નોંધ: વાર્તા રે વાર્તાની વાર્તાલેખન શિબિર 11 માટે રાજુ પટેલે મને આપેલા વિષય, “છેલ્લી ઘડીએ વાર્તા લખવાની જહેમત” ઉપર હું લખવા બેઠો ત્યારે મને એકની બદલે ત્રણ અલગ વિચારો આવ્યા. મેં ત્રણેયને એક તાંતણે પરોવવાની કોશિશ કરી છે.

એ સાંજથી જ કાંઈક અમંગળ થવાના સંકેત મને મળી રહ્યા હતા. રાજુનું આમ એકાએક મળવા આવવું, જેને ભૂતકાળ માની ચુક્યો હતો એવા એક જુના દરદનું પાછા આવવું, દૂધનું ઉભરાઈ જવું અને બારીની બહાર કયાંક દૂરથી આવતો રડતા શિયાળવાંનો અવાજ. મારે ત્યારે જ સમજી જવું જોઈતું હતું જ્યારે રાજુએ છેલ્લી ઘડીએ પેલો બોમ્બ ફોડ્યો. પરંતુ આવા દોડાડોદના સમયમાં બની રહેલી ઘટનાઓ તમારા મગજમાં એટલો ઘોંઘાટ કરી મુકે છે કે પેલી શરમાળ અંત:સ્ફૂરણાનો અવાજ દબાઈ જાય છે. રાજુએ કરેલી વાત મુજબ હવે કંઈ પણ કરીને કાલ સવાર સુધીમાં પૂર્ણ વાર્તા બનાવવી જ રહી.

***

વિકલ્પ 1

વાત એમ હતી કે, છેલ્લા કેટલાય સમયથી હું જે રીતે જેલ અને કોર્ટના ધક્કા ખાઈ રહ્યો હતો એ મારી નજીકના લોકોથી જોઈ શકાય એમ નહોતું. મારા જેવી અતિ સફળ કારકિર્દી ધરાવતા લોકો માટે કામ સાથે કૉર્ટનો કેસ સાંભળવો એ લગભગ અશક્ય બાબત ગણાય. ફિલ્મોમાં કામ કરવું એ દેખાય છે એટલું સહેલું નથી. શૂટિંગ, ડબિંગ, પબ્લિસિટી, ઇન્ટરવ્યૂઝ, જિમ, પાર્ટીઓ વગેરે માટે આખી દુનિયામાં દોડાદોડ કરવી પડે. એમાંથી અંગત જીવન માટે પણ માંડ માંડ સમય નીકળે. કદાચ એટલે જ મેં આટલી ઉંમરે પણ લગ્ન નથી કર્યાં. હવે આવામાં જેલનાં ધક્કા ખાવાનો વારો આવે તો મારી કારકિર્દી અને મારા ચાહકો પર શું વીતે એ તમે જ વિચારો.

એ સાંજે જેલમાં મારો વકીલ રાજુ અને મારો ડ્રાઇવર મારી પાસે બે સમાચાર લઈને આવ્યા હતા. એક સારા અને બીજા ખરાબ. મેં પહેલા ખરાબ સાંભળવાની ઈચ્છા દર્શાવી. તે એમ હતા કે, મારો કેસ સુપ્રીમ કૉર્ટમાં જવાની તારીખ આવતી કાલની આવી હતી. જેનો અર્થ એમ કે અમારી પાસે તૈયારી કરવા માટે ફક્ત આજની રાત હતી. હવે સારા સમાચારનો વારો. મારા ડ્રાઈવરે વીચારેલી તરકીબ મુજબ મારે જેલમાં જવાની નોબત નહીં આવે. એ રાતે ફૂટપાથ પર સુતેલા લોકો કચડાઈ ગયા એ ગાડી હું નહિ પણ ડ્રાઈવર ચલાવતો હતો એમ એ કોર્ટમાં કબૂલ કરી લેશે. મારે માટે આ સારા સમાચાર મને ધર્મસંકટમાં મૂકી દે એવા હતા. આટલા વર્ષોનો મારો વફાદાર ડ્રાઈવર જેણે મને સારા માઠા દરેક પ્રસંગોમાં સાથ આપ્યો એ મારે સારુ થઈને જેલમાં જવા તૈયાર હતો. બધા પાસાનો વિચાર કર્યા બાદ મને પણ આ જ યોગ્ય લાગ્યું. બાકીની રાત અમે ત્રણે પેલી ગોઝારી રાતની વિગતોમાંથી વાર્તા રચવામાં વિતાવી.

વિકલ્પ 2

વાત એમ હતી કે, છેલ્લા કેટલાય સમયથી હું જે પુસ્તક પર કામ કરી રહ્યો હતો એ પૂરું થતું જ નહોતું. એક મહાન વ્યક્તિનું જીવનચરિત્ર લખવું એ કાંઈ ખાવાનો ખેલ નહોતો. તેના જીવનની ઝીણામાં ઝીણી વિગતોને આવરી લેવી પડે અને છતાં લખાણ શુષ્ક ન બની જાય એનું ધ્યાન રાખવું પડે. તેના સદગુણોને વિસ્તારીને લખવાના જ્યારે અવગુણોને છાવરી લેવાના. એમાંય મારે તો આખું પુસ્તક પદ્ય રૂપે લખવાનું હતું. પુસ્તક પૂરું કરીને પ્રૂફરીડીંગ માટે આપવાની તારીખની ઉપર એકાદ મહિના જેવું થવા આવ્યું હતું. અને હું એક છેલ્લી વાર્તા લખીને પુસ્તકનો અંત લાવવા માગતો હતો. પણ એ એક છેલ્લી વાર્તા હાથમાં આવતી જ નહોતી. મારા લાસરિયા વેડાથી કંટાળીને હવે મારું વેતન પણ રોકી દેવામાં આવ્યું હતું. અંતે આજે સાંજે મારો દૂત રાજુ એક એવા સમાચાર લઈને આવ્યો કે મારે આજે ને આજે વાર્તા પૂરી કરવી જ પડે એમ હતું. સ્વયં બ્રહ્માજીનો સંદેશ હતો કે, આવતી કાલે અયોધ્યાના દરબારમાં શ્રીમાન લવ અને શ્રીમાન કુશ આ પુસ્તકનું વિમોચન કરશે. જો ત્યાં સુધીમાં પુસ્તક પૂરું નહિ થયું હોય તો મને શ્રાપ આપીને ફરીથી વાલિયો લુંટારો બનાવી દેવામાં આવશે.

મારી સૌથી મોટી વિડંબણા એ હતી કે જે વ્યક્તિ હજી જીવિત હોય એના જીવનચરિત્રનો અંત કઈ રીતે લાવી શકાય? ભલે રાજકાજ પુત્રોને સોંપીને નિવૃત્ત થઇ ગયા હોય, પરંતુ શ્રીરામ હજી જીવિત હતા. એમના જીવનની વાર્તાનો અંત જ્યાં હજુ નહોતો આવ્યો ત્યાં હું જીવનચરિત્રનો કઈ રીતે લાવી શકું? ધારો કે હું એક કાલ્પનિક અંત લખી પણ નાખું પણ કાલે ઉઠીને કાંઇક બીજું જ થયું તો? રાજદ્રોહ અને રામદ્રોહનો આરોપ તો મારા પર જ આવશે ને… આ કેવા ધર્મસંકટમાં હું ફસાઈ ગયો હતો? બધા પાસાઓ પર પુરતો વિચાર કર્યા બાદ મેં એક એવો અંત વિચારી કાઢ્યો કે જેને સહુ વધાવી લેશે એની મને ખાતરી હતી. ત્યારબાદ બાકીની રાત મેં વાર્તાને શબ્દસ્થ કરવામાં ગાળી નાખી.

વિકલ્પ 3

વાત એમ હતી કે, રાજુ મને ધિક્કારતો હતો. ના, માત્ર રાજુ જ નહીં પણ સમગ્ર વિશ્વની બધી જ તાકાતો ભેગી મળીને મને ધિક્કારતી હતી અને ક્ષણેક્ષણ મારી વિરુદ્ધ કાવતરું ઘડવામાં મગ્ન રહેતી. રાજુ અમારી મીડિયા કોલેજમાં વાર્તાલેખનનો પ્રોફેસર હતો. એણે અમારા આખા ક્લાસને નાપાસ કર્યો હતો. એનું કહેવું હતું કે અમારામાં હજી લેખકની સંવેદના જ ઉત્પન્ન નથી થઇ. સમાજમાં જ્યારે આટઆટલા અન્યાય અને બેવડાં ધોરણો પ્રવર્તે છે ત્યારે અમે એને નજરઅંદાજ કરીને ટીનએજ લવસ્ટોરી લખવામાં જ રચ્યાપચ્યા હોઈએ છીએ. અમારા કરતા સારું તો ચેતન ભગત લખી જાણે છે. હજુ એક સેમેસ્ટર સુધી અમારે વાર્તાલેખનનો અભ્યાસ કરવો પડશે. એ સાંજે રાજુ સામેથી અમને મળવા આવ્યો એ મારી માટે ખુબ જ આશ્ચર્યની વાત હતી. મેનેજમેન્ટ અને અન્ય શિક્ષકોએ કરેલી વિનંતી પછી રાજુએ અમને હજુ એક મોકો આપવાનું નક્કી કર્યું હતું. આવતીકાલે સવાર સુધીમાં અમારે એક વાર્તા લખવાની હતી જેનો વિષય હતો “છેલ્લી ઘડીએ વાર્તા લખવાની જહેમત”

અનેક શક્યતાઓ તપાસ્યા બાદ મને ત્રણ વિચારો યોગ્ય લાગ્યા. મેં ત્રણેયને એક તાંતણે બાંધતી એક પ્રયોગાત્મક વાર્તા લખવાનું નક્કી કર્યું. વાર્તાની શરૂઆત અને મધ્ય તો સહેલાઈથી લખાઈ ગયાં પરંતુ અંત જડતો જ નહોતો. અંત વિચારતા વિચારતા બાકીની રાત વીતી ગઈ.

***

સવારે નવ વાગે મારે મારી વાર્તા લઈને હાજર થઇ જવાનું હતું. આંખો ખુલી તો પ્રકાશથી અંજાઈ ગઈ. મારી અમંગળ થવાની આશંકાઓ સાચી પુરવાર થઇ હતી. વાર્તા લખવાની લ્હાયમાં હું આખી રાત જાગ્યો અને સવારે ઉઠી જ ન શક્યો.