિલોમીટર બાઈક ચલાવ્યું. રાતે એક વાગ્યે જ્યારે રોકાયા ત્યારે બાઈક કે ગાડી બંનેમાંથી એકેય ન ચલાવી જાણતા અભિષેકને થોડી ગ્લાની થતી હતી કે એણે ચલાવવામાં ફાળો ન આપ્યો. મને પણ ગ્લાની થતી હતી કે આવા સરસ રસ્તાઓ પર બાઈક ચલાવવાનો આનંદ એ બિચારો ન લઇ શક્યો. હાઇવેની બાજુમાં એક દુકાનની આરસ પર અમે તંબુ બિછાવીને સુવા જતા જ હતા ત્યાં… ત્યાં… ત્યાં… એક નાનકડો પણ ઝેરી સાપ ત્યાંથી પસાર થઇ ગયો. અમે બે ઘડી બઘવાઈ ગયા અને પછી તરત આઈ-ફોન કાઢીને વિડીયો પાડવા માંડ્યા. સાપ ચાલ્યો ગયો પછી હું ત્યાં જ તંબુ નાખવાના મતનો હતો કેમ કે મને જે રોમાંચ સ્કુબા ડાઈવીંગ ન આપી શક્યું તે હું અહી શોધી રહ્યો હતો. પણ મારા જીગરજાન મિત્ર જીગરનું જીગર ન ચાલ્યું. અને અમે રોડ ટ્રીપ પર નીકળેલા ચાર છોકરાઓ બેંગ્લોર-મુંબઈ હાઈવે પર રાતે એક વાગે સુવાની કોઈ અન્ય જગ્યા શોધવા નીકળ્યા.

~ તુમુલ, જીનેશ, અભિષેક, જીગર

૫. ગફોલી યાત્રા

આપણો એક ભઈબંધ છે, શબ્બીર. હવે ભઈબંધ આપણો એટલે આપણી જેમ એને બી ટ્રાવેલનો બોવ જ ક્રેઝ શું. તો એનું એક ટ્રાવેલ માટેનું ક્વોટસ છે, “the best part when you travel is not when you meet new people, it’s when you bump into old ones” એટલે કે, “તમો ફરવા જાઓ તારે નવ્વા લોકો મલે એની કરતા જાણીતા લોકો ભટકાઈ જાય તો બોવ આનંદ આવે”. હવે આ શબ્બીર મિયાં રહે બેંગ્લોર. એટલે એ પહેલા તો મારા ઘરની બાજુમાં જ રેતા પણ પછી એમને લાકડા કાપવા (સોરી રાજુ, તમારો ફ્રેઝ ધાપી લીધો છે) માટે બેંગ્લોર જવું પડ્યું. એટલે એ અમારા હાથમાં વરસમાં માંડ એક-બે વાર આવે. એક દિ’ શનિવારે એ અમારા હાથમાં આઈ ગ્યા. અમારે માટે તો એ જ બોવ મોટો આનંદ. અમે સાવ સાદો સીધો પ્લાન બનાવ્યો કે આક્સા બીચ પર જઈશું, આમલેટ ખઈશું ને બપોર સુધીમાં પાછા અઈશું. પણ પ્લાનનું તો એવું છે કે એ પોતાની નિયતિ લઈને આવે.

તાજી આમલેટની સુગંધ આવ્યા બાદ શબ્બીરમિયાંના ચહેરા પરની ‘સન્ની સાઈડ અપ’ જેવી રોનક

તો એ દિવસના પ્લાનની નિયતિ કે નિયતિનો પ્લાન જે કહો તે એવો હતો કે અમને આક્સાથી પાછા આવવા દેવાની બદલે વર્સોવા લઇ જવા. હવે, મુંબઈની ભૂગોળથી વાકેફ ન હોય એવા લોકો માટે મુંબઈ અન્ય શહેરોની જેમ વર્તુળાકારે વધતું શહેર નથી. તે સીધી લીટીમાં લંબાતું શહેર છે. આક્સા બીચ આવ્યો મલાડમાં અને વર્સોવા આવ્યો અંધેરીમાં. મલાડથી અંધેરી જવું હોય તો સીધી લીટીમાં વચ્ચેના ગોરેગાવ અને જોગેશ્વરી સ્ટેશનો કે પરાં (હવે રામ મંદિર પણ) વટાવીને જ જવું પડે. પરંતુ જો તમે આક્સાથી થોડે આગળ મઢ સુધી જઈને સામે કાંઠે બોટમાં જાઓ તો વર્સોવા આવી જાય જે અંધેરીનો ભાગ છે. આવી નાની નાની બોટ સેવા મુંબઈમાં ચાર પાંચ જગ્યાએ છે. એકાદ વાર તો દરેકનો લાભ લેવા જેવો.

મુંબઈનાં પરાંની ભૂગોળ

તમે જેમ જેમ મલાડ રેલ્વે સ્ટેશનથી આક્સા તરફ જાઓ તેમ ગીચતા ઘટતી જાય અને મુંબઈથી ક્યાંક દૂર જતા હો એવું લાગે. મઢ અને વર્સોવા તો મુંબઈનો ભાગ હોય જ નહિ એવું લાગે. આ બે માછીમારોના ગામ છે. મઢ તરફ દરિયા કિનારો નથી, ખાલી એક ગોદી છે જ્યાંથી સામે કાંઠે માંડ બસ્સો -ત્રણસો મીટર છેટે વર્સોવા દેખાય. બોટ બે કાંઠા વચ્ચેની ખાડીમાં લોકોને લઈને આવ-જા કરે. વર્સોવા તરફનો દરિયાકાંઠો કચરાને લીધે વચમાં સોશિયલ મીડિયા પર બહુ વગોવાયો હતો. તે પછી અનેક લોકો અને સંસ્થાઓ આગળ આવીને એને સાફ કરવામાં લાગી પડ્યા છે.

અમે જ્યારે વર્સોવા બીચ પહોચ્યા ત્યારે પણ કેટલાક સ્વયંસેવકો સફાઈકામમાં લાગેલા હતા. એક તરફ એક નાવ પાસે કેટલાક માછીમારો જાળ સજાવી રહ્યા હતા. એક ખૂણે છાંયડામાં બે-ત્રણ મોટી ફાંદવાળા, મોટી ઉમરના ખ્રિસ્તી પુરુષો બેઠા હતા. જે નિરાંતથી બધા લોકો પોતપોતાનામાં પડ્યા હતા એ જોઇને એમ જ લાગી રહ્યું હતું કે જાણે કેરળ કે ગોવાનું તટવર્તી ગામ હોય. આમ જોવા જાઓ તો વર્સોવા ગામ જ છે; શહેરમાં વસેલું ગામ. અમે ગામમાં ફરવાનું ચાલુ કરીએ એ પહેલા, શબ્બીરને જ્યારે પેલો ઉપર લખેલો ક્વોટ સુઝ્યો તે વિષે… શબ્બીર ૨૦૧૫માં એકલો સિક્કિમ અને ભૂતાન ફરવા ગયેલો અને ત્યાં તેને એક દિવસ થોડું થોડું એકલું લાગતું હતું ત્યારે અમારી ૨૦૧૩ની સાઈકલિંગ કેમ્પના ટીમલીડર ભટકાઈ ગયા હતા. કેમ્પમાં તો શબ્બીર સૌથી વધારે મસ્તીખોર બચ્ચો હતો અને લીડરને પણ એણે ખુબ પજવ્યા હતા. પરંતુ તેઓ સિક્કિમમાં જ્યારે મળ્યા એ ક્ષણની નજાકતને સમજીને બંને જુનું વૈમનસ્ય ભૂલીને મિત્રો બની ગયા હતા. અમે વર્સોવા પહોચ્યા ત્યારે અચાનક યાદ આવ્યું કે એ ભાઈ પણ વર્સોવા જ રહે છે. તરત જોડ્યો ફોન અને ઉપડ્યા એમના ઘર તરફ.

વર્સોવા ગામમાં લાઈનબંધ સાદા બેઠા ઘાટના, ઢળતા છાપરા વાળા એકસરખા ઘરો છે. અમે તેમનું નામ પૂછતાં પૂછતાં વર્સોવાની ગલી-કૂંચીઓમાં થઈને તેમના ઘર સુધી પહોચી ગયા. અન્ય નાના ગામની જેમ અહિયાં પણ સૌ કોઈ એકબીજાને ઓળખતા હતા. તેમનું એકલાનું ઘર બે માળનું (વત્તા અગાશી) હતું. તેમણે તેમના પિતાજીનો પારંપરિક માછીમારીનો વ્યવસાય કરવાની બદલે બેંકમાં નોકરી લઇ લીધી હતી. તેમની બોટ તેમનો ભાઈ ચલાવતો હતો. અમે ગયા ત્યારે થોડા જ દિવસમાં તેમના છોકરાના લગન હતા એની તૈયારી માટે ઘરના બાકી બધા બહાર ગયા હતા. અમને તેમને સલામ – દુઆ આપ્યા, ચા પીધી અને પાછા ફર્યા.

આ નાનકડો પ્રવાસ મારી માટે એટલે યાદગાર બની ગયો કેમ કે એક તો એ બિલકુલ પ્લાનિંગ વગરનો હતો. બીજું સાડા ત્રણ વર્ષ પહેલા કેમ્પમાં મળેલો માણસ તમને હજુ યાદ રાખીને આટલા ઉમળકાભેર ઘરમાં આવકાર આપે એ મુંબઈમાં થવું બહુ મોટી વાત છે. એને ઋણાનુબંધ સિવાય શું કહેવું એ મને નથી ખબર. ત્રીજું સમયના અભાવે કે અલગ પ્રાથમિકતાઓને લીધે જો લાંબુ ફરવા ન જઈ શકાય તો પણ આવા ચોરી લીધેલા અડધા દિવસો પ્રવાસ માટેનો રોમાન્સ જીવિત રાખવા પૂરતા થઇ પડે છે.

નોંધ: ગફોલી = સાંકડી ગલી

~ તુમુલ, પ્રતિક, શબ્બીર, જીનેશ

૬. …કે જ્યારે મારી બોલતી બંધ થઇ ગઈ

ચેતવણી: આ એ દસ દિવસની વાત છે જ્યારે હું એક જ જગ્યાએ બેસીને બેહિસાબ ફર્યો. આમાં કોઈ સ્થળ કે ઘટનાઓની વાત નથી અને છતાં પ્રવાસની વાત છે. જો તમને આવી વાતોમાં રસ ન હોય તો અહીંથી આગળ વાંચવાનું રહેવા દેજો. તોયે જો વાંચવાનું નક્કી જ કર્યું હોય તો ભોગ તમારા. પછી કહેતા નહીં કે કહ્યું નહોતું.

હં, તો વાત છે વિપશ્યના નામની અઘરી કહી શકાય તેવી દસ દિવસીય ધ્યાન શિબિરની. અઘરી એટલા માટે કે દસ દિવસ સુધી અમુક નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવાનું હોય છે. આમાંથી (મારી માટે) સૌથી અઘરા નિયમો પલાંઠી વાળીને બેસવું અને વહેલા સુઈ જવું. ઘણાં લોકોને દસ દિવસ મૌન પાળવું ખૂબ કઠોર લાગતું હોય છે. ઘણાંને માટે દિવસનું આખરી ભોજન બપોરે બાર વાગ્યાનું લંચ અને દિવસનું આખરી ખાવાનું સાંજે પાંચ વાગે મળતા ચા-મમરા એ સૌથી અશક્ય લાગતી તપસ્યા હતી. આ સિવાય થોડા ઓછા કપરા ગણી શકાય એવા નિયમો પણ ખરા — સ્મોકિંગ, પાન, તમાકુ, શરાબ, મોબાઇલ, ટી.વી., રેડિયો, છાપું, વાંચન, લેખન, પૂજા અર્ચના, માળા ફેરવવી, યોગ પ્રાણાયમ વગેરે જેવા વ્યસનોનો દસ દિવસ પુરતો ત્યાગ. આ બધા જ વ્યવધાન દુર કરીને પૂરેપૂરું ધ્યાન એક જ કામ પર આપવાનું — એ છે ‘મનનાં સોફ્ટવેરનો ક્રેશ કોર્સ’. વિપશ્યના એ કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક વિધિ નથી કે નથી યોગ પ્રાણાયામ જેવી શરીર-શ્વાસને કેળવવાની કસરત. એ મનની જટિલ કાર્યપ્રણાલીને સમજવાનો પદ્ધતિસરનો માર્ગ છે. અને દસ દિવસની શિબિર એ માટેનો ક્રેશ કોર્સ.

વિપશ્યનાની સૌથી સારી વાત એ છે કે એ બિલકુલ બિનસાંપ્રદાયિક છે. તેમાં કોઈપણ નામ કે આકારનો આધાર લેવાની જરૂર નથી. ઉલટું જો તમે નાસ્તિક કે અજ્ઞેયવાદી (એગ્નોસ્ટીક) હો તો તમારે માટે વિપશ્યના શીખવું ઘણું જ સહેલું થઇ પડે. પહેલાની માન્યતાઓનો બોજો લીધા વગર ચાલવાનું છે. તેની પદ્ધતિ અને એની પાછળની સમજણ એકદમ તર્કબદ્ધ છે. મને ઘણી વાર તો ધ્યાન શિબિર કરતા કોઈ પ્રયોગશાળામાં હોઉં કે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખતો હોઉં એવું લાગ્યું. પ્રયોગશાળામાં એકમાત્ર સાધન એટલે તમારો શ્વાસ. હું એને ક્રેશ કોર્સ કહું છું એનું કારણ એ કે દિવસનાં દસ કલાક પ્રેક્ટીકલ અને દોઢ કલાક થીયરી ક્લાસ ભરીને તમે દસ દિવસમાં વિપશ્યનાને બુદ્ધિ અને અનુભવના સ્તર પર સમજી લો છો પરંતુ તેનો ખરો ઉપયોગ તો ત્યાંથી ઘરે આવ્યા પછી કરવાનો છે. ઘરે આવીને તમે કેટલી પ્રેક્ટીસ કરો છો એના પર તમને કેટલો ફાયદો થશે એ નિર્ભર કરે છે. શિબિરના શરૂના એક-બે દિવસ મન પર જરાયે કાબુ નહોતો. પૂરી એક મિનીટ પણ એક જગ્યાએ ન રહે. વિચારો જ આવ્યા કરે. અને કેવા અસંબદ્ધ વિચારો. સમય અને સ્થળના દરેક બંધન પાર કરીને કુદ્યા કરે. પણ બે દિવસ પુરા થવા સુધી એટલી સભાનતા આવવા લાગી હતી કે વિચાર ક્યારે બદલાયો એની નોંધ લઇ શકાતી હતી. હજુ પણ વિચારો આડેધડ જ આવતા પણ એકથી બીજો વિચાર ક્યારે બદલાયો એ સમજાવા લાગ્યું હતું. ધીમે ધીમે ત્રીજે અને ચોથે દિવસે વિચારોની આખી શ્રુંખલાને જોઈ શકાતી હતી. અને વચ્ચે વચ્ચે એકાદી એવી પણ ક્ષણ આવી જતી જ્યારે મન સાવ ખાલી હોય. એકેય વિચાર ન હોય. પાંચમે દિવસે એવું થયું કે હું ધ્યાનમાં બેસીને વિચારશૂન્ય અવસ્થામાં રહેવાની કોશિશ કરી રહ્યો હતો. મન ભટકી ગયું. જ્યારે ફરી સભાન થયો ત્યારે જેટલી વાર ખોવાયેલો હતો એટલી વારમાં આવેલા બધા જ વિચારોની હું રીવર્સમાં એક પછી એક કડી મેળવી શક્યો. આ પ્રક્રિયામાં એવું થયું કે કયો વિચાર જાગૃત મને પેદા કર્યો હતો અને કયો સુષુપ્ત મનમાં આપોઆપ પેદા થયો હતો એ સમજાયું. અને એ ક્ષણ પછી જાણે જાગૃત અને અર્ધજાગૃત કે સુષુપ્ત મનની વચ્ચે રહેલી દીવાલ જાણે તૂટી ગઈ. સુષુપ્ત મન ક્યારે કયું કામ કરાવવા માગે છે એ બરાબર સમજાવા લાગ્યું. અન્ય એક દિવસે સાંજે બ્રેકમાં બગીચામાં લટાર મારતા મારતા સાત-આઠ વાર્તાના વિષયો સૂઝવા માંડ્યા. ક્યાંક છાને ખૂણે ધરબાઈને પડેલી સર્જનાત્મકતાનો ઘડો ફૂટ્યો અને આ બધી વાર્તાઓ બહાર આવવા લાગી. ખાટલે મોટી ખોડ એ કે ત્યારે લખવા માટે મારી પાસે કોઈ સાધન નહોતું. અગિયારમે દિવસે જે ભેગા કાગળ પેન મળ્યા એટલે મેં તરત એ બધા આઈડિયા લખી નાખ્યા. એમાંથી દોઢ વાર્તા લખાઈ ચુકી છે. આ સિવાય પણ અનેક શારીરિક, ભાવનાત્મક અને માનસિક અનુભવો થયા — અમુક તો એવા કે જે ચમત્કારિક કે મનના વહેમમાં ખપાવી દેવામાં આવી શકે — જે વર્ણવવા હું સમર્થ નથી અને એ વિષે લખવું હું જરૂરી પણ નથી માનતો. કેમ કે, એ ખુબ અંગત અનુભવો છે, દરેકના વિપશ્યનાના અનુભવો અલગ જ હોવાના. અને એ શું હોય એ પણ મહત્વનું નથી. એ બધાની આગળ જઈને મનના એક પછી એક પડળ ખોલતા જવાનું અને છેટ ઊંડાણ સુધી પહોચવાનું જ મહત્વ છે.

ઘરે આવીને આરંભે શુરાની જેમ બે મહિના સુધી લગભગ રોજ મેં પ્રેક્ટીસ ચાલુ રાખી. પછી ધીમે ધીમે ઓછી થઇ ગઈ છે. અઠવાડિયે માંડ એકાદ વાર ધ્યાનમાં બેસાય છે. પણ એનાથી જે ફાયદાઓ થયા છે એ અન-ડુ નથી થવાના. ત્યાંથી ઘરે આવીને તરતમાં ફાયદો એ થયો કે કોઈપણ નિર્ણય લેવાની ઝડપ વધી ગઈ. બીજું મૂડ બદલાય તો તરત સમજાય અને કેમ બદલાયો એ પણ ખબર પડવા માંડ્યું. ત્રીજું હિંમત થોડી વધુ ખુલી ગઈ.

મારી પૂરી કોશિશ અને સભાનતા છતાં વિપશ્યના વિશેનું લખાણ બોરિંગ બની ચુક્યું છે. એને વધુ સારી રીતે સમજવા અને રસાળ શૈલીમાં લખવા, લાગે છે ૨૦૧૭માં ફરી એકવાર એક દસ દિવસીય શિબિરમાં જવું પડશે…

***

જો તમારી પાસે પણ ગયા વર્ષના પ્રવાસને લગતા કે પ્રવાસમાં જડેલા કિસ્સાઓ હોય તો ચોક્કસ મને જણાવજો. હું એને બીજા ભાગમાં શામેલ કરવા ઈચ્છું છું.

1 Comment

  1. paraggyani@yahoo.com'
    PARAG GYANI

    March 16 at 3:51 pm

    તુમુલ, આ ફ રિ ન ! ખરું કહું તો આ બીજી કોશિષ હતી વાંચવાની😂.પણ કાલના મારા પ્રોમિસ પછી વાંચવુ મસ્ટ થઇ ગયું અને એ જ સારું થયું ! એટલા એકરસ થઈ વાંચ્યુ/ વંચાયુ રાધર કે કદાચઆજે સપનાં પણ આ રોડ ટ્રીપના આવી શકે. છ ભાગ એક ધડાકે મારા જેવો આળસુ અને ચંચળ માણહ વાંચી શકે એ જ રસાળ લખાણની સાબિતી નથી ? મજા પડી ગઈ. મુખ્ય તો તારી વિચાર સૃષ્ટિનો પરિચય થયો એનો આનંદ અવર્ણનીય છે. બહુ ઓછા પ્રવાસ વર્ણન વાંચ્યા છે. આ વિષયમાં માય ફેવરિટ ઇઝ ચઁ.ચી. હવે તારી નેકસ્ટ ટ્રીપના વર્ણનનો મને ઈંતઝાર રહેશે. Too good. Too good.👍👍👍👍👍👍👍

Leave a Reply

Your email address will not be published.

*

© 2018 રઝળપાટ

Theme by Anders NorenUp ↑